પ્રતિપાદિત વિષયઃ
દેહ છતાં મુત્યુનો ભય ટળી જવો.
મુખ્ય મુદ્દાઃ
૧.મૃત્યુ એ પોતાના સમગ્ર જીવન દરમ્યાન કરેલાં સારાં–નરસાં કર્મોના સરવાળા – બાદબાકીના પરિણામનો દિવસ છે.
ર.જીવન સુધારી પરમાત્મા સન્મુખ થવાથી મૃત્યુનો ભય દૂર થાય છે.
૩.જીવનસુધાર વિશ્વાસ, જ્ઞાન, શૂરવીરતા અને પ્રીતિથી થાય છે.
વિવેચન :–
આ વચનામૃત મૃત્યુનો ભય ટળી ગયાનું છે. મહારાજે પ્રશ્ન પૂછયો છે. આ સત્સંગમાં હરિભક્તને કયારે મૃત્યુનો ભય ટળી જાય ને દેહ છતે જ પોતાનું કલ્યાણ મનાઈ જાય ? અહીં મહારાજે જે પ્રશ્ન કર્યો છે કે ઉત્તર કર્યો છે તે જરા વધારે સમજવા માટે આપણે એક પ્રશ્ન કરીશું કે મહારાજે તો મૃત્યુનો ભય ટળી જવા અંગે પ્રશ્ન ઉતર કર્યો છે, પણ ખરેખર તો માણસોને મૃત્યુનો ભય શા માટે લાગે છે ? તે પણ(મૃત્યુ)જીવનની નિશ્ચિત ઘટના જ છે. તેમાં વિચાર કરતાં જણાય છે કે માણસને ખરેખર મૃત્યુનો ભય લાગતો નથી પણ પોતાના નબળાં કર્મોનો ભય લાગતો હોય છે. હરિભક્તને મૃત્યુનો ભય લાગતો નથી, પણ પોતાની નબળાઈઓ તથા આસક્તિના કેન્દ્રો અંગેનો ભય લાગે છે. પછી ભલેને તે હરિભક્ત હોય તો પણ શું થઈ ગયું ?
અહીં હરિભક્ત શબ્દથી મહારાજના આશ્રિત માત્ર આવી જાય છે. મરણ–મૃત્યુનો જેને સંબંધ છે તે બધાને લાગુ પડે એ રીતે મહારાજે સામાન્ય શબ્દ તરીકે લીધો છે. પછી ભલે તે સાધુ હોય, બ્રહ્મચારી, પાળા કે સત્સંગના આગેવાનો હોય તે બધા જ ‘હરિભક્ત’ શબ્દથી મહારાજનો કહેવાનો આશય છે. માણસ મૃત્યુથી ડરતો નથી; પરંતુ તેને ખ્યાલ છે કે મૃત્યુ સમયે સમગ્ર જીવનનાં સારાં નરસાં કર્મોનો હિસાબ થતો હોય છે અને તે હિસાબનુ જે પરીણામ આવવાનું છે, સ્પષ્ટ સરવાળો બાદબાકી આવવાની છે તેનો તેને ડર છે. આ લોકમાં પણ માણસ સરકારથી કે સરકારના ફોજદારી માણસો જે પોલીસ, અધિકારીઓ, કોર્ટ, કચેરીઓ વગેરેથી નથી ડરતો પણ પોતાની જાહેર અથવા ગુપ્ત ગુહ્નાખોરીની પોતાને બીક હોય છે. જો તે વસ્તુ પોતામાં ન હોય તો પેલા બધા તો પ્રજાના રક્ષણ માટે નીમવામાં આવ્યા છે, પ્રજાને મદદ માટે છે. અસમર્થ અને સજ્જન વ્યક્તિઓ તેની મદદ લઈને નિર્ભય બને છે. ઉલ્ટા તેને આધારે ભયમુક્ત બને છે. પણ જે ગુહ્નાહિત વ્યક્તિ હોય તે તેને જુવે ત્યાં જ ગભરાટ શરૂ થઈ જાય છે. હજુ તો પેલાને ખબર પણ ન હોય ત્યાં. તેવું તમામ માણસના જીવન અને મૃત્યુનું છે. માણસને ભય મૃત્યુનો નથી લાગતો, પણ પોતે જીવન એવી રીતે જીવ્યો છે તેનો તેને ભય લાગે છે.
મૃત્યુ એ સારાં નરસાં કર્મોના સરવાળાનો દિવસ છે. જેમ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેને બોર્ડની પરિક્ષાનું પરિણામ હોય ત્યારે હોંશિયાર ને આનંદ થાય કે હમણાં સારું પરીણામ આવશે. જ્યારે જેણે ભણવા સિવાય બીજું જ કર્યું હોય તેને જ્યારે પરિણામ આવે ત્યારે બધો જ ડર લાગે. કારણ કે સમગ્ર વર્ષ દરમ્યાન તેણે શું કર્યું છે તે આજે ખુલ્લું પડવાનું છે. તેમ મૃત્યુનો દહાડો તો માણસ માટે તમામ કર્મોના હિસાબનો દિવસ છે. જો તેનું જમા બેલેન્સ (આખરી સરવાળો) બોલતું હોય તો તો આ વ્યક્તિ હાથમાં ન રહે પણ તેને ખબર છે કે તેવું નથી. હરિભક્તને પણ પોતાની આસક્તિઓ ખામીઓ અને નબળાં કર્મોનો જ ભય લાગે છે. તે ભયને દૂર કેવી રીતે કરવો ? તેની વાત મહારાજ આ વચનામૃતમાં કરે છે.
