લ–૦૧ : ક્રોધનું, સંપૂર્ણ સત્સંગ થયાનું

પ્રતિપાદિત વિષયઃ

ક્રોધ, કામને મૂળથી ઉખેડવા વગેરે.

મુખ્ય મુદ્દાઃ

૧. રજોગુણી, તમોગુણી માણસ અથવા દેવતા મહારાજને ગમતા નથી.

ર. આત્મનિષ્ઠા, પંચ વર્તમાન અને મહારાજના મહિમાથી કામનો નાશ કરી શકાય છે. …ઈત્યાદિક.

વિવેચન :–

આ વચનામૃતમાં મહારાજે પ્રશ્ન પૂછયો છે કે શંકર શબ્દનો શો અર્થ છે ? ત્યારે મુનિઓએ ઉત્તર કર્યો કે સુખને કરે તેને શંકર કહીએ. પછી મહારાજે પોતાને રાત્રે શિવદર્શન થયું હતું તે વાત વિસ્તારથી કરી. મહારાજ કહે છે, શિવજી તમોગુણના દેવતા હોવાથી અને આપણે શાંતમૂર્તિ નારાયણના ઉપાસક હોવાથી શિવજી ઉપર ભાવ બેસતો નથી. છતાં અમે શિવને માનીએ છીએ તેનું કારણ એ છે કે શિવજી ત્યાગી છે, યોગી છે ને ભગવાનના મોટા ભક્ત છે. નહિ તો રજોગુણી, તમોગુણી માણસ અથવા દેવતા અમને ગમતાં નથી. તેમાં પણ ક્રોધ ઉપર તો અમારે ઘણું વેર છે. તે ક્રોધ કેવો છે ? તો જેવું હડકાયું કૂતરું હોય તેવો છે. પોતે પણ મરી જાય છે અને જેને તેની લાળ અડે તે પણ મરી જાય છે. ક્રોધ કસાઈ, વાઘ, દીપડો અને કાળો સર્પ તે જેમ અકારણ બીજાનો ઘાત કરે છે તેવો છે. વિના પ્રયોજન બીજાના પ્રાણ હરી લે છે.

ગીતામાં કામનાની વિકૃતિને જ ક્રોધ કહેવામાં આવ્યો છે. ખરેખર તો કામના એ જ અપરાધિક પ્રવૃત્તિ છે. તેમાં પણ તે જ્યારે સફળ ન થાય ત્યારે ક્રોધ રૂપે થઈને સામા ઉપર આક્રમણ કરે છે. તેથી બમણો ગુહ્નો બને છે. નબળાઈને પૂરી કરવી તે કામનાનો માર્ગ છે. પ્રયત્ન કરતાં તે પૂરી ન થાય તો મન મનાવવું જોઈએ કે ઠીક થયું. પાપથી એટલું બચ્યા, પણ અહીં તો ઉલ્ટો ક્રોધ કરે છે. સામા ઉપર આક્રમણ કરે છે. તેથી બીજા દોષો કરતાં શાસ્ત્રમાં ક્રોધને વધારે મોક્ષમાર્ગનો નાશ કરનારો કહ્યો છે. શાસ્ત્રમાં કહ્યું છે કે…

દાનં વ્રતાનિ નિયમાં જ્ઞાનં ધ્યાનં હુતં જપઃ ।
યત્નેનાપિ કૃતં સર્વ કોધિતસ્ય વૃથા ભવેત્‌।।

પ્રયત્નપૂર્વક કરેલા દાન, નિયમાદિક ક્રોધ કરવાથી નાશ પામી જાય છે. એવો જે ક્રોધ તે સાધુમાં આવે તો અતિ ભૂંડો લાગે. કેમજે ક્રોધનું નામ વિરુપ છે. તેથી સાધુની આકૃતિ પણ ત્યારે ફરી જાય છે, વિરૂપ થઈ જાય છે.

પછી શુકમુનિએ પૂછયું, હે મહારાજ ! લગારેક ક્રોધ ચઢી આવે ને પછી તેને ટાળી નાખે તો તે કાંઈ નડતર કરે કે ન કરે ? મહારાજ કહે, થોડોક ક્રોધ ઉપજે તે પણ અતિશય દુઃખદાયી છે જેમ વાઘ કે સર્પ નીકળે ને કોઈને મારે નહિ તો પણ સૌને ભાગવું પડે ને સૌના મનમાં ત્રાસ થાય છે. તેમ થોડોક ક્રોધ પણ દુઃખ ઊભુ કરે છે. તે સર્વથા ટાળવા યોગ્ય છે.

