પ્રતિપાદિત વિષયઃ
સંગણ–નિર્ગુણપણું અક્ષરને વિષે છે.
મુખ્ય મુદ્દો :
૧.ભગવાન સંગણ પણ નથી નિર્ગુણ પણ નથી.
વિવેચન :–
આ વચનામૃતમાં ભગવદાનંદ સ્વામીએ મહારાજને પૂછયું, જે હે મહારાજ ! ભગવાનના એક એક રોમને વિશે અનંત કોટિ બ્રહ્માંડ રહ્યા છે તે કેવી રીતે રહ્યા છે ? તે ભાગવતમાં બ્રહ્માજીની સ્તુતિમાં બ્રહ્માજીએ કહ્યું છે કે…
ક્વાહં તમોમહદહંખચરાગ્નિવાર્ભૂસંવેષ્ટિતાણ્ડઘટસપ્તવિતસ્તિકાયઃ ।
ક્વેદ્દગ્વિધાવિગણિતાણ્ડપરાણુચર્યાવાતાવરોમવિવરસ્ય ચ તે મહિત્વમ્।। ભા. ૧૦–૧૪–૧૧
તમારા રોમ છિદ્રમાં અનંતકોટી બ્રહ્માંડો અષ્ટ આવરણ સહિત ઉડતા ફરે છે એવા મહિમાવાળા તમે કયાં ને હું કયાં ? માટે ભગવાનના એક એક રોમમાં બ્રહ્માંડો રહ્યાં છે ? તે કેવી રીતે રહ્યાં છે ? ભગવાન તો મનુષ્ય જેવા જ દેખાય છે.
બીજો પ્રશ્ન એ છે કે બ્રહ્માંડમાં કયાં કયાં ભગવાનના અવતાર થાય છે ? મહારાજે ઉત્તર આપ્યો તે ઉપરથી એવું ફલિત થાય છે કે મહારાજ તો મનુષ્યાકૃતિ છે. ધામમાં પણ કિશોર મૂર્તિ ને મનુષ્ય જેવડા બિરાજમાન છે. અનંત કોટી બ્રહ્માંડો તો ઘણા મોટા છે; પરંતુ ભગવાનની શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્યાદિ સર્વાતિરેકી છે.
અક્ષરધામ જેવા તો પોતાના સેવક છે. અક્ષરધામની જ એટલી મોટાઈ છે કે તેની આગળ અષ્ટ આવરણ સહિત બ્રહ્માંડ રજઃકણ તુલ્ય દેખાય. બ્રહ્માંડ કાંઈ નાના નથી થઈ જતાં. તે તો જેમના તેમજ અષ્ટ આવરણ સહિત જ હોય છે, પણ અક્ષરધામની એટલી મોટાઈ હોય છે કે તેની તુલનાએ તે અલ્પ દેખાય છે. જેમ ગિરનાર પર્વત મોટો છે પણ મેરુ પર્વતની આગળ અતિશય નાનો દેખાય છે અને મેરુ પર્વત પણ લોકાલોકની આગળ અતિશય નાનો દેખાય છે. તેમ અક્ષરધામની આગળ બ્રહ્માંડ અતિશય નાનું દેખાય છે. માટે અણુ સરખું એમ કહ્યું છે. પારિભાષિક શબ્દો છે. એમની સરખામણીમાં અતિશય નાનું એટલે અણુ સરખું અને તેમની સરખામણીમા અતિશય મોટું એટલે મહત્. એવી અણુ મહત્ની વ્યાખ્યા સમજવી. પણ બ્રહ્માંડ કાંઈ વાસ્તવિક અણુ જેવડું બની જતું નથી. અક્ષરની તુલનાએ અતિશય નાનું છે.
મહારાજ કહે, તે અક્ષરના પણ બે સ્વરૂપ છે. સંગણ અને નિર્ગુણ. સંગણ સ્વરૂપે તો જેટલા મોટા પદાર્થો છે તે સર્વથી પણ અક્ષર મોટું છે અને નિર્ગુણ સ્વરૂપે તો અક્ષર બધાથી સૂક્ષ્મ છે. ભગવાન તો સદા એક રૂપ છે. તે નિર્ગુણ પણ ન કહેવાય અને સંગણ પણ ન કહેવાય. સંગણ નિર્ગુણ ભાગ અક્ષરબ્રહ્મને વિષે રહ્યો છે. છતા કા.૮મા વચનામૃતમા મહારાજે ભગવાનના સંગણ–નિર્ગુણ સ્વરૂપની વાત કરી છે; પરંતુ તેમા પણ અંતે તો શ્રીજી મહારાજે એવો નિર્દેશ કર્યો કે એ સંગણપણું એટલે કે મોટાથી પણ મોટું ભાસવાપણું અને નિર્ગુણપણું એટલે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ ભાસવાપણું છે. તે તો ભગવાનનું ઐશ્વર્ય છે અને તે બંનેથી ન્યારું એવું મનુષ્ય પ્રમાણ ભગાવનનું સ્વરૂપ છે તે મૂળ છે ને પેલા બંને સ્વરૂપને ધારનારું–બતાવનારું છે. તેથી ભગવાનનું ઐશ્વર્ય સંગણ–નિર્ગુણ છે અથવા ભગવાનના સેવક અક્ષરબ્રહ્મ તે સંગણ–નિર્ગુણ છે એમ નિર્ણિત થઈ શકે. મહારાજ તેનાથી પર છે ને તેના નિયામક છે. જ્યાં પરમાત્મા બિરાજે છે ત્યાં અક્ષરધામનું મધ્ય છે. જેમ સૂર્યને આધારે બધી જ દિશાઓ કલ્પાય છે. તેમ અક્ષર બ્રહ્મ છે. તેની ચારે દિશામાં, ઉપર નીચે, બ્રહ્માંડની કોટીઓ છે. ભગવાન અક્ષરધામમાં સદાય બિરાજમાન હોય છે. પોતે સત્ય સંકલ્પ છે. જ્યાં જે બ્રહ્માંડમાં જેવું રૂપ પ્રકાશ્યું જોઈએ ત્યાં તેવું રૂપ પ્રકાશે છે.