પ્રતિપાદિત વિષયઃ
સ્વાભાવિક ગુણનું પ્રવર્તન તથા દશમ અને પંચમ સ્કંધનું રહસ્ય.
મુખ્ય મુદ્દાઃ
૧.મોટેરામાં નિષ્કામી વ્રત ખાસ જોઈએ.
ર.પરોક્ષપણે જે ભગવાનને ગાયા છે તે જ આ પ્રત્યક્ષ શ્રીજી મહારાજ છે એમ માનવું તે દશમ સ્કંધનું રહસ્ય છે.
૩.જો ભગવાને બાંધેલ મર્યાદા લોપે તો ગમે તેવા મોટાની પણ અધોગતિ થાય છે એ પંચમ સ્કંધનું રહસ્ય છે.
વિવેચન :–
મહારાજે પ્રશ્ન કર્યો કે દેશ, કાળ, ક્રિયા સંગાદિકે કરીને પણ જે પોતામાં એવો ગુણ હોય તે જાય જ નહીં. એવો જેને સ્વાભાવિક ગુણ હોય તે કહો ? એમ કહીને વળી શ્રીજી મહારાજ બોલ્યા જે, અમે અમારામાં એવા સ્વભાવિક ગુણ રહ્યા છે તે કહીએ. એક તો અમને પંચવિષયનો કયારેય ઘાટ થતો નથી. બીજું ગમે તેટલી પ્રવૃત્તિથી અંતરમાં વિક્ષેપ થતો નથી. ત્રીજું અચળ સાકારમાં જ પ્રતીતિ અને ચોથું ભક્ત સાથે સુવાણ્ય થાય અભક્ત સાથે નહીં. આ ચાર ગુણ અમારામાં સ્વાભાવિક વર્તે છે.
મહારાજ કહે આ ગુણો દેશકાળાદિકે કરીને પણ નાશ ન થાય તેવા સ્વાભાવિક છે. વચ.ગ.મ ૩૩મા પણ મહારાજે આવી જ વાત કહી છે. મહારાજ કહે પ્રથમ અમે અમારા અંગની વાત કરીએ. પછી તમે બધાએ જે રીતે તમારો મોક્ષ માન્યો હોય જે અમે આવી રીતે રહેશું તો મહારાજ અમારા ઉપર રાજી રહેશે એમ માન્યું હોય તે કહેજો. એમ કહીને પોતાનું અંગ કહ્યું કે અમને જે પદાર્થમાં હેત જણાય તેનો ત્યાગ કરીએ અને ભગવાનના ભક્ત સિવાય મનુષ્યમાત્ર કે પદાર્થમાત્રની સ્મૃતિ થઈ હોય તો તેનાથી અતિ છેટું કરીએ ત્યારે સુખ થાય. ભક્તનો કયારેય અભાવ આવે નહીં અને સ્ત્રી ધન ભોગ સંબંધી અમને આજ દિવસ પર્યંત કોઈ દિવસ સ્વપ્નમાં પણ ઘાટ થયો નથી. એમ વાત કરીને પછી ભક્તોને કયું અંગ હોવું જોઈએ તે માટે નિષ્કામી વર્તમાનની વાત કરી. અહીં પણ તેને ઘણી જ મળતી વાત કરી છે.