મહારાજે પોતાની જાતે શાસ્ત્રો અને મનુષ્યો ઉપર સર્વેક્ષણ કરીને તારણ કાઢયું કે અમારી નજરમાં તો એમ આવ્યું છે કે એક તો વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો શૂરવીર, ચોથો પ્રીતિવાળો એ ચાર પ્રકારના જે ભક્ત હોય તેને મૃત્યુનો ભય નથી રહેતો અને દેહ છતે જ કૃતાર્થપણું મનાઈ જાય છે. મહારાજે અહીં બે મુદ્દાઓ લીધા છે. એક તો મૃત્યુનો ભય અને બીજું મૃત્યુ પહેલાં દેહ છતાંજ કૃતાર્થપણું મનાઈ જવુ. તેમાં નબળાં કર્મો જીવનમાંથી દૂર થાય તો તેને મૃત્યુનો ભય દૂર થાય છે અને તેને અંતરમાં કૃતાર્થપણું મનાય છે.
તેમાં જે વિશ્વાસી છે તેને પ્રત્યક્ષ ભગવાન અને તેના સાધુને વિષે અતિશય વિશ્વાસ છે. તેનાથી ભગવાન અને સંતોની આજ્ઞામાં સંપૂર્ણપણે રહેવાથી તેના જીવનમાંથી દુષ્કર્મો અને ખામીઓ દૂર થાય છે. ભક્તિ આદિક સદ્ગુણોથી તેનું જીવન દિવ્ય બને છે. આમ તેને મૃત્યુનો ભય દૂર થાય છે અને દેહ છતે જ કૃતાર્થપણું મનાય છે. અહીં વિશ્વાસમાત્રના યોગથી તે કાર્ય થતું નથી; પરંતુ જેમાં તે વિશ્વાસ મૂકે છે એવા શ્રીજી મહારાજ અને તેના સાચા સંતો તેના પ્રભાવથી આ ભક્તનું જીવન નિષ્કલંક અને દિવ્ય બને છે. માટે વિશ્વાસનું કેન્દ્ર સાચું હોવું જોઈએ.
બીજો જ્ઞાની ભક્ત છે. તે પોતાને બ્રહ્મરૂપ માનીને પોતાને ભગવાનનો અનન્ય ભક્ત માને છે. પોતાના આત્મજ્ઞાનનું અને પરમાત્માના મહિમાનું અતિશય બળ હોય છે. તેની પાસે મૃત્યુ નુકસાન કરી શકે એવી કોઈ વસ્તુ હોતી નથી. માટે તેને મૃત્યુનો ભય રહેતો નથી.
ત્રીજો ભક્ત છે શૂરવીર. અહીં શૂરવીર શબ્દથી ભગવાનના માર્ગમાં શૂરવીરતાની વાત છે; પરંતુ બીજાની સાથે ઝઘડા કરવામાં જેને ડર ન હોય એવા શૂરવીરની વાત નથી. તેમાં પણ શૂર શબ્દ અને વીર શબ્દ બને મળીને શૂરવીર શબ્દ બનેલો છે. શત્રુનો નાશ કરી નાખે તેને શૂર કહેવાય. શત્રુથી ડરે નહીં; પણ શત્રુનો નાશ ન કરી શકે ઉલટા શત્રુ તેનો નાશ કરી નાખે તો તેને હિંમતવાળો કહેવાય. જે પાછો પડતો નથી અને રણમેદાનમાં જ ખપી જાય છે તે હિંમતવાન કહેવાય અને શૂરવીર તો તેને જ કહેવાય જે શત્રુઓને નાશ કરે. ‘શૃણાતિ અરીન્ઈતિ શૂર’ એવો તેનો અર્થ છે. જ્યારે અનેક એવા શત્રુઓને નાશ કર્યાના પ્રસંગ ભેળા થાય ત્યારે તેને વીરપુરુષ કહેવાય છે. તે બંન્ને સદ્ગુણો સાથે મળે ત્યારે તે શૂરવીર પુરુષ ગણાય છે.
