પ્રતિપાદિત વિષયઃ
જે પોતાના કલ્યાણમાં ઉપયોગી થાય તે જ સાચી બુદ્ધિ કહેવાય તથા નિર્ગુણપણે ભગવાનમાં હેત કરવું.
મુખ્ય મુદ્દાઃ
૧. ઝાઝી બુદ્ધિ હોય પણ ભગવાન કે તેમના ભક્તનો અવગુણ લે તો તે કલ્યાણના માર્ગમાં ઉપયોગ ન થયો ગણાય.
ર. થોડી બુદ્ધિ હોય પણ પોતાનો અવગુણ ને ભગવાન અને તેમના ભક્તોનો ગુણ આવે તો પોતાના કલ્યાણનાં ઉપયોગમાં આવી ગણાય.
૩. ઈન્દ્રિયો, અંતઃકરણનાં મૂળ જીવમાંથી ઉખેડી તેથી પર થઈ ભગવાનમાં નિર્ગુણભાવે હેત કરવું.
વિવેચન :–
આ વચનામૃતમાં મુનિ બાવાએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછયો જે આવો સત્સંગનો ને ભગવાનનો યોગ મળ્યો છે ને બીજા વિકાર સર્વે ટળી ગયા છે તથા સત્સંગનો ખપ છે તો પણ માન ઈર્ષ્યા કેમ રહી જાય છે ? ત્યારે તેનો ઉત્તર મહારાજે કર્યો. તેમાં બુદ્ધિ નથી. અર્થાત્તેને સત્સંગનો ખપ છે તો પણ પોતાના આત્મકલ્યાણના લાભનું સવળું વિચારતા આવડતું નથી. માટે મહારાજ કહે છે બુદ્ધિ નથી. વાસ્તવમાં બુદ્ધિતત્ત્વનો અભાવ છે એવું નથી; પરંતુ અધ્યાત્મ માર્ગમાં પોતાના ફાયદાનું તેને વિચારતા નથી આવડતું. મહારાજ કહે છે કે મોટી બુદ્ધિ જણાતી હોય ને જો તે પોતાના અવગુણને ન વિચારતા હોય ને એની બુદ્ધિ પોતાના મોક્ષના કામમાં ન આવે તો તેને બુદ્ધિવાળો ન કહેવાય અને થોડી બુદ્ધિ હોય અને જો પોતાના અવગુણને જાણીને ટાળવાનો ઉપાય કરતો હોય તો તે બુદ્ધિવાળો કહેવાય કારણ કે તેની થોડી બુદ્ધિ પણ મોક્ષના ઉપયોગમાં આવે છે.
મહારાજે અહી વાસ્તવિક્તાને થોડી ગૌણ કરીને પરિણામલક્ષી વિચાર કર્યો છે. એક વ્યક્તિને વાસ્તવિક્તામાં બુદ્ધિ ઘણી છે; પણ તેનું સાચું પરિણામ જે તેને કલ્યાણના માર્ગમાં ફાયદો થવો જોઈએ. એ બુદ્ધિનું ફળ છે તે મળતું નથી. તો તેને બુદ્ધિ છે તો પણ તે બુદ્ધિહીન છે એમ મહારાજ કહે છે. જ્યારે એક વ્યક્તિમાં ઝાઝી બુદ્ધિ નથી પણ પોતાના કલ્યાણના માર્ગ પૂરતું તે ઘણું સારું વિચારી શકે છે. તો મહારાજ કહે છે કે તેને ઓછી બુદ્ધિ છે તો પણ બુદ્ધિવાળો છે. જે પોતાના અવગુણનો સારી રીતે વિચારીને પત્તો મેળવી શકતા હોય તેમજ ભગવાનના ભક્તોના ગુણોનો વિચાર કરીને તેની આગળ માન, ઈર્ષ્યાનો ત્યાગ કરી શકતા હોય તે જ આત્મકલ્યાણના માર્ગમાં સફળ થાય છે. એટલે તે બુદ્ધિવાળા છે ને બીજા મૂર્ખ ગણાય. એમ મહારાજ અને શાસ્ત્રો કહે છે.
