લ–૧પ : ભૂંગળી તથા ગાયના દૃષ્ટાંતે આત્મદર્શનનું

પ્રતિપાદિત વિષયઃ

જીવાત્માનું સ્વરૂપ તથા સાંખ્ય, યોગ અને વેદાંતના સિદ્ધાંતો.

મુખ્ય મુદ્દાઃ

૧. ઈન્દ્રિયો અંતઃકરણના આધાર વિના જીવ કર્તા–ભક્તોતા થઈ શકતો નથી.

ર. નિરાકાર જીવમાં પણ ભગવાન પોતે જ સાકાર રૂપે રહ્યા છે.

૩. સાંખ્યનો સિદ્ધાંતઃ ઈન્દ્રિયો અંતઃકરણથી જુદા થઈને ભગવાનની આરાધના કરવી.

૪. યોગનો સિદ્ધાંતઃ ઈન્દ્રિયો અંતઃકરણને સારી પેઠે નિયમન કરી ભગવાનમાં જોડવાં.

પ. વેદાંતનો સિદ્ધાંતઃ ભગવાનનો અતિશય મહિમા સમજીને ભગવાનની આરાધના કરવી.

વિવેચન :–

આ વચનામૃતની શરૂઆત મહારાજે કૃપા વાકયથી કરી છે. આ જીવ છે તે અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવપણે કરીને સર્વ દેહમાં વ્યાપીને રહ્યો છે. અધ્યાત્મ એટલે અતિ સૂક્ષ્મ દેહના અર્થમાં શબ્દ પ્રયોગ છે. ‘આત્મનિ અધિકૃત્ય વર્તતે ઈતિ અધ્યાત્મમ્‌’અહીં આત્મ શબ્દનો અર્થ મન એવો થાય છે. તેથી આગળ જઈને તમામ સૂક્ષ્મ શરીર એવો અર્થ થાય છે જ્યારે અધિભૂત એટલે સ્થૂળ શરીર અને ગોલકો તથા અધિદૈવ એટલે દેવતાને સંબંધિત પડેલી જીવાત્મા પાસેની શક્તિઓ. જેમ કે દર્શનશક્તિ સૂર્યને સજાતીય છે અને સૂર્યની મદદથી સિદ્ધ થાય છે. માટે તેને દેવતા અથવા અધિદેવ શબ્દથી કહ્યા છે. મહારાજ કહે છે કે જીવનું ભક્તોતાપણું આ ત્રણેયનો આધાર લીધા સિવાય સિદ્ધ થતું નથી. જીવ સીધો કોઈ વિષય કે સુખ દુઃખની અનુભૂતિ કરી શકતો નથી. આ ત્રણેયના આધાર લીધા પછી જ સાનુકૂળ પ્રતિકૂળ અનુભૂતિ કરી શકે છે. માટે તેના માધ્યમથી જીવનું ભક્તોતાપણું છે. એવું સિદ્ધ થયું પણ તેના સિવાય જીવ ભક્તો ન બની શકે.

ત્યારે નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી કે હે મહારાજ ! એમ કહેવાય છે કે જીવ જે તે સામાન્યપણે સર્વ દેહમાં વ્યાપીને વિશેષપણે હૃદયાકાશમાં રહ્યો છે. ત્યારે સર્વ ઠેકાણે સરખું જાણપણું નથી જણાતું તેનું કેમ સમજવું ? અર્થાત્‌ તે તે સાધનો દ્વારા જીવ ભક્તો બની શકે છે. એટલે કે વિષયોની કે સુખ દુઃખની અનુભૂતિ કરી શકે છે. તો બધી જગ્યાએ સરખી અનુભૂતિ કેમ થતી નથી ? જીવ સામાન્ય સત્તાથી તો બધી જગ્યાએ સરખો વ્યાપીને રહ્યો છે. તો બધી જ જગ્યાએ સરખી અનુભૂતિ થવી જોઈએ પણ તેવું કેમ બનતું નથી ?

