પ્રતિપાદિત વિષયઃ
નિશ્ચયની દૃઢતા કરવી.
મુખ્ય મુદ્દાઃ
૧. ભગવાનનું પરસ્વરૂપ તથા અવતાર સમયે મનુષ્ય સ્વરૂપ તે બન્નેની રીતને યથાર્થ પણે જાણવી.
ર. મનુષ્ય સ્વરૂપમાં પરસ્વરૂપનું અનુસંધાન કરવું.
વિવેચન :–
આ વચનામૃત નિશ્ચયની દૃઢતા કરવાનું છે. વચનામૃતમાં મુનિ બાવાએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછયો છે. જે પ્રથમ તો ભગવાનનો નિશ્ચય હોય ને ભજન સ્મરણ કરતો હોય અને પછી ભગવાનનાં મનુષ્ય ચરિત્ર દેખીને તે નિશ્ચયમા સંશય થઈ જાય છે તેનું શું કારણ છે ?
ત્યારે સ્વામીથી તે ઉત્તર થયો નહિ ત્યારે મહારાજ ઝાઝીવાર વિચારીને બોલ્યા. જે વેદાદિક શાસ્ત્રોમાં ભગવાનનું સનાતન અનાદિ દિવ્ય એવું મૂળ સ્વરૂપ પોતાના અક્ષરધામમાં રહ્યું છે. તે કહ્યું છે, વર્ણવ્યું છે અને ભગવાન બ્રહ્માંડમાં દેહનું ધારણ કરે છે ત્યારે તેનું વર્તન કેવું હોય તે પણ કહ્યું છે. તે બન્ને સ્વરૂપને એક કરીને જીવમાં દૃઢતા કરવી તે નિશ્ચય કહેવાય અથવા તેની દૃઢતા કહેવાય. તે બન્ને સ્વરૂપ જુદાં નથી. જુદાં તો કથન માત્ર છે. મનુષ્યને સમજાવવા માટે અથવા જીવમાં ઉતારવા માટે ‘એ’ અને ‘આ’ એવા ભેદ પાડેલા છે. પણ વાસ્તવમાં દ્વિવિધતા છે જ નહિ. એવું જીવમાં જડાઈ જવું તેને નિશ્ચય કહેવાય છે. એની અતિ દૃઢતા થઈ હોય તો ભગવાનના મનુષ્ય સ્વરૂપમાં કયારેય અનિશ્ચયનો ઘાટ થાય નહિ. જેટલી દૃઢતામાં કચાશ હોય તેટલો તેને સંશય થાય છે.
માટે ભગવાનનું દિવ્ય ધામસ્થ સ્વરૂપ અને તેની રીતભાત વગેરે કેવાં છે તેને સારી રીતે જાણવા જોઈએ અને તે જ ભગવાન બ્રહ્માંડમાં દેહ ધરીને આવે ત્યારે તેની રીતભાત પણ જાણવી જોઈએ. તે શું શું કરે અને શું શું ન કરે તે બધુ જાણવું જોઈએ. પછી બન્ને ભાવોને એક જ સ્વરૂપમાં જોઈને મનુષ્યભાવના છેદ ઉડાડીને નિશ્ચય કરવો જોઈએ અને તે વાતની અતિ દૃઢતા કરવી જોઈએ. પછી ભગવાનમાં સંશય થતો નથી.