પછી નાના નિર્માનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે કામને મૂળમાંથી ઉખેડી નાખવાનું શું સાધન છે ? ત્યારે મહારાજે તેનું સાધન બતાવતાં કહ્યું જે, પ્રથમ તો આત્મનિષ્ઠા અતિ દૃઢ જોઈએ. તો જ દૈહિક જરૂરિયાતોને રોકી શકાય અથવા ઉન્મૂલન કરી શકાય. તેમાં કચાશ હોય તો તેની સાથે અષ્ટપ્રકારના બ્રહ્મચર્ય પાલનના નિયમો દૃઢપણે પાળવા જોઈએ. બીજું પંચવર્તમાનનું પાલન પણ તેમાં સહાય કરનારું છે. કારણ કે એનો સ્વાદ વગેરે કામને વેગ આપનારાં બને છે. માટે તેને મદદ કરતા પણ બંધ કરવા પડે છે. અંતિમ ઉપાય ભગવાનનું માહાત્મ્ય સમજવું તે છે. તેણે કરીને કામનું મૂળ ઊખડી જાય છે અને કામનું મૂળ ઊખડી જાય તો પણ બ્રહ્મચર્યાદિ નિયમમાંથી ડગીએ નહિ તો તેવી સ્થિતિ ટકી રહે છે. નહિ તો ટકતી નથી.

પછી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો, હે મહારાજ ! કનિષ્ઠ વૈરાગ્ય, મધ્યમ વૈરાગ્ય ને ઉત્તમ વૈરાગ્ય એ ત્રણ પ્રકારના વૈરાગ્યનું શું રૂપ છે ? આવો જ પ્રશ્ન વચ.ગ.પ્ર.રમાં મયારામ ભટ્ટનો છે. પ્રશ્નો બન્ને સરખા છે. ઉત્તરમાં થોડો તફાવત છે. છતાં બન્ને ઉત્તરનો સૂર એક જ છે.

ભોગનું સાંનિધ્ય અથવા ભોગની પ્રાપ્તિ એ વૈરાગ્યની પરીક્ષા છે. તેમાં પણ માનવીને વિજાતીય સ્ત્રી પુરુષના પરસ્પર ભોગની પ્રાપ્તિ એ વૈરાગ્ય વૃત્તિની અતિશય વિઘાતક છે. એવા સંજોગોમાં ભોગનો અનાદર કેટલો રહે છે અને ભોગનો ત્યાગ કરીને ભોગથી કેટલા અલિપ્ત રહે છે એ વૈરાગ્ય છે. વૈરાગ્યની હાજરીથી જ એવું શકય બને છે. ભોગની પ્રાપ્તિ, ભોગની શકયતા, ભોગનું સાંનિધ્ય માણસના મનને નિર્વિકાર રહેવા દેતું નથી. તેમાં પણ વિજાતીય ભોગ એ માનસિક વિકૃતિ ઊભી કરવામાં પારાકાષ્ઠાનું પરિબળ છે. તે ગમે તેવી વિપરીત પરિસ્થિતિ ઊભી થાય તો પણ માનસિક વિકૃત્તિ જરાપણ ન થવા દે ત્યારે તે પૂર્ણ વૈરાગ્ય કહેવાય.

મહારાજ કહે છે કે જેને કનિષ્ઠ વૈરાગ્ય હોય તેને ધર્મશાસ્ત્રના જે નિયમ કહ્યા છે તેમાં જ્યાં સુધી રહે ત્યાં સુધી નિર્વિકારી રહેવાય, પણ જો કોઈ સંજોગોવશાત્‌વિજાતીય અંગદર્શન થઈ જાય અને તેને તેમાં ઉત્તમતા દેખાણી તો મન વિકાર પામ્યા વિના રહે નહિ. ખોટા ઘાટ ઘડ્‌યા વિના રહે નહિ તેને કનિષ્ઠ વૈરાગ્ય કહેવાય. મધ્યમ વૈરાગ્ય હોય તે તો કદાચ સ્ત્રીને ઉઘાડી દેખી જાય તો પણ જેમ પશુને જોઈને વિકાર થતો નથી તેમ ન થાય તો મધ્યમ વૈરાગ્ય છે. જ્યારે એકાંતમાં સ્ત્રી આદિકનો કે પુરુષાદિકનો યોગ થાય તો પણ તન, મનથી નિર્વિકાર અને શુદ્ધ રહે તો તેને ઉત્તમ વૈરાગ્ય છે એમ જાણવું.

વળી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો કે કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ એ ત્રણ પ્રકારે જે ભગવાનનું જ્ઞાન તેનું શું સ્વરૂપ છે ? અહીં પ્રશ્ન તો ત્રણ પ્રકારના જ્ઞાન સંબંધી પૂછયો છે; પરંતુ તેમનો ઉત્તર તથા તેની પછીના પ્રશ્નનું અનુસંધાન કરીએ તો ત્રણ પ્રકારનું જ્ઞાન એ ત્રણ પ્રકારના નિશ્ચયના અર્થના અનુસંધાનમાં પૂછાયો છે.

