પ્રતિપાદિત વિષયઃ
સંબંધીનું હેત.
મુખ્ય મુદ્દા
૧.સંબંધીનું હેત થોરના ઝાડ જેવું છે વગર પોષણે પણ પાંગરે છે.
ર.ભગવાનની સાથે સાચો સંબંધ જોડવાથી એટલે કે મહારાજની ઉપાસનાથી તે દૂર થાય છે.
વિવેચન :–
આ વચનામૃત થોરના ઝાડનું વચનામૃત છે. મહારાજ કહે છે કે આ સંસારને વિષે પોતાના કુટુંબીનો સંબંધ છે તે તો થોરનું ઝાડ હોય અથવા વડ કે પીપરની ડાળ હોય તેવો છે. તે કાપી નાખીને મૂળથી અલગ કર્યો હોય તો પણ ધરતીમાં પડયો પડયો પાલવ્યા વિના ન રહે. પથ્થર કે પાકી સપાટી હોય અને થોરનો ટુકડો ત્યાં પડયો હોય, લાંબો સમય પાણી વિના સૂર્યના તાપમાં રહે તો પણ જ્યારે પાણી વગેરે અનુકૂળ વાતાવરણ મળે, તો તે પાંગરીને ઝાડ થાય. તેને પાયામા માટીવાળી ધરતી જ જોઈએ એવું નથી. પાકી જમીનમાં પણ પોતાના પૂરતી તે બધી જ વ્યવસ્થા પોતે કરી લે છે. આપણે કરી દેવી પડતી નથી. તેમ કુટુંબીનો સંબંધ તે થોરના ઝાડ જેવો છે. ખાસ કરીને ત્યાગીઓ માટે આ વધારે લાગુ પડે છે. માટે તો વચ.ગ.અં.૧૯મા ખાસ ત્યાગીને માટે આ વાતનું આખું વચનામૃત મહારાજે કહ્યું છે.
મહારાજે ત્યાગીના કુલક્ષણમાં ગણાવ્યું છે કે જેને પોતાના કુટુંબીની સાથે હેત હોય તે તો અમને પશુ જેવો જણાય છે. પશુની પોતાના સંબંધી સેવા કરતા નથી. વળી પશુમાં પોતાને આપત્તિ આવે તો તેના કુટુંબી સહાય કરવા દોડતા હોય એવું પણ નથી. આ બધુ તો માણસમાં છે. તો પણ ગાયના તાજા વાછરડાની સામું જોઈએ તો ગાય આપણને ખુન્નસથી મારવા દોડે છે. કૂતરીના તાજાં જન્મેલાં બચ્ચાં પાસે આપણે જઈએ તો આપણી પીંડી તોડી નાખે છે. શા માટે આવું કરે છે ? કયા ફાયદા માટે કે કઈ ગણતરી–ત્રિરાશિથી કરે છે ? તે તેને વિચાર નથી. મોહથી કે ભગવાનની એવી કળ છે તેથી કરે છે. તેમ ત્યાગીનું સંબંધીમાં હેત છે તે પશુબુદ્ધિથી જ થયેલું હેત છે.
ગ.પ્ર્ર.૩૪મા વચનામૃતમા મહારાજ કહે છે કે ભગવાને એવી કળ ચડાવી મૂકી છે જેથી ફરી પાછો સૃષ્ટિ માટે દાખડો કરવો ન પડે ને સૃષ્ટિની વૃદ્ધિ થયા કરે. જો વિચાર કરે અને ગણતરી કરે તો એક મા–બાપ, એક પુત્ર પાછળ જે દાખડો–કષ્ટ સહન કરે છે ને જતન કરે છે તેનો દસમો ભાગ પણ સારા પુત્રોને દાખડો કરવાનો અવકાશ મળતો નથી ને કરતા પણ નથી. જો ગણતરી મૂકે તો આવું થાય, પણ ગણતરીથી નથી થતું. ભગવાનની કળથી થાય છે. તે કળના પ્રવાહમાં ન તણાય તે ભગવાનનો ભક્ત થઈ શકે છે. માટે જેને કુટુંબીમાં પ્રીતિ છે એવા ત્યાગીને મહારાજે પશુનું ટાઈટલ આપ્યું છે. પશુને વિચાર હોતો નથી જે આપણે શા માટે વાછરડા પાછળ દોડીએ છીએ. તેમ ત્યાગીમાં પણ એવી પશુબુદ્ધિ છે. તેથી ત્યાગ કર્યા પછી પણ કુટુંબીનો સંબંધ વિસારી શકાતો નથી.
મહારાજ વચ. ગ.પ્ર.૩મા કહે છે કે જન્મભૂમિ અને સંગાને વિસારી દેવા એ ઘણું કઠણ છે. તે તો જ્ઞાને કરીને વિસારી દે તો જ વિસરાય. અહીં પણ મહારાજ તે જ કહે છે કે પોતાને દેહથી જુદો સમજીને ભગવાનની મૂર્તિને ધારે ને સર્વ પ્રકારનું માન મૂકી દાખડો કરે તો કુટુંબીનો સંબંધ ટળે છે. ઊંટ મરે તોય મારવાડ સામું જુએ એવી એક કહેવત છે. તેનો અર્થ છે કે જન્મભૂમિ મરતાં સુધી ભુલાતી નથી. ઘણા વર્ષો સુધી ત્યાગાશ્રમમાં રહ્યો હોય અને કોઈ દેશકાળે કરીને ત્યાંથી જાય છે તો ૩૦–૪૦ વર્ષે પણ કુટુંબી યાદ આવે છે. માટે અંતરમાંથી જવા ઘણા કઠણ છે. એ તો જો મહારાજનો મહિમા સમજી મહારાજે બતાવ્યા પ્રમાણે પ્રયાસ કરે તો ભગવાન તથા સંતોની દયાથી તે સંબંધ દૂર થાય છે.
વળી મહારાજ કહે કે જીવનું જે કલ્યાણ થાય ને જીવ માયાને તરીને બ્રહ્મરૂપ થાય તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના પ્રત્યક્ષ સ્વરૂપનું એટલે કે મહારાજનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથાદિક એ જ છે. તેણે કરીને જીવ માયાને તરે છે અને અતિ મોટયપને પામે છે ને અક્ષરધામને પામે છે.
આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને ધર્મ એ ભક્તિના સહાયરૂપ ઉપકરણો છે, પણ ભક્તિ વિના તે એકલા જીવને માયા તર્યાનું સાધન નથી. એકલી ભક્તિ જ હોય તો પણ જીવ માયાને તરી જાય છે અને ધર્માદિક અંગનું સહાયપણું તો તે ભક્તિમાં કોઈ પ્રકારનુ વિધ્ન ન આવે તે માટે છે. જો તેનું સહાયપણું ન હોય તો વિષમ દેશકાળે ભક્તિમાં વિધ્ન જરૂર થાય. માટે ધર્માદિ અંગે સહિત ભક્તિ કરવી અને ભૂંડા દેશકાળાદિ કયારયે સેવવા નહીં, તો તે માયાને તરે છે.