ગમ–૬૧ : નિયમ, નિશ્ચય અને પક્ષનું

પ્રતિપાદિત વિષયઃ

પાકા સત્સંગીના લક્ષણઃ નિયમ, નિશ્ચય અને પક્ષ.

મુખ્ય મુદ્દાઃ

૧.નિયમ, નિશ્ચય અને પક્ષ રાખે તે જ પાકો સત્સંગી કહેવાય.
ર.સત્સંગને અર્થે સર્વસ્વ સમર્પણ કરી શકે તે મોટેરો સત્સંગી.

વિવેચન :–

આ વચનામૃતમાં પાકો સત્સંગી કોને કહેવો તથા મોટેરો સત્સંગી કોને કહેવો તેનાં લક્ષણો કહ્યા છે. મહારાજ કહે જેમાં ત્રણ વાનાં હોય તે પાકો સત્સંગી કહેવાય. નિયમ, નિશ્ચય અને પક્ષ. એક તો પોતાના ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિરસાટે દૃઢ કરીને પાળે, પણ તે ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. પાકો સત્સંગ એટલે મહારાજ સાથે આપણે કેટલા જોડાણા છીએ તે અને આ વચનામૃતમાં બતાવ્યા જે નિયમ, નિશ્ચય અને પક્ષ તે મહારાજ સાથે આપણે કેટલું જોડાણ છે તેની પારાશીશી છે, માપ છે.

એક શેઠની નોકરડી ઘરનું બધું કામ કરે. શેઠના એકના એક બાબાને સાચવે. બાબો હૃષ્ટ–પુષ્ટ થોડો ભારે, હેઠો ચાલે નહીં, તેડવો પડે. તેથી નોકરાણી કંટાળી જાય. પછી મનમાંને મનમાં કંટાળો વ્યક્ત કરે. ‘ભારે લડધા જેવો છે, ખાંડી એક તો ગળચ્યું (ખાધું) છે, પગ તો ભાંગી ગયા છે, શું કરવું પેટ પડયું છે.’ આમ તેને સાચવવો અતિ કઠણ પડે છે; પરંતુ જો તે જ જગ્યાએ તેની બહેન હોય અને પોતાનો સાત ખોટયનો સગો ભાઈ હોય તો ગમે તેવો હોય તોય ભારે લડધા જેવો ન લાગે. ‘મારો ભાઈ છે! બહુ ડાહૃાો છે’ એમ વહાલ કરતી જાય ને થાક પણ ન લાગે.

આપણને સત્સંગના નિયમ પાળવા કઠણ શા માટે પડે છે ? પાકો સત્સંગ થયો નથી, મહારાજ સાથે જોડાયા નથી, બરાબર સંબંધ થયો નથી માટે. પરિવારના સભ્યો સાથે જોડાયા છીએ તેથી તેઓને માટે આપણે ગમે તેટલુ કરી શકીએ છીએ. ત્યાં કાંઈ એવું નથી કે આપણે શક્તિ પ્રમાણે કરીએ. ત્યાં તો ઘણી વખત આપણા ગજા ઉપરવટ જઈને કરી બતાવીએ છીએ અથવા જબરજસ્તીથી કરવું પણ પડે છે. તે ન કરવું એવું આપણું કહેવું નથી. આપણું તો કહેવાનું એટલું જ છે કે તે સાચા સંબંધની ઓળખાણ કઈ ? જો મહારાજ સાથે આપણે સાચી રીતે જોડાઈએ તો ત્યાં પણ તેમ જ થાય. તો પછી નિયમ આકરા અને ભારે ન લાગે. પરંતુ જોડાવાની વાત છે.

