લ–૦પ : ઈન્દ્રિયો, અંતઃકરણ જીત્યાનું

પ્રતિપાદિત વિષયઃ


આ વચનામૃતમાં અનેક પ્રશ્નો છે. તેથી વિવિધ વિષયો તથા મુદ્દાઓની ચર્ચા થઈ છે.

વિવેચન :–

અહીં મહારાજે કપટ અને દંભ કોને કહેવાય અને કપટી અને દંભી કેમ ઓળખાય તે સંતોને પોતે જ પ્રશ્ન પૂછીને ચર્ચા કરી છે. પોતાની નબળાઈઓ અને મલિનતાને યુક્તિ–પ્રયુક્તિ કરીને ઢાંકવી તેને કપટ કહેવાય અને જે સદ્‌ગુણો ન હોય તે કૃત્રિમરીતે–નાટયાત્મક રીતે બતાવી દેવા તે દંભ કહેવાય.

આ કપટ અને દંભ એકબીજાના પૂરક છે અને એકબીજાને મદદરૂપ થનાર છે. આ બન્નેનો આશ્રય લઈને અજ્ઞાની અને ભોળા માણસોને પોતાની જાળમાં ફસાવીને, શીશામાં ઉતારીને પોતાની નબળી મુરાદો પૂરી કરવી તે દંભ કે કપટ કરવાનો હેતુ હોય છે. મુમુક્ષુએ કરેલું સમર્પણ પરમાત્મા સુધી પહોંચે એટલા માટે પોતાને સાવધાની રાખવાની જરૂર હોય છે. કોઈને છેતરીને પોતાનો સ્વાર્થ સાધવો તે પાપ કહેવાય છે. પોતે નબળી મુરાદવાળાને ઉપરથી સુંદર દેખાતા હોય તેવા દંભી, કપટીની જાળમાં ફસાઈને તેના બલીનો બકરો બનવું એ પાપ તો નથી પણ મૂર્ખતા તો જરૂર ગણાય. આપણે એવા મૂર્ખ ન બનીએ એ વસ્તુની જરૂર જાગૃતિ રાખવી જોઈએ.

આપણે જાણી જોઈને મૂર્ખ બનીએ તો પછી આપણને ભગવાન કેમ બચાવે ! ભગવાને આપેલા વિવેકને બાજુએ મૂકી આવા પ્રકારના ગૂરુઓએ ચડાવેલા નશા અને ચાવીથી આપણે કૂદકા મારવા તે આપણી નરી મૂર્ખતા ગણાય. પછી ઘણી વખત આવી મૂર્ખતા પાછળ પણ તેનું એક જાતનું ગણિત હોય છે અને તે એ હોય છે કે આકરી મહેનત સાધના પછી મળતી અધ્યાત્મ વસ્તુ તેને સાવ મફતના ભાવમાં, વગર મહેનતે અને ઘેર બેઠા સપ્લાય કરવાનું વચન આવા ગુરુઓ આપતા હોય છે. તેથી ઓછી મહેનતે ઝાઝા ફળની લાલચે તેમાં ફસાયા વિના રહી જ ન શકે; પરંતુ મહારાજ પાસે પહોંચવું છે ને પોતે કરેલું સમર્પણ, શ્રદ્ધા મહારાજ પાસે પહોંચાડવાં છે તેને તો અહીં મહારાજે કરેલી ચર્ચા હૃદયમાં જરૂર ધારવા જેવી છે. કારણ કે તેવા મનુષ્યો પોતાની પાછળ ફરનાર ટોળું મોટું કરવાની સતત મથામણમાં હોય છે તેને પ્યોરીટી–શુદ્ધિની જરૂર હોતી નથી પણ સંખ્યાબળની જરૂર હોય છે.

