પ્રતિપાદિત વિષયઃ
સાંખ્ય અને યોગનું રહસ્ય(સિદ્ધાંતો).
મુખ્ય મુદ્દાઃ
૧. સાંખ્યમત : માયિક ચોવીસ તત્ત્વોથી પર થયા વિના મુક્ત ન થવાય.
ર. યોગ મત : ઈન્દ્રિય અંતઃકરણને સંપૂર્ણ પરમાત્મામાં સંયમ કર્યા વિના મુક્ત ન થવાય.
વિવેચન :–
આ વચનામૃતમાં મહારાજ કહે છે કે મોક્ષધર્મનું પુસ્તક મંગાવો તો સાંખ્યના અધ્યાયની તથા યોગના અધ્યાયની કથા કરાવીએ. પછી પુસ્તક મંગાવીને નિત્યાનંદ સ્વામીએ કથા કરવાનો આરંભ કર્યો. પછી મહારાજ તેનું રહસ્ય સમજાવતા કહે છે કે સાંખ્યમા પરમાત્મા પચીસમા છે. યોગમાં પરમાત્મા છવીસમા છે. સાંખ્યમાં ચોવીશ તત્ત્વની ભેળા જીવ, ઈશ્વરને ગણી લેવામાં આવ્યા છે. જ્યારે યોગમાં પ્રથમથી જીવ, ઈશ્વરને તત્ત્વથી નોખા ગણીને આગળ ચાલે છે. તેમાં જે યોગવાળા છે તેનો એમ મત છે જે સૂઝે એવો આત્મા અનાત્માનો વિચાર કરો, વિવેક કરો, સાધન કરો પણ પ્રત્યક્ષ ભગવાનના આશ્રય વિના મોક્ષ થતો નથી. જ્યારે સાંખ્યવાળાનો એમ મત છે જે સૂઝે એવા ઉપાયો કરો પણ દેહાદિક માયિક ચોવીસ તત્ત્વોથી નોખા પડયા વિના મોક્ષ થતો નથી.
મહારાજે બન્નેનો સમન્વયાત્મક મત ગ્રહણ કર્યો છે. સાંખ્યના મતે બ્રહ્મરૂપ થયો જે જીવ તેને માટે જ યોગનો ઉપદેશ છે. ત્યાં શ્લોક કહ્યો છે કે…
બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંઙ્ક્ષતિ ।
સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિં લભતે પરામ્।।(ગીતાઃ૧૮–પ૪)
આત્મારામશ્ચ મુનયો નિર્ગ્રન્થા અપ્યુરુક્રમે ।
કુર્વન્ત્યહૈતુકીં ભક્તિમિત્થંભૂતગુણોહરિઃ ।।(ભાગ.૧–૧૭–૧૦)
પરિનિષ્ઠિતોપિ નૈર્ગુણ્યે ઉત્તમશ્લોકલીલયા ।
ગૃહીતચેતા રાજર્ષે આખ્યાનં યદધીતવાન્।।(ભાગ.૨–૧–૯)
વળી બન્ને મતની માન્યતામાં થોડા દૂષણ છે. તેમાં યોગ મતમાં એ દૂષણ છે જે જીવ ઈશ્વરને પચીસમા કહ્યા. વળી બન્નેના ચોવીસ તત્ત્વના દેહ કહ્યા. માટે બન્નેમાં સમભાવ આવી જશે. તુલ્યભાવરૂપ દોષ છે. કારણ કે જીવ અને બ્રહ્માદિક ઈશ્વર કોઈ સરખા ન કહેવાય. માટે તેના સમાધાન માટે એમ માનવું કે જીવના દેહમાં જે તત્ત્વો છે તે અલ્પ છે અને ઈશ્વરોના દેહમાં જે તત્વો છે તે મહાભૂત છે. માટે બેય સરખા નથી. જીવ જ્ઞાનઘન છે. ઈશ્વરો ઐશ્વર્યઘન છે. માટે સમપણું નથી.
