પ્રતિપાદિત વિષયઃ
છ સદ્ગુરુઓના અલગ અલગ પ્રશ્ન.
મુખ્ય મુદ્દાઃ
૧.ભગવાનને પામ્યાનું મુખ્ય સાધન અનન્ય શરણાગતિ છે.
વિવેચન :–
(૧) મહારાજ કહે આજે તો અમારે મોટા મોટા સંતોને પ્રશ્ન પૂછવો છે. એમ કહીને આનંદ સ્વામીને પ્રશ્ન પૂછયો કે કયારેક થોડી બુદ્ધિવાળો હોય તેને પણ પોતાનો અવગુણ અને બીજાનો ગુણ દેખાય છે અને કોઈક તો ઝાઝી બુદ્ધિવાળો હોય તો પણ પોતાનો ગુણ અને બીજાનો અવગુણ દેખાય છે પણ પોતાનો અવગુણ કે બીજાનો ગુણ પણ દેખાતો નથી. તેનું શું કારણ છે ? જ્યારે સ્વામીથી સમાધાન ન થયું ત્યારે મહારાજે તેનો ઉત્તર કર્યો કે તેણે આ જન્મમાં કે જન્માંતરમાં કડોઈ મોટા ભગવાનના ભક્તનો અપરાધ કર્યો છે. તે પાપે કરીને તેની બુદ્ધિ દૂષિત થઈ ગઈ છે. માટે બુદ્ધિ ઝાઝી છે તો પણ હરિભક્તના દોષ સૂઝે છે ને પોતાનો દોષ સૂઝતો નથી.
ઉહાપોહની ક્ષમતાવાળી બુદ્ધિ હોય તો લૌકિકમાર્ગમાં જરૂર તેને ઝાઝું સૂઝે પણ જગતના માર્ગમાં બુદ્ધિની ફળદ્રુપતા અને કલ્યાણના માર્ગની ફળદ્રુપતા અલગ પ્રકારની હોય છે. વધારે તર્કશક્તિ, ધારણા કે સૂક્ષ્મદર્શિતા જગતમાં જરૂર ફળ આપે છે પરંતુ કલ્યાણ માર્ગ માટે બીજાના આશીર્વાદ લેવા એ જ બુદ્ધિનું શ્રેષ્ઠ ખાતર છે. તેમા પણ ભગવાનના સાચા ભક્તના રાજીપા જેવું બુદ્ધિને કોઈ પણ સાધન ફળદ્રુપ બનાવી શકતું નથી. જેના ઉપર ભગવાન અને ભગવાનના ભક્ત પૂર્ણ રાજી થાય છે તેની બુદ્ધિ અલ્પ હોય તો પણ તેને મોક્ષના ઉપાયો એવા સરસ સૂઝે કે જે તીવ્ર બુદ્ધિવાળાને હાથમાં ન આવે. તે દૃષ્ટિ જ અલગ છે ને તે ભગવાનના ભક્તના રાજીપાથી ખુલે છે; નહિ તો બંધ જ રહે છે. નજીકમાં જ ઉપાયો અને શકયતાઓ પડી હોય તો પણ અંધ માણસની જેમ તેને ખબર નથી પડતી કે કલ્યાણના માર્ગની દૃષ્ટિ ભક્તના રાજીપાથી બુદ્ધિમાં આવે છે.
(ર) મહારાજે નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછયો છે કે ભગવાનને પામ્યાનું એક જ સાધન છે કે ઘણાં સાધને કરીને ભગવાન પમાય છે ? ત્યારે તમે કહેશો જે ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, એ ચાર સાધને કરીને પમાય છે. તે જ્યારે એ ચાર સાધને કરીને ભગવાનની પ્રાપ્તિ થાય છે ત્યારે એક ભગવાનના આશ્રયે કરીને જ કલ્યાણ થાય એવા અનન્યભાવનો નિર્ધાર રહ્યો નહીં. ત્યારે સ્વામીએ ઉત્તર આપ્યો પણ સમાધાન ન થતાં મહારાજે જ ઉત્તર કર્યો જે કલ્યાણ તો એક ભગવાનના આશ્રયે કરીને જ છે ને ધર્માદિ સાધન ચતુષ્ટય છે તે ભગવાનની પ્રસન્નતાનાં સાધન છે. આશ્રય એ ખુદ ભગવાન તથા ભગવાનના દિવ્ય ધામ તથા દિવ્ય સપત્તિના વારસાની પ્રાપ્તિનું સાધન છે. જ્યારે ધર્મ જ્ઞાનાદિ સાધન પ્રસન્નતાના સાધન છે.