એક બીજી વસ્તુ એ પણ ખ્યાલ કરવા જેવી છે કે ખામીઓ કે નબળાઈઓ નિષ્કપટપણાને બહાને બધાની આગળ ઢંઢેરો કરવાની જરૂર હોતી નથી. શાસ્ત્રો પણ તેનો ધજાગરો કરવાની ના કહે છે; પરંતુ તેના નિવારણ માટે યોગ્ય સત કે હિતેચ્છુને કહેવું જોઈએ અને જો ત્યાં પણ નથી કહેતો તો તે કપટી છે એમ મહારાજ કહે છે. તેમાં પણ મહારાજે બતાવ્યું કે વર્તમાન ધર્મની કાચ્યપ પોતાથી જે ન ટળતી હોય, સંતનો અવગુણ આવ્યો હોય, કે ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો હોય તે ખાસ કહેવો અને તેને ટાળવાની રીત પૂછી તે પ્રમાણે કરવું.

ઘણા ભક્તો એવા હોય છે કે પૂછે બધું. સંત આગળ પોતાની ભૂલો કબૂલ કરે, પણ સંત તેને યોગ્ય માર્ગ સૂચવે તો તે પ્રમાણે કરે નહિ. સંત આગળ કહેવાનો આશય એવો હોય છે કે જો સંત રાજી થઈને એવું બોલી દે કે વાંધો નહિ તમે જે કરો છો તે સમય અને જમાના પ્રમાણે આમ જ જ્ઞકરી શકાય. તેમાં કાંઈ દોષ નથી. તે બરાબર છે. આવું પ્રમાણપત્ર મળી જાય તો આપણી પ્રવૃૃત્તિ પ્રમાણિત થઈ જાય અને ચાલુ રહી શકે, પણ જો તેને સંત સુધારો કરવાની સૂચના આપે ને સુધારો ન કરે અને બીજા સંત પાસે નિષ્કપટ થવા જાય. સુધારો કરવાની ઈચ્છા જરા પણ હોય નહિ તો તેને નિષ્કપટી ન કહી શકાય.

તેમાં મહારાજે એક પ્રશ્ન કર્યો કે કપટી હોય ને ડાહ્યો હોય એટલે કે પોતાના દોષ છુપાવવામાં ખૂબ ચતુર હોય તથા દંભ કરીને પોતામાં સદ્‌ગુણો દેખાડવામાં ખૂબ હોશિયાર હોય તેને કેમ ઓળખવો ?કારણકે દરેકની એવી સ્વભાવિક વૃત્તિ હોય છે કે પોતાની નબળાઈ કે મલિનતાને ખૂબ ઊંડે ભૂર્ગભમાં ઢાંકીને જીવતી રાખવી. કોઈપણની દૃષ્ટિમાં તે ન આવી જાય તેની ખૂબ તકેદારી રાખવી પડતી હોય છે. કોઈપણ માણસ જાણવા પ્રયત્ન કરે તો તેને વધારે કિલ્લેબંધી કરીને સંતાડી દેવામાં આવે છે. જ્યાં સુધી પોતાની શક્તિ હોય ત્યાં સુધી બીજાને હાથમાં ન આવે તે માટે પોતાની સમગ્ર શક્તિ કામે લગાડી દેવામાં આવે છે. જ્યારે પોતાના હાથ બહાર વાત જાય ત્યારે જ બીજાની જાણમાં તેને આવવા દેવાય છે. માટે જ મહારાજે પૂછયું છે કે તેની ખબર કેમ પડે ?

