પ્રતિપાદિત વિષયઃ
વાસુદેવમાં પ્રવેશ થવો એટલે શું ?
મુખ્ય મુદ્દા
૧.ભગવાનમાં અતિ આસક્તિ થવી તેને પ્રવેશ થયો કહેવાય.
ર.જેમ જળમાં જળ મળી જાય તે પ્રવેશ નથી.
વિવેચન :–
આ વાસુદેવ ભગવાનમાં પ્રવેશનું વચનામૃત છે. જગત પ્રવેશ, દેવતાન્તર પ્રવેશ અને મહારાજમાં પ્રવેશ કેમ થાય અથવા પ્રવેશ એટલે શું ? તેની વાત મહારાજે આ વચનામૃતમાં કહી છે. મહારાજ કહે છે સંસારી જીવ છે તેને કોઈ ધન દેનારો મળે કે દીકરો ન હોય ને દીકરો દેનારો મળે તો ત્યાં તેને તુરત પ્રતીતિ આવી જાય છે.
આ જગતમાં બે પ્રકારના મનુષ્ય છે. એક તો ભક્ત અને બીજા અભક્ત. તેમા જે ભક્ત છે તેને તો પરલોક સંપાદન, ભગવત્ધામ પ્રાપ્તિમાં જ પ્રતીતિ–આસ્થા આવે છે. તેને પ્રાપ્ત કર્યાનાં સાધનોમાં વિશેષ આસ્થા આવે છે ને શ્રદ્ધા ઉપજે છે. જે અભક્ત છે તેને તો લૌકિક વસ્તુ પદાર્થ સંપાદનમાં જ આસ્થા આવે છે ને તેને સંપાદન કરનાર સાધનોમાં જ આસ્થા આવે છે. એટલે જ મહારાજ કહે છે કે સંસારી જીવ છે તેને ધન પુત્રાદિકમાં અને તેને દેનારામાં આસ્થા આવે છે.
ધન, સ્ત્રી, પુત્ર એ સંસારનાં કેન્દ્ર છે. એ ત્રણ સંસારનાં બીજ છે. એ ત્રણ જેના હૃદયમાં મુખ્ય થાય એટલે સમગ્ર સંસાર તેના હૃદયમાં ઉતર્યો છે એમ જાણવું. મહારાજે જેમ વાસુદેવમાં પ્રવેશ કહ્યો તેમ સંસારમાં પણ પ્રવેશ થાય છે. અભક્તનો સંસારમાં પ્રવેશ થાય છે. અભક્તને આ ત્રણ કેન્દ્રો જીવનનો આધાર છે. તેમા પણ પ્રથમ પુરુષાર્થનું સાધન ધન છે અને તે મળે એટલે તેના ફળરૂપે સ્ત્રી પમાય છે અને તેના ફળરૂપે પુત્ર પ્રાપ્તિ મનાય છે. આ ત્રણેય વાના સંસારનું સાક્ષાત્મૂર્ત સ્વરૂપ છે.
મહારાજ વચ. અં.૩૩ માં કહે છે કે ધન, દોલત, સ્ત્રી અને પુત્ર એ આદિ જગત્પદાર્થ એને અર્થે જેની બુદ્ધિમાં ફેર પડે નહીં એવા અને એને અર્થે કોઈને વિષે આસ્થા આવે નહીં એવા તો સત્સંગમાં થોડાક ગણતરીના હરિભક્તો હોય; પણ ઝાઝા હોય નહીં. એવા તો આ મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી છે એને બીજો કોઈ ગમે તેવો હોય ને ચમત્કાર દેખાડે તો પણ ભાર ન આવે.
વળી મહારાજ કહે છે કે સ્ત્રી, ધન વગેરેમાં કાચ્યપ હોય તેની ભક્તિનો પણ વિશ્વાસ ન આવે. અહીં વચનામૃતમાં મહારાજ કારિયાણીના માંચા ભક્તનું દૃષ્ટાંત આપે છે. તે મહારાજના યથાર્થ ભક્ત હતા. પ્રથમ માર્ગીના પંથમાં હતા તો પણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડયો નહીં ને પોતે અખંડ બાળ બ્રહ્મચારી રહ્યા. કોઈક કીમિયાવાળો હતો તે પોતાને ઘેર આવીને ઉતર્યો હતો. તેણે ત્રાંબામાંથી રૂપું કરી દેખાડયું અને તે ભક્તને કહ્યુ તમે સદાવ્રતી છો તે તમને બુટી બતાવીને રૂપું કરતા શીખવું. ત્યારે તે ભક્તે લાકડી લઈને ગામ બહાર કાઢી મૂકયા અને કહ્યું જે અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઈચ્છા નથી.
સંસારી જીવને ઉદ્યમ કર્યા વિના સીધું હરામનું મળી જાય તો તેમા અતિ સ્વાદ આવે છે. તે સ્વાદ મહારાજ કહે, ભગવાનના ભક્ત પણ છોડી શકતા નથી અને તેથી જ કહે છે કે તે સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે. એટલે તો મહારાજ કહે એને અર્થે પ્રતીતિ અને આસ્થા ન આવે એવા ઝાઝા ન હોય એવા તો માંચા ભક્ત છે. એવા મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી છે. વિના મહેનત કર્યે હરામનું જે મળે તેને હરામચસકો કહેવાય છે. તેનો સ્વાદ કાંઈક ઓર જ હોય છે. તે ભલભલાને ભગવાનનો સ્વાદ પણ ભુલાવી દે છે. એટલે મહારાજ દુર્લભતા કહે છે.
