આ વચનામૃતમાં અનેક પ્રશ્નો છે તેથી વિવિધ વિષયો તથા મુદ્દાઓની ચર્ચા થઈ છે.
વિવેચન :–
સત્સંગ થયા પછી દુર્લભ સાધન..
સત્સંગ થયા પછી દુર્લભ સાધન શું છે ? તો મહારાજ કહે છે તેમાં એકાંતિકપણું આવે તે દુર્લભ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્યે યુક્ત ભક્તિ, એકાંતિકપણું છે તે દુર્લભ છે. સામાન્યપણે આપણા કોઈ સદ્ગુણ કે સારી ટેવના માધ્યમથી આપણો સત્સંગમાં પ્રવેશ થાય છે. પ્રવેશ થયા પછી પ્રગતિ થવી જોઈએ. સંતોષ માનીને અટકી જવાય તો સારું ન ગણાય. સારી આદતથી સદ્ગુણમાં જવું. પછી ધર્મ આદિ કોઈ એક અંગ વિશેષપણે કેળવવું. પછી તેમાં સ્થિરતા થતાં ચારે વાનાં મેળવવા પ્રયત્ન કરવો. ચારેવાનાં આવવાં એ ઘણા દુર્લભ અને કઠિન છે; પરંતુ સત્સંગનું ફળ તે છે. સત્સંગ તેનું સાધન છે એકાંતિકપણું સાધ્ય છે. તે ન આવે ત્યાં સુધી સત્સંગ અધૂરો ગણાય.
ધર્મ સંબંધી સાધન ……
મહારાજ કહે છે કે ધર્મસંબંધી સાધનોમાં(એવું કયું સાધન છે જે એક રાખ્યે સર્વ ધર્મ રહે) તો એક નિષ્કામપણું હોય તો ધર્મસંબંધી સર્વે સાધન આવે. અહીં આપણને જિજ્ઞાસા થાય કે નિષ્કામપણાને મહારાજે કેમ વધારે મહત્ત્વ આપ્યું છે ને બીજાં વર્તમાન કેમ નહિ. વર્તમાન તો પાંચ છે નિર્લોભ, નિર્માન વગેરે. જ્યારે સનાતન ધર્મમાં મહા વ્રત પણ પાંચ છે અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ તેમાંથી એકમાં એવું કયું મહત્ત્વ છે કે બીજા બધા તેને અનુસરી પાછળ આવે છે.
તો તેનું સમાધાન એ છે કે જેવો કામદોષ સૃષ્ટિ સર્જનની સાથે સંકાળાયેલો છે તેવા બીજા સંકળાયેલા નથી. તેથી જીવને કામથી નોખું પડવું મહામુશ્કેલ છે. વળી લોભ, સ્વાદ વગેરે તથા સત્ય, અહિંસા, અપરિગ્રહ વિગેરે ખાલી માનવ શરીરમાં છે. જ્યારે કામથી વિહ્વળતા તો સમગ્ર સૃષ્ટિ અનુભવે છે. માટે કામદોષ સૃષ્ટિનું કારણ છે. જન્મ મરણનનું કારણ છે. એ દૃષ્ટિથી જ નિષ્કામપણું કલ્યાણનું મુખ્ય કારણ બને છે. કલ્યાણનું મૂળ બને છે. તેથી નિષ્કામપણું અઘરું અને સૃષ્ટિ સાથે સહજ સંકળાયેલ હોવાથી કામ છોડવો કઠિન છે. તેથી જો નિષ્કામપણું રહે તો બીજા બધા ધર્મસંબંધી સાધનો તેને અનુસરીને રહે છે.
જયારે ભક્તિ સંબંધીમાં તો એક નિશ્ચય રહે તો બધા ગુણો આવે છે. ભક્તિ તે ભગવાન સિવાય બીજી જગ્યાએ પણ જોડાઈ જાય તેવો તટસ્થ ગુણ છે. ભગવાનનો નિશ્ચય તેનું બીજ છે. તે ભક્તિની ગતિની દિશા નક્કી કરે છે. જેનો નિશ્ચય હોય તેની ભક્તિ થાય છે. નિશ્ચય ભક્તિનું ઉદ્ગમ બિન્દુ છે. માટે નિશ્ચય હોય તો ભક્તિ સંબંધી બધાં સાધનો આવે છે. જો તે ન હોય તો આવ્યા હોય તો પણ ટળી જાય છે.