માણસને પોતાની નબળાઈઓ ઢાંકવાની પ્રબળ ઈચ્છા હોય છે પણ તેમાં વિરોધાભાસ એ થાય છે કે આપણી જે નબળાઈઓ હોય તેને બહાર પોતાનો ખોરાક લેવા આવવાની ઘણીજ ચાડ હોય છે. માટે કયારેક અસાવધાની રહી જાય તો તુરત નબળાઈ સમાજમાં પોતાનું જાહેર દર્શન આપે છે અથવા તે એકાંત, બિનહરીફ સત્તા, વિવેકહીન વેવલા અનુયાયીઓના સાંનિધ્યમાં કે આંખે મહિમાનો પાટો બાંધેલ શ્રદ્ધાળુઓ સામે આવી નબળાઈઓ પોતાની કંઢગાઈનું દર્શન દે છે. એવા સંજોગો ન હોય તો સંતાઈને જીવે છે. માટે મહારાજ કહે છે કે લાંબો સમય તેની સાથે રહે તેનું જીવન કઈ દિશામાં ગતિ કરે છે તે ખાતાં, પીતાં, ઊઠતાં, બેસતાં તેની વૃત્તિને જોયા કરે. પોતાની ગેરહાજરીમાં બીજા પાસે ખબર રખાવે કે તે એકાંતમાં કેમ વર્તે છે. તેને કઈ વસ્તુ અતિ ગમે છે. કોની સાથે એકાંતમાં ઊઠ બેઠ છે. નવરાશના સમયમાં કઈ વસ્તુનો શોખ છે. અપમાન થાય ત્યારે કેવી પ્રતિક્રિયા કરે છે વગેરે તપાસ્યા કરે અને લાંબો સમય જોયા કરે ત્યારે માણસની અંતરની નબળી કડી વાંચી શકાય છે. નહિ તો નથી કળાતું. આવી વ્યક્તિઓમાં સત્સંગ માટે સમર્પિત ભાવ હોતો નથી. સ્વાર્થપોષણવૃત્તિ જ હોય છે. તેથી જ્યારે પ્રતિષ્ઠાભગ થાય ત્યારે ક્રોધ, અવગુણ, કે શોક વ્યાપી રહે છે. કારણ કે સમર્પણ વિના સયંમ રહી શકતો નથી. વળી તેમાં અંદરથી ખાનદાની પણ નથી. માટે આવા સમયમા દરેક ક્રિયામાં સત્સંગથી વિપરીતતા દેખાય ત્યારે જાણવું કે આ કપટનું પરિણામ છે. નબળાઈઓની પ્રતિક્રિયા છે.

ભગવાનનો નિશ્ચય અને વર્તમાન …..

ભગવાનનો નિશ્ચય કોઈ કામનાથી કર્યો હોય તો કામના પૂરી થાય તો દૃઢ થઈ જાય અને પૂરી ન થાય તો તૂટી જાય; પણ નિષ્કામ ભાવે જ્યારે નિશ્ચય કર્યો હોય તો પણ ભગવાનના મનુષ્ય ચરિત્ર જુવે કે સાંભળે ત્યારે ભગવાનના ભગવત્પણા વિષે સંશય થાય છે. ભગવાનને કોઈ રોગથી પરાભવ થાય, ભયાતુર બને, ગાંડા થાય, કોઈના બેન–દીકરી સાથે વિહરે, શત્રુ આગળ ભાગે, અસામર્થી દેખાડે, એવી મનુષ્ય લીલા કરે ત્યારે નિષ્કામ ભાવે સત્સંગ કર્યો હોય તો પણ જો ભગવાનને બરાબર ઓળખ્યા ન હોય તો સંશય થાય કે આ ભગવાન હશે કે કેમ ? અથવા આવા ભગવાન હોઈ શકે ? આવો કુતર્ક થાય. તેને ટાળી નાખે તો પણ વારંવાર મૃત્યુ પર્યન્ત થયા કરે તો એવો ઘાટ તેને નિશ્ચયમાંથી પાડે છે. વર્તમાન ધર્મમાં પણ ભક્તની કોઈ આસક્તિ હોય, સ્ત્રી, ધન, દેહ, ભોજન વગેરે નબળાઈ હોય ને વર્તમાન તો પાળતો હોય પણ ઈષ્ટદેવનાં એવા ચરિત્રો જોઈને અને પોતાને એવો ઘાટ થાય કે હું પણ એમ કરું તો શો વાંધો ? આવો ઘાટ થાય ને કોઈ વિચારે ટળે નહિ તો ધર્મમાંથી પાડે અને ટળી જાય તો ન પાડે.

