પ્રતિપાદિત વિષયઃ
માયિકભાવ દૂર કરીને ભગવાન ભજવા તથા ભગવાનના સંબંધથી કર્મ અતિ બળવાન બને છે.
મુખ્ય મુદ્દા :
૧.ભગવાનના જે ભક્ત છે તેને ભગવાન અતિશય શુદ્ધ કરે છે.
ર.ભગવાનના સંબંધવાળું કર્મ સૌથી બળવાન બને છે.
વિવેચન :–
આ વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી કે તમે સર્વે મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસી એ સર્વે મારા કહેવાઓ છો તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં અને તમે કાંઈક ગાફલપણે વર્તો તે અમારાથી દેખાય નહીં. માટે જે જે મારા કહેવાઓ છો તેમા મારે એક તલમાત્ર કસર રહેવા દેવી નથી. તમે પણ સુધા સાવધાન રહેજો. જો જરાપણ ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહીં.
સંસ્કૃત સાહિત્યમા ‘અપ્રેરિતઃ સન્હિતં વિદધ્યાત્સ એવ ગુરૂઃ પરમં દયાલુ’ એવી ઉક્તિ છે. શિષ્ય પ્રાર્થના કરે ત્યાર પછી ગુરુ ઉપદેશ આપે એ સામાન્ય રીત છે પણ ગુરુનું અતિ દયાળુપણું શું છે ? તો અપ્રેરિતઃ સન્હિતં વિદધ્યાત્ – શિષ્ય પ્રાર્થના ન કરે તો પણ અતિ કરુણાથી પે્રરાઈને શિષ્યને સન્માર્ગમાં રાખે તે તેની અતિ દયા, કરુણા કહેવાય. તેમ મહારાજની આપણા પર અતિ દયા કહેવાય કે આપણા પર કેટલી મમતા રાખે છે. ભગવાન એવું વરણ કરે કે ‘અયં મદીય’ આ મારો છે તે છેલ્લી પ્રાપ્તિ કહેવાય.
અહીં મહારાજ આપણને સ્વમુખે એમ કહે છે કે તમે મારા કહેવાઓ છો માટે મને ચિંતા રહે છે. મારે તમારામાં તલમાત્ર કસર રહેવા દેવી નથી. તમે પણ સુધા સાવધાન રહેજો. કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. આ પ૧ ભૂતના ટોળાનું વચનામૃત કહેવાય છે. માયાનાં તત્ત્વો આપણને વળગ્યાં છે તે એક એક ભૂત વળગ્યા છે. ભૂત જેને વળગે છે તેને ધુણાવે છે. તેને પૂછો કે તારે શું કરવું છે ? તો તે કહેશે કે આનો જીવ લઈને જવું છે. તેમ માયાના તત્ત્વો આપણા જીવ ઉપર અધિકાર જમાવીને બેઠા છે. જેમ બ્રાહ્મણને ભૂત વળગે તો ધૂણે ને તેને પૂછે કે તારે શું જોઈએ છે ? તો કહેશે કે બકરાનું બલિદાન જોઈએ છે. અરે ભલા માણસ તું બ્રાહ્મણ છો ને બકરાનું બલિદાન માગે છે ? ત્યારે તે કહે, પણ હું કયાં બ્રાહ્મણ છું હું તો ખવીહ (એક પ્રકારનું ભૂત) છું. એમ માયાના તત્ત્વો જુદી જુદી માગણીઓ કરે છે. જુદી જુદી વાસનાઓની અને સ્વભાવની જરૂરિયાતનું લીસ્ટ જીવ પાસે રજૂ કરે છે. આ બધી જરૂરિયાતો માયાના ટોળાની છે. આત્માની પોતાની નથી પણ ભૂત વળગ્યા છે. માટે દરેક પોતાની ખાસિયત પ્રમાણે જુદું જુદું માગે છે. મહારાજ કહે, તેનાથી તમે જે મારા કહેવાઓ છો તેને મુકાવવા છે ને સર્વથી નિસંગ કરવા છે.
