પ્રતિપાદિત વિષયઃ
ભગવાનની મૂર્તિના અખંડ ચિંતવનનો મહિમા.
મુખ્ય મુદ્દા :
૧.જેને મૂર્તિનું ચિંતવન છે એવાને ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા.
ર.કાંઈક નિમિત્ત ઊભું કરી જેને મૂર્તિનું ચિંતવન છે તેના મધ્યમાં જન્મ ધરવો.
૩. છતે દેહે મુક્ત કોણ થઈ રહ્યો છે ?
વિવેચન :–
મહારાજ સત્સંગ સભામાં વિરાજમાન થયા છે ત્યારે સદ્.પ્રેમાનંદ સ્વામીએ ભગવાનના ધ્યાનના અંગની ગરબીઓ જે ‘વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ’ એ ગાવતા હતા. પછી જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે બહુ સારાં કીર્તન ગાયાં. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે આવી રીતે એને ભગવાનની મૂર્તિંનું ચિંતવન છે માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતવન થતું હોય ને એવી વાસનાએ યુક્ત જો દેહ મૂકે તો એને ફરીને ગર્ભવાસમાં જવું પડે જ નહિ. એવી રીતે ભગવાનનું ચિંતવન કરતાં જીવતો હોય તો પણ એ પરમપદને પામ્યો જ છે. જેવા શ્વેતદ્વીપમાં નિરન્નમુક્ત છે તેવો જ એ પણ નિરન્નમુક્ત થઈ રહ્યો છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે…
કુલં પવિત્રં જનની કૃતાર્થા વસુંધરા ભાગ્યવતી ચ તેન ।
વિમુક્તિમાર્ગે સુખસિંધુ મગ્નં લગ્નં પરે બ્રહ્મણિ યસ્ય ચેતઃ ।।
જેનું મન પરમાત્માના ચિંતનમાં લાગી ગયું તેનો મહિમા ગાતાં કહે છે કે તેના જન્મથી તેનું કુળ પવિત્ર થાય છે. કુળને જો કોઈ દોષ લાગેલો હોય તો આવા ભક્તના જન્મથી તેના સમગ્ર કુળના દોષનું પણ નિવારણ થઈને તે પવિત્ર થાય છે. એ ભક્તે જે માતા થકી જન્મ લીધો હોય તે પણ કૃતાર્થ બને છે અને એ ભૂમિ પણ ભાગ્યશાળી બની જાય છે. તીર્થભૂમિ બની જાય છે. એવો પરમાત્માની મૂર્તિના ચિંતનનો મહિમા છે. મહારાજ પણ કહે કે અમે પણ ઊઠીને એ સંતને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતવન થતું હોય ને એવી વાસનાએ યુક્ત જો દેહ મૂકે તેને ફરીને ગર્ભવાસમાં જવું પડે નહીં.
ભગવાનની મૂર્તિની જે વાસના છે તે કટ્ટર વલણવાળી છે. એ જે સ્થાનમાં બેઠી હોય તે સ્થાનમાં બીજી કોઈ વાસનાને રહેવા જ દેતી નથી. અન્ય સર્વ વાસનાને તોડીને જ જંપ લેવાના સ્વભાવવાળી છે. તેથી મહારાજ કહે છે કે એવી વાસનાએ યુક્ત જો દેહ મૂકે તો તેને ગર્ભવાસમાં જવું ન પડે અને જો એવી રીતે ભગવાનનું ચિંતવન કરતાં જીવતો હોય તો પણ એ પરમપદને પામ્યો છે. વ્યક્તિ અંતરમાં કેવું ચિંતવન કરતાં કરતાં જીવે છે તે જ તેના મુક્તભાવનો માપદંડ છે. દૈહિક ક્રિયાઓથી મુક્તભાવનો એટલો સાચો અંદાજ આવતો નથી. તેમા બદલાવ, દંભ, કપટને સ્થાન છે. વ્યવહાર પણ જોડાયો હોય છે. માણસને ઉપરથી સારા દેખાવાનું વિશેષ તાન હોય છે અને એમાં પણ જેનામાં ખરેખર ખામીઓ છે તેને તો વધારે તાન રહે છે. એટલું તાન ખામીઓ દૂર કરવાનું નથી રહેતુ. જ્યારે ચિંતવનમાં દંભ–કપટને સ્થાન નથી. શકયતા નથી અને એ ઉપરથી દેખાતું પણ નથી. માટે પ્રથમ મુક્તભાવ વૈચારિકતામા આવે છે ને ચિંતવનથી પરખાય છે.