અહીં મહારાજે પોતાના સ્વાભાવિક ગુણો કહ્યા; ત્યાં પોતાનું અંગ કહ્યું. બંને મળતા છે. ભક્તોને માટે ત્યાં પણ નિષ્કામી વર્તમાન કહ્યું અને અહીં આ વચનામૃતમાં પણ મોટેરાને વિષે નિષ્કામ ધર્મ છે તે અવશ્ય જોઈએ એમ કહ્યું. કારણ કે સેનાપતિને આધારેજ સૈન્યનો વિજય થતો હોય છે. મહારાજ કહે, મોટેરાની સારપ્યે સર્વની સારપ્ય કહેવાય છે. જે તે સમાજ કે સંકુલ કે સંગઠનમાં મોટેરાના જ ગુણો કે અવગુણોની નોંધ લેવાતી હોય છે. અંદરના માણસોના ગુણ અવગુણની એટલી બધી નોંધ લેવાતી નથી ‘યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરોજન।’ વળી, આગેવાન છે તેને મોટા ભાગનો સમાજ આદર્શ(મોડલ) તરીકે સ્વીકારતો હોય છે. સ્વાભાવિક છે કે તેમા જે ગુણો હોય તે તો આદર્શમાં ગણાય પણ તેની ખામીઓ પણ આદર્શમાં ખપવા લાગે. પાછળના સામાન્ય સમાજમાં દરેકને ગ્રાહ્ય–અગ્રાહ્યનો દૃઢ વિવેક હોતો નથી. એક આદર્શ મનાયા પછી આંધળું અનુકરણ અને પ્રતિપાદન થતું હોય છે. માટે મોટેરામાં ખામીઓનો અભાવ પાછળના અનુયાયી સમાજની તંદુરસ્તીના માટે ખૂબ જરૂરી છે. તેમા પણ નિષ્કામ વ્રતને મહારાજે સર્વ ધર્મનું મૂળ ગણ્યું છે.
હૃદયમાં કામના શાંત થતાં બીજા અંતઃશત્રુઓ પણ શાંત થઈ જાય છે. ‘શીલ સાધુત્વેન સર્વેષામ્સાધુત્વાત્।’ ક્રોઘ, લોભ, ઈર્ષ્યા આદિ હૃદયની અશાંતિઓ મોટે ભાગે વિકૃત કામનાનું પરિણામ હોય છે. કામનાને યથાર્થ પ્લેટફાર્મ ન મળતાં વિકૃત સ્વરૂપ ધારીને બીજા દોષો રૂપે બહાર આવે છે; પરંતુ છે તો મૂળ કામના જ. તેથી જ શાસ્ત્રોમાં કહ્યું છે કે ‘કામાત્ક્રોધો ભિજાયતે અને લાભાત્લોભો પ્રવર્તતે ।’ જો કામના સફળ થાય તો તુરત લોભ, તૃષ્ણા આવે ને અસફળ થાય તો તે ક્રોધ, ઈર્ષ્યા વેર રૂપે ભભૂકે છે. માટે મોટેરામાં પાછળના સમાજની અધ્યાત્મ તંદુરસ્તી માટે નિષ્કામ ધર્મ અવશ્ય જોઈએ. તે સમાજની પ્રગતિ માટે જ્ઞાનાંશની પણ જરૂર પડે છે એમ સદ્.ગોપાળાનંદ સ્વામીની વાતોમાં ઉલ્લેખ છે.
જ્ઞાનાંશ એટલે શું ? તો શાસ્ત્રજ્ઞાન અને અનુભવજ્ઞાન. અનુયાયી વર્ગના અંગ, શક્તિ, સ્વભાવની યથાર્થ ઓળખાણ જો મોટેરાને હોય તો યોગ્ય પ્રેરણા અને માર્ગદર્શન આપીને મોક્ષમાર્ગની સારી પ્રગતિ કરાવી શકે. શાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ પણ અયોગ્ય પુરુષ નથી.
અમન્ત્રમક્ષરં નાસ્તિ નાસ્તિ મૂલમનૌષધમ્।
અયોગ્યઃ પુરૂષો નાસ્તિ યોજકસ્તત્ર દુર્લભઃ ।।
માટે તેની પણ જરૂર પડે છે. તો પણ શીલ છે તે સર્વગુણોનું ઘરેણું છે ને સર્વકલ્યાણનું મૂળ છે.
