ગમ–૪૭ : પાતાળ સુધી પૃથ્વી ફાટયાનું

પ્રતિપાદિત વિષયઃ

મુમુક્ષુ અને સદ્‌ગુરુ વચ્ચેની ફરજો.

મુખ્ય મુદ્દા :

૧.મોટેરા સંતોએ મુમુક્ષુનું પોષણ થાય તેમ રહેવું ને તેમ કરવું.

ર.મુમુક્ષુઓએ આશ્રમ તથા ભગવાનના માર્ગને અનુરૂપ અપેક્ષાઓ રાખવી. નબળી ઈચ્છાઓ ટાળવી.

વિવેચન :–

આ વચનામૃતમાં મહારાજ કહે છે કે જે સંતની પાસે ચાર સાધુ રહેતા હોય તેને જો મન દઈને માણસાઈએ રાખતા આવડતું હોય તો તેની પાસે સાધુ રાજીપે રહે અને જેને સાધુને રાખતા આવડે નહી તેની પાસે સાધુ રહે નહિ. મહારાજે સાધુઓનાં મંડળ બાંધેલાં છે. તેમા એક મુખ્ય હોય અને બીજા તેને અનુવર્તીને રહેતા હોય છે. તેમા મુખ્ય જે ગુરુ હોય અને બીજા અનુવર્તનારા શિષ્યો હોય તેઓ બંનેની અરસપરસ થોડી થોડી ફરજો બની રહે છે. તો જ સુવ્યવસ્થા રહે છે.

તેમા પણ અત્રે તો સામાન્ય સમાજની જે અપેક્ષા હોય તે અહીં હોતી નથી છતાં પણ અનુવર્તનાર સમાજ કાંઈક પ્રાથમિક મૂળભૂત અપેક્ષાઓ તો લઈને જ આવતો હોય છે અને તે અપેક્ષાઓ ન હોય તો કોઈ જીવ બીજાનું શાસન સ્વીકારે નહિ. પછી ભલે તે પોતાના આશ્રમને અનુરૂપ હોય; પણ જરૂરિયાત જરૂર હોય છે. માટે મહારાજ કહે જેની પાસે ચાર સાધુ રહેતા હોય તેને માણસાઈએ રાખતા આવડે તો સાધુ રાજીપાથી રહે છે. જો ગુરુઓ પણ માત્ર પોતાની જ અપેક્ષાઓ લઈને બેઠા હોય અને અનુયાયી વર્ગને સમજવાની તૈયારી ન હોય અથવા તેને સમજવાની જરૂર નથી તેવું માનતા હોય તો તેની પાસે સાધુ ન રહે. મુમુક્ષુઓ જે મોટા સંત પાસે આવે છે તે પોતાની મૂળભૂત અને આશ્રમને અનુરૂપ અપેક્ષાઓ લઈને આવે છે. મોક્ષમાર્ગમાં આવતી અડચણોનું સમાધાન, અંતઃશત્રુઓથી પોતાના રક્ષણની ખાતરી (નિર્ભયતા), મુમુક્ષુતા અને અધ્યાત્મભૂખની તૃપ્તિ, ભાવિ ઉત્કર્ષ, ભાવિ આબરૂ, મોભો વધવાની શકયતા. આ બધી મુમુક્ષુઓની પણ મૂળભૂત આવશ્યકતાઓ છે. જે આશ્રમને અનુરૂપ પણ છે. તેમા કાંઈ ખોટું પણ નથી.

