પ્રતિપાદિત વિષયઃ
બધા જ બ્રહ્માંડમાં ભગવાનની મૂર્તિનું તથા કલ્યાણની રીતનું સ્વરૂપ.
મુખ્ય મુદ્દાઃ
૧.ભગવાનની મૂર્તિ એક છે. ભકતો અનેક છે.
ર.કલ્યાણની સ્થિતિ એક છે. માર્ગ અનેક છે.
૩.મૂંઝાઈને, રીસ કરીને પ્રેમ ન કરવો.
વિવેચન :–
આ વચનામૃતમાં અખંડાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછયો છે કે અનંતકોટિ બ્રહ્માંડ છે. બ્રહ્માંડોને વિષે જેવી આ બ્રહ્માંડમાં વર્તમાનકાળે ભગવાનની મૂર્તિ છે તેવીને તેવી જ દેખાય છે કે નથી દેખાતી ? ત્યારે મહારાજે ઉત્તર કર્યો કે બ્રહ્માંડમાં સર્વ જગ્યાએ ભગવાનની મૂર્તિ એક સરખી દેખાતી નથી. ભગવાનનું સ્વરૂપ સદા એક સરખું છે. તે મનુષ્યાકૃતિ છે. સદા કિશોર અવસ્થા છે. માયાના ભાવથી રહિત છે. અનંત ઐશ્વર્યોએ યુક્ત છે. રૂપ, યૌવન, સૌંદર્ય, લાવણ્ય, તેજનું ધામ છે. તો પણ અનંતકોટી બ્રહ્માંડમાં ભગવાનને વિયોગ સહન ન કરી શકે તેવા પ્રેમી અને વિરહી ભક્તને દર્શન દેવા અને લાડ લડાવવા જ્યાં જ્યાં એવા ભક્તો હોય ત્યાં ત્યાં પ્રગટ થાય છે. ત્યાં તે તે ભક્તોની ઈચ્છા મુજબ પોતાનું દર્શન દે છે; પરંતુ પોતે જેવા સનાતન છે તેવા સ્વરૂપે દર્શન દેતા નથી કારણ કે બ્રહ્માંડમાં તે તે સ્થાને સ્નેહી ભક્તોની ઈચ્છા પૂરી કરવી એવું અવતારનું પ્રયોજન છે. તે તે રૂપ ધરવામાં પોતાની ઈચ્છાનું પ્રયોજન નથી. તેથી ભક્તો અનંત છે અને તેમની ઈચ્છાઓ અને રિુચઓ વિવિધ પ્રકારની હોય છે. માટે ભગવાન પણ ભક્તોની ઈચ્છા પ્રમાણે અનંતરૂપે દેખાય છે.
વળી સ્વામીએ પ્રશ્ન પૂછયો કે શ્રી કૃષ્ણનારાયણ તો સદા મનુષ્યાકૃતિ છે અને તે સર્વકાળે સત્ય છે. તે જ ભગવાન કયારેક મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહાદિક અનંત રૂપે કરીને ભાસે છે તેનું કેમ સમજવુ ? વળી બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીતિ તથા ભગવાનની મૂર્તિ તે એક સરખી છે કે જુદી જુદી છે ?
ત્યારે શ્રીજી મહારાજે ઉત્તર કર્યો કે ભગવાનની મૂર્તિ તો સદા એક સરખી છે. સ્વામીના પ્રશ્નનો આશય એવો છે કે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામમાં એક સરખું ઉપર કહ્યુ તેવું સનાતન છે; પરંતુ ભગવાનના મચ્છ, કચ્છાદિક અવતારને જોઈને વળી મનમાં સંશય થાય છે કે ભગવાનના ધામમાં જે ભગવાનનું સનાતન દિવ્યરૂપ છે તેની આકૃતિ મચ્છ, કચ્છ, વરાહ, નૃસિંહાદિક સ્વરૂપો જેવી તો નથી ને ? ત્યારે મહારાજે કહ્યુ કે ના. ભગવાનના અક્ષરધામમાં ભગવાનનું અનાદિ સ્વરૂપ મનુખ્યાકિૃત છોડીને બીજી કોઈ આકૃતિ જેવું નથી. ત્યારે શંકા એ થઈ છે કે ઘણી વખત અવતાર લઈને ભગવાન માછલી, કાચબો, વરાહ, નરસિંહ, હંસ એવે રૂપે કેમ થયા છે ? મનુષ્ય રૂપે તો અનંતરૂપ ધારે ત્યાં સુધી તો કોઈ શંકા નથી. ભક્તની ઈચ્છા પ્રમાણે ભલે ભગવાન રૂપ બદલાવે; પરંતુ ભક્તોની ઈચ્છા શું ભગવાનને આવા રૂપમાં જોવાની હોય છે ? એવા રૂપે જોવામાં ભગવાનના મનુષ્ય ભક્તોને સુખ થાય છે ? તેના, એવું નથી.
