ગમ–૪૪ : દૈવી–આસુરી જીવના લક્ષણનું

પ્રતિપાદિત વિષયઃ

દૈવી તથા આસુરીનું લક્ષણ.

મુખ્ય મુદ્દા :

૧.દૈવી જીવને ભક્તના ગુણ જ સૂઝે.

ર.આસુરીને ભક્તના અવગુણ જ સૂઝે.

વિવેચન :–

આ વચનામૃતમાં શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછયો કે જ્યારે કોઈ હરિભક્તનો અવગુણ આવે ત્યારે મોરે સૂઝતા હોય એટલાને એટલા જ દોષ સૂઝે કે કાંઈ વધુ સૂઝે ? ત્યારે સ્વામીએ ઉત્તર આપ્યો કે મોરે સૂઝતા એટલાને એટલા જ સૂઝે છે. ત્યારે મહારાજ કહે એ વાતમાં તમારી નજર પડી નહીં. એટલાને એટલા સૂઝે તો અવગુણ આવ્યો કેમ કહેવાય ? માટે એ તો દેશ, કાળ, ક્રિયા, સંગ આદિકને યોગે કરીને બુદ્ધિ પલટાઈને બીજી રીતની જ થઈ જાય છે. તેને કરીને અવગુણ વધુ સૂઝે છે. આસુરભાવનું મુખ્ય લક્ષણ પણ એ જ છે કે ભગવાનના ભક્ત માત્રના અવગુણ જ સૂઝે પણ ગુણ ન સૂઝે. ઘણી વખત તો એવું બને કે ભક્તે કરેલા ઉપકારમાંથી પણ તેને અવગુણ જ દેખાય. પાંડવો વનમાં હતા ત્યારે તેને હેરાન કરવા દુર્યોધન ત્યાં ગયેલો. ત્યાં તેને ચિત્રરથ ગંધર્વે પરાજિત કરીને બંદીખાને નાખેલો. યુધિષ્ઠિરની આજ્ઞાથી અર્જુને છોડાવ્યો. તો પણ દુર્યોધનને તેમાંથી ગુણભાવ ન આવ્યો. ઉલ્ટી વક્રદૃષ્ટિથી તેમા પણ દોષની કલ્પના કરી.

આસુરત્વનું લક્ષણ જ એ કે અવગુણ માત્ર શોધવા અને એ પણ ભક્તના જ. જો તે ભક્ત ન હોય તો તેમા અવગુણ હોય તો તેને સહ્ય છે, ક્ષમ્ય છે; પણ ભક્તના નહીં. સામે દૈવીપણાની અથવા ભક્તપણાની પરાકાષ્ઠા પણ એ જ છે કે ગમે તે અવસ્થામાં તેનો ગુણ જ લેવો. જેમ સીતાજીને વગર વાંકે ભગવાને વનમાં મોકલ્યા તો પણ સીતાજીને બીજો સંકલ્પ નથી. મનમાં એવું પણ નથી કે મેં વગર કારણે આખી જિંદગી સહન કર્યું છે છતાં મને વનમાં શા માટે ? અવગુણ લેવાની તો વાત અલગ રહી પણ ન્યાયની પણ અપેક્ષા રાખી નહીં, ઉલ્ટો ગુણ લીધો. રઘુનાથજી અતિ કૃપાળુ છે તે લોકાપવાદ સારુ મને વનમાં મોકલી પણ પોતે ખૂબ જ દુઃખી થયા હશે. માટે લક્ષ્મણજી સાથે સંદેશો મોકલ્યો કે સીતાજીને કાંઈ દુઃખ નથી. સુખપૂર્વક તમારુ ભજન કરે છે. માટે તમે તેના દુઃખે દુઃખી થશો નહીં. આ ભક્તપણાની અને દૈવી પ્રકૃતિની પરાકાષ્ઠા કહેવાય.

મહારાજ કહે છે, અમે તો એમ જાણીએ છીએ કે જેને પૂર્વે મોટા પુરુષનો સંગ હશે અથવા ભગવાનનું દર્શન થયું હશે તેને તો પોતાના જ અવગુણ ભાસે પણ બીજા હરિભક્તના અવગુણ ભાસે નહીં. માટે સર્વ સાધનાનું ફળ સત્પુરુષોનો સત્સંગ અને ભગવાનનું દર્શન છે; પરંતુ પોતાનો અવગુણ આવવો તે તો સત્સંગનું પણ ફળ છે અને તેના કરતાં પણ એક ડગલું આગળ છે. ભક્ત થયા પછી પણ આ વસ્તુની દુર્લભતા રહે છે.

મહારાજ કહે, આસુરી જીવ હોય તેને તો પોતામાં એકેય અવગુણ દેખાય જ નહીં. એ જ અસુરતાનું મોટું લક્ષણ છે. મહારાજ કહે છે કે આસુરી જીવ સત્સંગમાં રહ્યો હોય અથવા સંતમંડળમાં રહ્યો હોય તો પણ કાળનેમી, રાવણ અને રાહુ તે સરખો રહે. રાવણ સાધુનો વેશ લઈને સીતાજીની ઝૂપડીએ આવ્યો હતો. રાહુ દેવતાના વેશમાં સૂર્યચંદ્રની વચ્ચે બેસી ગયો હતો. તે વેશ માત્ર હતો અને છેતરવા માટે વેશ બનાવ્યો હતો. અંતરમાં સાધુતા કે દેવતાપણું ન હતુ; ને કર્યું પણ એવું જ. સીતાજીના જીવનમાં વધુ એક ચિનગારી રાવણે ચાંપીને જીવન દુઃખી દુઃખી થઈ ગયું. સૂર્યચંદ્રને રાહુ અદ્યાપિપર્યંત પીડે છે. તે તે તેના સાંનિધ્યનું ફળ મળ્યું છે. માટે મહારાજ કહે, તે સત્સંગમાં રહ્યા હોય તો પણ સત્સંગ ન અડે. માટે પાકા હરિભક્તને તો પોતાના જ અવગુણ સૂઝે પણ બીજા હરિભક્તના અવગુણ સૂઝે જ નહીં.