પછી’સખી આજ મોહન દીઠા રે શેરીએ આવતા રે’ એ કીર્તન ગાયું ત્યારે વળી મહારાજ બોલ્યા જે આ કીર્તન ગાયું તેમાં હેત બહુ છે. હેત એ મોટી વાત છે ને હેતે કરીને ભગવાન ભજવા એ ઠીક છે; પણ સારી પેઠે વિચારીને જોયું ત્યારે એમ જણાયું જે હેત છે એ જ માયા છે. જેમ હેત છે એ જ ભક્તિનું સ્વરૂપ છે તેમ માયાનું સ્વરૂપ પણ હેત જ છે. કેમ જે સ્ત્રી અથવા પુરુષ સજાતીય જોતાં–બોલતાં સ્પર્શ કરતા હોય તેમાં બીજી રીતનું હેત હોય અને સ્ત્રી પુરુષ વિજાતીય એક બીજા વાતો કરે, જુએ, સ્પર્શ કરે વગેરે વ્યવહારમાં એક બીજાનું મન સમગ્રપણે આકર્ષિત થાય અને મન જેવુ ગુમ થઈ જાય, જેવી વિવેકહીન દશા પ્રાપ્ત થાય તેવી સજાતીયમાં ન થાય. માટે મહારાજ કહે છે કે જે થકી જગતનો પ્રવાહ વહે છે એટલે કે જન્મમરણનું ચક્ર ચાલુ રહે છે અને જે જીવને સંસૃતિ અને બંધન કરનારી છે એવી જે માયા તે જ હેત રૂપે છે અર્થાત્વિજાતીય હેત રૂપે છે.
વળી મહારાજ કહે છે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચ વિષય બીજે ઠેકાણેથી મિથ્યા કરીને એક ભગવાનમાં જ આત્યંતિક સુખ જાણીને જોડાયા હોય તે તો ઠીક છે. તે માયા નથી. એટલે કે સ્ત્રી પુરુષ પ્રત્યેના વિજાતીય આકર્ષણ તો કેવળ માયા છે, પણ તેના જેવું જ જરા તેના પછીના ક્રમે આવે તેવું જીવને પંચવિષય સંબંધી સુખ છે. તેને અનુસારે હેત થાય છે ને બંધન થાય છે. ત્યારે પણ ભગવાનમાં જેવાં રૂપ, સ્પર્શાદિક છે તેવાં તો બીજા કોઈના હોતાં નથી. માટે તે દૃષ્ટિએ ભગવાનમાં હેત થાય તો ઠીક છે. તે અતિ દોષરૂપ થતું નથી.
એમ વિચારીને કહે : વળી અમને એમાં પણ ખામી દેખાણી ને વિચાર થયો જે આપણે પંચ વિષયના આધારે ભગવાનમાં જોડાઈએ ત્યારે જો કે ભગવાન તુલ્ય રૂપ આદિક વિષયો બ્રહ્માંડમાં કોઈમાં છે નહીં છતાં જીવને બીજે કયાંક ભ્રાંતિ કે વાસનાના વેગથી વધુ જણાઈ ગયું તો ત્યાં મન જોડાઈ જશે અને ભગવાનને મૂકીને બીજામાં મોહ થશે. મહારાજે ભગવાનની પટરાણીઓનું દૃષ્ટાંત આપ્યું જે તે બધી જન્માંતરે અપ્સરાઓ હતી. તેમણે બ્રહ્મા પાસે નારાયણ અમારા પતિ થાય એવો વર માગ્યો ત્યારે તપ કરવા કહ્યું અને તેઓએ તપ કર્યું. વળી અષ્ટાવક્ર ૠષિ તથા નારદજીએ પણ પ્રસન્ન થઈને વર આપેલો કે તમારા પતિ નારાયણ થશે. એવી રીતે જન્માંતરે ઘણી જ આરાધનાને અંતે શ્રી કૃષ્ણ ભગવાનને પામી હતી. પણ જો ભગવાન કરતાં સાંબમાં વધુ રૂપ જોયું તો મોહ પામી. માટે પંચવિષયને આધારે અને ઈન્દ્રિયોની સુખાનુભૂતિના આધારે ભગવાનમાં પ્રીતિ કરવી એ ઠીક નહિ. તો પછી ભગવાનમાં પ્રીતિ કેમ કરવી અથવા કયા માધ્યમથી પ્રીતિ કરવી ? વિજાતીય પ્રીતિ અતિ આકર્ષણવાળી, અતિ ગાઢ અને અતિ રાગ ઉત્પન્ન કરનારી છે; પરંતુ એ માર્ગમાં સાધકના હૃદયમાંથી ભગવાનમાં જોડાવા છતાં માયિક ભાવ દૂર થતો નથી.