સત્સંગમાં દૃઢ પાયો …..

સત્સંગમાં દૃઢ પાયો કોનો થાય અને કોનો ન થાય ? મહારાજ કહે છે કે દતાત્રેયે જેમ સર્વમાંથી ગુણ લીધો તેમ જેને સંતમાંથી ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દૃઢ પાયો થાય છે. જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય ને તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો સત્સંગમાં દૃઢ પાયો થતો નથી. વળી નિશ્ચય પણ હોય તો છતાં દૃઢ પાયો થતો નથી. માટે નિશ્ચય થાય પછી દૃઢ પાયો કરવા માટે આ વસ્તુની જરૂર છે.

મહારાજ અહીં સમજાવે છે કે સત્સંગમાં રહેવું એ અલગ વસ્તુ છે ને સત્સંગમાં પાયો દૃઢ થવો અલગ વસ્તુ છે. સત્સંગમાં ઘણો સમય ગાળે તેથી તેનો પાયો દૃઢ થઈ ગયો એવું ન સમજી લેવાય. સત્સંગમાં રહીને વ્યક્તિ આ લોકનો લાભ ઉઠાવતા શીખ્યા હોય અથવા પોતાની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા પૂરી કરતા શીખ્યા હોય તેને સત્સંગ શું છે એ જ ઓળખાતું નથી. એવા જે સત્સંગના આશ્રિતો (આચાર્ય, બ્રહ્માચારી, સાધુ, સંત્સંગી) તે ભલે પોતાની આખી જિંદગી સત્સંગમાં કાઢે તો પણ સત્સંગને તેઓ સમજી શકતા નથી. પુત્રની સાચી કિંમત માતા સમજી શકે છે કારણ કે તેણે તેની પાછળ પોતાનું જીવન રેડયું છે, ભોગ આપ્યો છે. તેમ સત્સંગને માટે જેણે પોતાની જાતને ઘસી છે, સત્સંગની પુષ્ટિ માટે જે જીવે છે એવા સંત છે અને તેમાંથી જેને ગુણ લીધાનો સ્વભાવ છે તેનો પાયો સત્સંગમાં દૃઢ થાય છે. નહિ તો પોતાના અંગત સ્વાર્થ માટે તો વ્યક્તિ મરી પણ જાય છે. મહેનતની કિમત નથી. એ મહેનત કોના માટે છે એની કિંમત છે. જ્યારે સંત છે એ સત્સંગને માટે અને ભગવાનને માટે કરી છૂટે છે. તેથી તેનો જો કોઈ ગુણ લે તો તેના સત્સંગનો પાયો દૃઢ થાય છે પણ જે સત્સંગનો પાયો ખોદવાની પ્રવૃત્તિ કરતા હોય ને તેનો ગુણ લે તો તેનો પાયો કેવી રીતે દૃઢ થાય ! ઉલ્ટો સત્સંગમાંથી પાયો ઉથલી જાય.

ઉત્તરનું તાત્પર્ય એ છે કે સત્સંગના પાયાનું જે જતન કરે છે, સત્સંગના સિદ્ધાંતોનું જે જતન કરે છે, તેને માટે પોતાનું જીવન હોમી દીધું છે, તેનો ગુણ આવે ત્યારે તેનો પાયો સત્સંગમાં દૃઢ થાય છે અને તેનો ગુણ ન આવે તો સત્સંગમાં પાયો દૃઢ ન થાય.

સંત, શાસ્ત્રો અને પોતાનો વિચાર …..

