પ્રતિપાદિત વિષયઃ
અખતર ડહાપણ.
મુખ્ય મુદ્દાઃ
૧.અલ્પબુદ્ધિ જીવ પોતાની કલ્પના પરમાત્માને વિષે કરે છે.
ર.ભગવાનની ભક્તિ રહિતના સર્વ ગુણ તે નકારા થઈ જાય છે.
વિવેચન :–
આ વચનામૃત છે તે ‘અખતર ડાહ્યા’નું વચનામૃત છે. પોતાની ક્ષુદ્ર બુદ્ધિને ભગવાનનો મહિમા સમજવામાં નહિ આવવાથી ભગવાનનો અવગુણ લેવાય છે તેને માટે મહારાજે આ વચનામૃતમાં ‘અખતર ડાહ્યા’ શબ્દ વાપર્યો છે. ડહાપણની આગળ સામાન્ય રીતે બે વિશેષણો વપરાય છે. એક તો દોઢ ડાહ્યા અને બીજું મહારાજે કહ્યું તેમ અખતર ડાહ્યા અને ત્રીજું ફકત ડાહ્યા શબ્દ વપરાય છે. ડાહ્યો તે એ કહેવાય કે જે પોતાનું ને પારકાનું હિત થાય એવો બુદ્ધિનો ઉપયોગ કરે માટે તે ડાહ્યો. દોઢ ડાહ્યો એને કહેવાય કે જે બીજાની જ વાતો કર્યા કરે, બીજાને જ સલાહ આપ્યા કરે. ખાસ કરીને કોઈ સલાહ માગે નહિ તેને જરૂર પણ ન હોય તો પણ સલાહ આપ્યા કરે પણ પોતાનું જુએ નહીં તેને દોઢ ડાહ્યો કહેવાય. કારણકે વણમાગી અને બીનજરૂરી સલાહો આપે છે. જ્યારે અખતર ડાહ્યો તેને કહેવાય કે પોતાને જ્યાં નુકસાન થાય એવા માર્ગે જ બુદ્ધિનો ઉપયોગ કરે તે અખતર ડહાપણ છે.
મહારાજ કહે છે કે જીવના કલ્યાણને અર્થે ભગવાનના અવતાર થાય છે તેને તો માયાનું કાર્ય એવું આ જગત તેમાં કોઈ ઠેકાણે મોહ થતો નથી અને પોતાના અલૌકિક પ્રતાપે કરીને નિઃશંક વર્તે છે. પોતાના ભક્જનની ભક્તિને અંગીકાર કરવાને અર્થે પંચવિષયને સારી પેઠે ભોગવે છે. (કુબજાને ઘેર ગયા)તેને જોઈને આ સંસારને વિશે અખતર ડાહ્યા મનુષ્ય છે તે પરમેશ્વરને વિષે દોષ પરઠે છે. એમ જાણે જે આ તો પરમેશ્વર કહેવાય છે તો પણ એને આપણા કરતાં પણ સંસારને વિષે વધુ આસક્તિ છે. એમ જાણીને ભગવાનને પોતાના જેવા મનુષ્ય જાણે છે. ભગવાનનો જે અલૌકિક મહિમા તેને જાણતા નથી એ જ માયા છે ને અખતર ડહાપણ છે.
મહારાજ કહે છે કે બ્રહ્મ સ્થિતિને પામ્યા એવા શુકદેવજી જેવા આત્મદર્શી સાધુ તેને પણ આ સંસારને વિષે કોઈ પદાર્થ દેખીને મોહ થતો નથી. તો બ્રહ્મથી પર પરબ્રહ્મ એવા જે ભગવાન તેને માયા ને માયાના કાર્ય થકી નિર્લેપ રહેવાય એમાં તે શું કહેવું ? તે તો રહેવાય જ; પણ આ જોનારાની કુબુદ્ધિ છે. એ પોતાના માપથી પરમાત્માને માપવા જાય છે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે, ”મુકનંદ કહે હરિ હરિજનની ગતિ છે ન્યારી, તેને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી” ભગવાનની ગતિ અને દૃષ્ટિ અલૌકિક હોય છે. તે દૃષ્ટિને અલ્પબુદ્ધિ માપી ન શકે પછી પોતાની કલ્પના તેમાં કરે છે અને પોતાના કલ્યાણના માર્ગમાં પાણો નાખે છે.