ભગવાનની પ્રાપ્તિનું સાધન કયું ? આપણે જે ભગવાનને પામીએ છીએ તે કોનાથી પામીએ છીએ ? તો તેનો ઉત્તર એ છે કે આપણે ભગવાનને પામીએ છીએ તે ભગવાન થકી જ ભગવાનને પામીએ છીએ પણ અન્ય સર્વે સાધન ભગવાનને પમાડવામાં ટૂંકા પડે છે. ‘ત્વમેવ સાધ્યઃ ત્વમેવ ઉપાય ભૂતો ભવ’ આવો જીવના હૃદયમાંથી ઊઠતો અનન્ય પોકાર કે પ્રાર્થના તે આશ્રય સ્વરૂપ છે. ભગવાનને પામવા માટે ભગવાનને જ સાધન તરીકે વરણ કરવા તે જ આશ્રયનું સ્વરૂપ છે.’અકિંચન અનન્યગતિત્વ ધર્મવિશિષ્ટો ભગવન્તમાશ્રિતઃ પ્રપન્ન’ ધ્યેયને પામવા પોતાની અકિંચનતા પોતાને દેખાતી હોવી જોઈએ અને ભગવાન સિવાય બીજે જવાની ઈચ્છા જ ન હોવી જોઈએ. તેને શરણાગતિ કહેવાય. એવી શરણાગતિ તે કલ્યાણનું સાધન છે. શરણાગતિ અકિંચન એટલે ઉપાયાન્તરરહિત અને અનન્ય ગતિત્વ એટલે રક્ષકાન્તરરહિત હોવાં જોઈએ. તો જ તે શરણાગતિ કહેવાય. બીજા સાધનો કરતાં શરણાગતિની વિશેષતા શાસ્ત્રોમાં આ પ્રમાણે કહેવામાં આવી છે.
આર્તેષ્વાશુફલા તદન્યવિષયેયિુંચ્છિન્નદેહાન્તરા ।
વહન્યાદેરનપેક્ષણાત્તનુભૃતાં સત્યાદિવદ્વ્યાપિની ।।
શ્રી રંગેશ્વર યાવદાત્મનિયતત્વ પારતંત્ર્યોચિતા ।
ત્વય્યેવ ત્વદુપાયધીઃ અપિહિત સ્વોપાયભાવાસ્તુ મે ।।
(૧) આર્તેષ્વાશુફલા – તીવ્ર વૈરાગ્યથી સંસાર થકી અતિ વિરક્ત થઈને કરવામાં આવે તો તત્કાળ ફળને આપનારી છે. બીજાં સાધનો એટલાં તત્કાળ ફળ આપનારાં થતાં નથી.
(ર) તદન્યવિષયેયિુંચ્છિન્નદેહાન્તરા – અતિ તીવ્ર વૈરાગ્યથી ન કરવામાં આવી હોય પણ સામાન્ય વૈરાગ્યથી કરવામાં આવી હોય તો પણ દેહને અંતે તત્કાળ પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે. તેટલી તીવ્ર શક્તિ ભક્તિ આદિ અન્ય સાધનોમાં પણ નથી.
(૩) વહન્યાદેરનપેક્ષણાત્– અગ્નિહોત્ર આદિક વૈદિક કર્મો કે વિધિ વિધાનની અપેક્ષા નથી. ધર્મ જ્ઞાનાદિ ચાર સાધનમાં તેટલી અપેક્ષાઓ રહે છે. તેથી શરણાગતિ વિશેષ છે. સત્યાદિવદ્વ્યાપિની તેથી જ માનવમાત્રને માટે જેને સત્ય વચન બોલવું તેમ કરવાલાયક છે.