મતિની ઉત્તમતા ……
મહારાજની આ વાતને સમજવા બઆપણે એક પ્રશ્ન વિચારવાનો છે કે મતિની દૃઢતા સારી કે મતિની ઢીલાશ ? મતિની દૃઢતા સદ્ગુણ છે. જ્યારે બુદ્ધિની ઢીલાશ એ ખામી છે. મતિની દૃઢતામાં સચ્ચાઈનો રણકાર હોય છે. જ્યારે ઢીલાશમાં ભ્રમણાની ભેળસેળ હોય છે. માટે સામાન્ય રીતે તો મતિની દૃઢતા હોવી સારી ગણાય, પણ મહારાજ અહીં આપણને અલગ દૃષ્ટિકોણ આપે છે કે મતિની દૃઢતા કે મતિની ઢીલાશ ઉપરથી તેમાં ગુણપણું છે કે દોષપણું તે નક્કી કરી શકાતું નથી. તેનું ફળ શું આવે તેના ઉપરથી તે ગુણરૂપ છે કે દોષરૂપ છે તે નક્કી કરવું જોઈએ. દૃઢતા અને ઢીલાપણું કોની સામે અથવા કયા અનુસંધાનમાં છે તેનું મહત્ત્વ વધારે છે.
દૃઢતા એ છે એટલા માટે મહત્ત્વની નથી દોષોની સામે ન ઝૂકવામાં તેની મહત્તા છે, પણ પરમાત્મા કે સંતના નિર્ણય આગળ દૃઢતા મૂકીને પોતાનો નિર્ણય ફેરવવામાં વધારે કલ્યાણ છે. એ ઢીલાશમાં પણ તેમજ છે. ઢીલાશ એ ઢીલાશ હોવાથી દોષ છે એમ નથી. તે જ ઢીલાશ મહારાજ કે સંત તેના નિર્ણય આગળ હોય તો ગુણ છે. દોષની આગળ ઢીલાશ દોષરૂપ થાય છે. માટે મહારાજે કહે છે કે ભગવાનના નિશ્ચય સબંધી મતિની દૃઢતા રાખવી. તેને ફરવા ન દેવી. વારંવાર મહિમા સાંભળીને તેની પુષ્ટિ કર્યા કરવી. જ્યારે વર્તન સંબંધી પોતાની મેળે નિર્ણય બાંધી લીધો હોય જે મારે અહીં સૂવું, બેસવું, આવા નિયમ પાળવા તે નિર્ણયો ભગવાન ને સંતને વચને બદલાવવા. ત્યાં દૃઢતા ન પકડવી. આપણને ને સારા લાગતા હોય તો પણ મોટાના વચને બદલાવવા. તો સારું થાય, નહિ તો ભૂડું થાય.
સત્સંગી અથવા પરમહંસના સંગનો વિવેક ……
મહારાજ કહે છે કે ભગવાનના નિશ્ચય અને ધર્મ હોય તો પણ વ્યવહારમાં આસક્તિ, દેહાભિમાન હોય તો તેની સાથે હૃદયથી સંબંધ ન રાખવો. કારણ કે ભગવાન તથા સાધુ તે વસ્તુને ખોદશે ત્યારે તે સહન નહિ કરી શકે અને ભગવાન તથા સતનો અવગુણ આવશે. એટલું જ નહિ બીજાને વાત કરીને તેને પણ વિમુખ કરશે. માટે તેનો સંબંધ રાખવાથી ભૂંડું થાય છે.