મન છે તે વાસનાઓને પ્રગટ થવાનું ક્ષેત્ર છે પ્લેટફોર્મ છે. જેમ કોમ્પ્યુટરમાં સ્ક્રીનનો પડદો છે તેમ. તેમા જુદી જુદી ફાઈલોમાં જુદા જુદા ડેટા નાખ્યા હોય છે. તેમાં જે ફાઈલ ઉપર કલીક કરવામાં આવે તેના ડેટા સ્ક્રીન ઉપર આવે છે. તેમ અહી તો સ્વીચ પણ દબાવવી પડતી નથી. ઓટોમેટીક અવકાશ મળ્યો કે જે તે ઈન્દ્રિઓની વાસના–સ્વભાવની ફાઈલ સ્ક્રીન ઉપર આવવા માંડે છે. સ્વીચ દબાવવી પડતી નથી. ઉલ્ટા ડેટાને દબાવી રાખવા પડે છે. મહારાજ પુલહાશ્રમમાં તપ કરતા ત્યારે ભરતજીનું અને પુરંજનનું આખ્યાન ખૂબ યાદ કરીને સાવધાન રહેતા અને આપણને શીખવતા. ઈન્દ્રિયો, અંતકરણ, પ્રાણ, ત્રણ ગુણ તે દરેકના સ્વતંત્ર ભાવો આપણા હૃદયમાં ઉઠયા કરે છે. તેમા જે કલ્યાણમાં નડતર એવા ભાવો સાથે અસંગ રહીને તેને દબાવીને વર્તીએ તો મહારાજ રાજી થાય અને જે આપણને પોતે ‘મારા’ માન્યા તેનો આપણે યોગ્ય પ્રતિભાવ આપ્યો ગણાય. તેથી તો મહારાજે પણ કહ્યું કે તમે પણ સુધા સાવધાન રહેજો. ગાફલાઈ રાખશો નહીં. તમને ચોખ્ખા કરવા છે. ભગવાન વિના કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી.
વળી તે જ દિવસે સાયંકાળે સભામાં મહારાજે વાત કરી કે સાત્ત્વિક કર્મે કરીને દેવલોકમાં જવાય છે. રાજસ કર્મે કરીને મધ્યલોક–પૃથ્વીલોકને પમાય છે અને તામસ કર્મે કરીને અધોગતિને પામે છે. તેમા કોઈ એમ આશંકા કરે તે રાજસ કર્મે કરીને મનુષ્યલોકની પ્રાપ્તિ થાય તો સર્વ મનુષ્યને સુખ–દુઃખ સરખું જોઈએ.
તો તેનું સમાધાન એ છે કે એક રજોગુણ પણ દેશકાળાદિકના યોગે કરીને અનંત પ્રકારના ભેદવાળો થાય છે. માટે તેમા એક પ્રકારનો નિર્ધાર રહેતો નથી. તેમા પણ ભગવાનના ભક્ત, સંત અને ભગવાનના અવતાર કુરાજી થાય એવું કાંઈક કર્મ થઈ જાય તો આને આ દેહે મૃત્યુલોકમાં યમપુરીના જેવું દુઃખ ભોગવે છે. ભગવાનના ભક્ત રાજી થાય એવું કર્મ કરે તો આને આ દેહે પરમપદ પામ્યા જેવું સુખ ભોગવે છે.