મહારાજ કહે છે કે ભગવાન પોતાની મૂર્તિ જ્યાં જેવી દેખાડવી જોઈએ તેવી પોતાની ઈચ્છાથી પણ દેખાડે છે. તેમાં સૃષ્ટિનું અને જીવોના કલ્યાણનું કોઈ નિમિત્ત રહેલું હોય છે. તેમાં પણ ભગવાનની પોતાની ઈચ્છા કારણરૂપ હોતી નથી, પણ તેવું રૂપ ધરવાથી જ તે કાર્ય શકય બનતું હોય છે. માટે ભગવાન સનાતન દિવ્ય મનુષ્યાકૃતિ હોવા છતાં પણ મત્સ્ય, કચ્છ, વરાહ વગેરે સ્વરૂપે દેખાય છે. આમ ભગવાનને મનુષ્યાકૃતિમાં અનંત રૂપે દેખાવવામાં ભક્તોની ઈચ્છા અને મનુષ્ય સિવાય મત્સ્ય, કચ્છાદિક બીજા સ્વરૂપે દેખાવવામાં સૃષ્ટિ નિમિત્તનું અથવા જીવોના હિતનું કોઈ કાર્ય નિમિત્ત રૂપ હોય છે. જ્યાં જેવું ઘટે ત્યાં તેવું રૂપ પ્રકાશે છે. પોતે તો સદા એક જ રૂપે પોતાના ધામમાં વિરાજમાન રહે છે અને એક ઠેકાણે રહ્યા થકા અનતકોટી બ્રહ્માંડને વિષે અંતર્યામીરૂપે વ્યાપીને રહે છે અને ભક્તોની ઈચ્છા અથવા કાર્ય નિમિત્તે જેવું સ્વરૂપ ધરવું ઘટે તેવું ધરીને બાહ્ય દર્શન આપે છે.
મહારાજ કહે છે કે જેમ વ્યાસજી એક હતા. તે ણે સ્થાવરજંગમ સર્વે જીવમાં વ્યાપીને શુકજીને સાદ કર્યો અને શુકજીએ પણ તેમજ સ્થાવર જંગમમાં વ્યાપીને હુંકારો દીધો. માટે સિદ્ધ પુરુષો હોય તે પણ ભગવાનના ભજનના પ્રતાપે કરીને એવી યોગકળાને પામ્યા છે. જ્યારે ભગવાન તો યોગેશ્વર, સર્વ યોગકળાના નિધિ, યોગકળાના પૂર્ણ દરિયા છે. તેમાં આવું ઐશ્વર્ય હોય તેનું શું આશ્ચર્ય છે ? ભગવાનમાં તો મહાઆશ્ચર્યો રહૃાાં છે. તેને જીવ જાણી શકતા નથી. માટે ભગવાનની આવી અતિ આશ્ચર્યરૂપ અવતાર ધારણની યોગકળામાં બ્રહ્માદિકને કુતર્ક થાય કે એ ભગવાન એમ કેમ કરતા હશે ? ભગવાનમાં ખામી હશે કે શું ? ભગવાન કોઈથી ડરતા હશે કે શું ? ભગવાન જાણતા નહીં હોય કે શું ? વગેરે અનેક પ્રકારના ભગવાનના સ્વરૂપને વિષે સંશયો થાય છે. જે ભગવાનનું યોગૈશ્વર્ય ન સમજી શકવાથી થાય છે. તેવું થાય તો બ્રહ્માદિક પણ ભગવાનની માયાના બળને પાર પામ્યા ન ગણાય અને ભગવાનનો ભક્ત હોય તે જો એમ સમજે કે ભગવાન તો અતિ સમર્થ છે. અતિ ઐશ્વર્યવાન છે. અતિ નિર્દોષ છે. તે બધુંજ જાણે છે. તો પણ જેમ કરતા હશે તે ઠીક જ કરતા હશે તો તે માયાને તરી ગયો કહેવાય.
આવી રીતે ભગવાનને યથાર્થ ઓળખીને નિઃસંશય ભાવે તેમના શરણે થવું. તેમને સર્વ કર્તા માનવા, તેમને અતિશય નિર્દોષ સમજવા અને તેમાં યેન કેન પ્રકારે જોડાવું તે જ કલ્યાણની રીત છે. જે એક સરખી છે. ભક્તના અનંત ભેદ હોવાથી કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદો ઊભા થાય છે. વસ્તુતઃ કલ્યાણનો માર્ગ એક છે. ભગવાનને ઓળખી અને તેમાં દૃઢપણે જોડાવું અને ભગવાનનું સ્વરૂપ પણ એકજ છે. તેના જેવું થવા માટે અક્ષરપર્યંત કોઈ સમર્થ નથી. એ સિદ્ધાંત વાત છે.
પછી ઝીણાભાઈ મહારાજ પોતાને ઘેર ન પધાર્યા તેથી દિલગીર થયા હતા તે પ્રત્યે મહારાજે કહ્યું કે મૂંઝાઈને, રીસે કરીને જે પ્રેમ કરે તે સારું નહીં. ભગવાન આપણા મનની ઈચ્છા પ્રમાણે ન કરે ત્યારે મૂંઝાઈને ઝાંખું મન કરવું તે મોટી ખોટ છે. મહારાજ કહે છે કે ભગવાન ને સંત ભક્તની પોતાની ઈચ્છા પ્રમાણે દર્શન આપે અથવા ભક્તનું ધાર્યું કરે તો રાજી થવું પણ કદાચ ધાર્યું ન કરે તો પણ શોક તો ન જ કરવો. પોતાની મરજીમાં ભગવાન અને સંતને વર્તાવવાનો દુરાગ્રહ ન રાખવો અને જો રાખે તો અંતે જરૂર કાંઈક ભૂંડુ થયા વિના રહેતું નથી. ભગવાને જે કાંઈ દર્શન, પ્રસાદ આપ્યો હોય તેનું સુખ રહેતું નથી અને જતું રહે છે. મૂંઝવણના દર્દથી આજ્ઞા પણ યથાર્થ પળતી નથી. માટે ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાનના ભક્તે સદાને માટે અતિ પ્રસન્ન રહેવું. પ્રસન્ન મને કરીને ભગવાનનું ભજન કરવું. પોતાનું ધાર્યું કરાવવા માટે અથવા કરવા માટે હૈયામાં લેશમાત્ર મૂંઝવણ આવવા દેવી નહિ. ભગવાન ને ભગવાનના ભક્તનું ધાર્યું કરવામાં પ્રસન્ન થવાની ટેવ પાડવી.