મહારાજ કહે છે કે દેહક્રિયા તો જેટલી યોગ્ય હોય એટલી સહેજે જ થાય છે પણ એવું ચિંતવન દુર્લભ છે અને જેને એવું ચિંતવન થાય છે તે તો કૃતાર્થ થયો છે. ભગવાન વિના બીજા આકારનું ચિંતવન કરતે થકે દેહ પડશે તેને કોટી કલ્પે પણ દુઃખનો અંત આવતો નથી. માટે મહારાજ કહે છે કે આવો અવસર પ્રાપ્ત થયો છે તો સાવધાન રહેવું. બીજાં ચિંતવન મૂકીને એક ભગવાનનું જ ચિંતવન કરવું. જો ભગવાનના સ્વરૂપનું ચિંતવન ન થઈ શકે તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિએ યુક્ત અને અખંડ ચિંતવન કરતા એવા સાધુ તેને મધ્યે પડી રહેવુ. જેથી કરીને એવો માર્ગ આપણને સૂઝે અથવા એ સંતો આપણને ચિંતવનમાં મદદ કરે. આપણા ઉપર કૃપા કરે. મહારાજ ખુદ એમ કહે છે કે અમારે પણ અંતરમાં એવી શુભ ઈચ્છા રહે છે જે આ દેહને મૂકીશું તો કોઈ નિમિત્ત તો નથી પણ મનમાં એમ થાય છે કે જન્મ ધર્યાનું કોઈક કારણ ઉત્પન્ન કરીને એવા એકાંતિક ને અખંડ ચિંતવન કરનારા સંત પુરુષના મધ્યમાં દેહ ધરીએ એમ ઈચ્છીએ છીએ.
મહારાજ તો ખુદ પરમાત્મા છે. તેમને માટે એવું કશું હોતું નથી. એ તો આપણા ઉપદેશ માટે પોતાનું નિમિત્ત બતાવે છે પણ એવા પુરુષના મધ્યમાં રહેવું એ એક દુર્લભ લહાવો અને દુર્લભ પ્રાપ્તિ છે. મહારાજ કહે છે કે સ્ત્રી, પુત્ર, ધન આદિક પંચવિષય તે તો જે જે યોનિમાં જાય છે તે સર્વમાં મળે છે. ઉલ્ટું મનુષ્યમાં જ તેની થોડી દુર્લભતા છે. પશુયોનિમાં તો સ્ત્રી પુત્રાદિક માટે ઉદ્યમ પણ કરવો પડતો નથી. તે દુર્લભ નથી. દુર્લભ તો ભગવાનનું ચિંતવન અને બ્રહ્મવેત્તા પુરુષનો સંગ છે. આ પૃથ્વીપર બે અબજ જીવો મનુષ્ય શરીરધારી હશે. તેમાંથી મહારાજે કહ્યા એવા કેટલા ? તેથી જ ગીતામાં પણ કહ્યું છે કે ‘મનુષ્યાણાં સહસન્નષુ…..’ હજારમાં એક નહી, હજારોમાં એક. આવા પાછા હજારોમાં એક શોધીએ તો ત્યારે ભગવાનને અખંડ યાદ કરનાર મળે છે. એ જ સર્વે હરિભક્તોમાં મુખિયો છે. તે ભાગવતમાં કહ્યું છે…
ત્રિભુવન વિભવે હેતવેયિંકુંઠ સ્મૃતિરજિતાત્મ સુરાદિભિર્વિમૃગ્યાત્।
ન ચલતિ ભગવત્પદારવિદાંત્લવનિમિષાર્ધમપિ સ વૈષ્ણવાગ્ય્રઃ ।।
જો કોઈ ત્રિલોકની સમૃદ્ધિ આપે તો પણ દેવતાઓને પણ ખોળવા યોગ્ય એવા પરમાત્માના ચરણની અખંડ સ્મૃતિ થકી એક ક્ષણ ચલાયમાન ન થાય તે સર્વ વૈષ્ણવોમાં અગ્રણી ગણાય છે. મહારાજ કહે, ત્યાગી ગૃહીનો કાંઈ મેળ નથી. જેને ભગવાનના ઝાઝા સંકલ્પ થાય તે મોટો અને એવો ન હોય તે નાનો છે. ઉંમરનો પણ કાંઈ મેળ નથી. જે ભગવાનને વધુ સંભારે તે મોટો છે. એવો જે ભક્ત હોય તેને દેહનિભાવ માટે જે પંચ વિષય હોય તે ભગવાન સંબંધી જ હોય છે; પણ તે વિના અન્ય વસ્તુને તે દુઃખદાયી જાણે છે. એવો જે હોય તેને એકાંતિક ભક્ત કહેવાય છે.