ગમ–૪૬ : મરણદોરીનું, એકાંતિક ધર્મમાંથી પડયાનું

પ્રતિપાદિત વિષયઃ

મરણદોરી–કલ્યાણના માર્ગથી પતન થવાનું કારણ.

મુખ્ય મુદ્દા :

૧.ભગવાનના અવતાર તેના એકાંતિકના ધર્મ સ્થાપવાને અર્થે થાય છે.
ર.ભગવાનના એકાંતિક ભક્તને દેહે કરીને મરવું તે મરવું નથી પણ કલ્યાણના માર્ગમાંથી પડી જવું તે મરણ છે.
૩.ભક્તનો દ્રોહ કરનારો તત્કાળ ભગવાનના માર્ગથી પડી જાય છે.

વિવેચન :–

આ વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી જે આ સંસારને વિષે જે સત્પુરુષ હોય તેને તો કોઈક જીવને લૌકિક પદાર્થની હાણ કે વૃદ્ધિ થતી દેખીને તેની કોરનો હર્ષ શોક થાય નહિ. જ્યારે કોઈકનું મન ભગવાનના માર્ગમાંથી પાછું પડે ત્યારે ખરખરો થાય છે. કેમજે થોડાક કાળ જીવવું ને તેનો પરલોક બગડશે. ભગવાનના જે અવતાર થાય છે તે ધર્મના સ્થાપનને અર્થે થાય છે. તે કેવળ વર્ણાશ્રમના ધર્મ સ્થાપન કરવાને અર્થે જ નથી થતા. કેમ જે વર્ણાશ્રમના ધર્મ તો સપ્તર્ષિ આદિક જે પ્રવૃત્તિધર્મના આચાર્ય છે તે પણ સ્થાપન કરે છે. માટે એટલા સારુ જ ભગવાનના અવતાર નથી થતા. ભગવાનના અવતાર તો પોતાના એકાંતિક ભક્તના જે ધર્મ તેને પ્રવર્તાવવાને અર્થે થાય છે. ભાગવતધર્મના સ્થાપનને અર્થે થાય છે. જીવાત્માના કલ્યાણનો માર્ગ પ્રવર્તાવવાને માટે થાય છે. ભાગવતધર્મ પણ આત્મકલ્યાણને માર્ગે ચાલવું તે જ છે. ભગવાનના અવતાર તેને માટે થાય છે.

ભગવાન કલ્યાણૈકતાન છે. એટલે કે પરમાત્માના સ્વરૂપમાં જીવોનું આત્યંતિક કલ્યાણ જલ્દી કેમ કરવું એટલું માત્ર જ ભર્યું છે. માટે એ ભગવાન આવે છે ત્યારે તેના માર્ગને સારી રીતે સ્થાપના કરીને પ્રવર્તાવે છે. પોતાનું અવતાર કાર્ય કરીને ભગવાન પોતાના ધામમાં પધારે છે ત્યારે ભગવાને સ્થાપેલા આત્મકલ્યાણના માર્ગનું સત્પુરુષો જતન કરે છે અને તેનુ આગળ વહન કરે છે. સત્પુરુષોનું પણ એ જ મુખ્ય ધ્યેય હોય છે કે ભગવાનને અનુરૂપ થઈને તેમણે પ્રવર્તાવેલાં કાર્યને જતન, વહન, અને જીવનદાર બનાવવુ. તેથી જ મહારાજ કહે છે કે કેવળ વર્ણાશ્રમ ધર્મને અર્થે ભગવાનના અવતાર નથી થતા. તેમજ સત્પુરુષોને પણ લૌકિક પદાર્થની હાણ–વૃદ્ધિથી હર્ષ–શોક થતો નથી. એ તો ભગવાન સનાતન કલ્યાણના માર્ગને સ્થાપવા માટે આવે છે અને ભાગવત સંત વિભૂતિઓ પણ જીવના કલ્યાણની વિશેષ ખેવના રાખે છે. બંનેની દૃષ્ટિમાં આ લોકની હાણ–વૃદ્ધિને એટલું બધું મહત્ત્વ નથી.

