ગમ–૬૩ : બળ પામ્યાનું

પ્રતિપાદિત વિષયઃ

ભગવાનના માર્ગમાં બળ પ્રાપ્તિના ઉપાયો.

મુખ્ય મુદ્દાઃ

૧.સત્તારૂપે રહેતાં રહેતાં જીવમાં વિવેકબળ આવે છે.
ર. ભગવાન તથા ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ બળ પામવાનો મોટો ઉપાય નથી.
૩.ભગવાનના ભક્તની સેવા કરવાથી જીવમાં તત્કાળ બળ પમાય છે.

વિવેચન :–

આ વચનામૃત વિવેકબળની પ્રાપ્તિનું છે. મુક્તાનંદસ્વામીએ પ્રશ્ન પૂછયો કે હે મહારાજ દૃષ્ટા ને દૃશ્યના મધ્યમાં જે વિચાર(વિવેક) રહે છે તે દૃષ્ટાને ને દૃશ્યને જુદા જુદા રાખે છે. એમાં જીવનું જાણપણું કયું જાણવું અને ઈન્દ્રિયો, અંતઃકરણનું જાણપણું કયું જાણવું ? જાણપણું એટલે અનુભૂતિ, ચેતના, લાગણી, વિવેક. ખાસ કરીને અહીં જાણપણાથી વિવેક કહેવામાં આવ્યો છે. દૃષ્ટા અને દૃશ્યના મધ્યમાં જે વિવેક રહ્યો છે કે ‘આ’ બુદ્ધયાદિ છે ને ‘આ’ હું છું. હું તેનાથી જુદો છું અને તે બધા મારાથી અલગ છે. આવો જે વિવેક તેને જાણપણું કહ્યું છે. તે જ્ઞાનસ્વરૂપ છે. તેનો આધાર કોણ છે ? જીવાત્મા છે કે બુદ્ધિ આદિ તત્ત્વો છે ?

પ્રશ્નનું ઉદ્‌ભવ સ્થાન એ છે કે કેટલુંક વિભાગીકરણ ઈન્દ્રિયો કરે છે. જેમકે આ દૃશ્ય લીલું, પીળું, વગેરે. કેટલુંક વિભાગીકરણ મન કરે છે. દા.ત. સારું–નરસું વગેરે. મારું–તારું વગેરે વિવેક અહં કરે છે. સ્પષ્ટ છે કે અસ્પષ્ટ તે વિવેક ચિત્ત કરે છે. યોગ્ય–અયોગ્યનો વિવેક બુદ્ધિ કરે છે. હિતાહિતનો વિવેક ચેતન કરે છે. જે ઈન્દ્રિયાદિકનો વિવેક સીધો તેના માધ્યમ વિના જીવાત્મા કરી શકે નથી. તેથી એવું ભાસે છે કે આ જાણપણું ઈન્દ્રિયાદિકમાં પણ રહ્યું છે. તો જીવાત્માનું જાણપણું કેટલું ને ઈન્દ્રિય અંતઃકરણનું જાણપણું કેટલુ ? આવો પ્રશ્ન સહેજે થાય છે.

તેનું સ્પષ્ટીકરણ વચનામૃતમાં એવું થયું છે કે એ જે જાણપણું છે તે જીવાત્માનું છે. ઈન્દ્રિયો અંતઃકરણનું નથી. જે દેખાય છે કે અનુભવાય છે તે પણ ભ્રાંતિથી દેખાય છે. ઈન્દ્રિય અંતઃકરણ તો તેમા સાધનરૂપ અને સહાયરૂપ થાય છે. તેથી જ એકલો જીવાત્મા વિવેક કરી શકતો નથી. જેમ વિદ્યુત પ્રવાહની લાઈન આવતી હોય તેને કનેકશન આપીને કોઈ જગ્યાએ ટયુબલાઈટ કરવામાં આવે, કોઈ જગ્યાએ પંખો ચલાવાય, કોઈ જગ્યાએ એ.સી. કરાય કે કોઈ જગ્યાએ હિટર. આ બધા કાર્યોમાં મુખ્ય કર્તા કરંટ જ છે. બાકીનાં તેનાં સહાયક સાધનો છે. છતાં તેના વિના તે તે કામ થઈ ન શકે. માટે ભ્રાંતિને સ્થાન છે. તેમ દૃષ્ટા ને દૃશ્યના મધ્યમાં જે વિચાર છે તે વિવેક વિચાર છે. તે આધાર વિના રહેતો નથી. તે જીવાત્માને આધારે રહે છે. તેનું ધર્મભૂત જ્ઞાન છે. જે કયારેય તેનાથી અલગ પડી શકે નથી. તે ઝાંખો થઈ જાય છે. નષ્ટપ્રાય પણ થઈ જાય છે પણ કયારેય સંપૂર્ણ નષ્ટ થતો નથી. જીવાત્મા સાથે અવિનાશીભાવથી જોડાયેલો છે.

આ વચનામૃતનો વિષય ફકત એટલો જ નથી. પ્રશ્નનો વિષય તેટલો જ હોવા છતાં એ વિવેક લુપ્તપ્રાય થઈ ગયો હોય તો પ્રદીપ્ત કેમ થાય ? તીવ્ર વિવેક કેમ થાય ? તેનાં સાધનો કયા છે ? તે બધા સાધનોમા બલિષ્ઠ સાધન કયું છે ? તેનો જવાબ પણ મહારાજે ઉત્તરમાં આવરી લીધો છે.