(૪) યાવદાત્મનિયતત્વ પારતંત્ર્યોચિતા – જીવાત્માનું જે સ્વરૂપ છે તે નિત્ય–યાદવાત્મનિયત– પરમાત્માને આધીન છે તે આધીનતાને યોગ્ય જેટલી શરણગતિ છે તેટલાં બીજાં સાધન બંધ બેસતાં નથી. માટે પણ અન્ય સાધનો કરતાં શરણાગતિની વિશેષતા છે.
(પ) અપિહિત સ્વોપાયભાવા– પોતાનામાં સ્વોપાયનો અભાવ એટલે કે પોતાથી કરાતી શરણાગતિમાં પણ સેવાપ્રાપ્તિના ઉપાયત્વ બુદ્ધિ ન થવી જોઈએ. શરણાગતિમાં પણ ઉપાય બુદ્ધિ કરવી યોગ્ય નથી. કારણ કે શરણાગતિ નો અર્થ જ એ છે કે પ્રાપ્તિનો ઉપાય ભગવાનને જ માનવાના છે. પછી શરણાગતિ પણ કેવી રીતે ઉપાયત્વ થઈ શકે ?
ભક્તિ કરતાં પણ પ્રપત્તિમાં શ્રેષ્ઠતા છે તેના મુદ્દાઓ શાસ્ત્રકારો આ પ્રમાણે કહે છે.
૧.ભક્તિ ૨.પ્રપત્તિ
૧. ભક્તિમાં ત્રૈવર્ણિકતાની જરૂર પડે છે કારણ કે શૂદ્રો મૂર્તિ સ્પર્શાદિ કરી ન શકે. ૨.પ્રપતિ સર્વે જનો કરી શકે છે.
૧. ભક્તિ કરવામાં અપેક્ષાએ કઠિન છે. ૨.પ્રપત્તિ ભક્તિની અપેક્ષાએ સરળ છે
૧. અંતિમ પ્રત્યય સુધી કરવાની છે. ૨.સકૃત્(એક જ વાર) કર્તવ્યા છે.
૧. ભક્તિ વિલંબે ફળ આપે છે. ૨.પ્રપત્તિ તત્કાળ ફળ આપે છે.
૧.મુમુક્ષુએ પોતે સિદ્ધ કરવાની છે. ૨.પ્રપત્તિ સિદ્ધ છે. તેમા સિદ્ધ કરવાનું કશું નથી.
૧. ભક્તિમાં વિધ્ન બહુલતા છે. ૨.પ્રપત્તિમાં વિધ્નો નથી.
૧. ભક્તિ ફળને સદૃશ ઉપાય નથી અર્થાત્પરમાત્મારૂપ ફળપામવા જીવે કરેલો ઉપાય તેને સદૃશ ન ગણાય. ૨.પ્રપત્તિ ફળનો સદૃશ ઉપાય છે.
૧. ભક્તિ જીવનું પારતંત્ર્ય સ્વરૂપ તેને વિરુદ્ધ છે. તેને અનુરૂપ નથી. ૨.પ્રપત્તિ પારતંત્ર્ય સ્વરૂપને અનુરૂપ ઉપાય છે.
(૩) પછી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછયો કે આ દેહને વિષે જીવ સાકાર છે કે નિરાકાર છે ? ત્યારે સ્વામીએ કહ્યું કે જીવ સાકાર છે. મહારાજે આશંકા કરી કે જો જીવ સાકાર હોય તો સૃષ્ટિ સર્જન સમયે ભગવાન આ જીવને બુદ્ધિ, ઈન્દ્રિયો, મન અને પ્રાણ સર્જી આપે છે. જો સાકાર હોય તો સર્જી આપવાની જરૂર રહે નહિ. માટે જીવાત્માનું સ્વરૂપ સાકાર નથી સત્તારૂપ છે, નિરાકાર છે. અનાદિ અજ્ઞાનરૂપ એવું જે કારણ શરીર તેણે યુક્ત છે અને જેમ ચમકપાણ લોઢાને ખેંચીને લોઢા સાથે ચોટી રહે છે તેમ જીવનો ચોટવાનો સ્વભાવ છે. તે માયિક એવા જે સૂક્ષ્મ અને સ્થૂળ શરીરની સાથે ચોટી રહે છે ને તે અજ્ઞાને કરીને પોતાપણું માને છે પણ વસ્તુતાએ જીવ એવો નથી.
ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ વળી પૂછયું જે, જીવ જ્યારે ભગવાનના ધામમાં જાય છે ત્યારે કેવી રીતના આકારયુકત રહે છે ? ત્યારે મહારાજ કહે કે જ્યારે આ જીવ ભગવાનના ધામમાં જાય છે ત્યારે માયિક ત્રણ દેહનો સંગ છૂટી જાય છે. પછી ભગવાનની પ્રકૃતિ–એટલે કે દિવ્ય ધામ, તે ચૈતન્ય દ્રવ્યથી ભગવાનની ઈચ્છાથી તેનું શરીર બંધાય છે. જેને મહારાજે ગ.પ્ર.૧લા વચનામૃતમાં બ્રહ્મમય દેહ કહ્યો છે. તે પ્રાપ્ત થાય છે અને તે દિવ્ય દેહે કરીને મહારાજની સેવામાં રહે છે.
(૪) પછી ગોપાળાનંદ સ્વામીને મહારાજે પ્રશ્ન પૂછયો જે અષ્ટાંગ યોગ સિદ્ધ થાય છે અથવા આત્મદર્શન થાય છે તે તો ભગવાન ને ભગવાનના ભક્તની કૃપાદૃષ્ટિ થકી થાય છે તો પણ તે બે સિદ્ધ થયા પછી ભગવાન ને ભગવાનના ભક્તને વિષે વૃત્તિ ગૌણ કેમ થઈ જાય છે ને પેલા બેમાં કેમ વધુ લગની થાય છે અને તેનું શું કારણ છે ? સ્વામીએ ઉત્તર કર્યો કે તેને યોગ અને આત્મદર્શન સિદ્ધ થયાનું માન આવે છે તેથી ભગવાન ને ભક્તમાં વૃત્તિ ગૌણ થઈ જાય છે. ત્યારે મહારાજે શંકા કરી કે જ્યારે તે બે સિદ્ધ થાય ત્યારે તો યોગી બ્રહ્મરૂપ થાય છે. બ્રહ્મમાં તો માન સંભવે નહિ. ત્યારે સ્વામીથી સમાધાન થયું નહિ. પછી મહારાજે તેનું સમાધાન કર્યું કે જે બ્રહ્મરૂપ થાય તેમા ખોટય ખોળવી તે ઠીક ન કહેવાય, છતાં કાંઈક ખૂટે છે તે તો હકીકત છે. માટે યોગસિદ્ધ અને આત્મદર્શી પુરુષો હોય તેમા જે કાંઈ કિંચિત્ફેરફાર હોય તે શુદ્ધ પરંપરાનો ઈતિહાસ હોય તેની ઓથ લઈને નિવારી શકાય છે. જેમકે શુકદેવજી બ્રહ્મસ્વરૂપ અને યોગસિદ્ધ થયા હતા તે પણ ભક્તિ અને સત્સંગમાં કયારેય વિરામ પામ્યા નથી. પોતાની સિદ્ધ અને આત્મદર્શનની ઊંચી સ્થિતિ તેને સામાન્ય ભક્તો સાથે સત્સંગ કરવામાં બાધા રૂપ થઈ નહિ તેથી ભાગવતમાં કહ્યું છે કે…
હરેર્ગુણાક્ષિપ્તમતિર્ભગવાન્બાદરાયણિઃ ।
અધ્યગાન્મહદાખ્યાનં નિત્યં વિષ્ણુજનઃ પ્રિયઃ।।૧–૧૧।।
અહીં આચાર્યો તથા મોટા ભક્તોનું કહેવાનું એમ થાય છે કે શુકદેવજી જે ભાગવત ભણ્યા તથા જે કથાગાન કરે છે તે ભગવાનની ભક્તિ અને ભગવાનના ભક્જનોના સત્સંગની કામનાથી લલચાઈને–ખેંચાઈને કરી રહ્યા છે. કારણ કે તેનાથી ભક્તિ અને સત્સંગના અવસરો પ્રાપ્ત થાય છે. મહારાજ પણ વચનામૃત દ્વારા એ જ કહે છે કે પોતાની સ્થિતિ સત્સંગમાં કોઈ પ્રકારની ઊંચી થાય તો પણ તેને ભગવાન ને ખાસ કરીને ભગવાનના સાચા ભક્તમાં રસ જળવાઈ રહેવો જોઈએ. એ રસ ગૌણ થઈ ન જવો જોઈએ. એ ગૌણ થઈને ખાલી પોતાની ઊંચાઈમાં જ રસ રહે તો મહારાજ કહે છે કે તે ખોટ છે. તે ખોટ ટાળવા મોટાઓએ એમ વિચારવું કે શુકદેવજીએ આ સ્થિતિએ પહોંચ્યા પછી શું કર્યું હતું ? તેને એ સ્થિતિ પ્રાપ્ત થયા પછી શેમાં વધારે રસ હતો ? મને શેમાં વધારે રસ છે ? ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી તે બધા મહાનુભાવો ઊંચી સ્થિતિને પામી, ખુદ મહારાજ પાસેથી સન્માન પામ્યા પછી પાછળના ભક્તોની સાથે કેમ વર્ત્યા ? તેને તેમા કેવો રસ હતો ? તેની પોતાની સ્થિતિ જોવામાં રસ હતો કે સત્સંગ અને ભક્તોમાં રસ હતો ? મહારાજ કહે, એવી મોટાની ઓથ લઈને પોતાની ખામીનું નિવારણ કરવું. મોટે ભાગે અધ્યાત્મમાર્ગની થોડી સિદ્ધિ કે સફળતા પ્રાપ્ત થતાં સારા અને સાચા ભક્તોમાં પણ આ ભાગ આવી જતો હશે; તે ન આવે એટલા માટે મહારાજે ભગવાનના મોટા ભક્તોને સાવધાન રહેવા આ ભલામણ કરેલી છે. કારણ કે તેમને તો મહારાજ સિવાય કોણ યાદી આપી શકે ? અથવા નિર્મળ હૃદયથી મહારાજને પોતાની ખોટ દેખાવા પ્રાર્થના કરવી તો પણ મહારાજ આપણો સાચો આશય હશે તો જરૂર આપણા ધ્યાનમાં લાવી દેશે.
(પ) પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછયો કે ભગવાનને યથાર્થ જાણ્યા હોય ને ભગવાન કોઈ ચમત્કાર ન દેખાડતા હોય અને બીજા જે જંત્ર મંત્રવાળા હોય તે તો પરચો દેખાડતા હોય તેને દેખીને ભગવાનના ભક્તનું મન ભગવાનમાંથી કાંઈ ડગે કે ન ડગે ? ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો કે ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય તેને તો ભગવાન વિના કયાંય પ્રીતિ કે પ્રતીતિ હોય જ નહિ. જો બીજે ઠેકાણે પ્રતીતિ આવે છે તો તેને યથાર્થ નિશ્ચય જ નથી. તે તો ગુણ બુદ્ધિવાળો ભક્ત કહેવાય. ત્યારે મહારાજે તે ઉત્તરને માન્ય કર્યો.
(૬) પછી મહારાજે શુકમુનિને પ્રશ્ન પૂછયો કે ભગવાનનો ભક્ત હોય ને તે ભગવાન તથા ભગવાનના સંત તેને સાક્ષાત્કાર પામ્યો હોય તેને જીવતાં શી પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી શી પ્રાપ્તિ થાય છે ? શુકમુનિએ કહ્યું જે હે મહારાજ એનો ઉત્તર તો તમે કરશો ત્યારે થશે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે જેને ભગવાન ને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ છે તેને સાક્ષાત્કાર પામ્યો હોય તેને જીવ તે તો ભગવાનના કથા કીર્તન કરતાં થકા જ દિવસ ને રાત્રી વીતે છે. ત્રણ અવસ્થાથી પર જે પોતાનો જીવાત્મા તેનું બ્રહ્મરૂપે સાક્ષાત્ દર્શન થાય છે. ભગવાન વિના અન્ય પદાર્થ માત્રને વિષે વૈરાગ્ય થાય છે. અધર્મનો ત્યાગ કરીને ધર્મને વિષે રહેવાય છે. દેહ મૂકયા પછી ભગવાન તેને પોતાના જેવો કરે છે. તે ભક્ત કાળ, કર્મ ને માયા થકી રહિત થાય છે અને અખંડ ભગવાનની સેવાને વિષે રહે છે. એટલી દેહ મૂકયા પછી પ્રાપ્તિ થાય છે.
