પ્રતિપાદિત વિષયઃ
ભગવાનનું સ્વરૂપ સમજવું.
મુખ્ય મુદ્દાઃ
૧. ભગવાનમાં માયિક ભાવ બિલકુલ છે જ નહિ.
ર. ભગવાન જે બતાવે છે તે જેમ નટ ખેલમાં બતાવે છે તેમ છે. ભગવાન તો પરમ શુદ્ધ છે એમ માનવું.
વિવેચન :–
આ વચનામૃત નટની માયાનું વચનામૃત છે. જેમ નટવિદ્યાવાળો હોય તે રાજા સામે ખેલ કરે છે. પ્રથમ શસ્ત્ર બાંધી આકાશમાં ઈન્દ્રના શત્રુ જે અસુરના યોદ્ધા તેની સાથે લડવા જાય છે. પછી કટકા થઈને હેઠો પડે. તેને ભેગા કરીને નટની સ્ત્રી બળી મરે. પછી થોડીક વારે તે નટ પાછો આકાશમાંથી હથિયાર બાંધીને જેવો હતો તેવો જ પાછો આવે ને રાજા પાસે મોજ માગે છે અને કહે છે જે ‘મારી સ્ત્રી લાવો’. રાજા મૂંઝાઈ જાય છે. તે રાજાના સિંહાસન નીચેથી જ સંતાયેલી પોતાની સ્ત્રીને કાઢે છે. ત્યારે રાજા ને તેના બધાજ પ્રેક્ષકગણને અતિ આશ્ચર્ય થઈ જાય છે. આ નટે શું કર્યું ? કેમ કર્યું ? કયારે કર્યું ? તેની કોઈને કાંઈ કળ પડતી નથી. નટના કટકા થઈ જાય, તેની સ્ત્રી તેને લઈને બળી મરે ને પાછો ફરીને નટ આવ્યો ત્યારે પહેલા બળી મર્યો તેનું શું ? ખરેખર તો તે બળી મર્યો જ નથી.
મહારાજ કહે છે તેમ ભગવાનનું સ્વરૂપ કેવું છે ?તો ‘યત્ર ત્રિસર્ગો મૃષા’ જેમાં માયાનો ભાગ છે જ નહિ એવા ભૂત, ઈન્દ્રિયો, અંતઃકરણ, દેવતા ત્રિકાળમાં છે જ નહિ. તો પરમાત્મા મનુષ્યરૂપે થયા હોય ત્યારે દેખાય છે તેનું શું સમજવુ ? તે માંદા પડે છે, ડરે છે, ભાગે છે, મારું તારું કરે છે. ઝઘડો કરે છે. બીજાને મારી પણ નાખે છે. તો આ બધું શું સમજવું ?
તો એવું બધું તો નટમાં પણ દેખાતું હતું. તે મરી ગયો, બળી પણ ગયો ને પાછો ત્યારે ને ત્યારે કોઈને કળ્યામાં ન આવે તેમ આવ્યો. તેમાં કયાં કોઈની બુદ્ધિ પહોંચે છે ? તેમ ભગવાનમાં કદાચ આ બધું દેખાય તો બે કારણ હોઈ શકે. એક તો સામે જોનારા છે તેનું માથું ફરી ગયું હોય. જેમ કોઈને કમળો થાય તો પીળું દેખાય. રંગીન ચશ્મા હોય તો તેવું દેખાય પણ વાસ્તવમાં તેવું નથી અથવા તો બતાવનારો ખૂબ જ મોટો ખેલાડી હોય. કોઈ મોટો જાદુગર હજારોની સામે નજર ચૂકવીને ન હોય તે બતાવી દે અને વાસ્તવિકતાને ઢાંકી પણ દે. તેમ વેદો, શાસ્ત્રો અને પરમાત્માને યથાર્થ જાણનારા કહે છે કે ‘યત્ર ત્રિસર્ગો મૃષા’ જે પરમાત્મામાં માયાને સર્ગ છે જ નહિ. તો પછી દેખાય છે તેમાં સંશોધન કરવું જોઈએ કે કયા કારણથી દેખાયું ? ભગવાનમાં અત્યારે તો નથી પણ ભવિષ્યમાં પણ તે કયારેય હોવાની શકયતા નથી.
વળી ‘ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકં સત્યં પરં ધીમહિ ।’ (ભાગ.૧–૧–૧) ધામ જે પોતાનું સ્વરૂપ, પોતાનું શ્રીઅંગ તેણે કરીને ટાળ્યું છે માયાનું કપટ જેણે એવા પરમ સત્યસ્વરૂપ પરમાત્મા છે. માટે આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિષે જેવું ભગવાનનું સ્વરૂપ અતિ શુદ્ધ ને અનંત ઐશ્વર્યયુક્ત છે. તેવું જ પ્રત્યક્ષ મનુષ્ય સ્વરૂપ ભગવાનને વિષે જાણવું. તેણે તત્ત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય.
