પ્રતિપાદિત વિષયઃ
પંચ વિષયમાંથી સમગ્રપણે વૃત્તિ કેમ નીકળે અને તેનો અભાવ કેમ થાય ?
મુખ્ય મુદ્દાઃ
૧. સાંખ્યની દૃષ્ટિ પામીને સર્વે લોકના સુખનો વિચાર કરે ને પરમાત્માના સુખની સાથે તુલના કરે તો બીજામાંથી મન હરીને પરમાત્માના સુખમાં મન ઠરે.
વિવેચન :–
અહીં મહારાજ સર્વે મોટા પરમહંસ તથા હરિભક્તને પૂછે છે કે ભગવાનમાં હેત હોય તથા ધર્મમાં નિષ્ઠા હોય તો પણ જો વિચારને ન પામ્યો હોય તો અતિ સારા પંચવિષય તે અતિ ભૂંડા પંચવિષય જેવા અથવા તેથી પણ અતિશય ભૂંડા જેવા થઈ જાય. એવો જે વિચાર પોતે પસંદ કરી રાખ્યો હોય તે કહો. જેથી સારા વિષય અતિ ભૂંડા થઈ જાય. સંતોએ પોત પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો.
પછી મહારાજ કહે : એ વિષયમાં અમારો વિચાર જે છે તે તમને કહું છું તે સાંભળો. જેમ કોઈકનો કાગળ પરદેશથી આવ્યો હોય તેને વાંચીને તે કાગળના લખનારાની જેવી બુદ્ધિ હોય તેવી જણાઈ આવે છે. જેમ પાંડવ, દ્રૌપદી, કુંતાજી, રૂકિમણી ઈત્યાદિક ભક્તની અનુભૂતિઓ અને ગણતરીઓ શાસ્ત્રમાંથી સાંભળીને તેમના વિચારો તથા બુદ્ધિનું પ્રમાણ થઈ આવે છે. સામાન્ય માણસ પણ વાત કરતો હોય તો તે વાતમાં તેની દૃષ્ટિ વેપારી, સેવાભાવનાની, સ્વાર્થની કે છેતરવાની છે તે વિવેકીને પ્રતીતિ થઈ આવે છે. તેમજ સાંખ્ય, વેદાંત આદિ શાસ્ત્રકારોની પણ એક દૃષ્ટિ છે. તે પણ ભગવાને આ સૃષ્ટિ રચી છે તેનું સર્વેક્ષણ કરીને ગણતરી કરીને તારવી છે.
મહારાજ કહે છે બુદ્ધિવાળો અમને ગમે છે. કારણ કે તે ભગવાનના કાર્યો ઉપરથી ભગવાન કેવા છે તેનું અનુમાન લગાવી શકે છે–તારવી શકે છે. ભગવાને સૃષ્ટિ રચીને બધી જગ્યાએ સરખું સુખ મૂકયું નથી. તેની કક્ષાઓ બનાવી છે. પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે. મનુષ્યના સુખમાં વિવિધતા છે, પસંદગીઓ છે. જે પશુમાં નથી. મનુષ્ય કરતાં દેવતાનું સુખ અધિક છે, દેવતાના સુખમાં રોગનો તથા વિકૃતિનો ભય નથી તથા વૃદ્ધાવસ્થાનો ભય નથી. તેથી ઈશ્વરોનું સુખ અધિક છે કારણ કે ત્યાં સત્તા અને દીર્ઘકાલીનતા પણ છે. એવી રીતે સુખની પરિશુદ્ધિ અને અતિશયતા સર્વ કરતાં અક્ષરધામમાં છે. એવો સરવાળો જેની બુદ્ધિની ગણતરીમાં આવે ત્યારે તે બુદ્ધિવાળો ગણાય. વળી જેટલુ લાંબા ભવિષ્યના સુખની ગણતરી કરી શકે તે પણ બુદ્ધિવાળો કહેવાય અને જો તેવી દૃષ્ટિ હોય તો તેનું ધ્યાન અક્ષરધામના સુખમાં અને મહારાજની મૂર્તિના સુખમાં જરૂર પહોંચે જ. કારણ કે મહારાજ કહે છે કે સર્વથી વધારે સુખનું ઠેકાણું ભગવાનનું ધામ અને ભગવાનની મૂર્તિ છે. એમ સર્વ શાસ્ત્રકારો અને ભગવાનના સુખને પામી ગયેલા પૂર્વના ભક્તો કહી ગયા છે.
મહારાજ કહે છે કે જેમ આ મશાલ બળે છે તેની સમીપમાં જેવો પ્રકાશ છે તેવો છેટે નથી. તેમ મહારાજની મૂર્તિમાં જે સુખ રહ્યું છે તે ઈતર જગ્યાએ નથી. એમ શાસ્ત્રકારો તથા ભગવાનના સુખને પામી ગયા છે તે કહે છે. જેમ મોટા શાહુકારે ગરીબોને માટે સદાવ્રત વગેરે કરાવ્યા હોય તેના કરતા પોતે પોતાના ઘરમાં અતિ ઊંચું સુખ ભોગવતો હોય તેમ ભગવાને બીજા દેવતા આદિકને જે સુખ આપ્યું છે તેના કરતાં પોતાના ધામમાં અતિ સુખ રાખ્યું છે એવું બુદ્ધિવાનને જણાઈ આવે છે.
