પ્રતિપાદિત વિષયઃ
માહાત્મ્ય સહિત નિશ્ચયવાળાનું લક્ષણ.
મુખ્ય મુદ્દાઃ
૧.તેને અર્થે શું શું ન થાય ?
ર.વચનમાં ફેર પાડે નહિ.
૩.પ્રાપ્તિ પ્રત્યેનો ફેર હોય.
૪.મહિમા અતિ હોય.
પ.ભક્ત તથા અભક્તને મૃત્યુ પછી થનારી પ્રાપ્તિનું હૃદયમાં સ્પષ્ટીકરણ હોય.
વિવેચન :–
આ વચનામૃતમાં ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછયો છે ભગવાન તથા સંતનો જેને માહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેનાં શાં લક્ષણ છે ? પરમાત્માનો નિશ્ચય થયા પછી પણ તેના મહિમાનું જ્ઞાન થવું ઘણું જરૂરી છે ને કઠણ પણ છે. પરમાત્માની અંદર વિજાતીય સજાતીય ભેદ–વિલક્ષણતાઓનો હૃદયમાં માનસિક સાક્ષાત્કાર કે પરિચય થતો નથી ત્યાં સુધી ભક્તપણામાં ચમકારો આવતો નથી. માહાત્મ્ય એટલે શું ? તો બીજામાં જે સદ્ગુણો કે શ્રેષ્ઠતાઓ છે તે સામાન્યતઃ (કોમન ગુણો) ધ્યાનમાં નહિ રાખીને ભગવાનમાં જે સવિશેષતાઓ છે, વિલક્ષણતાઓ છે તેની ઓળઆણ એ માહાત્મ્ય જ્ઞાન છે. ભગવાન જગત, માનવો, દેવતાઓ, મુક્તો કરતાં આટલા વિલક્ષણઞ્છે. એના જેવા નથી.
શ્રીજી મહારાજ મનુષ્યો, મુક્તો, દેવતાઓ, અવતારો તે બધા કરતાં કાંઈક વિલક્ષણ છે અને તે શું વિલક્ષણતા છે તેની જ્યારે ઓળખાણ થાય ત્યારે તે ભક્તમાં પણ એક જાતની બીજા ભક્તો કરતાં વિશેષ ચમક આવે છે. ઉપનિષદોમાં પણ પ્રશ્ન ઉઠાવાયો છે કે ‘એકેન વિજ્ઞાતેન સર્વ વિજ્ઞાતં ભવતિ ।’ એકને જાણવાથી બધું જ જણાઈ જાય એવી કઈ વસ્તુ છે ? તો એવો પરમાત્માનો મહિમા છે. જે યથાર્થપણે પરમાત્મા કેવા અને કેટલા વિલક્ષણ ગુણ, વિશેષતાઓ ધરાવે છે તે જો જાણી લે તો તેને પછી બાકી કાંઈ જાણવાનું રહેતુ નથી. ભગવાનને અંતરમાં એવા જાણ્યા હોય તેના જીવનમાં બીજા કરતાં શું વિલક્ષણતાઓ હોય છે તે મહારાજ ભક્તોના ઈતિહાસ દ્વારા બતાવે છે.
મહારાજ કહે છે કે એક તો એવા જે ભક્તો હોય તેનાથી ભગવાનને રાજી કરવા માટે અને સંતને રાજી કરવા માટે શું શું ન થાય ? એટલે કે એવો ભક્ત અશકય વસ્તુ પણ ભગવાન તથા સંતને અર્થે કરી બતાવે છે. ભગવાનને રાજી કરવા માટે એકાંતમાં પણ સ્ત્રી ધનમાં લોભાયા નથી. દા.ત. મૂળજી બ્રહ્મચારી, સુરાખાચર, માંચા ભક્ત વગેરે. અદ્ભુત નિર્બંધન સ્થિતિ મુક્તાનંદ સ્વામી, પર્વતભાઈ, કુશળકુંવરબાઈ વગેરેમાં દેખાય છે. અદ્ભુત રીતે સમર્પણમાં દાદાખાચર. જીવનને અનેક પડકારોની હોડમાં મૂકનારા ઝમકુબાઈ તથા સ્ત્રી પુરુષના પરસ્પર ત્યાગ કરનારા આ બધા ભક્તો હતા. તેમના જીવનમાં એવી વિલક્ષણતાઓ કેમ આવી હતી. તો તેઓને જીવનમાં મહારાજ અને સંતનો વિલક્ષણ મહિમા સમજાઈ ગયો હતો. તેથી તે ભક્તોના જીવનમાં મહારાજને રાજી કરવા ઊંચો ત્યાગ, સર્વસ્વ સર્મપણ, અને અનહદ પુરુષાર્થ પ્રગટયો હતો. આજે પણ જેને શ્રીજી મહારાજની અને તેના સાચા સંતની વિલક્ષણતા સમજાઈ જાય તો તેના જીવનમાં અપૂર્વ વિલક્ષણતાઓ જરૂર અનુભવાય છે.
