પ્રતિપાદિત વિષયઃ
તત્ત્વો જડ છે કે ચૈતન્ય.
મુખ્ય મુદ્દા
૧.તત્ત્વોનાં બે વિભાગ છે. કારણરૂપ તત્ત્વ જે ચેતન છે. કાર્યરૂપ તત્ત્વ જે જડ છે.
ર.મુક્તિ એકલા જીવની જ થાય છે.
વિવેચન :–
આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પરમહંસોને પ્રશ્ન પૂછયો છે કે આ જીવને વિશે માયાના કાર્ય એવા જે ઈન્દ્રિયો અંતઃકરણ આદિક ચોવીસ તત્ત્વ રહ્યા છે તે એ તત્ત્વ જડ છે કે ચૈતન્ય છે ? ત્યારે પરમહંસોએ ઉત્તર કર્યો કે એ તત્ત્વો ચૈતન્ય તો ખરા. કારણ કે જીવ સૂતો હોય ત્યારે પડખું ફરવું, માકડ, મચ્છર દંશ થાય તો દૂર કરવાની ચેષ્ટા વગેરે અવયવની સ્વતંત્ર ચેષ્ટાઓ થાય છે. તેથી એવું ભાસે છે કે સ્વતંત્ર ચેતનની જેમ સંચાલન થતું હોવાથી તત્ત્વો ચૈતન્ય છે.
વળી, દેવમૂર્તિપ્રતિષ્ઠા સમયે પણ દરેક અવયવ નેત્ર, કર્ણ, હૃદય વગેરેમાં અલગ અલગ આહ્વાન કરવામાં આવે છે.
તેમજ પૃથ્વી આદિ દેવોનું એક ભાગ રૂપે સ્વતંત્ર પૂજન કરવામાં આવે છે. તેથી પણ તત્ત્વોમાં અલગ અલગ જીવ છે એવું ભાસે છે. એવો સંતોએ ઉત્તર કર્યો.
મહારાજે તેમા આશંકા કરી કે એ તત્ત્વ ચૈતન્ય છે તો આ શરીરને વિષે જીવ છે તે ભેળા ચોવીસ તત્ત્વના પણ ચોવીસ જીવ થયા. ત્યારે આ જીવનું કલ્યાણ થશે તે પણ વહેંચાતું ભાગે આવશે અને જે પાપ કર્મ કરે તે પણ વહેંચાતું ભાગે આવશે. અયોગ્ય ગણિકાદિ સ્પર્શ કરે તો પચ્ચીસે પચ્ચીસને યમ યાતના ભોગવવી પડશે. વળી જીભ મદિરાપાન કરશે ત્યારે જીહ્વાના જીવનું કર્તૃત્વ હશે તો પણ ઉદરના જીવને ભક્તોતૃત્વ પ્રાપ્ત થશે. બીજો કરે અને બીજાને ભાગે ભોગવવાનું આવી પડશે. જીભ પાપ કરી આવશે ને ચોવીસેય તત્ત્વોને દંડ ભોગવવો પડશે. સુખદુઃખ પણ એકલા જ્ઞજીવના નહીં કહેવાય. સંચિત, પ્રારબ્ધ ને ક્રિયમાણ એકલા જીવના નહીં કહેવાય. જ્યારે નારદાદિ પૂર્વે મુક્ત થયા છે ત્યારે તો તેનો જીવ જ મુક્ત થયો છે પણ તે ભેળા તેના ચોવીસ તત્ત્વના જીવ મુક્ત થયા છે એવું શાસ્ત્રમાં કહ્યું નથી. તેમનો એક જીવ જ મુક્તિ પામ્યાનું શાસ્ત્રમાં કહ્યું છે. એમ શંકા કરીને તત્ત્વોને નિર્જીવ કરી દેખાડયા. ત્યારે પરમહંસોએ ઘણી આશંકાઓ કરી પણ મહારાજે તે ખોટી કરી દેખાડી. અંતે પરમહંસોથી ઉત્તર ન થયો.
ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એ તત્ત્વ કાર્ય–કારણ ભેદે કરીને બે પ્રકારનાં છે. તેમા કારણરૂપ જે તત્ત્વ છે તે ચૈતન્ય છે ને કાર્યરૂપ જે તત્ત્વ છે, તે જડ છે. સૃષ્ટિની ઉત્પત્તિ સમયે જે ચોવીસ તત્ત્વોની ઉત્પત્તિ કહી છે તે મહત્તત્ત્વાદિ તત્ત્વો, તેના અધિષ્ઠાતા દેવતા રૂપે ચૈતન્ય છે; પરંતુ જીવના શરીરમાં રહેલા તત્ત્વો તો જડ જ છે. ચૈતન્ય જેવા જણાય છે તે તો ચૈતન્ય એવા જીવાત્માની જ્ઞાનશક્તિએ કરીને જણાય છે. જ્ઞાન શક્તિએ કરીને સમગ્ર શરીરમાં જીવાત્માની વ્યાપ્તિ છે. તેથી ચૈતન્ય જેવા કાર્ય કરે છે; પરંતુ ચેતના તત્ત્વોની નથી, જીવાત્માની છે. જ્યારે જીવાત્માની મુક્તિ થાય છે ત્યારે આ જડ તત્ત્વો તો પડયા રહે છે અને જીવાત્મા એકલો જ ભગવાનના ધામમાં જાય છે.
તાત્પર્ય એ છે કે મુક્તિ એકલા જીવને માટે છે અને જીવની જ થાય છે, જડ તત્ત્વોની નથી થતી. તેથી તત્ત્વોની જડતા કે તત્ત્વોના સ્વભાવોને વશ થઈને મનુષ્ય દેહમાં જીવની મુક્તિ ચૂકી ન જવાય. જો ચૂકી જવાય તો જે કાંઈ નુકશાની છે તે જીવને એકને જ છે. ભોગ ભોગવીએ છીએ તે ઈન્દ્રિયોના છે. એવો અંતરથી વિચાર કરવો.
સંતો એક પ્રચલિત દૃષ્ટાંત આપે છે કે ઘેટાં–બકરાં ચારનારો ભરવાડ જો ખ્યાલ ન રાખે તો બકરાં બીજાના ખેતરમાં પાક ચરી જાય પછી ખેતરનો ધણી ક્રોધ કરીને શિક્ષા કરે–દંડા મારે, તે બકરાને ન મારે; પણ ભરવાડને મારે. તેમ જડ એવા ઈન્દ્રિય અંતઃકરણના લાડમાં યમપુરી–ગર્ભવાસ વગેરે દંડ જીવને ભોગવવો પડે છે. તેમ પોતાના જીવાત્મામાં ઊંડો વિચાર કરી તત્ત્વોને ઓળખી પોતાની મુક્તિનો ઉપાય કરી લેવો.