લ–૦૮ : ઈન્દ્રિયોની ચંચળતા ટાળ્યાનું, પોતાના અગના શબ્દો ગ્રહણ કર્યાનું

પ્રતિપાદિત વિષયઃ

વિવિધ.

મુખ્ય મુદ્દાઃ

વિવિધ વિષયોની ચર્ચા થઈ છે.

વિવેચન :–

ડાહ્યાને સંતનો અવગુણ કેમ આવે છે ? તેના ઉત્તરમાં મહારાજ કહે છે કે જે ડાહ્યો હોય તેને પોતાનામાં અયોગ્ય સ્વભાવ દેખ્યામાં આવ્યો હોય અને તેની ઉપર પોતે અતિ દ્વેષબુદ્ધિ રાખીને દ્વેષસહિત તે સ્વભાવને ટાળ્યાનો દાખડો કરતો હોય, તે સ્વભાવ ઉપર પોતાને અતિ ખાર હોય અને તેનો તે સ્વભાવ બીજા સાધુમાં દેખાય ત્યારે તેનો અભાવ આવે છે. એટલે કે તેમાં અરુચિ થાય છે. તેમાં ઉદાસીનતા થઈ જાય છે. તેને સાધુનો દ્વેષ થતો નથી પણ અયોગ્ય સ્વભાવ પ્રત્યે દ્વેષબુદ્ધિ છે. ગ્રાહ્ય અગ્રાહ્ય વિવેકવૃત્તિ છે તે દોષરૂપ નથી ઉલ્ટું તેના અભ્યુદયમાં વિધ્નરૂપ બને છે.

અહીં સંવેદનશીલતા ઊભી થાય છે. દુષ્ટ સ્વભાવ પ્રત્યે અરુચિ અને ઉદાસીનતામાંથી સાધુ પ્રત્યે અરુચિ, ઉદાસીનતા અથવા દ્વેષમાં ચાલ્યું જવાય તો તેને મોક્ષ માર્ગમાં નુકસાની થાય છે. માટે એવા સાધકો સાથે સંબંધો જાળવવામાં અત્યંત જાગૃતિની જરૂર પડે છે. જો તે ન હોય તો સંબંધ દૂર કરવામાં પણ ભૂંડું થાય છે અને સંબંધ રાખવામાં પણ નુકસાન થાય છે. માટે અત્યંત વિવેકબુદ્ધિ રાખવી જરૂરી છે. જે મૂર્ખ હોય તે તો પોતાની શુદ્ધિ અશુદ્ધિ કાંઈ જોતો નથી અને બીજાની પૂર્ણ સિદ્ધિની અપેક્ષા લઈને બેસી જાય છે.

કામાદિકની મંદતા કે તીવ્રતા બાળ,યૌવન વૃદ્ધાવસ્થાને લઈને તો હોય છે પણ વિચારે કરીને એનું મંદપણું છે કે નહિ ? એટલે કે બીજું કોઈ પરિબળ છે કે નહીં ? તેનો ઉત્તર પણ પોતે જ કર્યો જે કામાદિકમાં મંદતા, તીવ્રતા લાવનારાં બાળપણ અને યૌવન છે. તે આહારને આભારી છે. બાળપણમાં આહાર ઓછો, કામાદિ ઓછા. યુવાનીમાં આહાર વધારે, કામાદિ વધારે. માટે આહાર નિયમન દ્વારા પણ કામાદિક નિયમન પોતાના વિચારથી આયોજન કરીને કરી શકાય છે. ફેર એટલો છે કે બાળપણ, યુવાની, વૃદ્ધપણું એ અવસ્થાઓ ભગવાને નિર્મિત કરી છે. તેનો આપણે ફેરફાર ન કરી શકીએ, પણ આહારનું આયોજન વ્યક્તિ પોતાની ઈચ્છાથી કરી શકે છે. તેનો અર્થ એ થયો કે કામાદિકને મંદ કરવાનું આયોજન વ્યક્તિ પોતાની સુબુદ્ધિથી કરી શકે છે. મહારાજ કહે છે કે જો યુવાની અવસ્થામાં પણ આહાર ઓછો કરે ને જાણી જાણીને ઠંડી, ગરમી, વર્ષા, ભૂખ તેનું સહન કરે અને જેણે કામાદિ જીત્યા છે એવા મોટા સંતના માર્ગદર્શન પ્રમાણે વર્તે તો યુવાની અવસ્થામાં પણ કામાદિક ટળી જાય છે.

વ્યસન ક્રિયમાણ છે કે પ્રારબ્ધના છે ? …વ્યસન ક્રિયમાણ છે. તે તો કર્યા થાય છે ને ટાળ્યા ટળે છે. માટે પ્રારબ્ધનું ફળ નથી, પણ અતિ અભ્યાસથી પ્રારબ્ધ જેવા જડ થઈ ગયા હોય છે. તેથી શૂરવીરપણું હોય ને શ્રદ્ધા હોય તો જ ટળે છે, નહિ તો સવાર થઈને કુમાર્ગે ઢસડી જાય છે ને જીવને દુઃખ દે છે.

સ્થિર અથવા ચંચળ પ્રકૃત્તિ હોય તે સંગે કરીને થાય છે કે તેના જીવમાં જ એવી પ્રકૃત્તિ રહી છે ?… તેનો ઉત્તર મહારાજે કર્યો જે બહુધા તો સંગે કરીને સારી નરસી પ્રકૃત્તિ થાય છે. પૂર્વભવીય પ્રકૃત્તિ હોય તો પણ અંતે તે ત્યારે પણ સંગે કરીને થયેલી હોય છે. માટે સારા અથવા નરસા સંગે કરીને પ્રકૃત્તિ સારી નરસી થાય છે અથવા હોય તો બદલ પણ છે.