મોવડી, મોટેરા સંતો તેને વ્યક્તિગત સમજે અને યોગ્ય અને શકય હોય તે પૂરી કરે તે જરૂરી છે. તો જ સાધુ તેની પાસે રહે છે નહિ તો તેની પાસે નથી રહેતા. મુમુક્ષુઓ માટે પણ મહારાજે કહ્યું કે જેને મોક્ષનો ખપ હોય તેની કઈ કઈ અપેક્ષા હોવી જોઈએ અને કઈ ન હોવી જોઈએ. મહારાજ કહે, જે સાધુને મોક્ષનો ખપ હોય તેને તો જેમ દુઃખવીએ ને વિષયનું ખંડન કરીએ તેમ અતિ રાજી થાય. જેમ આ મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ થયો છે તે દહીં, દૂધ, ગળ્યું, ચીકણું કાંઈ ખાવા દેતો નથી. તેમ જે સમજુ હોય તેને તો એમ જણાય છે કે આ રોગે સારું સારું ખાવાપીવાનું સર્વે ખંડન કરી નાખ્યું. માટે આ તો ક્ષયરોગ રૂપે જાણીએ જે કોઈ મોટા સંતનો સમાગમ થયો હોય ને શું ? એમ ભાસે છે(તેને અનુભૂતિ પણ થાય છે). શા માટે ? જે શિશ્ન અને ઉદર એ બેને વિષે જીવને આસક્તિ છે. એ જ અસત્પુરુષપણું છે. તે ક્ષયરોગ એ બેય પ્રકારની ખોટયને કાઢે એવો છે. તેમ એ રોગની પેઠે સત્પુરુષ હોય તે વિષયનું ખંડન કરતા હોય ત્યારે મુમુક્ષુ હોય તેને તેમા દુઃખાઈ જવું નહીં, ઉલ્ટું રાજી થવું જોઈએ. તો જ તેની સાચી મુમુક્ષુતા કહેવાય.

સંસારીમાર્ગના વિલાસ અને વૈભવ અલગ છે અને મુમુક્ષુઓના વૈભવ અલગ છે. સંસારી વિલાસ વૈભવમાં મુમુક્ષુ રાજી થતા હોય તો તેની સાચી મુમુક્ષુતા નથી. સારું સારું ખાવાનું, સારાં સારાં કપડાં કે મનગમતા પદાર્થોની પ્રાપ્તિ એ તો સંસારીઓ માટેનો વૈભવ છે.

‘તીન ગાંઠ કોપીન મેં સમજે ઈન્દ્ર કું રાંક,’

‘ફીકરના ફાકા કરે’

‘જો આનંદ સંત ફકીર કરે સોઈ આનંદ નાહિ અમીરીમેં’

આ પંક્તિઓમાં કહ્યો તે મુમુક્ષુઓનો વૈભવ છે. જેટલી ભૌતિક અગવડતાઓ મુમુક્ષુતાની શુદ્ધિ કરે છે ને નક્કર બનાવે છે અને વધારો કરે છે તેટલી સગવડતા નથી કરી શકતી. અગવડતા સાચા મુમુક્ષુઓને પાનો ચડાવે છે. એટલે તો મુમુક્ષુ રાજા–મહારાજાઓ રાજ્યની સગવડતા છોડીને જંગલમાં જતા હતા. જો તેઓ ધારે તો રાજ્યમાં મંદિર બનાવી પોતાની અલગ વ્યવસ્થા કરી નિવૃત્તિ લઈ શકતા હતા પણ તેઓએ એમ કર્યું નથી.

અહીં મહારાજ આપણને જંગલમાં અગવડતાઓ વેઠવા જવાનું તો નથી કહેતા પણ આશ્રમને અયોગ્ય સગવડતાની ઈચ્છા ન કરવા તો જરૂર કહે છે. એટલે મુમુક્ષુઓ મુમુક્ષુતા વધારવા જ જો મોટા સંત પાસે આવ્યા હોય તો તેણે અહીં મહારાજે બતાવી તે વાત સમજવી જોઈએ અને જો એમ ન હોય તો તો મહારાજે કહ્યું જ છે કે કોઈ લાલચથી મોટેરા સંત ભેગો રહેતો હોય તેને માટે મહારાજે ઘણા આકરા શબ્દો કહ્યા છે.

