ગમ–૪૩ : બ્રહ્મસ્વરૂપની પ્રીતિનું

પ્રતિપાદિત વિષયઃ

નિર્ગુણ પ્રીતિ.

મુખ્ય મુદ્દો :

૧.ભગવાનનો ભક્ત ગુણાતીત થાય તો પણ ભગવાનમાં પ્રીતિ હોય છે અને તે આત્માને સજાતીય પ્રીતિ હોય છે.

વિવેચન :–

આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછયો છે. ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ સત્તારૂપે વર્તતો હોય, તેને વિષે વૈરાગ્યરૂપ જે સત્ત્વગુણ ને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ ને મૂઢપણારૂપ જે તમોગુણ એ ત્રણે ગુણના ભાવ તો ન હોય. તે તો કેવળ ઉત્થાને રહિત શૂન્ય સમતા ધરી રહે ને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે એવી રીતે સત્તા રૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત તેને ભગવાનને વિષે પ્રીતિ હોય કે ન હોય ? વસ્તુતઃ આ ત્રણેય ગુણો રાગના જનયિતા છે. ગીતામાં કહ્યું છે કે ‘સત્ત્વં સુખે સંજયતિ’ સત્ત્વ ગુણ સુખમાં રાગ ઉત્પન્ન કરાવીને બાંધે છે. રજોગુણ કર્મમાં પ્રીતિ કરાવીને બાંધે છે અને તમોગુણ સંગ્રામ–કલહાદિમાં પ્રીતિ કરાવે છે. તેથી ત્રણ ગુણોમાં કોઈને કોઈ સ્થાને પ્રીતિ કરાવવાનો સ્વભાવ છે; પરંતુ ભગવાનનો ભક્ત ગુણાતીત થાય છે ત્યારે તો રાગ કે પ્રીતિ ઉત્પન્ન કરનારું કોઈ પરિબળ રહેતું નથી. ત્રણ ગુણથી રહિત થઈ ને શૂન્ય સમતાને ધરી રહ્યો હોય ત્યારે તેને ભગવાનમાં પ્રીતિ હોય કે નહીં તેવો પ્રશ્ન છે.

ત્યારે મુક્તાનદ સ્વામીએ કહ્યું, જે સત્તા રૂપે રહ્યો હોય તેને પરમાત્માને વિષે પ્રીતિ તો હોય. ત્યારે શ્રીજી મહારાજે પૂછયું કે તે જે પ્રીતિ છે તે આત્માને સજાતીય છે કે વિજાતીય છે ? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે તે પ્રીતિ તો આત્માને સજાતીય છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે અને શુદ્ધ જ્ઞાનમાં મહનીય વસ્તુનો પક્ષપાત રહે છે. તેથી તેના જ્ઞાનમાં ત્રણ ગુણનો કોઈ ભાગ ન રહે ત્યારે તે શુદ્ધ થાય છે. ત્યારે તેનામાં આપોઆપ પરમાત્મામા આકર્ષણ ઊભું થાય છે. તે સંબંધમાં ભાગવતમાં શુકદેવજીના ચરિત્રમાં કહ્યું છે કે…

આત્મારામશ્ચ મુનયો નિર્ગ્રન્થા અયિુંરુક્રમે ।
કુર્વન્ત્યહૈતુકીં ભક્તિમિત્થમ્ભૂતગુણો હરિઃ ।।૧–૧૦।।

તથા

પરિનિષ્ઠીતોપિ નૈર્ગુણ્યે ઉત્તમશ્લોકલીલયા ।
ગૃહિતચેતા રાજર્ષે આરવ્યાનં યદધીતવાન્‌।।

શુકદેવજી શુદ્ધ બ્રહ્મરૂપ સ્થિતિને પામ્યા હતા. તેને જગતસુખની કોઈ સ્પૃહા ન હતી. પૂર્ણ આત્મસુખમાં તલ્લીન હતા. ગુણાતીત સ્થિતિને પામી ગયા હતા તો પણ પરમાત્માના સ્વરૂપથી ખેંચાઈને–ગૃહિત ચેતા–ભાગવતનું અધ્યયન અને ભગવાનનાં ચરિત્રોનું ગુણગાન કર્યું. એમ માયાના સર્જક ગુણોનો સર્વથા અભાવ હોવા છતાં તે શુદ્ધ પાત્રમાં પરમાત્માનું સ્વરૂપ પોતે જ તેમા ભક્તિનું, પ્રીતિનું સર્જન કરે છે. એ પ્રીતિ માયિક પ્રયોજનવાળી હોતી નથી શુદ્ધ હોય છે ને આત્માને સજાતીય હોય છે. તેને બ્રહ્મરૂપની પ્રીતિ કહેવાય છે અને મોટા મોટા આચાર્યોએ એવી રીતે આત્મરૂપ થઈને–બ્રહ્મરૂપ થઈને પરમાત્મામાં પ્રીતિ કરવી એવો સિદ્ધાંત કહ્યો છે.