ગમ–૬૪ : પુરુષોત્તમ ભટ્ટના પ્રશ્નનું

પ્રતિપાદિત વિષયઃ

અવતાર–અવતારી ભેદ.

મુખ્ય મુદ્દાઃ

૧.વ્યાસજીએ કરેલા શાસ્ત્રોને આધારે બધા અવતાર સરખા નથી. તે જ માપદંડને આધારે મહારાજ બીજા અવતાર જેવા નથી પણ અવતારી છે.

ર.સૃષ્ટિ કરવામાં ભગવાનને દાખડો કરવો પડતો નથી એ તો લીલા છે.

વિવેચન :–

આ વચનામૃતમાં સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછયો જે ભગવાનના જે અવતાર છે તે સર્વે સરખા જ છે કે તેમા અધિક ન્યૂન ભાવ છે ? પ્રશ્ન ઘણો જ સુંદર છે. આપણે ઊંડાણથી સમજી રાખવા જેવો છે. કારણ કે આપણે મહારાજને સર્વોપરી–અવતારી કહીએ છીએ અને તેવા જાણીને તેની ઉપાસના કરીએ છીએ. તેમા શાસ્ત્રીય બીજ કેટલું પડયું છે. તે જાણવા માટે આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે.

તેના ઉત્તરમાં શ્રીજી મહારાજ બોલ્યા જે અમે વ્યાસજીના કરેલા જે સર્વે ગ્રંથ તે સર્વે સાંભળ્યા ને પૂર્વાપર વિચારીને જોયું ત્યારે તેમાંથી અમને એમ સમજાયુ જે મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહાદિક જે ભગવાનના અવતાર છે તે સર્વે અવતારના અવતારી શ્રીકૃષ્ણ ભગવાન છે. પણ બીજા અવતારની પેઠે શ્રીકૃષ્ણ ભગવાન તે અવતાર નથી પણ અવતારી જ છે. મહારાજે ઉત્તર પણ એટલો સુદર અને શાસ્ત્રીય આપ્યો છે.

મહારાજે ઉત્તર કર્યો કે બધા જ અવતાર સરખા નથી. એ પણ અમે અમારી મનની કલ્પનાથી કહેતા નથી. વ્યાસજીનાં કરેલાં શાસ્ત્રો ઉપરથી કહીએ છીએ. ત્યારે સામે જે સંતો–ભક્તો બેઠા હતા તે ખૂબ જ ખુશ થયા. તેઓએ પણ મહારાજના જવાબમાં સૂર પૂરાવ્યો કે હા મહારાજ, બધા અવતાર સરખા નથી અમારા મનમાં પણ એમ જ મનાય છે.

આ પ્રશ્ન મહારાજ વખતે પણ બધા ભક્તોને મૂંઝવતો હતો કે મહારાજને કેવા જાણવા ? બીજા અવતાર જેવા જાણવા કે પછી અધિક ન્યૂન ? સંપ્રદાયમાં આ વિવાદ મહારાજના વખતથી આવોને આવો ઘુંટાતો આવે છે. મહારાજની હાજરીમાં જ સત્સંગિજીવનની રચના વખતે સત્સંગના વડીલ સંતોમાં પણ આ ચર્ચા ખૂબ વિવાદના વંટોળે ચડી હતી. એટલું જ નહીં મહારાજે પોતે સંતોનું હીર પારખવા અને પોતાને સંતો કેટલું સમજ્યા છે તે જોવા પોતે ભેળા ભળીને વિવાદે ચડાવી હતી. જેમાં નિત્યાનંદ સ્વામી જેવા વિરલ સંતો કસોટીમાં પાર ઉતર્યા હતા. મહારાજ પણ તેમના ઉપર હૃદયથી વરસ્યા હતા. તેવો જ વિવાદ મહારાજે ભકતચિંતામણિ પ્રકરણઃ ૧૦૪/૧૦પમા ઊભો કરીને સંતોની ઉલટ પરીક્ષાઓ કરી છે. તેમાં પણ સંતોએ મહારાજને સર્વે અવતારના અવતારી તરીકે વર્ણવ્યા છે. વળી નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિક સંતોના સાહિત્યમાં વધારે સ્પષ્ટપણે મહારાજને સર્વોપરીપણે વર્ણવ્યા છે. આમ ઘણી વખત મહારાજે સ્પષ્ટ ઉત્તરો કર્યા હોય તો પણ વિવાદ તો ચાલુ રહ્યો હોય તેવું લાગે છે. તેનું કારણ શું ? તેમા તટસ્થભાવે જોતાં બે કારણો રહ્યાં હોય તેવું લાગે છે.