મહારાજ કહે : રસિક માર્ગે હજારો ને લાખો પડી ગયા છે અને ભગવાનને તો કોઈક જ પામ્યો હશે. તેમાં બગાડ ઘણાને થયો છે ને સારું તો કોઈકનું જ થયું છે (વચ.ગમ.૩). એ માર્ગમાં ધીર પુરુષોને પણ વિવેકહીન દશા આવતાં વાર લાગતી નથી. માટે ભગવાનનો માર્ગ પણ માયારૂપે બનીને ઊભો રહે છે. બીજી રીત છે પંચ વિષયના માધ્યમથી પંચ વિષયમાં સુખબુદ્ધિથી ભગવાનમાં કરેલી પ્રીતિ. જેમ ભગવાનની સ્ત્રીઓએ અનત તપશ્ચર્યા કરીને ભગવાનને મેળવ્યા હતા પણ તેમાં પણ મતિ ભ્રમ થવાની શકયતાઓ ઘણી છે. આમ વિજાતીય બુદ્ધિથી થતી પ્રીતિ તથા પંચ વિષયને આધારે થતી પ્રીતિ જેને આપણે મધ્યસ્થ અથવા તટસ્થ પ્રીતિ કહીશું. કારણ કે જેટલુ સુખ અનુભવાય તેટલી પ્રીતિ થાય એવી મધ્યસ્થી પ્રીતિ. પણ એ બન્નેમાં વિધ્નોની મોટી સંભાવના છે. માટે મહારાજ કહે અમને સજાતીય પ્રીતિ ગમે છે. તે વિજાતીય અને મધ્યસ્થ પ્રીતિની સરખામણીમાં થોડી ધીરી છે પણ તેના મૂળ ઘણા ઊંડા છે અને વિધ્ન નહિવત્છે અથવા નથી જ.
સજાતીયતાની પ્રીતિ એટલે શું ? તો મહારાજ કહે છે કે ચોવીસ તત્ત્વોથી પોતાના જીવને જુદો જાણીને જીવમાં ખૂંતી રહેલી પંચવિષયની વૃત્તિઓને મૂળથી ઉખેડી નાખીને ઈન્દ્રિયોની વૃત્તિ વિના જીવ સત્તાપણે એટલે દેહભાવથી રહિત બ્રહ્મરૂપ થઈ ભગવાનને તુલ્યભાવ પામીને ભગવાનને સજાતીય થઈને એટલે નિર્ગુણ ભાવને પામીને ભગવાનમાં જેટલું થાય તેટલું હેત કરવું. એને નિર્ગુણ હેત કહેવાય અથવા પરમાત્માને કે જીવાત્માને સજાતીય પ્રીતિ કહેવાય અથવા સ્વામીસેવક ભાવની પ્રીતિ કહેવાય. એવી પ્રીતિમાં કોઈ વિધ્ન જ નથી. તે ધીરી હશે તો પણ લાંબો સમય વધતી જ રહેશે ને અંતે પૂર્ણ કક્ષાએ પહોંચશે.
