પ્રતિપાદિત વિષયઃ
ભગવાનની મૂર્તિ અને બીજા જે આકાર તેમાં રહેલો તફાવત.
મુખ્ય મુદ્દા :
૧.ભગવાનના આકારનું અખંડ ચિંતવન કરનારા કાળ, કર્મના બંધન થકી છૂટી મુક્ત થાય છે.
ર.માયિક આકારનું ચિંતવન કરનારા નરક ચોરાસીમાં ભમે છે તેના દુઃખનો પાર આવતો નથી.
વિવેચન :–
આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માયિક આકાર એ બંને વિષે તો ઘણો ફેર છે. જે અજ્ઞાની જીવ છે ને અતિશય મૂર્ખ છે તે તો ભગવાન અને માયિક આકારને સરખા જાણે છે; પરંતુ તે સરખા નથી. કારણ કે માયિક આકારના જે જોનારા છે ને માયિક આકારના જે ચિંતવન કરનારા છે તે તો અનંત કોટી કલ્પ સુધી નરક ચોરાસીને વિષે ભમે છે અને જે ભગવાનના સ્વરૂપનાં દર્શન કરનારા છે ને ભગવાનના સ્વરૂપનું ચિંતવન કરનારા છે તે તો કાળ, કર્મ, માયા એ સર્વના બંધન થકી છૂટીને અભયપદને પામે છે ને ભગવાનના પાર્ષદ થાય છે.
અહી શરૂઆતમાં જ પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ એવો શબ્દ પ્રયોગ કર્યો છે એટલે કે મહારાજ અવતાર લઈ મનુષ્ય જેવા થયા હોય ત્યારે માણસોને ભ્રાંતિ વધારે રહે છે. ગીતામાં પણ ભગવાનને કહ્યું છે કે…
અવજાનન્તિ માં મૂઢા માનુષીં તનુમાશ્રિતમ્।
પરં ભાવમજાનન્તો મમ ભૂતમહેણુરમ્।।૯–૧૧।।
મેં મનુષ્ય ભાવને ગ્રહણ કર્યો છે તેથી અજ્ઞાની અને મૂઢ જીવો મને જાણી શકતા નથી અને મારા પરભાવને તથા મારા દિવ્યભાવને જાણી શકતા નથી કે હું કોણ વ્યક્તિ છું ! તેથી મારી અવહેલના કરે છે. તેનું કારણ અજ્ઞાન છે. મૂર્ખતા છે. એ નિંદા કરે છે તેમા આશ્ચર્ય નથી.
યો યસ્ય ન વેત્તિ ગુણપ્રકર્ષઃ સ તં સદા નિન્દતિ નાત્ર ચિત્રમ્।
યથા કિરાતી કરિકુંભજાતાં મુક્તાં પરિત્યજ્ય બિભર્તિ ગુઞ્જામ્।।
ભીલડી હાથીના કુંભસ્થલમાં પાકેલા મોતીઓનો ત્યાગ કરીને ચણોઠીના શણગાર ધારે છે. તેમ મહારાજ કહે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ અને બીજા માયિક આકાર તે બેયમાં ઘણો ફેર છે. દેખાવામાં ભલે સરખા હોય પણ પ્રભાવ જણાવવામાં આકાશપાતાળનો તફાવત છે. પરિણામમાં આકાશપાતાળનો ભેદ છે. મહારાજ કહે છે કે માયિક આકારના ચિંતવન કરનારા છે તે અનંત કોટી કલ્પ સુધી નરક ચોરાસીમાં ભમે છે. જ્યારે ભગવાન ભલે મનુષ્ય જેવા દેખાતા હોય પણ તેનુ ચિંતવન કરનારા કાળ, કર્મ ને માયાના બંધનથી મુકાઈને પરમપદને પામે છે. દિવ્ય પાર્ષદ બને છે. જેમ સોનું ને પિત્તળ, સામાન્ય લોઢું ને ચુંબક, સામાન્ય પથ્થર ને ચિંતામણિ એ બધા સમાન દેખાતા હોવા છતાં તેના કાર્યથી અતિ વિલક્ષણ છે, જુદાં છે.
સત્સંગિજીવન પ્રકરણ ચાર.અ.૭ર મા સદ્. શુકાનંદસ્વામીએ ટીકામાં આ ભાવનું સુદર નિરૂપણ કર્યું છે કે ભગવાનમાં ને અન્યમાં શું ફેર છે ? શાસ્ત્રમાં કહ્યું છે કે કૈવલ્યં સાત્ત્વિકં જ્ઞાનમ્(સુખમ્) જ્યારે મન્ન્ષ્ઠિં નિર્ગુણમ્સ્મૃતં(ભાગ.૧૧) આત્મવિચાર સંબંધી જે જ્ઞાન છે, જે સુખ છે તેને સાત્ત્વિક સુખ કહેવાય છે. જ્યારે ભગવાન કહે છે કે મન્ન્ષ્ઠિં નિર્ગુણમ્સ્મૃત મારા વિષયક જ્ઞાન મારી મૂર્તિ સંબંધી જ્ઞાન અને સુખ છે તે નિર્ગુણ છે.
