પ્રતિપાદિત વિષયઃ
ઉપાસનાની દૃઢતા કરવી.
મુખ્ય મુદ્દાઃ
૧. શ્રીકૃષ્ણ ભગવાને દરેક મૂર્તિનો ભાવ પોતામાં બતાવ્યો માટે સર્વ અવતારોમાં કૃષ્ણાવતાર શ્રેષ્ઠ છે.
ર. શ્રીજી મહારાજે કૃષ્ણાવતારના પણ સર્વ ભાવો પોતાની મૂર્તિમાં બતાવ્યા તે ઉપરાંત પણ એવા ભાવો બતાવ્યા જે તે અવતારમાં નથી બતાવ્યા માટે મહારાજ અવતારોના અવતારી છે એમ માનીને ભજવા.
વિવેચન :–
આ વચનામૃત ઉપાસનાની દૃઢતાનું છે. ઉપાસનાની દૃઢતા એટલે શું ? તો આપણને(મને)મળ્યા એવા મહારાજ સૃષ્ટિના તમામ સ્થાનોના માલિક છે. એવી દૃઢતા કરીને મહારાજને ભજવા. તેને ઉપાસનાની દૃઢતા કહેવાય. એ વસ્તુને મહારાજે શ્રી કૃષ્ણાવતારનુ દૃષ્ટાંત બતાવીને સમજાવ્યું છે. મહારાજ કહે છે કે સર્વ શાસ્ત્રમાં નજર ફેરવીને જોયું ત્યારે એમ જણાયું જે શ્રીકૃષ્ણ જેવો અવતાર સર્વ શક્તિએ યુક્ત બીજો કોઈ નથી થયો. કેમ જે બીજી જે સર્વે પોતાની અનંત મૂર્તિઓ ભિન્ન ભિન્નપણે રહી છે. તે સર્વેના ભાવ શ્રીકૃષ્ણ ભગવાને પોતાને વિષે દેખાડયા.
ઉપનિષદોમાં ૠષિઓ ભેળા થઈને એવી જિજ્ઞાસા કરે છે કે આપણે કોનું ધ્યાન કરવું? ‘કશ્ચ ધ્યેય’ ત્યારે સંશોધન કરીને તેઓ જ સમાધાન કરે છે કે ‘કારણં તુ ધ્યેય’ સૃષ્ટિનું જે કારણ હોય તેનું ધ્યાન કરવું. ત્યારે બીજી જિજ્ઞાસા ઊભી થાય છે કે આ સૃષ્ટિનું કારણ કોણ ગણાય ? ત્યારે તેનું સમાધાન પણ આપે છે કે ‘યતો વા ઈમાનિ ભૂતાનિ જાયન્તે…’ ‘જન્માદ્યસ્ય યતઃ ।’ (બ્રહ્મસૂત્રઃ૧–૧–૨) જે આ અનંત કોટિ બ્રહ્માંડોનું સર્જન જીવના કલ્યાણને અર્થે કરે છે તે પોતે જ જગત કારણ કહેવાય. તે જ સૃષ્ટિ સર્જનના અનુસંધાનમાં સદ્. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે કે દરેક બ્રહ્માંડ સર્જીને દરેક બ્રહ્માંડમાં દશ દશ મૂર્તિઓ સૃષ્ટિ વહન અને જગત કલ્યાણ માટે રહી છે. એટલે કે ભગવાને પોતાની દશ દશ મૂર્તિઓ દરેક બ્રહ્માંડમાં રાખી છે સંગણ અને ચાર નિર્ગુણ. એ જ વાત મહારાજ અહીં વચનામૃતમાં કરે છે. એક કરતાં બીજા અવતારની ગરિમા એમાં છે કે પોતાની મૂર્તિમાં દશે દશ કેન્દ્રોની મૂર્તિઓ–વિભૂતિઓ બતાવે. તમામ વિભિૂતઓ પોતાને આધીન બતાવી શકે. તેની ઉપરવટ પોતાની શક્તિ ઐશ્વર્ય બતાવીને અવતાર કાર્યો કરે. ત્યારે એ અવતાર સર્વ શક્તિએ યુક્ત ગણાય અથવા બીજા અવતારની અપેક્ષાએ મોટા અવતાર ગણાય.