અહીં વચનામૃતમાં મહારાજ કહે છે કે ભગવાનનું પોતાના ધામમાં રહ્યું જે દિવ્ય સ્વરૂપ તે કેવું છે ? તો ચક્ષુ ઈન્દ્રિયે કરીને દીઠામાં આવતું યત્કિંચિત જે રૂપ તેના જેવું એ ભગવાનનું રૂપ નથી પણ અતિ અલૌકિક દિવ્ય આનંદપ્રદ અને કલ્પનાતીત એવું ભગવાનનું રૂપ છે. તેમાં જે તે ઈન્દ્રિયો દ્વારાએ ગ્રહણ થતાં જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ તેવાં જ અને તેટલાં જ ભગવાનની મૂર્તિ સંબંધી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ નથી પણ તેથી અતિ વિલક્ષણ, અતિ અલૌકિક, કલ્પનાથી પણ અતિ આનંદપ્રદ એવા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધવાળા ભગવાન છે. તેમજ અંતઃકરણના વિષયથી પણ અતિ અપાર ભગવાનનું સ્વરૂપ છે. તેમજ આ બ્રહ્માંડમાં કોઈ વસ્તુની ભગવાનને ઉપમા દઈ શકાય તેવું નથી કે ભગવાન આવા રૂપાળા છે વગેરે. તેમજ ભગવાનના ધામમાં સુખ છે તેને પણ કોઈ ઉપમા દઈ શકાય તેવું નથી. એવું ભગવાનના ધામનું સુખ છે. ભગવાનની જેવી આકૃતિ છે, વેશ રચના અથવા સૌંદર્ય ઘટકતા છે તેવી અનંત કોટિ બ્રહ્માંડમાં કોઈની નથી કે જેની ભગવાનની મૂર્તિને ઉપમા દઈ શકાય.
સજાતીય હોય અને મનુષ્ય મનુષ્ય વચ્ચે એટલું બધું સાદૃશ્ય નથી કે જેથી કહી શકાય કે આના જેવો આ છે. કારણકે બન્નેમાં કાંઈક વિલક્ષણતા હોવાની જ. જેમ મહારાજ કહે આ ભગો–મૂળો બન્ને સરખા દેખાય છે પણ થોડા દિવસ સાથે રહીએ તો વિલક્ષણતા પકડાઈ જાય. તો અતિ વિલક્ષણ એવા પરમાત્માને કોના જેવા કહી શકાય અને માયિક અમાયિકને સરખા કેમ કહેવાય ? ન જ કહી શકાય. એવું ભગવાનનું ધામમાં રહેલું સ્વરૂપ છે. તે મહારાજાધિરાજ સ્વરૂપ છે. તે અનંત દિવ્ય સમૃદ્ધિથી વીંટળાયેલા છે.
જેમ મોટા ચક્રવર્તી રાજાની સમૃદ્ધિ ગણતરીમાં આવતી નથી તો ભગવાનની સમૃદ્ધિ, સત્તાની તો વાત જ શી કરવી ? જેની આગળ બ્રહ્માદિક ઈશ્વરો તો તેને સતત પ્રાર્થના કરે છે. એવું ભગવાનનું સ્વરૂપ છે. પણ જ્યારે તે ભગવાન આ બ્રહ્માંડમાં દેહ ધરે ત્યારે જેવો દેહ ધાર્યો હોય તેવી જ ચેષ્ટાઓ કરે છે અને મનુષ્ય રૂપે થયા હોય તો પણ યુગ, અવસ્થા, રીતભાત બધું જ આ લોક પ્રમાણે જ કરે છે, પણ ધામમાં રહેલા રૂપ આદિકનો પ્રકાશ અહીં કરતા નથી. જન્મ, બાળ, યુવાન, મૃત્યુ વગેરે તથા માંદગી, ડર, રુદન, ક્રોધ વગેરે ધર્મો તથા મારું–તારું, પક્ષપાત, ભૂખ, તરસ વગેરે ભાવો અતિ અદલ રીતે પોતામાં બતાવે છે. તે ભાવોને ઉલ્લંઘીને અતિ દિવ્ય રૂપે જેવા પોતે છે તેવે રૂપે વર્તવા લાગી જતા નથી. એને મનુષ્ય નાટકનું અનુસરણ કહેવાય. તેનું વર્ણન પણ શાસ્ત્રોમાં કરેલું છે. તે બેય રૂપનું યથાર્થ શ્રવણ મનન કરીને પછી દૃઢપણે નક્કી કર્યું હોય તો મનુષ્ય ચરિત્ર દેખીને નિશ્ચય ટળે નહિ. એવી રીતને સમજવામાં કસર હોય તેને ભગવાનમાં સંશય થાય છે.