સાંખ્યમતમાં એ દૂષણ છે જે પચીસમા પરમાત્મા છે ને ચોવીસ તત્ત્વો મિથ્યા છે તો ભગવાનને પામે છે કોણ ? સાધનો કોને કરવાના ? માટે ત્યાં એમ સમજવું કે તે તત્ત્વો ભેળા જ જીવ ઈશ્વરને જાણવા. તે વિના એકલા તત્ત્વો હોય નહિ. માટે તે તત્ત્વોથી અલગ પડીને જીવ છે તે પરમાત્માને પામે છે. એવી યુક્તિ શીખવી.
વળી પરમાત્માનું ધ્યાન કરવા માટે પણ બન્નેના અલગ અલગ વિચારો છે સાંખ્યવાળા કહે છે કે ‘રાગોપહતિર્ધ્યાનમ્ચોવીસ’ તત્ત્વો અને માયિક પંચ વિષયમાંથી રાગ ટળી જવો એ જ ધ્યાન છે. જ્યારે યોગવાળાનું મંતવ્ય છે કે ‘પ્રત્યયૈકતાનતા ધ્યાનમ્’– રામકૃષ્ણાદિક ભગવાનની મૂર્તિમાં સ્મૃતિ પ્રવાહની એકતાનતા થવી તે ધ્યાન કહેવાય. જ્યારે સાંખ્યવાળા તો પરમાત્મા અને તેના આકારને બહુ સ્વીકારતા ન હોવાથી રાગ દૂર કરવાને ધ્યાન કહી દીધું.
તેનું સમન્વયાત્મક સમાધાન એ છે કે મનને જ્યાં રાગ છે તેનું જ તીવ્ર ચિંતન થાય છે. માટે પ્રથમ રાગ દૂર થયા પછી પરમાત્માની મૂર્તિમાં એક તાન થવું. જેથી સુખેથી ધ્યાન સિદ્ધ થાય એમ જાણવું. તેમાં દૂષણ એ આવશે કે સાંખ્યવાળા આકારમાત્રને મિથ્યા કહેતાં ભગવાનના અવતાર–મૂર્તિઓ તેને પણ મિથ્યા કહે છે તે તેનું દૂષણ છે. માટે પ્રકૃતિમાંથી ઉપજ્યું તે સર્વે મિથ્યા માનીને ભગવાનના આકારને પરમ સત્ય જાણીને તેનું ધ્યાન કરવું એમ સમજવું અને યોગના મતે કોઈ કેન્દ્રમાં એકાગ્ર થવાનું છે. માટે તેના મતે ભગવાનમાં પરિછિન્નપણું અથવા અંશ અંશીભાવ આવશે.
જેથી તેમણે વેદાંતનો આશ્રય લઈને તે પરમાત્માની મૂર્તિમાં પરિછિન્ન ભાવ ટાળીને દિવ્ય મૂર્તિનું ધ્યાન કરવું તેમ સ્વીકાર્યું.
સાંખ્ય મતનું મુખ્ય ધ્યેય છે ત્રિવિધ દુઃખથી રહિત થવું અને તે તત્ત્વને મિથ્યા માની તેનાથી પોતાના સ્વરૂપને અલગ સમજી ચોવીસ તત્ત્વોનો સંબંધ વિચ્છેદ કરવાથી ધ્યેય સિદ્ધ થાય છે.
જ્યારે યોગવાળાનુ પણ ધ્યેય એ જ છે કે ‘હેયં દુઃખં અનાગતમ્’ પરંતુ રીત અલગ છે. તે એમ માને છે કે દુઃખદ પદાર્થમાંથી વૃત્તિનું નિયંત્રણ કંટ્રોલ કરી સુખદ એવા પરમાત્મા પદાર્થમાં એકાગ્ર થવાથી તે દુઃખ દૂર થાય છે. માટે સમન્વય એ થયો કે માયિક પદાર્થથી તોડીને ભગવાનમાં જોડાવવાથી દુઃખનો ઉચ્છેદ થાય છે. ઈત્યાદિક ઘણી યુક્તિઓ મહારાજે કહીંને કલ્યાણના માર્ગમાં બન્ને માર્ગનો ઉપયોગ કેમ થાય તે સુગમ બતાવ્યું છે.