પછી કપિલેશ્વરાનંદ સ્વામીએ પૂછયું જે પૂર્વનો સ્વભાવ હોય તે કેમ જાણવો ને હમણાં સંગે કરીને થયેલો સ્વભાવ હોય તે કેમ જાણવો ? તેનો ઉત્તર મહારાજે કર્યો કે હમણાંનો સ્વભાવ હોય તે એમ જણાય જે રૂડા સંતના સંગે કરીને થોડા ટાળવાના ઉપાય કરે તો તુરંત ટળી જાય ને પૂર્વનો સ્વભાવ હોય તેનો તો અતિ દાખડો કરે ત્યારે માંડ માંડ ટળે છે. ત્યારે જાણવું જે આ પૂર્વભવીય સ્વભાવ છે. તેને માટે અતિ પ્રયાસની જરૂર પડે છે.

ઈન્દ્રિયોની ચંચળતા ટાળ્યાના પૃથક્‌પૃથક્‌ઉપાય ….

નાસાગ્ર દૃષ્ટિ રાખવાથી કે ભગવાનની મૂર્તિ અથવા બીજી કોઈ વસ્તુમાં નિયમિત ત્રાટક કરવાથી ચંચળતા દૂર થાય છે. નાસિકાની ચંચળતા– જ્યારે કોઈ દુર્ગંધ આવે ત્યારે મન અકળાય જાય ત્યારે પોતાના શરીરમાં એવા પદાર્થો ભર્યા છે તેવો વિચાર કરીને ધીરજ રાખી મન સ્થિર રાખે તો નાસિકાની ચંચળતા ટળે છે.

કાનની ચંચળતા ટાળવા રમૂજમાં અથવા ભવાઈમાં કાનને ખૂબ રસ પડે છે તો તેને પ્રવર્તવા ન દેવા. ઊભા થઈને દૂર જવું અને કથાવાર્તાનું નિયમિત સેવન કરવું. તેમાં આળસ ન આવવા દેવી. નિદ્રા આવે તો તેને દૂર કરવી તો કાન જીતાય.

જાણી જાણીને ટાઢ, તડકો સહન કરે. સૂવા માટે પણ ખાસી પથારી ન કરે. સુંવાળું ન હોય એવા આસન પર સૂઈ રહે એમ ત્વચાને બાળી નાખે ત્યારે ત્વચા ઈન્દ્રિયની ચંચળતા ટળે.

હાથ નવરા હોય તો હાથમાં માળા રાખવી. શ્વાસે શ્વાસે નામ લઈને માળા ફેરવવી. ભગવાનના ભક્તની હાથથી સેવા કરવી તો હાથની ચંચળતા દૂર થાય.

આસન દૃઢપણે જીતે, પરમાત્માની મૂર્તિની પ્રદક્ષિણા કરે, તીર્થ માટે ચાલે તો પગની ચંચળતા ટળે. શિસ્નમાં કયારેય ખંજવાળે નહિ. શરીરને થોડું થોડું બળહીન રાખે. બીભત્સ વાંચન ન કરે તો તેની ચંચળતા દૂર થાય છે.

જીભને ગમતી વસ્તુ ન આપે, પંક્મિાં ગમતી વસ્તુ આવે તો આહાર નિયમમાં કરે. ભગવાનને યાદ કરી પ્રસાદી ભાવથી જમે તો જિહ્‌વાની ચંચળતા ટળે. મોટા સંતો કથા કરતા હોય તો વચ્ચે પોતે ડહાપણ કરી બોલે નહિ ને ભૂલ થાય ને દંડ દે : તો જિહ્‌વાની ચંચળતા ટળે. તેમાં જિહ્‌વા ઈન્દ્રિય જ એવી જ છે કે તેને જીતે તો તમામ ઈન્દ્રિયોની ચંચળતા દૂર થાય છે અને પ્રાણાયામ કરીને પણ તમામ ઈન્દ્રિયો વશ થઈ જાય છે.

વ્યક્તિ કામથી વ્યાકુળ છે તે કેમ જણાય ? ….

તો તેનાં નેત્ર આદિક તમામ ઈન્દ્રિયો સામી વ્યક્તિનો કોઈ પણ કારણ વિનાનો સંબંધ કરવા માગતા હોય છે. એટલે કે કામની અસર તમામ ઈન્દ્રિયો પર થયેલી હોય છે. તેથી વિના પ્રયોજનની અને વિકૃત ચેષ્ટાઓથી કામની અસર જણાઈ આવે છે.

શાંત પ્રકૃતિવાળા ભક્તોને ચંચળ પ્રકૃતિવાળા થવા માટે ભગવાન અને ભગવાનના ભક્તનો મહિમા સમજીને નવધા ભક્તિ અને સેવામાં પ્રવર્તવું તો ચંચળતા આવે અને અતિ ચંચળ હોય તેને આત્મવિચાર કરી જગતભાવ દૂર કરી સ્થિર થવું.

ભાગવત આદિક આઠ સત્‌શાસ્ત્રમાંથી પણ પોતાના અંગમાં મળતું હોય, અધિકાર પ્રમાણે હોય ને કલ્યાણ પ્રાપ્ત કરાવનારુ હોય તે ગ્રહણ કરવું અને બીજું છે તો સાચું પણ બીજા અંગવાળા ભક્તો માટે છે તેમ વિચારવું.