બીજું લક્ષણ મહારાજે એ કહ્યું કે જેને માહાત્મ્યે સહિત નિશ્ચય હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહિ. જેમ કહે તેમ કરે. તે ઉપર પોતાનું વૃતાંત કહ્યું કે અમે રામાનંદ સ્વામીના વચનથી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા તથા ડોસા વાણિયા તથા સુંદરજી સુથારના અદ્ભુત પ્રસંગો કહ્યા. માટે પરમાત્માનું કે સંતનું અતિ માહાત્મ્ય સમજે ત્યારે તેનામાં અત્યંત દાસભાવ અવશ્ય આવે. મહિમા ખૂબ ગાઈને ઉલ્ટો અટંટ અને અભિમાની થતો જાય તો એ તો કંઈક છેતરામણ છે, વાસ્તવિક નથી.
ત્રીજી વાત એ કહી કે જેને ભગવાન તથા સતનો માહાત્મ્યે સહિત નિશ્ચય–ઓળખાણ હોય તેના હૃદયમાં તે પ્રાપ્તિ પ્રત્યેનો કે ઓળખાણ પ્રત્યેનો એક જાતનો કેફ વર્તતો હોય, અલમસ્તી આવી ગઈ હોય છે. તે ઉપર રાણા રાજગોરની વાત કરી. તેઓ ગોલીડા ગામના ભક્ત હતા. જમદૂત ને ભગાડયા હતા તથા મૃત્યુની ચેલેન્જ કરી હતી. એના જીવનમાં મહારાજની અલમસ્તી હતી. પ્રહ્લાદના જીવનમાં પણ કેફ હતો.
કુપિતો જનકસ્તથાપિ મે ન વિરામો હરિ નામ કીર્તને ।
મશકોપનિપાત શંકયા સદનં મુઞ્ચતિ કિ મહાજનઃ ? ।।
અને ખુદ ભગવાનને પણ કહી દીધું કે આ રક્ષાને હું રક્ષા નથી માનતો. મારા ઈન્દ્રિય રૂપ શત્રુના ગણ થકી રક્ષા કરશો ત્યારે રક્ષા માનીશ. ચોથી વાત કરી કે એવા ભક્તો ભગવાનનું માહાત્મ્ય બહુ જાણે. તેના ઉપર કઠલાલ ગામના ડોશીની વાત કરી. મહારાજનો અંગૂઠો ઘડામાં બોળાવી તે પાણી કૂવામાં નાખ્યું. જેથી ગામ પ્રસાદીનું પાણી પીએ ને સૌની બુદ્ધિ સુધરે.
પાંચમી વાત એ કરી કે એવા ભક્તના હૃદયમાં શાસ્ત્રોના આધારે અને ભગવાનના મહિમાના પ્રતાપથી એક ચોખ્ખું વિભાગીકરણ થયેલું હોય છે કે ભગવાનનો એવો મહિમા જેને હોય તથા તેના સંબંધવાળો હોય તેની અવળી ગતિ થાય જ નહિ. એવો ભગવાનનો સંબંધ ન થયો હોય અને તેને ગમે તેવાં શાસ્ત્રોમાં કહેલા સારા સંસ્કાર કરે તો પણ તેની ઊંચી ગતિ–મોક્ષગતિ થાય જ નહિ. આવું દૃઢ વિભાગીકરણ એ હૃદયમાં મનાઈ જવું એ પણ માહાત્મ્યનું જ પરિણામ છે. જો તે ન હોય તો શાસ્ત્રમાંથી વિભાગીકરણ સાંભળે છે, પણ પોતાના હૃદયમાં યથાર્થપણે હા પડતી નથી. આટલા વાનાં જેના જીવનમાં દેખાય ત્યારે એમ માનવું કે એના હૃદયમાં ભગવાનનો અને સંતનો યથાર્થ મહિમા સહિત નિશ્ચય છે.નિશ્ચય બોલવાની ચીજ નથી. જીવન જીવી બતાવવાની ચીજ છે.