મહારાજ ઉત્તર કરે છે કે જેને કનિષ્ઠ જ્ઞાન એટલે કનિષ્ઠ નિશ્ચય હોય તે કેવળ સામર્થી–અસામર્થીના આધારે બંધાયેલો હોય. પ્રતાપ, સામર્થી, પરચા જુવે તો ભગવાન અને તે ન દેખાય તો ભગવાન નહિ. તેવી ભૂમિકા પર બંધાયેલો હોય છે. ભગવાનને માને તેનું તત્કાળ આલોકમાં સારું થવું જોઈએ તથા ન માને કે દ્રોહ કરે તેનું તત્કાળ ભૂંડુ થવું જોઈએ એવું થતું જોઈને આ ભગવાન છે એવા પાયા ઉપર નિશ્ચય કરાયેલો હોય છે.

એવા નિર્ણયમાં ખામી એ છે કે જ્યારે પરમાત્મા પૃથ્વી પર આવે છે ત્યારે સામર્થી ઢાંકી રાખવી એ જ તેનું તાન હોય છે. છતાં કયારેક ઉતાવળા થાય ત્યારે દેખાઈ જાય પણ પોતાની સામર્થીનું પ્રદર્શન કરવું એવું આજના માનવીના જેવું ભગવાનનું લક્ષ્ય હોતું નથી. માટે ભગવાનની વાસ્તવિક સાથે એના નિશ્ચયને સંબંધ નથી અથવા ઓછો છે.

ભગવાનમાં સામર્થી, ચમત્કાર નથી એવું નથી, પણ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવ્યા હોય ત્યારે તેને ઢાંકી રાખવા એવું જ તેમનું તાન હોય છે. છતાં શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે તેમ કયારેક કોઈ કાર્ય નિમિત્તે ઉતાવળા થઈ જાય અથવા કોઈ પ્રયોજન નિમિત્તે પોતાની ઈચ્છાથી બતાવે છે. પરંતુ પરચા ચમત્કાર સાર્વકાલીન નથી હોતા. ભગવાનનો તેવો પ્રયત્ન પણ હોતો નથી. સાચા દૃઢ ભક્તોને તેવી ઈચ્છા પણ હોતી નથી. ઉલ્ટું ભગવાન કયારેક અનૈશ્વર્યનું–પોતાની અસામર્થી છે એવું પણ પ્રદર્શન કરે છે. કયારેક કોઈ આગળ ભાગે, રડે, કાર્યનિમિત્ત ચિંતા કરે. ત્યારે પેલા ભક્તે અપેક્ષા રાખી હોય તે પૂરી ન થાય ને તેનો નિશ્ચય ટળી જાય. માટે તેના આધારે ભગવાનનો નિશ્ચય બાંધી લેવો એ ભક્તની ખામી છે. ભગવાનને પૂરા ઓળખવામાં અધૂરપ છે. માટે તે કનિષ્ઠ નિશ્ચય કે જ્ઞાન કહ્યું છે.

જ્યારે મધ્યમ નિશ્ચય કે મધ્યમ કક્ષાનું જ્ઞાન હોય તેને જ્યારે ભગવાન કાંઈક અશુભ આચરણ કરે ત્યારે નિશ્ચય ડગી જાય અથવા ટળી જાય છે. તેણે જ્યારે નિશ્ચય કર્યો ત્યારે જ શુભ અશુભ આચરણના પાયા ઉપર બંધાયેલો હોય છે. તે ભક્ત પોતાની બુદ્ધિમાં એવી ગ્રંથિ બાંધીને આગળ વધે છે કે ભગવાનનું આચરણ તો અતિ ઊચું (માણસોની દૃષ્ટિએ) હોવું જોઈએ. ઉચ્ચ ધર્મિષ્ઠ કક્ષાનું હોવું જોઈએ. એ વાત સો ટકા સાચી છે કે ભગવાનના આચરણ જેવું ઊંચુ આચરણ કોઈનું હોઈ જ ના શકે; પણ કયારેક તેને સમજવામાં આપણી બુદ્ધિ ટૂંકી પડતી હોય છે.

ભગવાનનું અનન્ય પ્રયોજન એ હોય છે કે પોતાના અનન્ય ભક્તોને લાડ લડાવવા અને તેના કોડ પૂરા કરવા. હવે તે પૂરા કરતાં કયારેક પક્ષાપક્ષી, અન્યાય અને અનીતિ કે અશુભ જેવું આચરણ કરતા હોય એવું માણસોને અનુભવાય પણ ખરું, ત્યારે આપણે જે અપેક્ષા બાંધીને ભગવાન જાણ્યા હતા અથવા નિશ્ચય કર્યો હતો તે તૂટી જાય અને તેમના ભગવાનપણામાં આપણને સંશય થાય; પરંતુ એ ભગવાનને પૂરા ઓળખવામાં ભક્તની ખામી છે. તે ભગવાનની ખામી નથી. જેમ ગોપીઓ સાથેની લીલા સાંભળીને કે ભગવાન કુબજાના ઘેર રાત રહ્યા તે જાણીને પણ ઉદ્ધવજીને સંશય ન થયો. તે ભગવત્‌ઓળખાણની અને નિશ્ચયની પક્‌વતા છે.