વળી મહારાજ કહે છે કે સંતને કોઈ સારુ પદાર્થ આપે તેમા જે ઈર્ષ્યા કરે તથા જે પંચ વિષયનો લાલચી હોય એ બે તો પંચ મહાપાપીથી પણ અતિ ભૂંડા છે. શા માટે ? અને ઈર્ષ્યા કયારે કરે છે ? પોતાને નથી પ્રાપ્ત થયું ત્યારે કરે છે, પણ ઈચ્છા પોતાની યોગ્યતાને જોઈને નથી કરતો. એ ઈર્ષ્યામાંથી અને એ પંચવિષયની લાલસામાંથી આસુરભાવમાં જતું રહેવાય છે. માટે મહારાજ કહે છે કે પંચ મહાપાપી કરતાં પણ અતિ ભૂંડો છે. માટે સમજુ હોય તેને આ સંતના સમાગમમાં રહીને એવો મલિન આશય ન રાખવો જોઈએ. કારણ કે આ સભા તો બદ્રિકાશ્રમમાં તથા શ્વેતદ્વીપમાં હોય તેવી છે. એટલે કે અંતરની જે કાંઈ મલિનતા હોય તેનું નિવારણ કરનારી છે. ત્યાં બેસીને જો મલિનતા પ્રવેશ કરે તો તેનું નિવારણ કયાં થશે ? કયાંય નહિ થાય.

મહારાજ કહે છે કે પંચ વિષયની તૃષ્ણા તો પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય ને તેને પાણીએ કરીને ભરવા માંડીએ તો કયારેય ભરાય નહિ. તેમ ઉદર અને શિશ્નની તૃષ્ણા એવી છે. કરોડો જન્મથી આપણો જીવ તેને ભરવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યો છે તો પણ હજુ સુધી ભરાઈ હોય એવું દેખાતુ નથી. માટે મહારાજ કહે ઈન્દ્રિઓ છે તેને વિષયની તૃપ્તિ થઈ નથી અને થાશે પણ નહિ. માટે હવે તો સાધુ વિષયનો નિષેધ કરે તો તેમા રાજી થવું. ગુણ લેવો પણ અવગુણ ન લેવો. અશુભ વાસનાઓ ને ઈચ્છાઓ ટાળીને જ મરવું પણ અશુભ વાસના સાથે મરવું નહિ. તેની જગ્યાએ ”આ દેહમાંથી નિસરીને નારદ, સનકાદિક, શુકજી જેવા બ્રહ્મરૂપ થઈને મહારાજની સેવા કરવી છે” એવી વાસના રાખવી અને હૃદયમાં એની અતિ દૃઢતા કરવી.

એવીરીતે પ્રયત્ન કરવા છતાં જો બ્રહ્મલોક કે ઈન્દ્રલોકમાં નિવાસ થઈ જશે તો પણ ચિંતા ન કરવી. જેમ ઝાડે ફરવા ગયા ને ખાડામાં પડી ગયા તો પડયા ન રહેવું; નાહીધોઈને શુદ્ધ થવું. એમ બ્રહ્માના લોકમાં ગયા તો જાણવું માથાભર નરકના ખાડામાં પડી ગયા છીએ અને શુભ વાસનાના બળે તેનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં પહોંચવું છે પણ વચમાં કયાંય રહેવું નથી એવો દૃઢ નિશ્ચય રાખવો અને એવી હિંમત રાખવી.

વળી મહારાજ કહે છે કે આપણી સેવા ગૃહસ્થ અન્ન, વસ્ત્રે કરીને કરે છે તેમ આપણે પણ તેનો મહિમા સમજીને આશ્રમને અનુરૂપ અને સ્થાનને અનુરૂપ સેવા કરવી જાઈએ. આપણે તેની વાતચીતે કરીને તેના અધ્યાત્મમાર્ગનું પોષણ થાય અને શ્રીજી મહારાજની નિષ્ઠા દૃઢ થાય એમ કરવું જોઈએ. એમ અરસપરસ મહિમા સમજીને અરસ પરસ સોબત રાખવી જોઈએ.