અહીં મહારાજ કહે છે આ ત્રણે વાનાં હોય ત્યારે ઈન્દ્રિયો અતિશય જીતાય છે. કોઈ એક વાતથી ઈન્દ્રિયો જીતાતાં નથી. શાસ્ત્રોમાં તો બતાવ્યું હોય પણ તેને જીવનમાં, વર્તનમાં કેમ લાવવું તે સામાન્ય વ્યક્તિ જાણતી નથી. માટે સંત તેની યુક્તિ બતાવે છે. કારણ કે તેણે શાસ્ત્રોને પોતાના જીવનમાં ઉતાર્યા હોય છે. તેઓ તે માર્ગે ચાલવાના ભોમિયા હોય છે. માટે મહારાજ કહે સંત જે જે ઈન્દ્રિયો જીત્યાની યુક્તિ બતાવે તે ગરજ રાખીને પોતાના જીવનમાં કેમ ઉતારવી તેવો સવળો વિચાર આપણે કરવાનો હોય છે અને શાસ્ત્રો દ્વારા સંત અને ભગવાનનું માહાત્મ્ય સમજવાનું છે. એ ત્રણે ભેળા થાય ત્યારે ઈન્દ્રિયો સારી રીતે જીતાય છે.

વળી ઈન્દ્રિયો જીતવાથી અંતઃકરણ જીતાય છે કે અંતઃકરણ જીતવાથી ઈન્દ્રિયો જીતાય ? તેનો ઉત્તર પણ મહારાજે કર્યો કે ઈન્દ્રિયો જીતવાથી અંતઃકરણ જીતાય છે, પણ કેવળ અંતઃકરણ જીતવાથી ઈન્દ્રિયો સારી રીતે જીતાઈ જતાં નથી. મહારાજ કહે છે કે ઈન્દ્રિયો જીત્યા પછી પણ પંચ વર્તમાનમાં દૃઢપણે રહે તો અંતઃકરણ માંહિલી કોરથી નિરાશ થઈ જાય છે કે આ દેહે આ વાત નહિ બને માટે મન પણ શાંત બની જાય છે. માટે તે બાહ્ય ઈન્દ્રિયો જીતવા માટે પ્રથમ પ્રયાસ કરવો જોઈએ. તેના ઉપાયો એ છે કે વૈરાગ્ય, સ્વધર્મ, તપ અને નિયમ આ ચારવાનાંએ કરીને બાહ્ય ઈન્દ્રિયો જીતાય છે – વચ.અં.૧૧. માટે અહીં પણ મહારાજ એ જ વસ્તુ બીજા શબ્દોમાં કહે છે કે ઈન્દ્રિયો જીતવામાં સૌથી વધારે મહત્ત્વનું નિયમ પાલન છે. બીજું તપ છે. તપથી ઈન્દ્રિયો ઢીલાં પડે છે ને બેકાબૂ બનતાં અટકે છે અને ત્રીજું વૈરાગ્ય. રાગ એ ઈન્દ્રિયોને મૂળથી બેઠા કરનારો છે અને ઈન્દ્રિયોની આજીવિકાને જીવિત રાખનારો છે. તેથી વૈરાગ્ય ઈન્દ્રિયો જીતવામાં ખૂબ સહાય કરે છે અને મહારાજની આજ્ઞા વિષમ દેશકાળથી રક્ષણ કરે છે. તેથી આ બધાના સહયોગથી ઈન્દ્રિયો જીતાય છે. ભગવાનના મહિમાનો વિચાર, ધ્યાન તથા આત્મનિષ્ઠા એટલા વાનાંથી અંતઃકરણ જીતાય છે. બાહૃા ઈન્દ્રિયો વધારે બલિષ્ઠ થઈને ઉન્મત્ત ન થાય તો તે જીતાય છે ને અંતઃકરણ નવરું ન રહે ને સતત ભક્તિ અને ભગવાન સંબંધી સત્ક્રિયામાં તલ્લીન રહે તો તે જીતવા સુગમ પડે છે.