વળી મહારાજ કહે છે કે જે સાધુમા ધર્મ અને નિશ્ચય તો હોય પણ હિમ્મતરહિત વાત કરતો હોય જે શું આ ને આ દેહે કલ્યાણ થાય છે ? એ તો ધીરે ધીરે થશે. માટે પોતે પણ ઉત્સાહરહિત હોય ને બીજાને પણ તેવી વાત કરતો હોય. આમ પુરુષાર્થમાંથી પાછો પાડતો હોય તેના સંગનો સર્વ પ્રકારે ત્યાગ કરવો. જો ભગવાન તથા સંતનો પ્રતાપ લઈ ઉત્સાહસહિત વાત કરતો હોય તો તેનો સંગ સર્વ પ્રકારે કરવો.
વળી મહારાજ એ પણ કહે છે કે હિંમતસહિત વાત કરતો હોય, તેમાં પુરુષાર્થની જ વડાઈ આવતી હોય પણ ભગવાનના પ્રતાપનો આધાર ન લે ઘણો પુરુષાર્થ કરતો હોય ને હિંમતવાળી વાત કરતો હોય તો પણ તેના સંગનો ત્યાગ કરવો.
સાધુના સંગનો વિવેક ……
ધર્મ, નિશ્ચય હિંમત અને મહારાજનો પ્રતાપ, વગેરે હોય તો પણ તેનો ત્યાગ કરવો અને થોડા ઓછા હોય તો પણ તેનો સંગ કરવો એવી કઈ વાત છે ? તો મહારાજ કહે ઉપલા ગુણ ભલે હોય પણ ખપવાળા મુમુક્ષુને ટોકે નહિ ને સાચી વાત કડવું લગાડીને પણ ન કહે ને પંપોળીને જાપરો રાખે તો લોકવ્યવહારે મોટો કહેવાતો હોય તો પણ તેનો સંગ ન કરવો ને જે ટોકયા કરે ને ખપવાળાના સ્વભાવ ઉપર વાત કરે ને લલો ચપો ન રાખે તે લોક વ્યવહારે મોટા ન હોય તો પણ તેનો સંગ કરવો. અહીં ન ટોકવા પાછળ તેના અંતરમાં કાંઈક નબળાઈ પડી છે અથવા ભગવાનને રાજી કરવા સિવાય બીજો કોઈ સ્વાર્થ રહ્યો છે. તેથી તે પોતાના અનુયાયી વર્ગને સાચા હિતની વાત આકરા શબ્દોમાં કહી શકતા નથી. અત્યંત નજીકના માણસોને આકરો ઉપદેશ આપવામાં પોતાને માટે પૂરી કસોટી હોય છે. કારણ કે ઉપદેશ સાંભળનારા ખાલી ઉપદેશ સાંભળનારા જ હોતા નથી. નજીકથી જીવન જોનારા અને આપણી નબળી કડી જાણનારા હોય છે. તેથી ઉપદેશ કરતા ડરતા હોય છે અથવા શ્રોતા તેના જેવા જ હોય તો ડરવાની જરૂર નહીં પડે. નહિ તો પોતાની ખામીને લઈને અનુયાયી જેમ કરે તેમ કરવા દેવું પડે છે, ત્યારે જ તે પોતાના રહે. નહિ તો ન રહે. જ્યારે કડવો ઉપદેશ આપીને પણ હિતની વાત બતાવનારને અંતરમાં ભગવાનને રાજી કરવા સિવાય બીજો કોઈ સ્વાર્થ નથી હોતો. જેથી પોતાને ટોકયા કરે અને લલોચપો ન રાખે તેનો સંગ કરવો.
પછી મહારાજે વાત કરી કે જે સંતમાં ભક્તિ જ્ઞાનાદિક સારા સારા અને મોટા ગુણો હોય તો પણ એક એવો દોષ હોય જેથી તેનો સંગ ન કરાય તે દોષ એ છે કે આળસ ઘણી હોય, નિદ્રા બહુ હોય અને પૂજા, ધ્યાન, સત્સંગ, ભજન કરવા માટે તેની પાસે સમય જ બચે નહિ અને આળસ નિદ્રામાં જ ઝાઝો સમય ચાલ્યો જાય. નિદ્રા, આળસ ગુણવાન માણસના ગુણોને નિરૂપયોગી બનાવી દે છે.
