પ્રતિપાદિત વિષયઃ
કયે ઠેકાણે માન રાખવું સારું તથા કયે ઠેકાણે નિર્માની થવું સારું.
મુખ્ય મુદ્દાઃ
૧. ભગવાન ને ભગવાનના ભક્ત આગળ માન રાખવું સારું નથી. તેમની આગળ નિર્માની થવું સારું.
ર. સત્સંગનો દ્રોહી હોય ને ભગવાનને મોટા સંતનું ઘસાતું બોલતો હોય ત્યાં માન રાખવું સારું. ત્યાં નિર્માની ન થવું.
વિવેચન :–
આ વચનામૃતમાં સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો છે કે કયે ઠેકાણે માન સારું ને કયે ઠેકાણે સારું નથી. કયે ઠેકાણે નિર્માનીપણું સારું છે ને કયે ઠેકાણે સારું નથી ? ત્યારે મહારાજ બોલ્યા જે સત્સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરનું ને મોટા સંતનું ઘસાતું બોલતો હોય તેની આગળ માન રાખવું તે જ સારું છે.
પ્રશ્ન એ થાય કે વિમુખની પાસે પણ શા માટે નિર્માની ન થવું ? નિર્માનીપણું તો ગુણ જ છે. તો તેની આગળ શા માટે માન રાખવું અને તેના સામાવડિયા થવું ? તો તેનું સમાધાન એ છે કે આપણે જેની પાસે નિર્માની થઈએ છીએ અને જેને માન આપીએ છીએ તેનો અર્થ એ છે કે આપણને તેની બાહ્ય વર્તન તથા અંતરની માન્યતાઓ વગેરે તેમનું ચરિત્ર સ્વીકાર્ય છે. એવી સ્વીકૃતિ કરીએ છીએ. બ્રાહ્ય વિનય–વિવેક અલગ છે; પરંતુ નિર્માની થવું કે સામાને માન આપવામાં તો અંતરથી તેના વ્યક્તિત્વને અથવા તેના વલણને આપણે મહાન માનીને અનુકરણીય માનીએ છીએ અને અંતરમાં સ્વીકારીએ છીએ એવું સાબિત થાય છે.
નારદ ભક્તિસૂત્રમાં જેના પ્રત્યે ભક્તિ હોય તે તેનું સન્માન જાળવે છે એવું ભક્તિનું લક્ષણ કહ્યું છે. તો આપણે જ્યારે ભગવાન, સત્સંગ કે મોટા સંતનું ઘસાતું બોલતા હોય અથવા તેના વિરોધમાં ઉતર્યા હોય અને આપણે તેની પાસે નિર્માની થઈએ અથવા તેને માન આપીએ તેનો અર્થ તો એ થાય કે તેનું જે વલણ છે તેને આપણે પૂજીને પ્રોત્સાહન આપીએ છીએ. તેણે કરેલ ભગવાનનો વિરોધ કે સત્સંગ કે ગુરુઓનો વિરોધ આપણને ગમે છે. આપણે કોઈ કારણસર સીધો વિરોધ કરી શકતા નથી પણ આડકતરી રીતે થાય તો અતરમાં રાજી થવાય. તે આપણી ભક્તિમાં ખામી છે, શુદ્ધ ભક્તિ નથી.
પોતે ભક્તિ કરવી તેના કરતાં પણ પોતાના હૃદયમાં કઈ તરફ ભક્તિ છે તે આવા પ્રસંગો વધારે સ્પષ્ટીકરણ કરી દે છે. માટે તેના તરફ નિર્માની થવામાં ફાયદો નથી તેના સામે માન રાખવામાં ફાયદો છે. તે એ છે કે આપણને ઈષ્ટદેવ તથા સત્સંગ અને સંત તરફની વધારે દૃઢતા થશે તથા વિરોધીનો વિરોધ એ એક જાતની દૃઢતાનું લક્ષણ જ છે. એટલું જ નહિ પણ ખરેખર અંતરમાં થયેલ દૃઢતાની સાચી સાબિતી છે. તેમજ મહારાજ કહે છે કે જો સત્સંગનું કે ભગવાનનું કે મોટા સંતનું ઘસાતું બોલે તો તે ખમી ન લેવું પણ તેને તીખા બાણ જેવું વચન કહેવું. જેથી ફરી વખત આપણી સામે તેવું બોલવાની હિમ્મત ન કરે અથવા આપણી સામર્થી ન હોય તો ત્યાંથી ઊઠી નીકળવું પણ બેસીને હસતે મોઢે સાંભળી ન લેવું અને એવી હૃદયની વિશાળતા ન બતાવવી.
વળી મહારાજ કહે : ભગવાનના ભક્ત આગળ માન ન રાખવું. તેની આગળ નિર્માની થવું તે જ રૂડું છે. કારણ કે આપણે ભક્તને માન આપીએ છીએ તે સાચી રીતે તો ભગવાનની ભક્તિ દર્શાવીએ છીએ. ભગવાન પ્રત્યેની ભક્તિ અથવા નિર્માનીપણામાં બીજા પણ ઘણાં પરિબળો કામ કરી શકે છે. જ્યારે ભક્ત પ્રત્યેની આપણે સદ્ભાવનામાં કેવળ ભગવાનની ભક્તિ જ પ્રેરક બને છે. તેનો જેટલો આદર કરીએ કે તેની આગળ જેટલા નિર્માની થઈએ તેટલું આપણે હૃદયથી ભગવાનનું સન્માન, ભક્તિ બતાવી ગણાય. માટે મહારાજ કહે ભક્તની આગળ નિર્માની થવું રૂડું છે.