તે જોડાણ પણ મહારાજે ત્રણ સ્થિતિથી બતાવ્યું. ભગવાને ધરાવેલા નિયમનું બરાબર પાલન થાય ત્યારે દૈહિક સત્સંગ કે દૈહિક જોડાણ થયું એમ ગણાય. નિશ્ચય એ અંતઃકરણનો વિષય છે. જેમ દૈહિક રીતે નિયમની દૃઢતા હોવી જોઈએ તેમ અંતઃકરણમાં પણ માન્યતાની કે ભાવનાની દૃઢતાની જરૂર પડે છે. મહારાજ કહે ભગવાનના નિશ્ચયમાં કોઈ રીતે સંશય ન થાય. અધ્યાત્મમાર્ગમાં દૈહિક આચરણ કરતાં પણ માન્યતા કેળવવાનું વધારે મહત્ત્વ છે અને કઠણ પણ છે. તેમા પણ આત્મા–પરમાત્માના વિષયમાં તો માન્યતા સ્થિર કરવાની જ વાત છે. વાસ્તવિક તો જે છે તેમા કાંઈ ફેરફાર થતો નથી અને કોઈ કરી શકતું પણ નથી. પોતાની માન્યતા મૂકીને ભગવાન અને તેના એકાંતિક સંતોની માન્યતા પ્રમાણે મનથી માનવું કઠણ છે. તેના કરતાં દેહે કરીને વર્તવું સહેલું છે. કોઈ પોતાની માન્યતા બદલવા તૈયાર થતા નથી. ખુદ ભગવાન આવે તો પણ આ જીવ પોતાની માન્યતા મૂકવા તૈયાર થતો નથી. નિશ્ચય કરવાનો સાદો અર્થ તો ભગવાનને વિશે ભગવાનપણાની માન્યતા કરવી એ જ છે. ભગવાન સાથે મનથી, ભાવનાથી જે સંબંધ થાય તે જ સાચો સંબંધ છે. બાકીના એટલા બધા કામ આવતા નથી. માટે અંતઃકરણમાં સત્સંગ થયો છે તેની ખાતરી મહારાજને વિષે અડગ નિશ્ચય છે.

ત્રીજું પક્ષ રાખવો એટલે કે તેમની તરફેણ કરવી. જ્યારે જીવમાં સત્સંગ ઉતરે છે ત્યારે જ ભગવાનના ભક્તનો સાચો પક્ષ રાખી શકાય છે. જો વ્યકિત નિયમ પાળે છે ને ભગવાનનો નિશ્ચય પણ છે; પરંતુ જો ભગવાનના ભક્તનો ખુલ્લો પક્ષ રાખી નથી શકતા ને મનમાં થોડો હિચકીચાટ રહે છે તો તેટલી સત્સંગમાં તેને ખામી છે એમ જાણવું. મા બાપ, દીકરા, દીકરી, પત્ની વગેરેની તરફેણ કરતી વખતે આપણે ન્યાય–અન્યાયનો બહુ વિચાર કરતા હોતા નથી. વ્યાજબી–ગેરવ્યાજબીપણું જોતા નથી. આપણને અયોગ્ય જેવુ લાગતું હોય તો પણ હૃદયમાં ઊંડે ભંડારીને તે વ્યક્તિની ખુલ્લી તરફેણ કરીએ છીએ. તેવું ને તેવું ભક્ત તરફ થતું નથી. એ આપણા ભક્તપણામાં કે સત્સંગ જીવમાં ઉતરવાની ખામી છે. માટે ભગવાનના ભક્તનો પક્ષ રાખવો.

વળી મહારાજ કહે છે કે મોટેરો સત્સંગી કોણ ? મોટેરાની તો એમ પરીક્ષા છે જે ગૃહસ્થ હોય તે પોતાનું સર્વસ્વ ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે કરી રાખે અને સત્સંગને અર્થે માથું દેવું હોય તો દે અને જે ઘડીએ પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે જે તું પરમહંસ થા તો તે તત્કાળ પરમહંસ થાય એવાં લક્ષણ હોય તે હરિભક્ની સભાને આગળ બેસે અથવા વાંસે બેસે પણ તેને જ સર્વે હરિભક્તમાં મોટેરો જાણવો.

અહીં દેવાનું, દેવાનું. બધું દેવાની જ વાત આવે છે લેવાની તો કયાંય વાત આવી જ નહીં. આપણી સંસ્કૃતિમાં હૃદયપૂર્વકના ત્યાગની જ મોટાઈ છે. સાચા ત્યાગીની જ પૂજા થાય છે તેને બધા માન આપે છે તેટલી પૂજા કે માન હોશિયારીથી સ્વાર્થ સિદ્ધિ કરી લેનારાને કે પોતાના પૂજ્યપણાનો ભડભડિયો રાખનારાને મળતા નથી. તેમાં પણ અહીં તો સમર્પણની વાત છે.