અહીં મહારાજ કર્મનું તારતમ્ય બતાવે છે. અનેક પ્રકારનાં કર્મો છે. તેમા કયા કર્મો બીજા કરતાં વધારે બળવાન કહેવાય અને કયા કર્મ બીજા કર્મોની સરખામણીમાં મદ ગણાય ? તો એ કર્મની શક્તિ માપવા માટે ત્રણ પરિબળો માપદંડના રૂપમાં ગણાય છે. એક તો કર્મ સ્વયં કેટલા વેગપૂર્વક કરાયું છે. એકનું એક પુણ્યકર્મ અથવા પાપકર્મ હોય તેમા એક અતિ તીવ્ર આવેગથી કરાયું હોય અને બીજું અતિ મંદ વેગથી કરાયું હોય તો કર્મો સરખા હોવા છતાં પણ ફળમાં ફેર પડી જશે. જે તીવ્ર આવેગથી કરાયું હશે તેનું ફળ પણ તીવ્ર માત્રાવાળું અને ભારે હોય છે. આવો આવેગ પ્રાયઃ જેટલો ચોરી, હિંસા, વ્યભિચારમાં વધારે જોવામાં આવે છે તેટલો પુણ્યકર્મોમાં દેખાતો નથી. તેમા પણ શકયતા તો જરૂર છે પણ દેખાવામાં ઓછું આવે છે.
કર્મના માપદંડનું બીજું પરિબળ છે શુભ– અશુભ દેશકાળ. એક જ પ્રકારનું પુણ્યકર્મ અથવા પાપકર્મ હોય પણ તેમા દેશકાળની શુભ–અશુભતા ભળે તો સામાન્ય કરતાં આ કર્મનું ફળ વધારે થાય છે. એટલા માટે તો આપણા શાસ્ત્રમાં આ સમયે–સવારમાં પૂજાદિક કરી લેવા એવી વિધિ–નિષેધની આજ્ઞાઓ કહેલ છે. પવિત્ર દેશમાં, પવિત્ર પાત્રમાં એ આદિ આજ્ઞાઓ કરેલ છે.
કર્મનું ત્રીજું માપદંડ છે કર્મમા ભગવાનનો સંબંધ. ભગવાનને અર્થે કે ભક્તને અર્થે જેટલા ભાવથી તે કર્મ થાય તેટલો તેમા ભગવાનનો સંબંધ થયો કહેવાય. જે કર્મમાં ભગવાનનો સંબંધ થાય તે કર્મ સર્વથા પ્રબળ બની જાય છે. ભગવાનના સંબંધથી થયેલું કર્મ બીજા બધા જ કર્મને પરાજિત કરી, તેના ફળને દાબીને પોતાના ઉત્તમ ફળની, તેના કર્તાને અનુભૂતિ કરાવે છે. તે તેની વિશેષતા છે. માટે તો મહારાજ કહે છે કે ભગવાનના ભક્ત સંત અને ભગવાનના અવતાર કુરાજી થાય એવું કર્મ થઈ જાય તો આને આ દેહે મૃત્યુલોકમાં યમપુરીના જેવુ દુઃખ ભોગવે છે. જો ભગવાનના ભક્ત રાજી થાય એવું કર્મ કરે તો આને આ દેહે પરમપદ પામ્યા જેવું સુખ ભોગવે.
તેનાથી આગળ મહારાજ કહે છે કે ભગવાન ને ભગવાનના સંતને કુરાજી કરે ને તેણે જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તો તેનો નાશ થઈ જાય ને નરકમાં જવું પડે. જો ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કરે ને તેને જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તો પણ તે ભૂંડા કર્મનો નાશ થઈ જાય છે ને તે પરમપદને પામે છે. માટે સમજુ હોય તેને તો ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય એવું કર્મ જ સમજીને કરવું ને પોતાના સંબંધીને પણ એમ જ ઉપદેશ દેવો. અગ્નિ સૂર્ય ચંદ્રાદિને જે પ્રકાશ અને મોટાઈ પ્રાપ્તિ થઈ છે તે પણ જ્યારે ત્યારે ભગવાન ને ભગવાનના સંતને શુભ કર્મે કરીને રાજી કર્યા હશે તેનું જ તે ફળ છે અને દેવ લોક કે આલોકમાં મોટાઈ કે સુખ પામ્યા છે તે પણ એના રાજીપાથી જ પામ્યા છે. માટે મહારાજ કહે, પોતાના આત્માનું રૂડું ઈચ્છે તેણે તો પોતાના ધર્મમાં રહીને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એ જ ઉપાય કરવો.