વળી મહારાજે વાત કરીકે ભગવાનની તથા ઉપદેશની વાત કરવામાં હોંશિયાર અને સુધી સારી વાત કરતો હોય, સાંભળતા મીઠી લાગે તેવી વાત કરતો હોય તો પણ જેની વાણીમાં પોતાના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ ગુણોની સરસાઈ પ્રતિપાદિત થતી હોય અને બીજા સંતના જે સાચા ગુણો હોય તેની ન્યૂનતા દેખાડી દેવાતી હોય અથવા તે ગુણો પડયા મૂકીને બીજી ન્યૂનતાઓનું જ પ્રતિપાદન થતું હોય તો તે વાણી ઘણી મીઠી હોય તો પણ ન સાંભળવી. કારણ કે તે વાણી દ્વારા આપણા અંતરમાં ભગવાનની મોટાઈની પ્રતિષ્ઠા થવાની નથી પણ તે વાણીથી સાંભળનારાના અંતરમાં તે મહાપુરુષની ! છબીની જ પ્રતિષ્ઠા થશે માટે ન સાંભળવી. જેની વાણીમાં અતિ મીઠાશ તો ન હોય તો પણ વાતમાં પોતાની જાતને તથા સંબંધ ધરાવનારાને ન્યૂન ચીતરે તથા તેને ખામીવાળા બતાવે અને બીજા ભગવાનના સાચા ભક્તોને અધિક બતાવે તો એવી વાણી કડવી હોય તો પણ તેનું અમૃતની પેઠે પાન કરવું. કારણ કે એવી વાણી સાંભળીને પ્રથમ માણસોને સાચાપણાની પ્રતીતિ થાય છે અને પછી સારાપણાનો વિશ્વાસ આવે છે. પોતાને મુખે જ્યારે પોતાના શ્રેષ્ઠપણાનું પ્રતિપાદન થાય છે ત્યારે સારાપણું હોવા માટે શંકા રહે છે. જ્યારે વાસ્તવિક શ્રેષ્ઠતાનો અભાવ હોય ત્યારે વાણીથી પોતાને શ્રેષ્ઠ ચીતરવાની જરૂર રહે છે અને તેનાથી પણ આગળ વધીને બીજાને ન્યૂન કહીને પોતાની શ્રેષ્ઠતા બતાવવી પડે છે. માટે સુજ્ઞ મુમુક્ષુએ તેવી વાણીના સેવનનો ત્યાગ કરવો.
માન રાખવાનો વિવેક …….
મહારાજ કહે છે કયે ઠેકાણે માન રાખવું અને કયાં ન રાખવું ? તો ભગવાનનો દૃઢ આશ્રિત હોય ને તે ગરીબ ભક્ત હોય તો પણ ત્યાં માન ન રાખવું. ઉલટું તેને માન આપવું. એવા સાચા ભક્તોને માન આપવું તે ભગવાનનું સન્માન કરવા બરાબર છે. તેમની પાસે સેવકભાવ બતાવવો કે ગરજ કરવી તે ભગવાન આગળ સેવકભાવ બતાવવા જેવું છે. કારણ કે તે સાચા અર્થમાં ભગવાનના થઈને રહ્યા છે. જ્યારે મહારાજ કહે, જેનો સત્સંગમાંથી કોઈક રીતે પાછો પગ પડી ગયો હોય એટલે કે ભગવાન સાથેનો સંબંધ ઢીલો થઈ ગયો હોય તેથી માયાનો સંબંધ ઘાટો થઈ ગયો હોય છે. તેને માન આપવું તે તો અંતરથી માયાને સન્માન આપવા જેવું અને ભગવાનનું અપમાન કરવા જેવું ગણાય. માટે ત્યાં નિર્માની ન થવું; પરંતુ તેના વેણ ઉપર વેણ લાવવું.
દર્શનાિદક તથા સંતને વિષે હેતનો વિવેક ….