એક તો આપણે મહારાજને ઓળખવામાં કે મૂલવવામાં અધૂરા હોઈએ. બીજું માનવીનો અહંકાર હોય કે હું સમજું છું એ સાચું એવું નહીં; પણ એ જ સાચું. આ બે કારણ હોઈ શકે છે. પણ એ તો વ્યક્તિગત માન્યતા છે તેને ઘણી વખત વાસ્તવિક પણ ફેરવી શકતી નથી. એટલે જ આ વિવાદ અત્યારે પણ ચાલુ છે. નહિ તો પૂરવાર થઈ ચૂકયા પછી વિવાદ ઊભો ન થવો જોઈએ.

આ વચનામૃત આપણને મહારાજ સર્વોપરી છે તેની દૃષ્ટિ આપનારું છે. વ્યાસજીના ગ્રંથને પૂર્વાપર જોતાં સર્વે અવતાર સરખા નથી. એટલે કે વ્યાસજીની પાસે કોઈક શાસ્ત્રીય દૃષ્ટિ છે. જે દૃષ્ટિથી જોવાથી અવતાર તારતમ્ય જાણી શકાય છે. તે દૃષ્ટિ શું છે ? વિરાટ ઘટનાઓ સર્જવાથી તે મોટા છે કે સૂક્ષ્મ ઘટનાઓ–બીજાના મનની વાતો જાણવી કે મનમાં પ્રવેશ કરવો તેવી ઘટના સર્જવી તેનાથી મોટાઈ છે ? જો એમ હોય તો મનની વાત તો હિરણ્યકશિપુ જેવાને પણ હસ્તગત હતી. તેથી શું તેને ભગવાન ગણવા ? તે તો મોટા યોગીને પણ હોય તો શું તેમને ભગવાન ગણવા ? શું શ્રીકૃષ્ણ ભગવાને ગોવર્ધન ઉઠાવ્યો તેનાથી તે મોટા છે ? ના. કારણ કે હનુમાનજીએ તો દ્રોણાચળ આખો પર્વત ઉઠાવ્યો હતો અને ગોવર્ધન તો તેનો ભાગ છે. જ્યારે વરાહ ભગવાને તો પોતાના દંતશૂળ ઉપર સમગ્ર પૃથ્વી ઉપાડી હતી. તો વરાહ ભગવાન શ્રીકૃષ્ણ ભગવાનથી મોટા ગણાવા જોઈએ; પણ તેવું નથી. તો શું કંસ જેવા મોટા અસુરને માર્યા તેથી મોટા કહેવાયા ? એમ પણ નહીં કહી શકાય. હિરણ્યાક્ષ મહા બળવાન દૈત્ય હતો. સમુદ્ર તેને ગોઠણ સુધી હતો. બ્રહ્માંડમાં તેની સાથે યુદ્ધ કરવા કોઈ તાકાતવાન ન હતો. તેની તુલનામાં કંસ કશી ગણતરીમાં ન હતો. હિરણ્યકશિપુ જેવી કોઈ સિદ્ધિ કંસ પાસે ન પણ હતી. એ દૃષ્ટિએ તો વરાહ ભગવાન કે નૃસિંહ ભગવાન મોટા ગણાવા જોઈએ; પણ એમ તો નથી. રાવણ પણ ઘણો બળિયો હતો. તેને પણ જો વાલીએ ધાર્યું હોત તો મારી નાખ્યો હોત. માટે કોઈ માપદંડ લઈ શકાય એમ નથી.

ત્યારે કઈ દૃષ્ટિથી ભગવાનને મૂલવવા ? તો ઉપનિષદો વગેરે શાસ્ત્રોમાં ભગવાનના બે અસાધારણ સ્વભાવો–હેય પ્રતિભટ્ટ અને કલ્યાણૈકતાન કહેલા છે. પરમાત્માના સ્વરૂપ સ્વભાવમાં જે કલ્યાણકારીતા અને જીવોની દોષ નિવારકતા એ પરમાત્માના અસાધારણ ધર્મો છે. એ બે વસ્તુ જે અવતારોમાં જેટલી વધુ દેખાણી તે અવતારો બીજાથી વધુ મોટા ગણાયા છે. તે તે ચરિતાર્થ કરતાં તે તે અવતારોમાં કેટલા જીવોનો ઉદ્ધાર કર્યો છે તેને આધારે તેની શ્રેષ્ઠતાની શાસ્ત્રમાં નોંધ લેવાણી છે. સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે કપિલદેવે એક માતાનું કલ્યાણ કર્યું, ૠષભદેવ ભગવાને સો જીવનું કલ્યાણ કર્યું. સંતો કહે અમે દૈવી જીવનું કલ્યાણ કરીશું. મહારાજે તો અસંખ્ય જીવોનો ઉદ્ધાર કર્યો છે.