ત્યારે મહારાજ કહે છે કે દેવ તથા ઈન્દ્રિયો તથા અંતઃકરણનું ઉપાદાન દ્રવ્ય એટલે કે દેહ પંચભૂતથી સર્જાયો છે અને ઈન્દ્રિયો અંતઃકરણ અહંકાર તત્ત્વથી સર્જાયેલા છે. તે પણ સાત્ત્વિક, રાજસ, તામસ એવા અલગ અલગ અહંકારથી થયેલા છે. માટે તેનું સ્વચ્છપણું અલગ અલગ છે અને જેનું જેટલું સ્વચ્છપણું છે તેટલું તેમાં વિશેષ અનુભૂતિ કરાવવાની શક્તિ છે. માટે જીવાત્મા તો બધી જ જગ્યાએ સરખો વ્યાપીને રહ્યો છે પણ અનુભૂતિના સાધનોની નિર્મળતા એક સરખી ન હોવાથી બધી જગ્યાએ સરખું જાણપણું જણાતુ નથી ને અધિક ન્યૂન જાણપણું જણાય છે.

ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો જે એ જીવને કેટલાક તો તારા જેવો, દીવાની જ્યોત જેવો, બપોરિયા જેવો દેખે છે તેનું કેમ સમજવું ?

ત્યારે મહારાજે ઉત્તર કર્યો કે જેમ જેને અક્ષિવિદ્યા છે તેને નેત્ર દ્વારા એ જીવનું દર્શન થાય છે ને તે જીવાત્માને વિષે ભગવાનને પણ દેખે છે. તેમ જેને જે ઈન્દ્રિયો દ્વારા લક્ષ્ય થયો હોય તે તેવો આત્માને દેખે છે પણ તેની નિરાવરણ દૃષ્ટિ જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી તેની એકદેશી દૃષ્ટિ રહે છે. ત્યાં સુધી આત્માના કોઈ ભાગનું દર્શન–અનુભૂતિ થાય છે પણ સમ્યક્‌અનુભૂતિ તેને ન કહેવાય. મહારાજે કાચના પૂતળાનું તથા ગાય દીઠાનું દૃષ્ટાંત આપીને વાત કરી કે તેણે આત્મા દીઠો પણ ગણાય, પણ જ્યાં સુધી તેની નિરાવરણ દૃષ્ટિ નથી થઈ ત્યાં સુધી આત્મદર્શન ન કહેવાય. પૂર્ણ આત્મદર્શન ન કહેવાય તેથી એ બધાને પોતાની અનુભૂતિ અનુસારે અલગ અલગ ભાસે છે. જો સમ્યક્‌અનુભૂતિ થાય તો બધા આત્માનું દર્શન એક સરખું દેખાય. ભેદ ન પડે કારણ કે દરેક આત્મા તેના સ્વરૂપે કરીને એક સરખા છે.

ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો કે તમે જીવને નિરાકાર કહ્યો(કાચના પૂતળાનું દૃષ્ટાંત આપીને), ત્યારે જીવમાં ભગવાન રહ્યા છે તે સાકાર છે કે નિરાકાર ?

ત્યારે મહારાજે ઉત્તર કર્યો કે ભગવાન જે જીવમાં રહ્યા છે તે સાકાર જ છે, પણ જીવની વૃત્તિનો નિરોધ ન થાય માટે દેખાતા નથી. ભગવાન તો મૂર્તિમાન જ રહ્યા છે.

ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછયું જે હે મહારાજ ! પરમાત્મા જીવમાં રહ્યા છે તે પુરુષરૂપે રહ્યા છે કે અક્ષરરૂપે રહ્યા છે કે પોતે સ્વયં રહ્યા છે ? કારણ કે શ્રુતિમાં કહ્યું છે કે…

પુરુષેણાત્મભૂતેન વીર્યમાધત્ત વીર્યવાન્‌।(ભાગ.૩ -૫ -૨૬)

તે પરમાત્મા પુરુષ, અક્ષરબ્રહ્મ આદિના માધ્યમથી સૃષ્ટિ કરે છે તો જીવમાં રહ્યા છે તે પણ આ બધા તત્ત્વોના માધ્યમથી રહ્યા છે કે સીધા પોતે જ રહ્યા છે. ત્યારે મહારાજ કહે, ગમે તે રીતે રહ્યા હોય પણ પોતે જ રહ્યા છે એમ માનવું અને એ પુરુષ, અક્ષર અને પુરુષોત્તમ જે અક્ષરપતિ એ પ્રકાશપણે કરીને તો બધા સજાતિ છે. માટે તેમાં ભેદ કરવો ઘણો મુશ્કેલ છે. જો ભગવાન કૃપા કરે તો જ શકય બને નહિ તો શકય નથી. જીવમાં રહ્યા છે તે પુરુષ હોય કે અક્ષર હોય ગમે તે હોય તો પણ પરમાત્માને તદ્દન આધીન થઈને કામ કરી રહ્યા છે, પોતાનું વ્યક્તિત્વ ભૂંસીને પરમાત્માની ઈચ્છા અને આજ્ઞાને આધીન થઈ રહ્યા છે. માટે ગમે તે રીતે રહ્યા હોય તો પણ પરમાત્મા પોતે જ રહ્યા છે. ને પોતે જ આ કાર્ય કરી રહ્યા છે એમ માનવું.

પછી મહારાજે વેદાંત, યોગ અને સાંખ્યના સિદ્ધાંતની વાત કરી છે. એ ત્રણેય પરમાત્માના સ્વરૂપ, આત્મદર્શન અને પરમાત્મદર્શનના સાધનોને કહેનારાં શાસ્ત્રો છે; પરંતુ દરેકની પદ્ધતિ અને પહોંચ થોડી થોડી અલગ છે. તેમાં ખાસ કરીને જે સાંખ્ય છે તે વિશેષે કરીને આત્મ સ્વરૂપની સાધનામાં વિશેષ માને છે. છતાં સેશ્વર સાંખ્ય પરમાત્માની પણ સાધના કરવાનું કહે છે. પણ મહારાજે કહ્યું કે સાંખ્યમાં સાધનો કહ્યાં પણ તત્ત્વોથી અલગ આત્માને કહ્યો નથી માટે એ અધ્યાહાર સમજીને ચાલવાનું. કારણ કે સાધનો કહ્યા તો તેનો કરનારો આત્મા ચોવીસ તત્ત્વથી અલગ છે. એમ માનીને સાધનો કરવાના છે અને પરમાત્માની આરાધના કરવાની છે એમ માનીને આગળ વધવાનું છે.

જ્યારે યોગવાળા જીવને ચોવીસ તત્ત્વથી પૃથક કહીને તેની પર પચીસમા પરમાત્માને કહે છે અને તેમાં મન એકાગ્ર કરવાનું કહે છે. સાંખ્યમાં ઈન્દ્રિયો અંતઃકરણને પોતાના માનવાના જ નથી. જ્યારે યોગમાં ઈન્દ્રિયો અંતઃકરણ પોતાના માનીને તેનું નિયમ કરવાનું છે. માટે યોગવાળો ડરીને ચાલે છે. જ્યારે સાંખ્યવાળો નિર્ભય રહે છે. તો વેદાંતવાળો ભગવાનનો અતિશય મહિમા સમજે છે અને તેની ભક્તિ કરે છે. બીજી દૃષ્ટિથી વિચારીએ તો સાંખ્યની પહોંચ પુરુષ સુધી છે. યોગની પહોંચ તેથી આગળ હિરણ્યગર્ભ સુધી છે ને વેદાંતની ઉપાસના પરમાત્મા સુધી છે.