પરંતુ અહીં તો અધ્યાત્મમાર્ગ હોવાથી આ માર્ગની શૂરવીરતા અલગ છે. તે ભાગવતમાં કહ્યું છે કે ‘સ્વભાવ વિજયો શૌર્યમ્’ અને ‘જિહ્વોપસ્થજયં ધૈર્યમ્’ પોતાના સ્વભાવને કે કુલક્ષણોને જીતે તે શૂરવીર કહેવાય અને જીહ્વા ઈન્દ્રિય અને ઉપસ્થ ઈન્દ્રિયો પર વિજય મેળવે તેને ધીર અને વીર કહેવાય. આવો જે શૂરવીર પુરુષ હોય અને તે મહારાજમાં જોડાયેલો હોય, મહારાજને રાજી કરવા ઈચ્છતો હોય તેના થકી ઈન્દ્રિયો, અંતઃ કરણ થરથર કાંપતા રહે છે અને નબળાઈનો માર્ગ છોડીને આપોઆપ પરમાત્માના માર્ગ તરફ ચાલે છે તેથી તેને પણ મૃત્યુનો ભય રહેતો નથી.
ચોથો ભક્ત પ્રીતિવાળો છે. તેને ભગવાનમાં પતિવ્રતાની પ્રીતિનું અંગ છે. તે જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેનું મન ગમે તેવા પુરુષને દેખીને ડોલે નહિ. તેમ આ ભક્તનું મન ભગવાનમાં પ્રીતિ હોવાથી જગતના કોઈ પણ પ્રલોભનમાં ડોલતું નથી અને તેને મૃત્યુનો ભય રહેતો નથી. તેને દેહ છતાં જ પોતાને કૃતાર્થપણું મનાય છે.
મહારાજ કહે છે કે આ ચાર અંગ માહેલું કોઈ પણ એક અંગ પ્રધાન હોય અને બીજા ત્રણ ગૌણ હોય તો પણ તે મૃત્યુના ભયને તરી જાય છે; પરંતુ એક પણ અંગ ન હોય તો હરિભક્ત હોય તો પણ તેને મૃત્યુનો ભય ટળે નહીં. પછી મહારાજે બધાની પરીક્ષા કરી કે કોને કોને કયું અંગ છે ? અને શૂરવીરતાના અંગવાળા ભક્તોને વખાણ્યા અને છાતીમાં ચરણારવિંદ આપ્યાં.
પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો કે જે કારણ હોય તે તો કાર્યથી મોટું હોવું જોઈએ ત્યારે વડનું બીજ તે તો નાનું છે અને તે થકી મોટો વડ કેમ થાય છે ? મહારાજે ઉત્તર કર્યો કે કારણ હમેશાં કાર્યથી મોટું હોવું જોઈએ એ માન્યતા સાચી નથી. લોકોના મનમાં એવી માન્યતા ભલે હોય પણ શાસ્ત્રનો એ મત નથી. શાસ્ત્ર તો એમ કહે છે કે જે કારણ હોય તે નાનું હોય અને સૂક્ષ્મ હોય તો પણ મોટા કાર્યની ઉત્પત્તિ કરવાને સમર્થ થાય છે. કારણમાં એ જ મોટાઈ છે અને કારણનું કારણપણું એ જ છે.
વસ્તુતાએ પ્રશ્નનો ગર્ભિત આશય એવો છે કે પરમાત્મા એવા તમે (શ્રીજી મહારાજ) તેને સર્વ શાસ્ત્રો સિૃષ્ટનું પરમ કારણ કહે છે અને તમે તો મનુષ્ય જેવા દેખાઓ છો તો પછી અનંત કોટી બ્રહ્માંડના તમે કારણ છો તે કેમ સંભવી શકે ? એવી શંકા ભગવાનના ભક્તોના મનમાં ઉદ્ભવતી હોય છે. તેને બ્રહ્માનંદ સ્વામીએ વાચા આપી છે.
મહારાજ સ્પષ્ટતા કરે છે કે કાર્ય કરતાં કારણ આકારમાં મોટું હોવું જોઈએ એવી માન્યતા બાંધી લેવી તે મૂર્ખતા છે. મહારાજ કહે છે કે જે મૂર્ખ હોય તે તો એમ સમજે છે કે જેનુ કાર્ય આવડું મોટું છે તો તેનું કારણ કેટલું મોટું હશે ? એટલે કે મહારાજ કેટલા મોટા હોવા જોઈએ ? અને મહારાજ માણસ જેવડા કેમ દેખાય છે ? આવી મૂર્ખની સમજણ છે. મહારાજ કહે છે કે ભગવાન તો મનુષ્ય જેવા ને જેવડા છે તો પણ પોતાના અંગમાંથી યોગકળાએ કરીને અનંત કોટિ બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને સમર્થ છે. પ્રલય સમયે અનંત કોટિ બ્રહ્માંડને પોતામાં લીન કરીને પોતે એકલા રહે છે. ત્યારે ભગવાનના એક એક રોમમાં અનંતકોટિ બ્રહ્માંડ અણુની પેઠે રહ્યા છે તે અષ્ટઆવરણ ને ચૌદ લોક સુદ્ધાં રહ્યાં છે. એવી રીતે કારણ એવા મહારાજમાં અલૌકિકપણું છે ને મોટાઈ પણ છે. તેને સમજુ હોય તે જાણે જે ભગવાન મનુષ્ય જેવા જણાય છે તો પણ એ ભગવાન સર્વના કારણ, સર્વના કર્તા છે અને સમર્થ છે.