બીજું કે આ સૃષ્ટિ છે તે ભગવાનનું અસાધારણ કૃત્ય છે. તેથી વ્યાસજીએ જન્માદ્યસ્ય યત। ભગવાનનુ લક્ષણ કહ્યું છે. માટે સૃષ્ટિ સંચાલનનાં જે કેન્દ્ર છે તે રૂપે દર્શન આપી તે તે ઐશ્વર્યો પોતામાં બતાવતાં ચરિત્રો દ્વારા પણ શ્રેષ્ઠતાનો નિર્ણય કરી શકાય છે. ત્રીજુ એ કે પોતાના જીવન દરમ્યાનના ચરિત્રોમાં પોતાની મૂર્તિમાં બીજા અવતારોની મૂર્તિ લીન કરી બતાવી હોય પણ પોતાનું સ્વરૂપ કયાંય લીન ન થાય ત્યારે તેની શ્રેષ્ઠતા માનવામાં આવે છે. આ માપદંડ શાસ્ત્રોનો છે ને શાસ્ત્રોમાં માન્ય છે. કદાચ માણસો માન્ય કરે કે ન પણ કરે છતાં તેમા કોઈ ફર્ક પડતો નથી. તદુપરાંત સદ્‌.ગોપાળાનંદ સ્વામીએ પણ ભગવત્તા શું છે તે જોવા માટે બીજાં અનેક લક્ષણો કહ્યાં છે. જે શ્રીજી મહારાજમાં સ્પષ્ટપણે દેખાયા છે. તેથી મહારાજ બીજા અવતાર જેવા નથી બીજા સર્વે અવતારો મહારાજના છે અને મહારાજ તો અવતારી જ છે. એવો અંતઃકરણમાં નિર્ણય લઈ શકીએ છીએ.

બીજી એક ચર્ચા એ ઊભી થાય છે કે ભલે આપણે શાસ્ત્રીય માપદંડથી તટસ્થપણે બીજા અવતારો અને શ્રીકૃષ્ણ ભગવાનની તુલના કરીએ તો શ્રીકૃષ્ણ ભગવાન બીજા અવતારોથી શ્રેષ્ઠ જણાય છે. અરે એ જ માપદંડોથી મહારાજ અને શ્રીકૃષ્ણ ભગવાનનાં ચરિત્રો મૂલવીએ તો મહારાજ શ્રીકૃષ્ણ ભગવાન સહિત બધા જ અવતારના અવતારી છે એમ માની શકાય.

પરંતુ અહીં એક પ્રશ્ન થાય કે મહારાજ આપણને સ્વમુખે ચોખ્ખા શબ્દોમાં શ્રીકૃષ્ણ ભગવાનને ઈષ્ટદેવ તરીકે માનવાનું કહ્યું છે તેનું શું ? મહારાજે શ્રીકૃષ્ણ ભગવાનની સ્વમુખે શ્રેષ્ઠતા પ્રતિપાદિત કરી તેવી ઉપાસ્ય તરીકે પોતાની શ્રેષ્ઠતા કયાંય પ્રતિપાદન કરી નથી. હા ! પ્રતિપાદન થયું છે તે મહારાજ સમકાલીન અને પછીના સંતો દ્વારા થયું છે. તો પછી મહારાજની આજ્ઞા મુખ્ય માનવી કે સંતોની આજ્ઞા કહો તો આજ્ઞા કે મત કહો તો મત મુખ્ય માનવો ?

તેનું સમાધાન એ છે કે અધ્યાત્મ માર્ગમા એક તો ઉપદેષ્ટા–ગુરુ હોય છે અને બીજી ઈષ્ટદેવ ઉપાસ્ય મૂર્તિ હોય છે. મોટે ભાગે તે અલગ અલગ વ્યક્તિ હોય છે. જેમ કે શ્રી રામને માનનારા ભક્તોમાં ઉપાસ્ય રામ છે ને ઉપદેષ્ટા તુલસીદાસજી અથવા વાલ્મિકીજી કહેવાય. તેમ વૈષ્ણવ ભક્તોમાં ઉપાસ્ય શ્રીકૃષ્ણ ભગવાન અને ઉપદેષ્ટા વલ્લભાચાર્યજી કહેવાય. ઉપદેષ્ટા એટલે કે ગુરુ તે કહેવાય. પણ આપણે અહીં ઉપાસ્ય પણ મહારાજ છે ને ઉપદેષ્ટા પણ મહારાજ છે. તેથી જ્યાં સુધી પરસ્પર વિરોધ ન હોય ત્યાં તો કોઈ પ્રશ્ન નથી પણ ઉપાસ્ય તરીકે ભક્તિ અને ગુરુભક્તિમાં વિરોધાભાસ જેવું લાગે તો ગુરુભક્તિ ગૌણ કરી શકાય. ઉપાસ્ય ભક્તિ નહીં. મહારાજમાં ઉપાસ્યભાવ જ મુખ્ય રખાય. ગુરુભાવ ગૌણ કરવો પડે તો કરાય પણ ઉપાસ્યભાવ નહીં.