ત્યાગ અને સમર્પણમાં થોડો ફેર છે. ત્યાગ કયારેક દિશારહિતનો હોઈ શકે. જ્યારે સમર્પણ તો નિશ્ચિત કેન્દ્રમાં જ હોઈ શકે. તે પણ અહીં ભગવાન અને ભક્ત પ્રત્યેનું છે. તેથી ત્યાગ પણ કાંઈક વધારે બળવત્તર બની જાય છે. નિશ્ચિત હેતુ કે લક્ષ્ય વિનાનો ત્યાગ જગતમાં પૂજાય તો જરૂર પણ કલ્યાણમાં ઉપયોગી થાય કે કેમ તેમા શંકા રહે છે. જ્યારે સમર્પણ તો જરૂર ધ્યેય સિદ્ધ કરાવે છે, કલ્યાણ અપાવે છે. માટે મહારાજ મોટેરા હરિભક્તનું લક્ષણ કહેતાં કહે છેઃ એક તો સર્વસ્વ ભગવાનને ભક્તને અર્થે કરી રાખે. બીજું માથું દેવું હોય તો દે અને ત્રીજું કે ઈષ્ટદેવ આજ્ઞા કરે તો પરમહંસ પણ થાય. એ હરિભક્તમાં મોટેરો છે. આગળ કે પાછળ બેસવાથી મોટેરો કે નાનેરો નથી.

વળી મહારાજ કહે, ત્યાગીમાં મોટેરો કોણ છે ? તો જ્યારે દેશ પરદેશમાં જાય ને ત્યાં કનક કામિનીનો યોગ થાય તો પણ તેમા ફેેર પડે નહીં અને પોતાના જે જે નિયમ હોય તે સર્વે દૃઢ કરીને રાખે તે સર્વે ત્યાગીમાં મોટેરો કહેવાય. સત્તા કે એકાંતના સમયમાં માણસના હૃદયમાં પડેલી નબળાઈઓ નગ્ન સ્વરૂપ ધારણ કરીને પ્લેટફોર્મ ઉપર આવતી હોય છે અથવા જ્યારે આંધળો અનુયાયી વર્ગ વેવલાઈમાં ગાંડો થાય ત્યારે પણ કેન્દ્રિત વ્યક્તિની નબળાઈ લાજનો પડદો થોડોક એકબાજુ કરીને પોતાનું દર્શન દે છે. મહારાજ કહે છે કે આવા નબળાઈના મર્મસ્થાનનોમાં અને સમયમાં પણ પોતાની નબળાઈઓ હોય તો તેનું નિયમન કરીને પોતાના નિયમમાં ફેર ન પડવા દે અને શુદ્ધ અંતરવાળો રહે તો તે ત્યાગી મોટેરો કહેવાય છે.

વળી મહારાજ કહે છે કે સંસારમાં કાંઈક રજોગુણી મોટો મનુષ્ય કહેવાતો હોય તે જ્યારે સભામાં આવે ત્યારે તેનો આદર કરીને સન્માન કરવું. તેને સભામાં મોઢા આગળ બેસાર્યો જોઈએ. એ વ્યવહાર છે. તે જ્ઞાની હોય, ત્યાગી હોય કે ભક્ત હોય તેણે પણ રાખ્યો જોઈએ. જો ન રાખે તો એમાંથી ભૂંડું થાય છે. વ્યવહાર છે તે અધ્યાત્મનો એક ભાગ જ છે એમ માનવું; પરંતુ એટલું ખરું કે વ્યવહારમાં પારંગત થઈ જવાથી કલ્યાણ સુધરી જાય એવું ન માની શકાય. મે વ્યવહારની અનઆવડત હોય તો કલ્યાણના માર્ગમાં પણ વિક્ષેપ ઘણા થાય, મુશ્કેલીઓ ઘણી પડી જાય તેવું તો જરૂર કહી શકાય. માટે મહારાજ કહે છે કે પરીક્ષિતનું સન્માન ન થયું ને મરેલો સર્પ ૠષિના ગળામાં નાખ્યો. પછી શાપ થયો ને સાત દિવસમાં મૃત્યુ થયું. દક્ષનું સન્માન ન થયું તેમાંથી પણ ઘણો જ ક્લેશ થયો. માટે આ વ્યવહાર વિવેક દરેક ગૃહસ્થ તથા ત્યાગી ભક્તોએ જરૂર રાખવો.