મહારાજ કહે છે કે ભગવાન મનુષ્ય ચરિત્ર કરતા હોય ત્યારે જે મુમુક્ષુ અથવા સાધક બુદ્ધિવાન હોય અર્થાત્આત્મકલ્યાણના ખપવાળો હોય તેને ભગવાનમાં કામ, ક્રોધ અથવા મારું તારું, સ્વાર્થ આદિક દેખાય તો પણ આ જગતના માણસોમાં જેવા છે એવા નથી પણ તેનાથી કાંઈક વિલક્ષણ છે. એવી તેને અંતરમાં પ્રતીતિ થાય છે. ભગવાનના સાચા ભક્ત એકાંતિક સંત હોય તો પણ તેના સ્વાર્થ કે મારા તારામાં જગત કરતાં વિલક્ષણતા હોય છે. તે ખપવાળાને અનુભવાય તો પછી ભગવાનમાં તો તે વિલક્ષણતા અનુભવાય તેમાં શું કહેવું ? જરૂર અનુભવાય. માટે મહારાજ કહે જગતના જીવો છે તેના જ્ઞાન–વૈરાગ્ય હોય તેના કરતાં પણ પરમાત્માના જ્ઞાન, વૈરાગ્ય વિલક્ષણ હોય છે ને અનેકના કલ્યાણકારી હોય છે. તેમ ભગવાનમાં દેખાય તો મનુષ્યભાવ તથા તેના અંગે બીજાને દેખાતા દોષો પણ બીજાના જેવા હોતા નથી, પણ વિલક્ષણ હોય છે.
મહારાજે કહ્યું શંકરસ્વામીએ રાજાના કુંવરના શરીરમાં પ્રવેશ કર્યો ત્યારે બુદ્ધિશાળી રાણી જાણી ગઈ કે આ જુદો જીવ છે. શૃંગાર ચેષ્ટાઓ તો છે પણ વિલક્ષણ છે. તેમ ખપવાળાને ભગવાનમાં દેખાય છે.
ત્યારે મહારાજ કહે, કોઈને એમ શંકા થાય કે થોડી વિલક્ષણતા બતાવે ત્યારે ભગવાનપણાનો નિશ્ચય થાય તો વધુ ચમત્કાર બતાવે તો વધુ નિશ્ચય થાય. તો મહારાજ કહે તેમ ન થાય. સજાતીયતા અને વિલક્ષણતા એ બન્નેનો સમન્વય થવો જોઈએ. સજાતીય ચેષ્ટાઓ તથા ચરિત્ર કરતાં કરતાં જીવની શક્તિ ટૂંકી પડે તેવી થોડી થોડી વિલક્ષણતા બતાવતા જાય તો સજાતીયતાથી જીવને સુવાણ્ય થતી જાય અને વિલક્ષણતાથી નિશ્ચય દૃઢ થતો જાય. પોતાના અંતરમાં કલ્યાણ થવાની પ્રતીતિ થતી જાય. જો એકદમ ચમત્કાર બતાવે તો જીવ ભડકીને ભાગે ને તેને મમત્વ કે સુવાણ્ય થાય નહિ.
મહારાજે સૂર્ય, અગ્નિ વિગેરેનાં દૃષ્ટાંત આપીને બતાવ્યુ કે તેના દર્શને માણસને કલ્યાણ પામ્યાનો સંતોષ થતો નથી. પણ સાચા સંતના દર્શને થાય છે. કારણ સજાતીય છે ને વળી તેમાં થોડી વિલક્ષણતા પણ છે. માટે ભગવાન પોતાના અનન્ય ભક્તને ભાવતો જેટલો જેટલો મનુષ્યભાવ બતાવે તેટલી વધારે સુવાણ્ય થાય તથા બન્ને વચ્ચે એકરસતા ઊભી થાય અને અતિ દૃઢ નિશ્ચય થાય છે.
