પ્રતિપાદિત વિષયઃ
જીવના આત્યંતિક કલ્યાણના જ્ઞાનનો ઉપાય.
મુખ્ય મુદ્દાઃ
૧.જ્ઞાનથી મુક્તિ થાય છે.
ર.જ્ઞાન પરમાત્મા વિષયક હોવુ જોઈએ.
૩.જ્ઞાન ઈન્દ્રિય, અંતઃકરણ અને અનુભૂત (અનુભવ પહોંચેલું) હોવું જોઈએ.
૪.જ્ઞાન ભક્તિમાં પરિણામ પામેલું હોવું જોઈએ.
વિવેચન :–
આ વચનામૃત ઈન્દ્રિય, અંતઃકરણ અને અનુભવ પહોંચ્યાનું છે. જીવાત્માની મુક્તિનું કારણ જ્ઞાન છે કે ભક્તિ ? અથવા બીજાં સાધનો છે ? તેની ઊંડી ચર્ચા મહારાજે આ વચનામૃતમાં વેદ તથા શાસ્ત્રોના આધારે કરી છે.
આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછયો કે શ્રુતિમા કહ્યું છે કે
‘ૠતે જ્ઞાનાન્ન મુક્તિઃ ।’
‘તમેવ વિદિત્વા અતિમૃત્યુમેતિ નાન્યઃ પન્થાઃ વિદ્યતેયનાય ।'(શ્વેતા.૪–૧૦)
આ શ્રુતિમાં કહ્યું છે કે જ્ઞાન વિના મુક્તિ થતી નથી. ત્યારે શાસ્ત્રમાં ભક્તિ, તપ, ત્યાગ, શીલ, સંતોષ આદિ સાધનોનું શું પ્રયોજન છે ? તે બધાં સાધનો નકામાં થઈ જશે અથવા તો તે શ્રુતિનું તાત્પર્ય શું છે ? તે સમજાવો.
ત્યારે મહારાજ કહે છે કે જ્ઞાન તે જાણવાનું નામ છે. એટલે કે જાણવું એ જ્ઞાન છે. ત્યારે શંકા થાય છે કે જાણવાને જ જો જ્ઞાન કહેવાતું હોય તો એવી જાણકારી તો દરેક વ્યક્તિ પાસે હોય છે. દરેક વ્યક્તિને પોતાનો ધંધો, નોકરી તથા વ્યવસાય વગેરે અંગેનું સામાન્ય જ્ઞાન હોય જ છે. તો તેની મુક્તિ થવી જોઈએ, પણ તેવું થતું નથી. ત્યારે તેનું સમાધાન બીજી શ્રુતિમાં કર્યું છે કે ‘તમેવ વિદિત્વા…’ તે ભગવાનને જાણવાથી મુક્તિ થાય છે. ત્યારે નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી કે વિદ્વાન લોકો શાસ્ત્ર દ્વારા ભગવાનને જાણે છે તો પણ બધાનું કલ્યાણ થતું નથી.
ત્યારે શ્રીજી મહારાજે એ સમાધાન કર્યું કે જ્ઞાન છે તે બે પ્રકારનું છે. શાસ્ત્રજ્ઞાન અથવા શબ્દજ્ઞાન અને ભગવાનના અનુભવનું જ્ઞાન. તેમાં પણ ઈન્દ્રિયાનુભવ, અંતઃકરણમાં અનુભવ અને પોતાના જીવાત્મામાં અનુભવ એમ ત્રણ પ્રકારનું અનુભવજ્ઞાન થાય છે. મહારાજ કહે છે કે કેવળ શાસ્ત્રજ્ઞાનથી કલ્યાણ થતું નથી. તેવી રીતે કેવળ ઉપલક ઈન્દ્રિયાનુભવથી પણ પૂર્ણ કલ્યાણ થતું નથી. બંને જ્ઞાનથી બીજબળ થાય છે અને સંસ્કારો પડે છે જેનું જન્માંતરે ફળ થાય છે. આ ને આ જન્મમાં મુક્તિને પામવું અથવા કલ્યાણને પામવું હોય તો ઈન્દ્રિયાનુભવ, અંતઃકરણમાં નિશ્ચયનો અનુભવ અને પોતાના જીવાત્મામાં રહેલા જીવસત્તા તદાશ્રિત અંતર્યામી પરમાત્માનો અનુભવ શાસ્ત્ર અનુસાર થવો જોઈએ. ત્યારે તેનું પરિપૂર્ણ કલ્યાણ થાય છે. પરમાત્માનો સર્વાંગ સંપૂર્ણ અનુભવ થવો જોઈએ.
મહારાજ કહે છે કે કેટલીક વસ્તુ તો ઈન્દ્રિયોથી અનુભવાય છે. જેમ કે પરમાત્મા અવતાર ધરીને આવ્યા હોય ત્યારે ભગવાનનાં રૂપ, સૌન્દર્ય, લાવણ્ય વગેરેની ઈન્દ્રિયો દ્વારા અનુભૂતિ કરી શકાય; પરંતુ સૃષ્ટિ ચલાવવા માટે ભગવાન અનિરૂદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ વગેરે રૂપોને ધારણ કરે છે તે ઈન્દ્રિયોના અનુભવમાં આવતા નથી. તેને બુદ્ધિ દ્વારા સમજી શકાય છે. અને નિશ્ચય દ્વારા તેની અનુભૂતિ કરી શકાય છે. પરમાત્મા જીવના અંતરમાં વ્યાપીને અંતર્યામી તરીકે તથા કર્મફળપ્રદાતા તરીકે રહ્યા છે તેની અનુભૂતિ તો જીવાત્મા દ્વારા જ થાય છે. ઈન્દ્રિયો, અંતઃકરણ બંને ત્યાં પહોંચી શકતા નથી. માટે પરમાત્માને સંપૂર્ણપણે જાણવા માટે આ ત્રણે પ્રકારની અનુભૂતિનું જ્ઞાન જરૂરી છે.