મહારાજ કહે છે કે અંતરમાં તો ભગવાનમાં તથા સંતમાં અખંડ હેત હોય જ પણ બહાર કયાં અને કેવા કપરા સંજોગોમાં બતાવવું ? હેતની પરીક્ષા આપત્કાળમાં થાય છે. તુલસીદાસજીએ પણ કહ્યું છે કે ”ધીરજ ધર્મ મિત્ર અરૂ નારી આપત્કાલ પરીખ હી ચારી” ધીરજ, ધર્મ, મિત્ર અને પત્નીની સચ્ચાઈ તથા વફાદારીની પરીક્ષા આપત્કાળમાં એટલે કે પ્રતિકૂળ સંજોગોમાં થાય છે. પ્રતિકૂળ સમયમાં અને મુશ્કેલીના સમયમાં વ્યક્તિના હૃદયની જેવી ભાવના હોય છે તેવી ઉપર જણાઈ રહે છે. જ્યારે સારા સમયમાં તે યથાર્થ દેખાતું નથી. વ્યક્તિનું સ્વાર્થીપણું કે પરમાર્થીપણું, સજન્નતા, કુટીલતા ત્યારે જેવી ચોખ્ખી દેખાય છે તેવી સુખના સમયમાં જલ્દી કળાતી નથી.
અહીં મહારાજે હેતની વાત કરી છે. હેતમાં તો સંપૂર્ણ સમર્પણની જ વાત છે. પ્રતિકૂળ સમયમાં જો ભગવાન કે સંત પ્રત્યે સમર્પણભાવ ન હોય તો તેની બાજુમાં પણ ઊભું રહી શકાતું નથી. આપત્કાળના સમયમાં આપણો કોઈ સ્વાર્થ તેની પાસેથી સિદ્ધ થવાની શકયતા તો હોતી નથી ઉલ્ટું તેના પ્રત્યે કાંઈક ઘસાવાનું હોય છે. ત્યારે અંદરની ભાવનાને સ્પષ્ટ થયા વિના છૂટકો નથી. માટે મહારાજ કહે છે કે અમે આજ્ઞા કરીએ ને કોઈ તૈયાર ન થાય અર્થાત્ભક્તોને પણ કઠણ પડે એવી આજ્ઞા હોય ત્યારે દર્શનાદિકનું પણ હેત ન રાખવું ને કહેવું હે મહારાજ, આપ કહો તો હું જાઉં. કારણકે સાચું હેત તો એ છે કે તેની ઈચ્છાને ઝીલવી. દર્શનાદિક ત્યારપછી છે. માટે મહારાજનો આદેશ ઝીલવા તૈયાર થવું અને સંતે આપણને તિરસ્કાર કરીને કાઢી મૂકયા હોય ને કોઈ વિમુખ આવીને તે સંતની નિંદા કરે ત્યારે સંત પ્રત્યેનું પોતાનું હેત જણાવવું. જો ખરેખર જ વિના સ્વાર્થનું આપણને સંત પ્રત્યે હેત હોય તો જ તે શકય બને. નહિ તો તેમ કરવું શકય નથી.
શ્રીજી મહારાજનું વિશુદ્ધ કલ્યાણકારી વ્યક્તિત્વ …..
મહારાજ કહે, અમારા વચનમાં પણ કોઈ અધર્મ જેવું જણાય તો તેમાં ચિરકારી થવું તથા પંચવર્તમાનનો ભંગ થતો હોય એવું વચન હોય તો ન માનવું. તેમાં સારી પેઠે કચવાવવા પણ રાજી ન કરવા. શ્રીજી મહારાજને તો આપણે ભગવાન માનીએ છીએ પણ જેના અંતરમાં અતિ વિશુદ્ધ અને પવિત્ર આશય હોય તે જ પોતાના અનુયાયીઓને આવું શીખવી શકે. જે વ્યક્તિ પૂર્ણરીતે વિશુદ્ધ ધર્મને સમર્પિત હોય અને પોતાના અહં કે સ્વાર્થને બિલકુલ આધીન ન હોય તેવા ગુરુઓ જ શિષ્યોને આવું શીખવી શકે. સ્વાર્થ કે અહંમા રસવાળા હોય તેને પોતાના અનુયાયીઓની વધારે પડતી ધર્માધીનતા ગમે નહીં. તેને તો પોતાને કેટલી આધીનતા છે ! તેમાં વધારે રસ હોય છે. ગમે તે યુક્તિ પ્રયુક્તિ કરીને પ્રથમ પોતાને આધીન રહે તેવી જ સમજણ તેના મગજમાં ગાળી ગાળીને જવા દે છે. માટે અહીં શ્રીજી મહારાજનું વિશુદ્ધ કલ્યાણકારી વ્યક્તિત્વ પ્રગટ થાય છે.