ધારો કે બે વસ્તુ હોય. એક નીતિથી અને ઉદ્યમથી પ્રાપ્ત થનારી હોય ને બીજી તેટલી જ વસ્તુ વિના મહેનતથી સીધે સીધી મહારાજ કહે મંત્ર જંત્રથી કે નાટક ચેટકથી પ્રાપ્ત થવાની હોય તે બેનો તટસ્થ થઈ તુલનાત્મક વિચાર કરીએ તો વિના ઉદ્યમથી સીધે સીધું મળે તેમા સ્વાદ અને આસક્તિ અતિ ઘણા વધી જાય છે. તેના પ્રયત્નો પેલા કરતાં પણ વધારે થઈ જાય છે. તેમા પણ આ સંસારનો મોહ એવો છે કે ભક્તને પણ ભાન ભુલાવી દે છે.
એક વ્યક્તિની જરૂરિયાત એક હજારની છે અને તેને ઉદ્યમથી એક હજાર પૂરા મળી જાય છે. જ્યારે બીજી વ્યક્તિ એવી છે કે તેને વાસ્તવિક જરૂરિયાત એક હજારની છે અને તેને બે હજાર મળી જાય છે કે તેથી વધારે મળી જાય છે. ત્યારે જે જરૂરિયાતથી વધારે વધારાના મળ્યા ને એમાં જે સ્વાદ આવે છે અને મોહ બંધાય છે તેવો પેલા જરૂરિયાતવાળામાં સ્વાદ નથી આવતો ને મોહ પણ નથી બંધાતો; એ જ માયા છે. માણસને રોટલામાં એટલો સ્વાદ નથી જેટલો પોટલામાં છે. પોટલું ભેળું થાય ન થાય એ વાત જુદી છે. કદાચ પ્રયત્ન કરતો હોય અને જરૂરિયાત પૂરતું મળ્યું કે તેથી ઓછુ મળ્યું એટલે તે નિર્વાસનિક થઈ ગયો અને તેને પોટલાનો સ્વાદ નથી એવું આપણે કહેવું નથી, પણ તટસ્થ દિલથી વિચારવાનું છે કે ગાઢ આસક્તિનું કેન્દ્ર કયું છે ?
મહારાજ કહે, જે ભક્ત છે, જેને ખરેખર પરમેશ્વર કેન્દ્રમાં છે ને તેમા જ સ્વાદ આવે છે તેને વિના ઉદ્યમથી હરામ વસ્તુમાં સ્વાદ ન હોય અને ન હોવો જોઈએ. જગતના સ્વાદનું કેન્દ્ર છે તે ભક્તને ન હોય ને ન હોવું જોઈએ. એક પરમેશ્વર જેનું કેન્દ્ર હોય તેને એકાંતિક ભક્ત કહેવાય અને તેનો વાસુદેવ ભગવાનમાં પ્રવેશ થાય છે તેમ કહ્યું છે. ચાર વાનાં હોય ત્યારે એકાંતિક થવાય છે અને તેનો ભગવાનમાં પ્રવેશ થાય છે. જો એકાંતિક ન હોય તો તેનો બ્રહ્માદિકમાં પ્રવેશ થાય છે પણ પરમેશ્વરમાં પ્રવેશ ન થાય. પ્રવેશ હમેશાં પોતાના હૃદયમાં જે શુદ્ધિ–અશુદ્ધિ પડી હોય તેને અનુસારે જ થાય છે. પોતાના હૃદયમાં અશુદ્ધિ પડી હોય તો ભગવાનમાં પ્રવેશ કરવો હોય તો પણ ન થાય. પોતાના હૃદયની ભૂમિકાને અનુસારે જ પ્રવેશ થાય છે. પોતાની ઉપરની ઈચ્છાથી પ્રવેશ થતો નથી.
પ્રવેશ એટલે શું ? તો જેમ જળમાં જળ મળી જાય ને અગ્નિમાં અગ્નિ મળી જાય તેને મહારાજ કહે અમે પ્રવેશ કહેતા નથી. જેમ લોભીને ધનમાં, કામીને મનગમતી સ્ત્રીમાં ને દીકરો ન હોય ને ઘડપણમાં દીકરો થાય તો તેને દીકરામાં અતિ આસક્તિ થાય તેને અમે પ્રવેશ જાણીએ છીએ. જેને ભગવાનને વિષે પ્રવેશ હોય તેને પોતાના ઈષ્ટદેવ વિના કોઈ પદાર્થને વિષે હેત ઉપજે જ નહીં. એક તેની જ રટના લાગી રહે અને તે વિના જીવે તે મહા દુઃખના દિવસ ભોગવીને જીવે પણ સુખ ન થાય. ત્યારે પ્રવેશ થયો છે એમ જાણવું.