મહારાજ કહે છે કે આત્મનિષ્ઠાવાળા જે સંત તેને આત્મનિષ્ઠા ને તીવ્ર વૈરાગ્ય એ બેય હોય તેને કરીને કોઈ રીતનું બંધન તો ન થાય પણ જો તેને ભગવાનને વિષે ભક્તિ ન હોય તો જેમ બહુ પ્રકારનાં ભોજન ને બહુ પ્રકારનાં વ્યંજન કર્યાં હોય ને તેમા જો એક લવણ ન હોય તો તે સર્વે નકારાં થઈ જાય છે. તેમ ભગવાનની ભક્તિ વિના એકલું જે બ્રહ્મજ્ઞાન તથા વૈરાગ્ય છે તે તો નકારાં જ છે ને સદા અકલ્યાણકારી જ છે. એમ જાણીને શુકદેવજી બ્રહ્મરૂપ થયા હતા તો પણ શ્રીમદ્ ભાગવતને ભણતા હતા–’પરિનિષ્ઠતોપિ નૈર્ગુણ્યે ।’ અને શ્રીકૃષ્ણ ભગવાનને વિષે દૃઢ ભક્તિને કરતા હતા. માટે આત્મનિષ્ઠાવાળાને જો ભગવાનને વિષે ભક્તિ ન હોય તો એ મોટું દૂષણ છે. આત્મનિષ્ઠા અને તીવ્ર વૈરાગ્ય એ બંને માયાનું બંધન જરૂર તોડી નાખે છે પણ એવાને ભગવાનમાં બાંધનારી ભક્તિ ન હોય ભગવાનનું બંધન ન હોય તો એ અખતર ડહાપણ બની રહે છે. એ દેખાય છે ડહાપણ જેવું પણ એ ડહાપણ નથી. ભગવાને ગીતામાં કહ્યું કે…
નાહં વેદેન તપસા ન દાનેન ન ચેજ્યયા ।
શક્યં એવં વિધો દ્રષ્ટું દ્રષ્વાનસિ માં યથા ।।
ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહંમેવંવિદ્યોજુન ।
સા તું દ્રષ્ટું ચતત્વેન પ્રવોડું ચ પરંતપ ।।૧૧પ૩–પ૪
માટે પરમાત્માની ભક્તિ જો ન આવી તો આત્મનિષ્ઠા અને તીવ્ર વૈરાગ્ય પણ અખતર ડહાપણનો જ વધારો કરે છે પણ કલ્યાણકારી થતાં નથી. માટે મહારાજ કહે છે કે નકારાં ને સદા અકલ્યાણકારી બની રહે છે.
વળી ભગવાનને વિષે ભક્તિ હોય તેને પણ જો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય ન હોય તો જેવી ભગવાનને વિષે પ્રીતિ હોય તેવી બીજાં પદાર્થમાં પણ પ્રીતિ થઈ જાય છે. માટે એ ભક્તિમાર્ગવાળાને માટે પણ મોટું દૂષણ છે. એ અખતર ડહાપણ નથી પણ ડોઢ ડહાપણ તો જરૂર છે. માટે આત્મનિષ્ઠા, વૈરાગ્ય ને ભગવાનને વિષે ભક્તિ ત્રણેય ભેળાં હોય ત્યારે કોઈ જાતની ખોટય ન કહેવાય અને એ જ સાચું ડહાપણ કહેવાય. મહારાજ કહે છે તેને જ્ઞાની ભક્ત કહેવાય. એકાંતિક ભક્ત કહેવાય.