ઉપરાંત મહારાજ કહે છે કે ભગવાન વ્યક્તિ, ભગવાનનું વ્યક્તિત્વ અને ઈતર તત્ત્વોની સાથે પરમાત્માનો સંબંધ શું છે તે પણ જાણવું જરૂરી છે. તેને પરમાત્માના મહિમાનું જ્ઞાન કહેવામાં આવે છે. તે વચનામૃતમાં ભગવાન કહે છે કે
‘યસ્માત્ક્ષરમતીતોહમક્ષરાદપિચોત્તમઃ।'(ગીતાઃ૧પ–૧૮),
‘વિષ્ટભ્યાહમિદંકૃત્સ્નમેકાંશેન સ્થિતો જગત્।'(ગીતાઃ૧૦–૪૨),
‘મત્તઃ પરતરં નાન્યત્કિઞ્ચિદસ્તિ ધનઞ્જય ।'(ગીતાઃ૭–૭),
‘પશ્ય મે પાર્થ રૂપાણિ શતશોથ સહસ્રશઃ।'(ગીતાઃ૧૧–પ)
ઈત્યાદિક શ્લોકોથી ભગવાનના મહિમાનું જ્ઞાન પણ હોવું જોઈએ ત્યારે તે જ્ઞાને કરીને તેની મુક્તિ થાય છે.
આવા જ્ઞાનથી મુક્તિ થાય તો પછી ભક્તિથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે તેની વ્યર્થતા થઈ જશે. આ તર્કના સમાધાનમાં શ્રીજી મહારાજ ભાગવતના શ્લોકો ઉદ્ધારીને કહે છે કે તે પરમાત્માનું મહિમાયુક્ત જ્ઞાન પણ ભક્તિમાં પરિણતિ પામેલું હોવું જોઈએ. ભક્તિ એ જ્ઞાનનો પરિપાક જ છે. તેનાથી અલગ નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે કે ‘વેદનમ્ધ્યાન વિશ્રાંતમ્…’ માટે ભક્તિને આકારે થયેલું જ્ઞાન છે તે જ મુક્તિને દેનારું છે.
તે ભાગવતમા પણ કહ્યું છે કે ‘નૈષ્કર્મ્યમયિંચ્યુતભાવવર્જિતં ન શોભતે જ્ઞાનમલં નિરઞ્જનમ્।'(ભાગ.૧–પ–૧૨),’જ્ઞાને પ્રયાસમુદપાસ્ય…’, ‘શ્રેયઃ સ્મૃતિં ભક્તિમુદસ્ય તે વિભો…’ ઈત્યાદિક શ્લોકો બતાવીને, શુકદેવજી જેવાનું દૃષ્ટાંત આપીને, ભક્તિ સ્વરૂપે પરિપાક થયેલું જ્ઞાન જ મુક્તિ આપી શકે છે અને મુક્તિમાં જ્ઞાનને સાથે લઈને એ પણ બતાવ્યું છે કે બ્રહ્મસ્વરૂપ થાય તેને જ ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે. ઉપનિષદની સર્વે બ્રહ્મવિદ્યાનું તાત્પર્ય પણ એ જ છે કે બ્રહ્મસ્વરૂપ થઈને ભગવાનની મહિમાએ સહિત ભક્તિ કરીએ. તેનાથી જ મુક્તિ પામી શકાય છે અને એવો હોય તેને જ પરિપૂર્ણ જ્ઞાની કહેવાય છે. એવુ ‘ૠતે જ્ઞાનાત્ન મુક્તિ’ એ શ્રુતિનું શાસ્ત્રોને આધારે તાત્પર્ય નીકળે છે.
પછી મુક્તાનંદ સ્વામીએ પૂછયું જે સમગ્ર સૃષ્ટિના અંતર્યામી–શરીરી અને તેનાથી વિલક્ષણ એવા પ્રત્યક્ષ પરમાત્મા છે એવું દેખાતું ન હોય એટલે કે એવી અતિ મોટી સ્થિતિ ન થઈ હોય; પરંતુ પરમાત્મા અને સંતનાં વચનમાં અતિ આસ્તિકતા રાખીને અંતરમાં દૃઢ આંટી તો પડી હોય તો તેને પરિપૂર્ણ જ્ઞાની તો કહેવાય કે નહિ એટલે કે તેની મુક્તિ થાય કે નહિ ?
ત્યારે મહારાજ કહે, પરમાત્માનું સર્વતત્ત્વથી અતિરેકપણું જો તેને યથાર્થ દેખ્યામાં આવતું નથી તો તેને પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય. જો અતિ દૃઢ આંટી છે તો કાંઈક અલૌકિકપણું દેખાવું જોઈએ, નહિ તો દેખાશે અથવા તો ભગવાનની મરજી એવી છે એમ માનીને નિઃશંકપણે ભક્તિ કરતો રહે અને પોતાને કૃતાર્થ માને તો એ પણ પરિપૂર્ણ જ્ઞાની છે. એવા જ્ઞાનીને ગીતામાં ભગવાને શ્રેષ્ઠ કહ્યો છે અને પોતાનો આત્મા કહ્યો છે. એવા જ્ઞાનથી આત્યંતિક મોક્ષ થાય છે; પરંતુ ભક્તિરહિત કેવળ જે શુષ્ક જ્ઞાન છે અથવા કેવળ શાસ્ત્રજ્ઞાન છે તેનાથી આત્યંતિક મોક્ષ થતો નથી, ઉલ્ટું અધોગતિ થાય છે.