અહીં પૂર્વપક્ષીઓએ શંકા ઉઠાવી છે કે આત્મસંબંધવાળું જ્ઞાન સુખ છે તેને સાત્ત્વિક કેમ ગણ્યું અને પરમાત્મા સંબંધી જ્ઞાન, સુખ છે તે નિર્ગુણ કેમ ? આત્મા પણ સ્વરૂપે કરીને તો માયાથી પર છે. ભગવાન પણ માયાથી પર છે. બંને સ્વરૂપો માયાથી પર છે. તો આત્મસંબંધી જ્ઞાન, સુખ સાત્ત્વિક જ શા માટે ? જો સાત્ત્વિક ગણવુ હોય તો પછી ભગવાન સંબંધી સુખ પણ સાત્ત્વિક ગણવું પડશે અથવા બંનેને નિર્ગુણ કહેતાં દિવ્ય ગણવું જોઈશે. ત્યારે સિદ્ધાંતી કહે છે કે તમે કહો છો તે વાત સાચી છે કે બંને પદાર્થ તો માયાથી પર છે છતાં પણ બંનેનો સ્વભાવ સરખો નથી. પ્રભાવ અલગ અલગ છે. એકનો પ્રભાવ સત્ત્વ સ્થિતિને વધારે છે અને પરમાત્માની મૂર્તિનો સંબંધ નિર્ગુણ દિવ્ય સ્થિતિને વધારનારો બને છે.
આત્મચિંતન એ જીવના હૃદયની શુદ્ધિ કરીને સત્ત્વગુણને પ્રવૃદ્ધ કરે છે. જ્યારે પરમાત્માની મૂર્તિનું ચિંતવન છે તે તો સત્ત્વાદિક ત્રણ ગુણોનું મૂળથી નિકંદન કરે છે અને માયાના ભાવને જડમૂળથી ઉચ્છેદ કરીને દિવ્યતાનો આવિર્ભાવ કરાવે છે. તો પછી બંનેને સરખા કેમ લઈ શકાય ! ન જ લઈ શકાય. બંનેના પ્રભાવ, પરિણામો અલગ છે. મહારાજ વચ.ગ.મ.૪મા કહે છે કે જેમ સોનું છે ને અન્ય ધાતુ પણ છે તેને ભેળા કરીને પૃથ્વીમાં દાટે તો સોના વિના અન્ય ધાતુ છે તે સર્વે ઘણે કાળે કરીને ધૂળ ભેળા ધૂળ થઈ જાય છે અને સોનું હોય તે તો જેમ પૃથ્વીમાં રહે તેમ વૃદ્ધિ પામે પણ ઘટે નહીં. તેમ ભગવાન અને બ્રહ્માદિ દેવ કે મુનિ તે કાંઈ સરખા નથી.
મહારાજે લોયા–વ.૧૩મા પણ કહ્યું છે કે જેમ દેવ તથા મુનિ ભગવાન જેવા નથી તેમ અક્ષરાદિક મુક્ત હોય, પછી ભલે તે અનાદિ મુક્ત હોય તો પણ ભગવાન તુલ્ય ન કહેવાય અને એ બંનેને સરખા કહે છે તો તેને દુષ્ટમતિવાળા અને અતિ પાપી જાણવા ને એના દર્શન પણ કરવાં નહીં. મહારાજ કહે છે કે ભગવાનની પ્રતિસ્પર્ધા કરે તેવો તો કોઈ છે જ નહીં. તેથી જ તો શિક્ષા. શ્લોક ૧૧પ માં મહારાજે કહ્યું કે ભગવાન સિવાય દેવ, મનુષ્ય, મુક્ત કે સિદ્ધ ગતિને પામ્યા હોય તો પણ તેનું ધ્યાન ન કરવુ. કારણ કે માયાને પોતાના જીવમાંથી જડમૂળથી કાઢવામાં અને પરાભૂત કરવામાં તો ભગવાનની મૂર્તિનું ચિંતવન જ શક્તિ પૂરી પાડી શકે. બીજો કોઈ પદાર્થ તો માયાને પરાજિત કરવાની શક્તિ જીવમાં ખીલવી શકે નહીં.
માયાના પદાર્થનું ચિંતવન તો જીવના હૃદયમાં મોહવૃદ્ધિ પમાડે છે અને નરક ચોરાસીને વિસ્તારે છે. માટે શ્રીજી મહારાજ આ વચનામૃતમાં કહે છે કે માયિક આકારનું ચિંતવન કરનારા છે તે તો અનંત કોટી કલ્પ સુધી નરક ચોરાસીમાં ભમે છે. તે માયિક પદાર્થના ચિંતવનનો પ્રભાવ છે. માટે ભગવાનનો આકાર અને માયિક આકાર એ બેય સરખા નથી. તેથી જ તો મહારાજ કહે છે કે અમારે તો ભગવાનની કથા, કીર્તન કે વાર્તા કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી નથી. તમારે સર્વેએ એવી જ રીતે કરવું. કારણ કે કથા આદિક ક્રિયા મૂર્તિનો સંબંધ કરાવનારી ક્રિયાઓ છે, તેથી તૃપ્તિ થતી નથી.