ગમ–૩૭ : સ્વાભાવિક પ્રકૃતિ ટાળ્યાનું, જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે છે તેનું

પ્રતિપાદિત વિષયઃ

પ્રકૃતિ ટાળવાનો ઉપાય.

મુખ્ય મુદ્દો        

૧.પ્રકૃતિ ટાળવા માટે સત્પુરુષમાં વિશ્વાસ, પ્રીતિ, ગરજ અને ધીરજ જોઈએ.

વિવેચન :–

આ પ્રકૃતિ ટાળ્યાનું વચનામૃત છે. મહારાજે ગીતા વચન…

સદૃશં ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતેર્જ્ઞાનવાનપિ ।

પ્રકૃતિ યાન્તિ ભૂતાનિ નિગ્રહઃ કિં કરિષ્યતિ ।।

– નો ઉલ્લેખ કરીને કહ્યું, જે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે છે. શાસ્ત્રે કહ્યો જે નિગ્રહ તેનું કાંઈ જોર ચાલતું નથી. પ્રકૃતિ પ્રાણ સાથે જડાયેલી હોય છે. પ્રાણ જાય તો પણ પ્રકૃતિ જતી નથી, સ્વભાવ જતો નથી. શાસ્ત્ર નિષેધ જાણતા હોવા છતાં, સ્વંય જ્ઞાની હોવા છતાં, તેને બાજુમાં રાખી દઈને(આંખ્ય આડા કાન કરીને) પોતાને ઈષ્ટ ભોગ–લાભની વાત આવે તો શાસ્ત્ર નિષેધ કાંઈ ટકી શકે નથી અને ઝડપ મારી લેવાય છે. પ્રબળ પ્રકૃતિ સામે શાસ્ત્રબોધ કે વડીલોની શિક્ષા અકિંચિત્કર બની જાય છે. માટે પ્રકૃતિ ટળવી ઘણી કઠણ છે. તે સ્વાભાવિક પ્રકૃતિ શે ઉપાયે કરીને ટળે ? સંતો યથાર્થ ઉત્તર ન કરી શકયા. તેથી શ્રીજી મહારાજે જ ઉત્તર કર્યો.

જેને સ્વભાવિક બળવાન પ્રકૃતિ છોડવાની ઈચ્છા હોય, એ સ્વભાવ મુકાવ્યા સારુ જે સત્‌પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિષે અતિશય વિશ્વાસ હોય અને ઉપદેશ કરનારાની ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ હોય અને ઉપદેશનો કરનારો ગમે તેટલો દુઃખવીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય. એ વિના બીજો કોઈ ઉપાય નથી.

મહારાજે વચ.ગ.અં.ર૪મા કહ્યું છે કે સ્વાર્થે કરીને પ્રકૃતિનો નાશ થાય છે. જેમ આ દાદાખાચર અને તેના પરિવારને અમને રાખવાનો સ્વાર્થ છે, ગરજ છે તેથી અમને ન ગમે તેવી પ્રકૃતિ રાખતા નથી. જો કે સ્વાર્થે કરીને પ્રકૃતિનો ત્યાગ થાય છે પણ લૌકિક સ્વાર્થ હોય તો સ્વાર્થ પૂરો થતાં ફરી પ્રકૃતિનાં દર્શન થાય છે પણ તે સ્વાર્થ જો અલૌકિક–કલ્યાણનો હોય; તે ગરજ જો કલ્યાણની હોય તો લૌકિક સ્વાર્થની જેમ તેની અવધિ આવતી નથી અને તે પરમાર્થ બની રહે છે. તેથી પ્રકૃતિ સમૂળ નાશ પામે છે. તેથી જ મહારાજે આ વચનામૃતમાં કહ્યું કે જેને પ્રકૃતિ ટાળવી હોય તેણે ઉપદેષ્ટા ઉપર અતિ વિશ્વાસ રાખવો. એટલે કે ફળની આસ્થા રાખવી કે આનાથી (આની સહાયથી) નક્કી મારા કલ્યાણનો સ્વાર્થ સિદ્ધ થશે જ. એવો અતિ વિશ્વાસ જોઈએ.

બીજી વાત મહારાજે એ કહી કે ઉપદેશ કરનારા ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ જોઈએ. જે પ્રકૃતિ ટાળવામાં જ્ઞાન, વૈરાગ્ય પણ જેટલા કામયાબ થતા નથી એટલી અસરકારક પ્રીતિ બને છે. પ્રીતિ નિભાવવા માટે જીવ સ્વયં પોતાની પ્રકૃતિ મૂકી દે છે. કોઈને ઉપદેશ પણ દેવો નથી પડતો. એવું લૌકિક વ્યવહારમાં પણ જોવા મળે છે અને તે જ વસ્તુ મોક્ષના માર્ગમાં પણ થઈ શકે. પ્રીતિનું પ્રથમ લક્ષણ જ એ છે કે પોતાની પ્રકૃતિ છોડીને સામાની પ્રકૃતિ પ્રમાણે વિના ઉપદેશે વર્તવુ. ઉપદેશ આપે ને ફેરફાર કરે તે તો સમજણવાળાનો માર્ગ છે પણ પ્રીતિમાં તેવું નથી. માટે સત્પુરુષમાં પ્રીતિ કે ભગવાનમાં સાચી પ્રીતિ તે સ્વભાવ ટાળવા માટે અમોઘ સાધન કહ્યું છે.

મહારાજે વચ.વર.૧૧મા પણ કહ્યું છે કે ભગવાનના સત્પુરુષ છે તેનો મહિમા જીવ જાણી ન શકે અને મહિમા ન જાણે ત્યાં સુધી એવી સ્થિતિ ન થાય અને સ્થિતિ ન થાય ત્યાં સુધી મહિમા ન જણાય તે પરસ્પર બાધ આવ્યો તે બાધ કેમ ટળે ? ત્યાં પણ મહારાજ કહે તેને જેમ સબંધીમાં હેત છે તેમ સત્પુરુષમાં હેત થાય તો. તે જ તેનું સમાધાન છે. માટે સત્પુરુષમાં હેત કરવું તે પ્રકૃતિ ટાળવા માટે અકસીર ઉપાય છે.

ત્રીજુ ધીરજ જોઈએ. સત્પુરુષમાં વિશ્વાસ, શ્રદ્ધા કે પ્રીતિ હોય તો પણ તુરત પ્રકૃતિ નાબૂદ થઈ જાય તેવું નથી. તેમા સહનશીલતા જોઈએ. મહારાજ કહે, ગમે તેવા કઠણ વચન કહે, દુખવે તો પણ હિતકારી માનતો જાય પણ પાછો ન પડે ત્યારે પ્રકૃતિ જાય છે.