મહારાજ કહે ભગવાનનું ધ્યાન કરતાં ભૂંડા ઘાટ ઊઠવા લાગે ને ટાળ્યા ન ટળે તો ઊંચે સ્વરે તાળી વજાડીને, નિર્લજ્જ થઈને મહારાજનું ભજન કરવું ને પ્રાર્થના કરવી. મોટા સંતોની પણ અંતર્યામીની જેમ પ્રાર્થના કરવી તો ઘાટ ટળે ને શાંતિ થાય છે.
મોટા ગણાતા ગુણના વ્યાગનો વિવેક …..
પ્રથમ તો અહીં એક વિચારવાનું છે કે આવું કહેવા પાછળ મહારાજનો શો આશય છે ? જ્યારે આખા સમાજનું ધાર્મિક અને નૈતિક ધોરણ નીચું ઉતરી ગયું હોય ત્યારે મુમુક્ષુ અને સજ્જન વ્યક્તિએ શું કરવું ? મહારાજ કહે છે કે બીજાને ઉદ્વેગ ન થાય માટે બીજાને સમાન વર્તવું ત્યારે શું પોતે પોતાના સ્તરથી ઉતરી ને બીજાની જેવા હલકા થઈ જવું કે શું કરવું ? એક ઉચ્ચ અધિકારી છે તે મહારાજનો આશ્રિત છે લાંચ લેતો નથી. તેની ઓફિસમાં તેની સમાન કક્ષાના બીજા બધા લાંચ લે છે અને જે લે છે તે બધાને આ નથી લેતો તેનો ઉદ્વેગ થાય છે. તો બધાનો ઉદ્વેગ ટાળવા આ માણસે લાંચ લેવા લાગી જઈને બધાનો ઉદ્વેગ ટાળવો કે શું કરવું ? ધારો કે મહારાજ હાજર હોય તો શું કહે ? લાચ લઈ લેવી ને બીજાની જેમ વર્તવું ? તો સાચા આશ્રિતના દિલમાં એવી તો હા નહીં પડે. તો પછી અહીં જે મહારાજે વાત કરી છે તે પણ તેને મળતી આવે તેવી જ છે.
મહારાજ વન વિચરણ વખતે અધર્મ ને અનીતિમાં પડી ગયેલા સાધુ સમાજમાં જતા. ત્યાં તેવું કરવા લાગી ન જતા. ખુદ મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે બધા સાધુ કરતા તેમ બાઈઓ ભાઈઓની સભા ભેળી ન રાખી. ગોખલો પૂરાવ્યો. તો પછી અહીં મહારાજ બધાને સમાન વર્તવું તેને કેમ ગુણ ગણાવે છે ?
માટે શાસ્ત્રોની મર્યાદાથી ચૂકીને વર્તતા હોય અથવા ધર્મમર્યાદામાં ઢીલા ઢીલા હોય તેની બરોબર વર્તવું એવો મહારાજનો આશય નથી. સામાન્યપણે ધર્મ મર્યાદામાં વર્તતા હોય, અતિ આકરા વર્તમાન ન હોય, ત્યારે મર્યાદાથી ઓછા પણ ન હોય તેને બરોબર વર્તવું. મહારાજ વચનામૃતમાં પણ કહે છે કે તમે કહેશો જે ઉપવાસ કરીએ… તો તે અમે કહેતા નથી. તે તો સામાન્યપણે પોતાના ધર્મ કહ્યા છે તે પ્રમાણે વર્તવું અને કરવાનું તો આ છે .. માટે સામાન્ય ધર્મમર્યાદાનો માર્ગ, નહીં ન્યૂન, નહીં અતિરેક તે મહારાજને ગમે છે અને અહીં પણ તેવો જ નિર્દેશ કરે છે.