પછી લક્ષ્મીવાડીએથી દાદા ખાચરના દરબારમાં પધાર્યા ને સભા કરી ત્યાં મહારાજે મોટેરા પરમહંસોને પૂછયું જે અમે પંચમ સ્કધ અને દશમ સ્કંધનું અતિશય પ્રતિપાદન કર્યું છે. તે એ બેય ગ્રંથનું રહસ્ય જેમ તમને સમજ્યામાં આવ્યું હોય તેમ કહો. ત્યારે સંતોએ જેમ સમજ્યામાં આવ્યું તેમ કહી દેખાડયું. ત્યારે મહારાજ બોલ્યા જે, લ્યો અમે તે બે ગ્રંથનું રહસ્ય કહીએ. તે રહસ્ય એટલે શું ? તો ગમે તેવો શાસ્ત્રી, પુરાણી કે અતિશય બુદ્ધિવાળો હોય, તો પણ સાંભળીને સત્ય માને પણ એમાં સંશય ન રહે તેને રહસ્ય કહેવાય. રહસ્ય છે તે ગ્રંથમા સર્વાંગ વ્યાપી રહ્યું હોય. કોઈપણ ગ્રંથનાં પ્રકરણો બદલે પણ કેન્દ્ર બદલતું નથી. તે કેન્દ્રબિંદુના આસપાસ જ બધા પ્રકરણો કહેવાયાં હોય છે. માટે જે હેતુ માટે ગ્રંથ લખ્યો હોય, ગ્રંથનું જે કેન્દ્ર હોય તે રહસ્ય કહેવાય છે.
હવે મહારાજ બન્ને સ્કંધનું રહસ્ય પોતે જ કહે છે. અહીં રહસ્ય અથવા કેન્દ્રવર્તી વિચારનો નિર્ણય કરતાં પહેલાં આપણે ભાગવતના ઉત્પત્તિના મૂળમાં એક દૃષ્ટિપાત કરીશું તો મહારાજનાં વચનો સમજવામાં આપણને મદદરૂપ થશે. ભાગવતના પ્રથમ સ્કંધમાં જ કથા આવે છે કે વ્યાસ ભગવાન પોતાના આશ્રમમાં બેઠા છે. તેમને હૃદયમાં એવી અનુભૂતિ થાય છે કે મેં લોકોપકાર માટે, લોકોના કલ્યાણને માટે આટલું આટલું કર્યું તો પણ મારા આત્મામાં પૂર્ણ સંતોષ હોય એમ લાગતું નથી. કાંઈક ઘટે છે, અધૂરું છે એવું મને મારા આત્મામાં ભાસે છે. ‘નાત્મા મે પરિતુષ્યતે ન્યૂનં મે પરિચક્ષ્વ ।’ માટે તે ન્યૂનતા દૂર કરવા માટે નારદજીને પૂછયું ત્યારે નારદજીએ એમ કહ્યું કે તમે ભગવાનના ચરિત્રનું ગાન કરો. બીજું બધું તમે કર્યું છે પણ ચરિત્રગાન જેવું જોઈએ તેવું કર્યું નથી. ભક્તિ વિના હૃદય પરિપૂર્ણ થતું નથી.
વ્યાસ ભગવાને ભાગવતની રચના કરી અને તેના પ્રચાર માટે શુકદેવજીને ભણાવ્યું. શુકદેવજી પણ રસપૂર્વક ભણ્યા અને તેનું ગાન કર્યું.
અહીં એક સવાલ ઉઠે છે કે શું વ્યાસજીએ કૃષ્ણચરિત્રનું વર્ણન બીજા પુરાણોમાં નથી કર્યું ? જરૂર કર્યું છે. મહાભારત તથા બ્રહ્મવૈવર્ત તથા ઈતર પુરાણોમાં કદાચ ભાગવત કરતાં પણ વધારે વિસ્તારથી કૃષ્ણચરિત્ર ગાયાં છે. તો ભાગવતથી શાંતિ થઈ અને પેલાથી કેમ ન થઈ ?