મહારાજ કહે છે કે ભગવાનના એકાંતિક ભક્ત છે તેને દેહે કરીને મરવું તે મરણ નથી; પણ આ દેહે કરીને કલ્યાણનો માર્ગ ચૂકી જવો એ મૃત્યુ છે. એકાંતિકના ધર્મમાંથી પડી જાય એ જ એને માટે મરણ છે. એમાં પણ ભગવાને પ્રવર્તાવેલા કલ્યાણકારી માર્ગના પ્રહરી અને મન–કર્મ વચને તેનું જતન કરનારા એવા ભકત–સંતનો વિરોધ કરનાર છે તે કલ્યાણના માર્ગથી તત્કાળ પડી જાય છે. કલ્યાણનો માર્ગ ઝીણો છે. તે મનોવલણ અને અંતરના આશય ઉપર જીવિત રહે છે. એ વલણ અને આશયનું લક્ષ્ય પરમાત્મા હોય ત્યાં સુધી તે જીવિત રહે છે અને એ લક્ષ્ય જરાક ખસી જાય પછી જે ક્રિયાઓ વધે છે તે મોટે ભાગે આ લોકની ખેંચતાણની ક્રિયાઓ થઈ જાય છે અને મોટે ભાગે ખાલી કવાયત બની રહેતી હોય છે. એકાંતિકની ક્રિયાઓ પરમાત્મા તરફના લક્ષ્યને પરિપુષ્ટ કરનારી હોય છે. સામાન્ય જીવના આત્મકલ્યાણના ફાયદામાં હોય છે. હવે તેની સાથે જ્યારે વિરોધ પડે ત્યારે મહારાજ કહે તે કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય છે.

મહારાજે એ પણ બતાવ્યું કે એ માર્ગમાંથી જીવ શા માટે પડી જાય છે ? એને શા માટે સંતની સાથે વિરોધ થાય છે ? તો તેનું કારણ કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, માન આદિક અંતઃશત્રુ છે. ભગવાનના સાચા ભક્ત પાસે આ બધા અંતઃ શત્રુઓનો નિભાવ થતો નથી. તેથી તેને ધારણ કરનારો બળી ઉઠે છે અને સંતનો વિદ્રોહ કરે છે.

જે આશયમાં પરમાત્માની પુષ્ટિ થતી હોય ત્યાં કામાદિકની તો ન જ થાય એ સ્વાભાવિક છે. તેથી સંતની સાથે તેને વેર, વિરોધ થાય છે. પછી તો મહારાજ કહે, તે કદાચને ધર્મ–નિયમમાં ચુસ્ત હોય અથવા તપસ્વી હોય તો પણ તે પુણ્યે કરીને દેવલોકમાં જાય પણ ભગવાનના ધામને તો ન જ પામે. નિયમ, તપ એ આદિક પુણ્યકર્મ જરૂર છે પણ કલ્યાણનું બીજ તો ભગવાનના સંબંધમાં રહ્યું છે. તપ, ધર્મ પરમાત્માનો સંબંધ કરાવી આપવાની ખાત્રી આપી દેતા નથી. જ્યારે પરમાત્માના એકાંતિક સંત પરમાત્માનો સંબંધ અવશ્ય કરાવી આપે છે અને તપ, ધર્મમાં સંભવ છે કે કદાચ તેના અભિમાનથી ભક્તથી વિરોધ ઊભો થાય.

માટે મહારાજ કહે કલ્યાણના પ્રહરી એવા એકાંતિક સંતની સાથે વિરોધ કરી ગમે તેવો તપસ્વી કે નિયમધર્મધારી પણ ધામમાં તો નહીં જ જાય. મહારાજે તો ત્યાં સુધી કહ્યું કે ગમે તેવા પંચ મહાપાપે યુક્ત હોય અને તેને જો ભગવાન અને ભગવાનના સંત વિષે અભાવ ન આવ્યો હોય તો એ એના પાપ નાશ થઈ જાય છે ને એનો ભગવાનના ધામમાં નિવાસ થાય. માટે પંચ મહાપાપ કરતાં પણ ભગવાનના ભક્તનો અવગુણ લેવો તે કલ્યાણને નાશ કરનારું મોટું પાપ છે.