બહુધા સમાજ મહારાજની આજ્ઞામાં હોય, કોઈને વૈરાગ્યનું અતિ જોર હોય અને પોતે અતિ આકરા નિયમ પાળવા શક્તિમાન હોય તો પણ સામાન્ય મર્યાદાવાળા સાથે રહેવું એવો ભાવ છે, પણ અતિરેક કરીને પોતાના ગુણનું પ્રદર્શન ન કરવું. કોઈ એક વાતની પોતામાં પ્રવીણતા હોય તો તેમાં લોકોને ઉદ્વેગ થાય તેમ ન કરવું. પોતાની શક્નિે મહારાજની બીજી આજ્ઞામાં લગાડીને સફળ કરવી. કોઈપણ વાતનો અતિરેક કરી પોતાની જાતનું પ્રદર્શન કરવું તે અહંનો સ્વભાવ છે. અતિ ઊચું આચરણ કરીને પણ પોતાની જાતને સમાજથી છુપાવવી એ સાધુનો સ્વભાવ છે. મુમુક્ષુનું કર્તવ્ય છે. અતિરેક કેવળ પ્રસિદ્ધિ માટે થાય છે. અહંના પોષણ માટે જ હોય છે. લૌકિક અતિરેકમાં સમાજનો ફાયદો ઉઠાવવા સિવાય કશું જ ન હોઈ શકે. અહંની એવી વિચિત્ર ચાલ હોય છે કે તે કાં તો આખા સમૂહની આગળ જ ચાલશે. જો તેમ ન કરી શકે તો બધાની પાછળ ચાલશે, પણ વચ્ચે ચાલી પોતાની જાતને ઢાંકી રાખવી તેને માટે અશકય છે. સંત છે તે તો અહંનો સંયમ કરીને ચાલે છે. મધ્યમ માર્ગમાં અહં રહી જ શકે નથી. સામાન્ય રીતે શાસ્ત્રીય માર્ગ કરતાં અતિરેક કે અતિશય થતું હોય ત્યારે અહંકારની પૂર્તિ સિવાય કાંઈ હોઈ શકે નહિ. માટે ભગવાનને રાજી કરવા હોય તેણે મહારાજે સામાન્ય પ્રથા બાંધી તેમાં રહીને પોતાના વ્યક્તિત્વને છુપાવવું એ પ્રસિદ્ધ કરવા કરતાં પણ ઘણું કઠણ છે. માટે મહારાજ કહે છે કે સમાન વર્તવું એ દોષ છે તો પણ તેને ગ્રહણ કરવું. વધારે સારું વર્તવું તે ગુણ છે તો પણ તેનો ત્યાગ કરી સંતને બરાબર વર્તવું.
સર્વે દોષના ત્યાગનો ઉપાય …..
જીવન જીવવામાં અનેક અનુસંધાન હોય છે. માણસ કયારેક જાગૃતિપૂર્વક તે અનુસંધાન રાખે છે. કયારેક તે જાણ્યે અજાણ્યે પણ આવી જતું હોય છે. કોઈના જીવનમાં ધન, ભોગ, માન, પરોપકાર, સદ્ગુણ વગેરે હોય છે. મહારાજ કહે, જેના જીવનમાં દેહાનુસંધાન હોય ત્યાં સર્વે દોષ આવે છે. દેહભાવ કોઈપણ પાપ સુધી પહોંચાડી શકે છે. દેહાનુસંધાન જ એવું છે કે તેમાં બધા દોષો ને આપોઆપ પોષણ મળી રહે છે. તે દૂર થઈને આત્મનિષ્ઠા આવે તો કલ્યાણના માર્ગના સર્વે ગુણ તેનામાં આવે છે.
પંચવિષયના સેવનનો વિવેક …..