મહારાજ અહીં કહે છે કે જે શ્રીકૃષ્ણ ભગવાનને પોતાના અવતાર કાર્યમાં અને અવતાર ચરિત્રોમાં પ્રથમ લક્ષ્મીપતિ વૈકુંઠનાથરૂપે ચતુર્ભુજ વસુદેવ દેવકીને દર્શન દીધું. માતા યશોદાને મુખમાં બ્રહ્માંડ દેખાડયું તેથી સહસ્ત્રશીર્ષા જે અનિરૂદ્ધપણું પોતામાં બતાવ્યુ. અક્રૂરને યમુનામા શેષશાયીરૂપે દર્શન દીધું. અર્જુનને રણસંગ્રામમાં વિશ્વરૂપે દર્શન આપી વૈરાટ નારાયણરૂપે પોતાનું દર્શન દીધું, ગોલોકવાસી રાધાકૃષ્ણ તો પોતે જ હતા. અર્જુનને ભૂમાપુરુષરૂપે દર્શન દીધું તથા શ્વેતદ્વીપવાસી વાસુદેવ તો પોતે જ હતા તથા નરનારાયણ તો સમગ્ર ભારતમાં શ્રીકૃષ્ણને જ કહ્યા છે.
શ્રી કૃષ્ણ ભગવાનને પોતાની મૂર્તિને વિષે સૃષ્ટિના તમામ વાહક સ્થાનોનાં ઐશ્વર્યો, વિભૂતિઓ, શક્તિઓ પોતાની મૂર્તિમાં પોતાના લોકોત્તર ઐશ્વર્યથી બતાવી તથા સૃષ્ટિના કલ્યાણવાહક સ્થાનો બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક આદિ ધામમાં રહેલ મૂર્તિઓનુ દર્શન પણ પોતાની મૂર્તિમાં કરાવ્યું તથા તે તે ધામમાં રહેલી વિભૂતિ–ઐશ્વર્ય, શક્તિઓ પોતામાં પ્રસંગે પ્રસંગે અવતાર ચરિત્રોમાં બતાવી પણ પોતે કોઈ મૂર્તિમાં લીન થયા નહિ તથા કોઈ ઐશ્વર્યને આધીન થયા નહિ. તેથી તેના જેવો બીજો કોઈ અવતાર નથી. આવી રીતે સૃષ્ટિનું સર્વ કારણપણું તથા તમામ વિભૂતિનું નિયંતાપણું તથા સમગ્ર સ્થાનોનાં ઐશ્વર્યોનું ધારવાપણું જે મૂર્તિમાં અનુસંધાન કરીને તેનું ભજન કરવામાં આવે ત્યારે તે મૂર્તિની ઉપાસના કરી કહેવાય.
આ વચનામૃતના અનુસંધાને મહારાજના ચરિત્રો તપાસીને તથા મહારાજનું સાંગોપાગ અવતાર કાર્ય જોઈને મહારાજને આપણે કેવા જાણવા એ આપણે જ નિર્ણય કરવાનો છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાનનું દૃષ્ટાંત લઈને મહારાજે સમજાવ્યું. તેમ તે તે મુદ્દાઓ વિષે કે તેથી પણ વધુ કાંઈ મહારાજે પોતાના ચરિત્રોમાં કે જીવનકાર્યમાં કર્યું છે ? તો મહારાજને તેવા જાણીને મહારાજની આપણે ઉપાસના કરવાની છે.
મહારાજે સમાધિ પ્રકરણમાં તથા પ્રસંગે પ્રસંગે પોતાની મૂર્તિમાં બીજી મૂર્તિઓનું દર્શન કરાવ્યું. પોતાના પ્રતાપથી બીજા ધામોની વિભૂતિઓ, ઐશ્વર્ય બતાવ્યાં અને કોઈ અવતારો ન બતાવી શકયા હોય તેવું પોતાની મૂર્તિમાં બતાવ્યું હોઈ તે બધું મેળવીને તુલના કરવાથી આપોઆપ મહારાજ કોણ છે તેનો અંતરમાં રણકાર ઊઠશે. પછી મહારાજને એવા મહિમા સાથે ભજવા એને ઉપાસના ગણાય.
મહારાજ કહે છે કે એવી રીતે જે ભક્તની પ્રત્યક્ષ શ્રીકૃષ્ણના (મહારાજના) સ્વરૂપમાં અચળ મતિ હોય તે કલ્યાણના માર્ગમાંથી પડે નહિ અને તેનું કલ્યાણ થાય તે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ એટલે શું ? તો વચનામૃતના ઉપસંહારમાં સંતો જ કહે છે કે સર્વે સંતો–ભક્તે શ્રીજી મહારાજને વિષે સર્વ કારણપણાની દૃઢતા કરતા હતા.’મહારાજ કહે આ વાતની જેના અંતરમાં દૃઢતા થઈ હશે તેને કદાચ કોઈ વિધ્ન આવ્યું તો પણ તે કલ્યાણના માર્ગમાંથી કયારેય પડતો નથી. અને એવી દૃઢતામાં ખામી હશે તો કોઈ રીતે ખામી ભાંગતી નથી.’ (ગ.મ.૧૩).