પ્રતિપાદિત વિષયઃ
જીવમાંથી જગતના પંચવિષય દૂર કરવા.
મુખ્ય મુદ્દા
૧. જ્યારે ત્યારે પણ ઈન્દ્રિયો દ્વારે જ વિષય જીવમાં પ્રવેશ કરે છે. માટે તેને નિયમમાં કરવા.
ર. પ્રથમથી જીવમાં પ્રવેશેલા વિષયને દૂર કરવા આત્મવિચાર અને ભગવાનના મહિમાનો વિચાર કરવો.
વિવેચન :–
આ વચનામૃતમાં મહારાજ કહે છે કે જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય અને નારદ સનકાદિક જેવા સાધુ થવું હોય તેમણે અમે આ જે કહીએ છીએ એવો વિચાર કરવો. પછી મહારાજે તે વિચાર કહ્યો છે. તેમા વિચારવા યોગ્ય બાબતોમાં એક તો વિષયની ઉત્પત્તિ, વિષયનો ભરાવો, વિષયનો નિકાલ. આ ત્રણ બાબતનો ભગવાનના ભક્તને ખ્યાલ હોવો જોઈએ અને તે પ્રમાણે ઉપાય કરવો જોઈએ.
મહારાજ કહે છે કે વિષયની જે ઉત્પત્તિ છે તે તો બાહેર ઈન્દ્રિયો થકી થાય છે, પણ અંતઃકરણમાંથી નથી થતી. તેમજ જીવમાંથી પણ વિષયની ઉત્પત્તિ નથી થતી. જેમ રોગનું કારણ છે તે શરીર નથી. રોગનું સ્થાન ભલે શરીર હોય પણ કારણ તો બહાર છે. આહાર–વિહાર, ચેપી સંસર્ગ દ્વારા કે દૂષિત હવામાનમાંથી રોગ શરીરમાં પ્રવેશ કરે છે. શરીરમાં પ્રવેશ કર્યા પછી વધેઘટે ખરો, પણ તેનું કારણ શરીર નથી, બહાર છે. જેમ રોગની ઉત્પત્તિ શરીરમાંથી નથી તેમ પંચવિષયની ઉત્પત્તિ પણ અંતઃકરણમાંથી કે જીવમાંથી પણ નથી. અહીં પંચવિષયનો સંગ્રહ જરૂર થાય છે પણ તે બહારથી આવેલા છે. સ્ત્રી આદિક પદાર્થો, ધન, કુટુંબી કે પછી આસક્તિના કેન્દ્રરૂપ બીજા જે જે પદાર્થોની અંદરથી સ્ફુરણાઓ થાય છે તે તો બાહેર જગતમાં રહ્યા છે, પણ મૂળથી અંદર નથી. તેને અંદર પ્રવેશ કરાવવામાં આવ્યો છે. માટે મહારાજ કહે છે કે પંચવિષયનું કારણ બાહ્ય ઈન્દ્રિયો છે. જેમ અતિશય તડકો હોય અથવા ટાઢ હોય તેનો શરીરને પ્રથમ બાહેર સંબંધ થાય છે પછી માંહિલી કોરે પ્રવેશ થાય છે. તેમ વિષયો બાહેર જગતમાં રહ્યા છે. જે અંતઃકરણમાં કે જીવમાં યાદ આવે છે તે પણ મહારાજ કહે ઈન્દ્રિયો દ્વારા જ ભરાયેલા છે. પૂર્વ જન્મના ભરાયેલા છે પણ આજ અથવા પહેલા પણ વિષયો અંદરથી ઉત્પન્ન થયા નથી. બાહેરથી જ ઈન્દ્રિયો દ્વારે અંદર પ્રવેશ કરાવાયેલા છે.