મહારાજ કહે છે કે ભગવાન સંબંધી પંચવિષયને સેવવે કરીને બુદ્ધિમાં પ્રકાશ થાય છે. જ્યારે જગત સંબંધી પંચવિષયને સેવવે કરીને બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે. ભગવાન સંબંધી પંચવિષય એટલે ભગવાનને નિવેદિત થયેલાં હોય. ઉપરાંત જેનું સેવન કરવાથી જેના પરિણામ સ્વરૂપે તેને ભગવાન યાદ આવવા જોઈએ અથવા તો ભગવાન ને યાદ કરવામાં તે મદદરૂપ થવાં જોઈએ. ત્યારે તેને સાચા અર્થમાં ભગવાન સંબંધી વિષય કહેવાય.
ભગવાનને નિવેદિત કર્યા હોય પણ ઈન્દ્રિયોના વિષયને વધારતા હોય, પરિણામરૂપે જગત વિકૃતિઓ વધારતા હોય ને ભગવાનને યાદ કરવામાં મદદરૂપ ન થતા હોય તો તે ભગવાન સંબંધી છે તો પણ સાચા અર્થમાં ભગવાન સંબંધી થયા નથી. જેમ જગત સબંધી પંચવિષય ભોગવ્યા પછી તે આપોઆપ યાદ આવતા જ રહે છે. તેને યાદ કરવા પડતા નથી. માટે જગત સંબંધી કહેવાય છે. તો ભગવાન સંબંધી પંચવિષય પણ તેને જ કહેવાય કે તેનું સેવન કર્યા પછી ભગવાને આપોઆપ સ્મૃતિ કરાવે અથવા તેમાં મદદરૂપ થાય. ખાલી ભગવાનને નિવેદિત કરવું જ પુરતું નથી. નિવેદિત તો કરવું જ, પણ આ વાતનું પણ અનુસંધાન રાખવું. તો મહારાજ કહે તેની બુદ્ધિમાં પ્રકાશ થાય છે એટલે કે મોક્ષમાર્ગનો વિવેક વધે છે. પ્રકાશ એટલે અહીં વિવેકરૂપ પ્રકાશ છે અને અંધકાર એટલે વિવેકહીનતા રૂપ અંધકાર છે. જગત જ યાદ આવે ને ભગવાન યાદ ન આવે તે અંધકાર છે.
કેવા દેશ, કાળ, સંગ, ક્રિયાદિકનો ભગવાનની આજ્ઞાએ કરીને પણ સંબંધ ન કરવો ? પોતાના દેહના સંબંધીનો વારંવાર યોગ થાય તેવો દેશ (ત્યાગીઓ માટે), જે સમયમાં મારકૂટ થતી હોય તેવો વિષમકાળ અને જેને યોગે કરીને અમારા દર્શનાદિક ભેળા સ્ત્રીઓનાં દર્શન થતાં હોય એવો સંગ ને ક્રિયા તે ભગવાનની આજ્ઞાએ કરીને પણ ન સેવવાં. ત્યાં આજ્ઞા પાળીને મહારાજને રાજી કરવા જઈએ તેના પહેલાં તો તેઓના યોગથી દોષો આપણને ભરખી જાય છે. પછી રાજી કરવાનો સમય રહેતો નથી. માટે તેનો ત્યાગ કરવો.
શાસ્ત્રો ભણવા, સાંભળવાનો વિવેક ……
જેમાં ભગવાનનું સાકારપણું પ્રતિપાદન ન કર્યું હોય, અવતારનું ખંડન કર્યુ હોય ને નિરાકારપણું પ્રતિપાદન કર્યું હોય એવા ગ્રંથો શુદ્ધ વેદાંતના હોય એટલે કે ભગવાનનો અતિ મહિમા વર્ણવતા હોય તો પણ ન ભણવા ન સાંભળવા. સાકાર પ્રતિપાદનવાળા શાસ્ત્રો તથા અવતારોની સત્યતા ને દિવ્યતા પ્રતિપાદન કરનારાં શાસ્ત્રો ભણવાં, સાંભવવાં. પછી તે પ્રાકૃત ભાષનાં હોય તો પણ સેવવાં.