જ્યારે ઉતમ નિશ્ચય કે જ્ઞાન થયું હોય તેને ભગવાન ગમે તેવું અશુભ આચરણ કરે તોય સંશય થાય નહિ. જેણે નિશ્ચય કરાવ્યો હોય તે કહે કે એ ભગવાન નથી તો તેને એમ જાણે જે એનું માથું ફર્યું છે; પણ પોતાનું માથું ફરવા ન દે. તેને ઉત્તમ નિશ્ચય અથવા ઓળખાણ થઈ ગણાય. આમ જે પ્રકારની ઓળખાણ થાય તેને અનુસારે એક, બે અથવા અનેક જન્મે કરીને તે ભગવાનના ધામને પામે છે.

પછી મોટા શિવાનંદ સ્વામીએ પૂછયું જે નિશ્ચય સંપૂર્ણ હોય તો પણ અંતરમાં કૃતાર્થપણું–પૂર્ણકામપણું કેમ મનાતું નથી ? ત્યારે મહારાજ કહે, નિશ્ચય હોય તો પણ અંતઃશત્રુની પ્રવૃત્તિથી અંતર પીડિત હોય તો કૃતાર્થપણું માનવું હોય તો પણ માની શકાતું નથી. મહારાજ કહે, તે અંતઃ શત્રુને નિર્દય થકો દંડ દે તો નાશ પામે ને પછી નિશ્ચયે કરીને પોતાને કૃતાર્થ માને.

પછી મુક્તાનંદ સ્વામીએ પશ્ન પૂછયો જે સંપૂર્ણ સત્સંગ થયો કેને કહેવાય ? ત્યારે મહારાજ કહે, એક તો અતિ દૃઢ આત્મનિષ્ઠા આવે બીજું આત્મસ્વરૂપને પામે તો પણ પંચવર્તમાનમાં લેશમાત્ર ફેર પડવા ન દે. ત્રીજું બ્રહ્મરૂપે વર્તે તો પણ ભગવાનને વિષે સ્વામીસેવકભાવ દૃઢ રહે. ભગવાનને નિર્લેપ, ઐશ્વર્યવિભૂતિ આદિક સમજીને અતિશય મહિમા સમજે. નવધા ભક્તિને દૃઢ કરીને રાખે અને ભગવાનના ભક્તની સેવા ચાકરી ભાવપૂર્વક કરે એટલા વાનાંની દૃઢતા થાય ત્યારે સંપૂર્ણ સત્સંગ થયો કહેવાય. સત્સંગ તો સાધન છે તેનાથી પેલાં સિદ્ધ કરવાનાં છે. જો તે ન આવે તો સત્સંગ નિરર્થક ગયો. તેનો કોઈ ફાયદો આપણને ન થયો એમ જાણવું. ઉપર કહ્યું તે સત્સંગ કરવાનું ફળ છે.

પછી નાના શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો જે ભગવાનનો મહિમા કયારેક અતિશય સમજાય ને કયારેક સમજાતો નથી. તેનું કારણ શું ? ત્યારે મહારાજ કહે, સંત તો ધર્મવાળા છે. અધર્મમાં ચાલતો હોય તેને ટોકે ત્યારે દેહાભિમાનીને સારું ન લાગે. માટે ત્યારે મહિમા ન રહે. જ્યાં સુધી કશું જ ટોકે નહિ ત્યાં સુધી ખૂબ મહિમા ગાતો રહે. માટે દેહાભિમાનને કારણે મહિમા ન રહે. દેહાભિમાન ન હોય તો સદા મહિમા રહ્યા કરે. દેહાભિમાનના યોગે અવગુણ આવ્યો હોય તેને ટાળવા તો કઠણ છે. તેને મનમાં અતિ પશ્ચાતાપ થાય, કયાંય ચેન પડે નહિ, અન્ન પણ ભાવે નહિ ને જળ વિનાનાં માછલાં જેમ અજંપો અનુભવે, તડફડે ને જ્યારે સતનો હૈયામા અતિશય ગુણ આવે ત્યારે ઠીક થાય. જે સંત દુઃખાણા હોય તેને અતિ દીન થઈને પ્રસન્ન કરે ત્યારે તેના હૃદયમાંથી ભગવાનના ભક્તનો અવગુણ ટળી જાય ને તેને સદાકાળ મહિમા સમજાય છે.