જેમ પતિવ્રતા સ્ત્રીને ગુરુ પણ પતિ છે ને પતિ તરીકે ઉપાસ્ય પણ પતિ જ છે. પતિ જ્યાં સુધી માતા–પિતા વડીલો કે મહેમાનોની સેવા–આદર–પૂજા કરવાનો ઉપદેશ કે આજ્ઞા આપે તો પરમ આદરથી માનવી પણ પતિ તરીકે બીજાને માનવા કહે તો તે ન માનવું. પોતાના પતિનું પણ ન માનવું એ જ રીતે અહીં મહારાજનાં વચનો –આજ્ઞા–ઉપદેશ ગૌણ થાય તો થવા દેવા પણ ઉપાસ્યભાવ ગૌણ ન કરાય એવો શાસ્ત્રનો સિદ્ધાંત છે. માટે મહારાજ કહે તો પણ ઉપાસ્ય તરીકે તો મહારાજને જ મનાય અને તે ઉપાસ્યના નિર્ણયમાં મહારાજના શબ્દો કરતાં પણ નંદસંતો અને બીજા બ્રહ્મભાવને પામી ગયેલા સંતોના શબ્દોને જ મુખ્ય સ્થાન આપવું જોઈએ. તો જ આપણને મહારાજની ઉપાસના કહેવાય.

બીજો પ્રશ્ન પુરુષોત્તમ ભટ્ટે પૂછયો કે માયાના ઉદરમાંથી જીવનું સીધું કલ્યાણ કેમ કરતા નથી અને આવડું મોટું વિશ્વ સર્જવાનો દાખડો કરીને પછી જીવનું કલ્યાણ કરે છે. મહારાજે તેનો ઉત્તર કર્યો કે બ્રહ્માડ સર્જવામાં ભગવાનને દાખડો કરવો પડે તેવું નથી. એક વખત સૃષ્ટિ કર્યા પછી એ પૂરી થઈ જાય છે તેવું નથી. એ તો મહારાજ કહે જે જે બ્રહ્માંડનું આયુષ્ય પૂરું થાય તેનો જ પ્રલય થાય પણ બધી સૃષ્ટિનો થતો નથી. માટે વિદ્યમાન છે જ તો. વળી મહારાજ કહે ભગવાનને દાખડાનો પરિશ્રમ હોય તેવું નથી. ભગવાન તો યોગેશ્વર છે. સંકલ્પમાત્રથી સૃષ્ટિ કરે છે. વળી સૃષ્ટિ કરવી તે ભગવાનને માટે લીલા છે. માટે તેને સૃષ્ટિલીલા કહેવાય છે. લીલામાં સહજતા હોય છે, આનંદ હોય છે. કંટાળો પણ હોતો નથી. વળી સૃષ્ટિમાં ભગવાનને પરિશ્રમ કરવા દૂર જવું પડતું હોય તેવું પણ નથી. સર્વત્ર અન્વય છતાં વ્યતિરેક રહે છે. એકદેશી થકા સર્વદેશી થઈ રહે છે. એ આદિક તો તે ભગવાનની યોગકળાઓ છે. ભગવાનના જ્ઞાન તથા શક્તિઓ એવા અનંત અને અદ્‌ભુત છે કે દેવ મનુષ્યાદિકની બુદ્ધિ તેમા પહોંચતી નથી અને માપી પણ શકતી નથી. વળી ભગવાન અતિ દયાળુ છે તેથી કરુણાથી પ્રેરાઈને સૃષ્ટિ કરે છે. માટે તેમા કોઈ બાધા નથી. વળી ભગવાન સૃષ્ટિ કરે છે તે કર્યા વિના જ કલ્યાણ કરે તો કોનું કરવું અને કોનું ન કરવું એ આદિક વિષમતા વગેરે ઘણા દોષો આવે છે. માટે ભગવાન બરાબર કરે છે ભગવાન તો સૃષ્ટિના કર્તાહર્તા પુરુષોત્તમ છે.