જેને મનુષ્યભાવમાં પેલા દિવ્યભાવનું અનુસંધાન ન હોય અથવા દિવ્ય ભાવમાં મનુષ્યભાવનું અનુસંધાન ન હોય તો નિશ્ચય રહે નહિ અથવા સંશય થાય છે. માટે મનુષ્યભાવે ભગવાન વર્તે તો જ જીવને સાનુકૂળ પડે અને એમ કરતાં જો ભગવાન કોઈક કાર્યને અર્થે ઉતાવળા થઈ જાય અથવા કોઈ ભક્તને પોતાની ઈચ્છાથી દિવ્યભાવ બતાવે ત્યારે પોતાનો દિવ્યભાવ ખુલ્લો પડી જાય છે. નહિ તો તેને કેમ છુપાવવો તેના ઉપર જ ભગવાનને તાન હોય છે. માટે દિવ્યભાવ પહેલો નક્કી કર્યા પછી મનુષ્યભાવ પણ હોય અને તે કયાં સુધી હોય તે પણ સારી રીતે જાણી રાખ્યું ન હોય તો નિશ્ચયમાં વિધ્ન આવે છે. માટે તેનું શ્રવણ, મનન કરીને દૃઢતા કરવી.
લોયાનું ૧૮મુ પણ નિશ્ચયનું વચનામૃત છે. આ પણ નિશ્ચયનું જ વચનામૃત છે. વળી બન્નેમાં ઘણું ખરું સરખું વર્ણન છે. બન્નેમાં પરભાવ અને મનુષ્યભાવનું વર્ણન આવે છે. લો.૧૮મા પણ મહારાજ કહે છે કે ભગવાનનું મનુષ્ય વર્તન જોઈને કોઈને ધોખો થાય છે. અહીં પણ મનુષ્ય ચરિત્ર જોઈને નિશ્ચય ટળી જાય છે તો બન્ને વચનામૃતમાં જુદું શું છે ?
તો લોયા.૧૮માં નિશ્ચય થવા માટે દિવ્યભાવનાને કેમ વધારવી તેવી પ્રક્રિયા વધુ બતાવી છે. જ્યારે અહીં દિવ્યભાવ થયા પછી મનુષ્યબુદ્ધિ કેમ કરે તો ન આવે. તેનો ઉપાય મુખ્ય બતાવ્યો છે. બીજું લો.૧૮મા ભગવાનનો દિવ્યભાવ શા માટે સમજવો ? તો નિશ્ચય થવા માટે સમજવો. જ્યારે અહીં મનુષ્યભાવ શા માટે જાણી રાખવો ? તો નિશ્ચય થયા પછી દેખાય તો નિશ્ચયમાંથી પડી ન જવાય તે માટે જાણી રાખવો. એ બતાવ્યું છે. લો.૧૮માં જે વાત કરી છે તેમાં મુખ્ય એ છે કે જે દૃઢતા કરવાની કીધી છે તેના અભાવમાં નિશ્ચય થતો જ નથી તે બતાવ્યું છે. જ્યારે અહીં જે દૃઢતા કરવાની છે તેના અભાવમાં થયેલો નિશ્ચય રહેતો નથી તે બતાવ્યું છે. ટૂંકમાં લો.૧૮માં નિશ્ચયની સીઢી ચડવા માટે પ્રક્રિયા બતાવી છે. જ્યારે અહીં નિશ્ચયમાંથી પડતો રોકવા માટેનો ઉપાય બતાવ્યો છે. એટલો બન્નેમાં તફાવત જણાય છે.