મહારાજ કહે છે કે અમને તો એમ જણાય છે કે જેનો જીવ બળને પામ્યો હોય તેને તો અંતઃકરણની વૃત્તિ છે તે જીવની જ વૃત્તિ છે ને અંતઃકરણ ને ઈન્દ્રિયોમાં જાણપણું છે જે વિવેકશક્તિ છે તે જીવનું જ જાણપણું છે. તે ઈન્દ્રિયો અંતઃકરણને જ્યાં ઘટિત હોય ત્યાં ચાલવા દે ને જ્યાં ઘટિત ન હોય ત્યાં ન ચાલવા દે અને જેનો જીવ અતિશય બળને પામ્યો હોય તેને તો ભૂંડું સ્વપ્ન પણ ન આવે.

જેનો જીવ નિર્બળ હોય એટલે કે જેની વિવેકશક્તિ મંદ પડી ગઈ હોય તેને તે વિવેકશક્તિ પ્રદીપ્ત કરવા માટે સાંખ્યના મતને અનુસરીને એક દૃષ્ટા એવો જે આત્મા તે આત્માપણે રહેવું પણ ઈન્દ્રિયો અંતઃકરણ સાથે ભળવુ નહીં. એટલે કે તેના ભોગોની ઈચ્છાઓ અંદર ઊઠે તેને રોકવી પણ અનુમોદન ન આપવું. તેને મૂળથી ઉખેડી નાખવી ને વિવેક દૃષ્ટિ રાખી તેનાથી અલગ પડવું. એવી રીતે સત્તારૂપ રહેતા થકા એનો જીવ બળને પામે છે. બળ એટલે અહીં શારીરિક બળ નહીં પણ માયિક ભોગ અને મોહના સ્થાનકો ઉલ્લંઘીને મુમુક્ષોને જે તલસાટ થવો જોઈએ તે. એટલે કે મહારાજની પાસે અક્ષરધામમાં પહોંચાય તેના વિવેકનો જે ધસમસાટ તે. દરેક ભગવાનને માર્ગે ચાલતી વ્યકિતમાં તે અલગ અલગ હોય છે. બળ શબ્દથી અહીં તેનો નિર્દેશ કર્યો છે. સત્તારૂપ રહેવાથી અંતરાયો થોડા હટે છે. મુમુક્ષુતા વધે છે ને ભગવાનના માર્ગે ચાલવાનો વેગ પણ વધે છે. તેથી બળ પામવાનો એક તે ઉપાય છે.

બળ પામવાનો એથી પણ એક અતિશય મોટો ઉપાય છે, ભગવાન ને ભગવાનના ભક્તની સેવા. મહારાજ કહે છે કે ભગવાન ને ભગવાનના જે સંત તેને વિષે જેને પ્રીતિ હોય અને તેની સેવાને વિશે અતિશય શ્રદ્ધા હોય અને ભગવાનની નવધા ભક્તિએ યુક્ત હોય તેના જીવને તો તત્કાળ અતિશય બળ આવે છે. માટે જીવને બળ પામવાને અર્થે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી. મહારાજ પોતાની અંગત વાત કરતાં કહે છે કે જ્યારે અમે અગણોતરાની સાલમાં માંદા થયા હતા ત્યારે કૈલાસ ને વૈકુંઠ દેખ્યામા આવ્યા ને નંદીશ્વરની અસવારી ને ગરુડની અસવારી અમે કરી એમ અમારા દીઠામાં આવ્યું. એ સામર્થીમાં અમને કાંઈ સારુ ન લાગ્યુ. ત્યારે અમે સત્તારૂપે રહેવા માંડયું, ત્યારે સર્વે ઉપાધિ શાંત થઈ. પછી તેમા પણ અમને એમ વિચાર થયો જે સત્તારૂપે રહેવું તેના કરતાં ભગવાન ને ભગવાનના ભક્ત ભેળે દેહ ધરીને રહેવું એ શ્રેષ્ઠ છે અને તેને અર્થે જે સેવા બની આવે તે કરવી એ જ અતિશય શ્રેષ્ઠ સાધન છે.

જ્યારે જીવને અંતસમો આવે છે ત્યારે અનંત જાતની આધિ ને વ્યાધિ પ્રગટ થાય છે. પછી ભગવાન કે ભગવાનના સંતનું જ્યારે દર્શન થાય છે ત્યારે સર્વે દુઃખનો નાશ થઈ જાય છે. એવો ભગવાન ને ભગવાનના ભક્તનો મહિમા છે. મૃત્યુ સમયની વ્યથાઓ અને મૃત્યુ પછીનાં દુઃખ તોડવામાં ભગવાન અને ભગવાનના સંત તુલ્ય બીજું કોઈ પ્રબળ સાધન નથી.

વળી મહારાજ કહે કે ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે એને વિશે મનુષ્યભાવ લાવવો જ નહીં. તેની સાથે અંતરમાં કોઈરીતે આંટી પડવા ન દેવી. જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંગાથે આંટી પડી જાય છે તે તો અમને દીઠો પણ ગમતો નથી ને તે ઉપરથી રીસ પણ કોઈ દિવસ ઉતરતી નથી. આ સંસારમાં પંચ મહાપાપ કરનારનો કોઈક દિવસ છૂટકો થાય પણ ભગવાનના ભક્તના દ્રોહના કરનારાનો કોઈ દિવસ છૂટકો થતો નથી. માટે ભગવાનના ભક્તની સેવા કરવી તે બરોબર કોઈ પુણ્ય નથી ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે બરોબર કોઈ પાપ નથી. પોતાના જીવને બળવાન કરવા માટે ભગવાન ને ભગવાનના ભક્તની સેવા જેવું કોઈ સાધન નથી અને પોતાના જીવને પાછો પાડવા માટે તેના દ્રોહ જેવું કોઈ દુષ્ટ કર્મ નથી.