ભગવાન મનુષ્યરૂપે થાય ત્યારે જન્મે, બાળક થાય, યુવાન થાય ને મરી જાય. એવું અજ્ઞાની માણસોને દેખાય અને ભગવાન પોતાને વિષે દેખાડે પણ ભગવાનના એકાંતિક સાધુના વચનને વિષે વિશ્વાસ લાવીને ભગવાનના ચરણકમળને ભજે છે ત્યારે તેની માયિક દૃષ્ટિ મટે છે ને એની એ જ ભગવાનની મૂર્તિ સત્, ચિત્અને આનંદમય પરમ ચૈતન્ય સ્વરૂપ દેખાય છે અને મનુષ્યભાવો દેખાય છે તે તો પોતાની યોગમાયા છે. વાસ્તવમાં તો ભગવાન જેવા છે તેવા ને તેવા જ છે. એમ અખંડ અવિનાશી એકરૂપ સમજે છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાને દેહ મૂકયો ત્યારે રુકિમણી આદિક પટરાણીઓ ભગવાનને લઈને સતી થઈ ત્યારે બીજા માયિક દૃષ્ટિવાળાએ જાણ્યું કે તે મૃત્યુ પામ્યી પણ દિવ્યદૃષ્ટિવાળાએ જાણ્યું જે અત્રેથી અંતર્ધ્યાન થઈને બીજે જણાઈ છે. મહારાજે શરીર છોડયું ત્યારે દાદાખાચરને અતિ શોક થયો ત્યારે ગોપાળાનંદ સ્વામીએ વાડીમાં બેઠકે મોકલ્યા ત્યાં મહારાજ સભા ભરીને બેઠેલા. વળી સદ્.ગુણાતીતાનંદ સ્વામીને શોક થયો ને મૂર્છા આવી ગઈ તો મહારાજે તુર્ત બેઠા કરીને ઠપકો આપ્યો કે અમને મરી ગયા જાણો છો ? અમે મરી જઈએ એવા છીએ ?
માટે ભગવાનમાં તે ભાવો ત્રિકાળમાં છે જ નહિ; પરંતુ અજ્ઞાની માણસો છે તે ભગવાનને સાકાર સમજે તો માણસ જેવા સમજે અને નિરાકાર સમજે તો બીજા આકાર માયિક છે તેમ ભગવાનના આકારને પણ તેવા જ જાણે. માટે ભગવાનને યથાર્થ જાણ્યા વિના બંને પ્રકારે અવળું પડે છે અને ભગવાન તો સદા સાકાર જ છે અને કોઈ પણ લોકમાં કાર્યને અર્થે જાય છે તો જે તત્ત્વને ગ્રહણ કરે છે તે પણ દિવ્ય સ્વરૂપ બની જાય છે.
જેમ અગ્નિ લોઢામાં પ્રવેશ કરે ત્યારે તો તેનો કાળો વર્ણ અને શીતળ સ્પર્શને દાબીને અગ્નિ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. જેમ સૂર્ય ઊગે ત્યારે તારાઓ તથા ચંદ્રમા આકાશમાં હોવા છતાં તેના તેજ પોતામાં લીન કરી સૂર્ય પોતે એક જ આકાશમાં ઝળહળે છે. બીજા બધાને પોતાના તેજથી ઢાંકીને લીન કરી દે છે. તેમ ભગવાન જ્યાં જેમાં પ્રવેશ કરે તેને પોતામાં લીન કરી પોતે એકલા જ રહે છે. જ્યારે તેનાથી નોખા પડી જાય ત્યારે જેવા હોય તેવા રહે છે. જે અનહદતા દેખાતી હતી તે તો પરમાત્માની હતી.
માટે ભગવાનનું સ્વરૂપ કેવું છે ? તો સાકરના રસનું નાળિયેર હોય તો તેમાં પાણી, ટોપરું, કાચલી, છોતરાં વગેરે વિભાગ દેખાય છે પણ તત્ત્વ ભેદ નથી. વ્યવહાર સિદ્ધ કરવા માટેના વિભાગ છે નહિ તો કહેશે નાળિયેરની ચોટલી કયાં ? નથી, તો વિધિમાં ન ચાલે. માટે વિભાગી કરણ છે તેમ ભગવાનમાં દેહ ઈન્દ્રિયો અંતઃકરણના ભાવ દેખાય છે તે તત્ત્વોનું જુદાપણું નથી. એક ચૈતન્ય તત્ત્વ જ છે, પણ ભગવાન અલગ અલગ બતાવે છે. એવું સમજે તો તેને કયારેય ભગવાનના સ્વરૂપમાં મોહ કે ભ્રાંતિ થતી નથી.
મહારાજ કહે કે ભગવાનનું જે એવું દિવ્ય સ્વરૂપ તે કેને સમજ્યામાં આવે ? તો જેને એવો વિશ્વાસ હોય જે આત્યંતિક પ્રલયને અંતે પણ ભગવાન ને તેના ભક્ત અક્ષરધામમાં દિવ્ય રૂપે રહે છે. કાળ તેમને કાંઈ કરી શકતો નથી. વળી તે ભગવાન તથા તે ભક્તોનું કોટી કોટી સૂર્ય, ચંદ્ર સરખું તેજ છે અને તે જ કૃપા કરીને(ખાસ કરીને મારા ઉપર) અહીં સર્વ શક્તિઓ સહિત પૃથ્વીપર પધાર્યા છે. તે મનુષ્ય જેવા છે તો પણ છે તો તેના તે જ. એવું સમજીને પૃથ્વી પર રહેલા સ્વરૂપને અક્ષરધામને વિષે રહેલું સ્વરૂપ તે બન્નેમાં લેશમાત્ર ફેર નથી. એમ દૃઢપણે સમજે તેણે તત્ત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય અને તેને માયાની નિવૃત્તિ થઈ જાય છે. તેને કલ્યાણના માર્ગમાં વિધ્ન આવતું નથી.
આવી રીતે જાણ્યામાં સંશય હોયે, તે ઉર્ધ્વરેતા બ્રહ્મચારી હોય તથા મહા ત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થાવું અતિ કઠણ છે. એવી પાકી નિષ્ઠા થઈ હોય તો કયારેય ભગવાનને નિરાકાર પણ માને નહિ.