અહીં એક પ્રશ્ન ઊઠે છે કે આપણે સૌ ભગવાનના ભક્ત છીએ અને આપણને મહારાજ તથા સંત સાક્ષાત્મળ્યા છે એમ માનીએ છીએ અને માનવું પણ જોઈએ; પરંતુ વચનામૃતમાં બતાવેલ જીવનનો ફેરફાર આપણા જીવનમાં કેમ નથી દેખાતો ? અત્યારની વાત આપણે બાજુએ રાખીશું પરંતુ મહારાજ અને નંદ સંતોના સમયમાં પણ ઘણાં પાત્રો એવાં હતાં કે જેના જીવનમાં આ વચનામૃતમાં કહેલાં પરિવર્તનો યથાર્થ દેખાતાં ન હતાં. તો શું તેમને ભગવાન અને સંતની સાક્ષાત્પ્રાપ્તિ નહોતી થઈ ? ત્રીજું એ કે મહારાજ પૃથ્વી પરથી અંતર્ધ્યાન થયા પછી અને નદસંતોની પંક્તિ ધામમાં ગયા પછી સંપ્રદાયના ઈતિહાસમાં ઘણા મહાન સંતો હતા જેના જીવનમાં આ વચનામૃતમાં કહેલાં બધા જ પરિવર્તનો દેખાતાં હતાં. તો પછી ભગવાન ને સંતોની સાક્ષાત્પ્રાપ્તિ કેવી રીતે ગણવી ?
તેનું સમાધાન એ છે કે ખાલી સ્થૂળ મેળાપ કે હાજરી એને જ પ્રાપ્તિ કહેવાતી નથી. અધ્યાત્મ માર્ગમાં સાચી ઓળખાણ થાય એ જ સાચી પ્રાપ્તિ કહેવાય. વચનામૃતમાં કહેલું ફળ તો જ પ્રાપ્ત થાય છે. જો સ્થૂળ મળ્યા હોય ને ઓળખાણ ન હોય કે શ્રીજી મહારાજ કોણ છે ? શું વસ્તુ છે ? તો તેને પ્રાપ્તિ થઈ છે તો પણ પ્રાપ્તિ થઈ જ નથી એમ માનવું પડશે. એટલે જ તો અવતારકાળમાં અને ભગવાનની સાથે રહેલા મનુષ્યોને પણ કલ્યાણનો પૂરો લાભ મળ્યો નથી. ખુદ વ્યાસજી એવું લખી ગયા કે ‘દુર્ભગો બત લોકોડયં યદવસ્તુ નિતરામપિ’ અને મહારાજ વખતનું પણ તેમજ ઘણાં પાત્રોને થયું હોય !
જ્યારે બીજી બાજુ જોઈએ ત્યારે મહારાજ અને નંદપંક્તિના સંતો પછી મહાન સંતો થયા છે કે જેમને કદાચ મહારાજનું દર્શન પણ નથી થયું તો પણ તેમના જીવનમાં સાક્ષાત્પ્રાપ્તિના. લક્ષણો મૂર્ત દેખાય છે. એનો અર્થ એ થયો કે ભગવાનની સાક્ષાત્પ્રાપ્તિ એ તેની સાચી ઓળખાણ પર નિર્ભર છે; સ્થૂળ મળવા પર નહિ. જ્યારે પરમાત્માની સાચી ઓળખાણ થઈ જાય છે અને ભગવાનના સંતની સાચી ઓળખાણ થઈ જાય છે કે તે કોણ છે ? તેનો શો મહિમા છે ? ત્યારે તેના જીવનમાં વચનામૃતમાં કહેલા પ્રાપ્તિના ચિહ્નોરૂપ પરિવર્તનો જરૂર દેખાઈ આવે છે. માટે તેના મહિમાનો સાક્ષાત્કાર એ જ સાક્ષાત્પ્રાપ્તિ છે. દેહ મૂકયા કેડે પણ તેને જ પ્રાપ્તિ થાય છે.