તો તેનું સમાધાન એ છે કે મહાભારતમાં જે વર્ણવ્યા છે તે ઈતિહાસના એક ‘પાત્ર’ તરીકે વર્ણવ્યા છે. બીજા પુરાણોમા વર્ણવ્યા છે તે પણ પોતાના ‘ઈષ્ટદેવ’ તરીકે ગણીને ગાઈ શકયા નથી. જ્યારે ભાગવતમાં વ્યાસજીએ કૃષ્ણને ગાયા છે તે પાત્ર તરીકે નહીં પણ પોતાના ઈષ્ટદેવ તરીકે ગાયા છે, તેમા મસ્તાન થઈને ગાયા છે, નારદજીના માર્ગદર્શન પછી ગાયા છે. તેથી તેમના હૃદયની ન્યૂનતા દૂર થઈ છે, નહીં કે ગાવા માત્રથી. એટલે જ શ્રીજી મહારાજ દશમ સ્કંધનું રહસ્ય કહેતાં કહે છે કે વેદ, પુરાણ, શાસ્ત્રોમાં જે એક પરોક્ષ ભગવાન છે અને તેનો મહિમા તે શાસ્ત્રોમાં ગાયો છે તે તો આ પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ છે અને મહિમા પણ તેનો જ છે. તેનાથી આગળ બીજું કશું નથી. નહીં તો પરમાત્માનો ઉપનિષદો અને વ્યાસસૂત્રમાં મહિમા ગાનાર પોતે જ હતા પણ તેનાથી શાંતિ નથી થઈ. મભમ કોઈ એક પરમાત્મા છે. તે આવા છે એમ ગાયા છે. અહીં તો શ્રીકૃષ્ણ આવા છે એવી નિષ્ઠા–ભક્તિના અતિરેકથી ગાયા છે.
મહારાજે વચ.વર.૧૦મા કહ્યા મુજબ કલ્યાણના ત્રણ આશ્રય સ્થાનો છે. પરમાત્માના અવતાર, સાધુ અને મૂર્તિ. જ્યાં સુધી પ્રત્યક્ષમાં તેની રીત પ્રમાણે નિષ્ઠા નથી ત્યાં સુધી હૃદયમાં શાંતિ પણ થતી નથી અને કલ્યાણ પણ થતું નથી. વ્યાસ ભગવાને ભાગવતમાં કૃષ્ણ તરફનો પોતાનો અંગત પક્ષપાત કે નિષ્ઠાનું ગાન કર્યુ છે. તેથી તેમને શાંતિ થઈ છે. મહારાજ કહે, જ્યાં જ્યાં સ્તુતિ ભાગ આવે ત્યારે સર્વ શાસ્ત્રોમાં કહેલા મભમ મહિમાનું શ્રી કૃષ્ણમાં સ્પષ્ટીકરણ થયેલું છે. શાસ્ત્રમાં જ્યાં જ્યા ભગવાન તરીકે જે ગુણ, વિશેષણો, મહિમા કહ્યો છે તે આ શ્રીકૃષ્ણનો છે એવું સમજવું. તે આ દશમનું રહસ્ય છે. જ્યારે પરોક્ષ માટે ગવાયેલો મહિમા પ્રત્યક્ષ મહારાજમાં મુલવાય ત્યારે જ નિશ્ચય થયો કહેવાય. ત્યારે જ નિષ્ઠા–ભક્તિ કે ઉપાસના વગેરે થયા કહેવાય. તેવું જ સાચા સંત અને પૂજનીય મૂર્તિમાં પણ લાગુ પડે છે.
પંચમ સ્કંધમાં તો શ્રીકૃષ્ણ ભગવાનનું માહાત્મ્ય કહ્યું છે અને મહારાજ આ જગતની સ્થિતિ માટે ખંડ ખડ પ્રત્યે પોતાના ભક્તને સુખ આપવાને અર્થે અનેક પ્રકારની મૂર્તિઓ ધારીને રહ્યા છે અને પોતે બાંધેલી એવી મર્યાદા તેને વિષે જે રહે તે અતિશય મોટપને પામે અને જે ન રહે તે મોટા હોય તો પણ પોતાની સ્થિતિ થકી પડી જાય અને જે સાધારણ જીવ હોય અને તે મર્યાદાને લોપે તો તેની અધોગતિ થાય. એવું મહારાજે બાંધેલ મર્યાદામાં દૈવત છે. એ પ્રત્યક્ષ શ્રીજી મહારાજનું છે એમ સમજવું તે પંચમ સ્કંધનું રહસ્ય છે અને શ્રીજી મહારાજના દિવ્ય સનાતન આકારને વિષે દૃઢ પ્રતીતિ રાખવી.