પ્રથમ તો ભગવાનના ધામમાં અતિ સુખ છે તે જાણવા માટે સુખને ઓળખવું અતિ જરૂરી છે. પછી તેની વધતી ઓછી માત્રાને ઓળખવી પડે છે. પછી તેનું અલ્પપણું–વિપુલપણું જાણવું પડે છે અને તે બધું જાણવા માટે તેનું વિરોધી એવું દુઃખ, તેની માત્રા, જથ્થો વગેરેની સાચી ઓળખાણ આપણને હોવી જરૂરી છે. જો અહીંના સુખદુઃખ અને તેના આધાર સ્તંભોની ખબર ન હોય તો તેના હૃદયમાં આ વિચાર ઠરી ન શકે અને સુખના અધિકારી ન બની શકીએ. જેમ ડોકટર કે ઈન્જીનીયરની ડિગ્રી તો એક જ છેલ્લી પરીક્ષા દ્વારા મળી જાય પણ તે પહેલા ધો.૧ થી કોલેજ સુધી ભણવું પડે છે. તેમ ભગવાનનું સુખ ઓળખવા માટે આલોકના સુખ અને દુઃખની પણ સાચી ઓળખાણ જોઈએ. પછી ભગવાનના સુખની ઓળખાણ થાય છે. માટે સુખ અને દુઃખ દ્વન્દ્વ છે. તે બન્નેની સર્વાંગીણ ઓળખાણ થયા વિના ભગવાનનું સુખ ઓળખાય નહિ અને ત્યાં સુધી ત્યાં દૃષ્ટિ પહોંચે નહિ. અને ત્યાં દૃષ્ટિ પહોંચ્યા વિના આલોકના સુખમાં તુચ્છબુદ્ધિ, અભાવબુદ્ધિ થાય નહિ.
જેમ જેને અમેરિકાના વીઝા, ગ્રીનકાર્ડ, કે નાગરિકતા મળી જાય તેને ભારતની સગવડતા તુચ્છ થઈ જાય અને જલ્દી છોડી દે પણ જેને ખબર નથી તેને કેમ છૂટે ? ન છૂટે. મહારાજ કહે : ભગવાનમાં હેત હોય ને ધર્મમાં નિષ્ઠા હોય તો પણ આ લોકના તુચ્છ સુખ છૂટી શકતા નથી. જ્યાં સુધી પરમાત્માનું અને તેના ધામનું સુખ સમજાયું નથી અને તેની બુદ્ધિમાં આવ્યું નથી ત્યાં સુધી મહારાજ કહે છે કે દરેકના અલગ અલગ સુખ છે તે કોને ઓળખાય છે ? તો જેના મનમાં ઝાઝા સુખનો લોભ હોય એટલે કે સાચું અને ઝાઝું સુખ મારે મેળવવું છે એવી જેના હૃદયમાં તાલાવેલી જાગે તેને જ એ સુખ પ્રથમ તો ઓળખાય છે. જેને એમ હોય કે જ્યાં પડયા છીએ ત્યાં ઠીક પડયા છીએ એવાને ઓળખાતું પણ નથી. તેની આજુબાજુ પ્રાપ્ત થયું હોય તોય સાચા ગ્રાહક વિના સાચા માલની ઓળખાણ થતી નથી. ઉલ્ટું તેની ઉડામણી અથવા મશ્કરી થાય છે.
માટે એક તો પ્રથમ સાચા સુખની ભૂખ લાગવી પણ જરૂરી છે ને પછી ઓળખાણ. ઓળખાણ થયા પછી સાચું સુખ પ્રાપ્ત કરવું એટલું બધું અઘરું નથી દુન્યવી જેવું ખોટું સુખ મેળવવું અઘરું પડે છે; પણ એની ઓળખાણ વધારે અઘરી છે. મહારાજ કહે છે કે આ સુખની મીમાંસાનો વિચાર જેના હૃદયમાં ઠરે છે તેને આલોકના સુખમાં કયાંય આસક્તિ રહેતી નથી. ઠરવો એટલે ઊંડે ઊંડે ઠેઠ જીવમાં નક્કી મનાઈ જવો. જો તેમ થાય તો મહારાજ કહે : તેને રાજ્યમાં બેઠો હોય તો પણ વનમાં બેઠો છું એવી નિર્બંધતા અનુભવાય અને વનમાં કોઈ બેઠો હોય તો પણ રાજ્યમાં છું એવું અનુભવાય છે. તેને વૈભવ કરતાં પણ ઝાઝું સુખ પ્રાપ્ત થાય છે. માટે મહારાજ કહે છે હવે તો ભગવાનના ધામમાં ઠેઠ પહોંચવુ છે, પણ વચમાં કોઈ ઠેકાણે લોભાવું નથી એવો સૌ નિશ્ચય રાખજો.