માટે દશ ઈન્દ્રિયો રજોગુણની સંપત્તિ છે. અંતઃકરણ અને દેવતા સત્ત્વગુણની સંપત્તિ છે. પંચવિષય અને પંચભૂત તમોગુણની સંપત્તિ છે. માટે એ ત્રણ ગુણ અને તેની સંપત્તિઓનો જીવમાંથી ડંખ ઉખાડી નાખીને એવા થકા ભગવાનમાં હેત કરવું. જેમ શુકદેવ, જનક, ગોપાળાનંદ સ્વામી આદિ નંદ સંતો,પર્વતભાઈ આદિ હરિભક્તો તેમણે એવા થઈને મહારાજમાં હેત કર્યું હતું. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ તથા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થા એ ક્ષેત્ર છે. એનાથી પૃથક્પોતાને ક્ષેત્રજ્ઞરૂપે માની બન્નેનો દૃઢ વિવેક કરીને ભગવાનને વિષે ભક્તિ કરવી તે નિર્ગુણ ભક્તિ અથવા એકાંતિકી ભક્તિ કહેવાય. તેને ભગવાને શ્રેષ્ઠ ભક્ત કહ્યો છે.
માટે સર્વ માયિક ભાવના મૂળ ઉખેડીને ભગવાનમાં હેત કરવું અને જ્યાં સુધી મૂળ ન ઉખડી ગયા હોય ત્યાં સુધી ઈન્દ્રિયો અંતઃકરણથી કામ લેવું પણ તેને પોતાના હેતુ ન માનવા, વૈરી માનવા. એનો ગુણ ન લેવો. જેમકે તે ભક્તિમાં ઉપયોગી છે માટે બહુ સારા છે. તેનો વિશ્વાસ ન કરવો. કેમ જે ભક્તિ કરતાં કરતાં કયારેક સ્ત્રી આદિક કે વિષયમાં સુખ મનાવી દે તો વિધ્ન થાય. માટે રાજા પોતાના શત્રુને બેડીમાં રાખીને કામ કરાવે પણ છૂટો ન મૂકે અને જો મૂકે તો જરૂર વેર વાળ્યા વિના રહે જ નહિ. તેમ ઈન્દ્રિયોરૂપ શત્રુનો વિશ્વાસ કરીને છૂટા ન મૂકવા પણ પંચવર્તમાન રૂપ પાંજરામાં રાખીને ભક્તિરૂપી કામ લેવું અને તેમાં શત્રુભાવ રાખવો. માટે મહારાજ કહે : આવી રીતે ભગવાનમાં પ્રીતિ કરવી એ અમારો સિદ્ધાંત છે. એ રીત અમને ગમે છે. ઉત્તમ વિષયનો ભગવાનમાં લોભ દેખાડીને જગતથી કોઈપણ રીતે ઈન્દ્રિયોને પાછી વાળવી એ પણ સારું જ છે.
ત્યારે સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પૂછયું જે, હે મહારાજ ! આ જે સર્વ વિચાર તે કયા સ્થાનકે રહીને કરવો ? એટલે કે કઈ ભૂમિકાથી કરવો ? ત્યારે મહારાજ કહે કે આ વિચાર શુદ્ધ આત્મસ્વરૂપની ભૂમિકાથી કરવો.
પ્રથમ પોતાને સર્વ માયિક ટોળાથી જુદો માનીને આ વિચાર કરવો. તાત્કાલિક ઈન્દ્રિયો અંતઃકરણની પ્રબળતાને લઈને શુદ્ધ આધારભૂમિ હાથમાં ન આવવા દે તો દિલની સચ્ચાઈથી અંતર્યામી શ્રીજી મહારાજને પ્રાર્થના કરવી કે હે મહારાજ ! આપ અંતર્યામી છો. મારો આપને પામવાનો અને આપને રાજી કરવાનો શુદ્ધ આશય છે. તે આપ મારા હૃદયમા દેખો છો; પરંતુ આ બળવાન ટોળું આપની સમીપ આવતાં મને રોકે છે. આપ તો ભક્તવત્સલ છો. દયાસિંધુ છો. જો સાચે જ મારો શુદ્ધ આશય હોય તો મને મદદ કરજો. હું તમારો છું જગતનો નથી. તમારી પાસે આવવા માંગુ છું માટે હે દયાનિધે ! આપ મારી સંભાળ લેજો અને મને માર્ગ બતાવજો. એમ સાચા દિલથી નિરન્તર પ્રાર્થના કરવી અને ભગવાનમાં હેત કરવાના ઉપાયોમાં મંડયા રહેવું.