મહારાજ કહે છે કે આ દેહ છે તેને વિષે જીવ રહ્યો છે. સ્ત્રી, ધન, પુત્ર પરિવાર તથા સ્ફુરણાના વિષય એવા પદાર્થો બાહેર જગતમાં રહ્યા છે. ઈન્દ્રિઓ અંતઃકરણ છે તે જીવ સાથે વળગી રહ્યા છે ને બાહેર પંચવિષય સાથે પણ વળગી રહ્યા છે. પછી જીવ અજ્ઞાને કરીંને ઈન્દ્રિયો અંતઃકરણને પોતાનું રૂપ માનીને વિષયનો સંગ્રહ કર્યે જાય છે. પણ વાસ્તવમાં જીવ ઈન્દ્રિયો અંતઃકરણથી નોખો છે ને પંચવિષય પણ અંતઃકરણથી જુદા છે. તે અતિ અભ્યાસે કરીને અને અજ્ઞાને કરીને એકરૂપ થઈ ગયા છે. માટે મહારાજ કહે છે કે જીવને કાંઈક પુરુષાતન રાખીને નાદારીનો છેક ત્યાગ કરવો ને પોતાને તેનાથી જુદો માનીને તેમના ઉપર કાબૂ મેળવવો.
હવે પ્રશ્ન એ છે કે તે અંતઃકરણ અને જીવમાં ભરાયેલા પંચવિષયનો નિકાલ કેમ કરવો ? તો તેને માટે મહારાજ કહે છે કે જેમ બાહેર ગૂમડું થયું હોય તો તેને બાહેર દવા ચોપડીને સારવાર કરવી પડે અને પેટમાં અંદર દર્દ હોય તો અંદર સારવાર કરવી પડે. તેમ અંદર ભરાયેલા પંચવિષયના નિકાલ માટે બે પ્રકારની સારવારની જરૂર છે. જેમ કૂવો ગાળતા હોય તો પ્રથમ બીજી સરવાણી આવતી હોય તેને ગોદડાંના ગાભા ભરાવીને રોકી રાખવી પડે તેમ પ્રથમ તો બાહેરથી પ્રવેશવાની ચાલુ પ્રક્રિયા છે તેને બંધ કરવી પડે.
મહારાજ કહે જ્યારે બાહેર જગતમાં રહેલા વિષયોને ઈન્દ્રિયો સ્પર્શ કરે છે. જેમકે ત્વચાને સ્ત્રી આદિક વિષયનો સ્પર્શ થાય છે ત્યારે ત્વચા દ્વારે અંતઃકરણમાં તેનો પ્રવેશ થાય છે અને તેના દ્વારા જીવમાં પ્રવેશ કરે છે. માટે તે વિષયનો બાહ્ય સંબંધ જ તજવો. સ્ત્રી આદિકનો સ્પર્શ તજવો, નેત્રે કરીને તેનું રૂપ ન જોવું. એવી રીતે તમામ ઈન્દ્રિયો દ્વારા તેનો સંબંધ દૂર કરવો. તો બાહેરથી વિષયોનો અંદર ભરાવો થતો બંધ થાય છે અને જે પ્રથમથી વિષયો અંદરથી ભરાયેલા છે તેને આત્મવિચારે કરીને દૂર કરવા. તે એવો વિચાર કરવો કે હું આત્મા છું તે મારે પંચવિષય સાથે સંબંધ નથી, પણ મારે તો ભગવાન સાથે સંબંધ છે. હું પંચવિષયને સજાતીય નથી પણ ભગવાનને સજાતીય છું. મને જે શાશ્વત સુખ મળશે તે પંચવિષયમાંથી નહિ મળે, પણ ભગવાનમાંથી મળશે. એવા વિચારો કરીને સ્ત્રી, ધન, પદાર્થોથી દૂર રહીને જ સંતોષ માની પોતાના આત્મસુખે તથા પરમાત્માની મૂર્તિના સુખે પૂર્ણકામ રહેવું પણ જગતની અધુરાઈ ન અનુભવવી. તો અંદર ભરાયેલા વિષયો પણ ઓછા થાય. એ જ કામાદિક જીત્યાનો ઉપાય છે પણ એકલા ઉપવાસે કરીને કામાદિક ઓછા થતા નથી. સાથે આત્મવિચાર પણ કરવો. એકલા આત્મવિચારે કરીને પણ જગત ઓછું થતું નથી. માટે બાહેર ત્યાગ કરીને તેનાથી દૂર પણ રહેવું. બંને જ્યારે થાય ત્યારે વિષયો દૂર થાય છે અને ત્યારે જ કલ્યાણનો માર્ગ હાથ આવે છે. નારદ સનકાદિક જેવા સાધુનો માર્ગ હાથ આવે છે, તે વિના નથી આવતો.