પ્રતિપાદિત વિષયઃ
આત્મદર્શન અને જીવનું કલ્યાણ.
મુખ્ય મુદ્દા
૧.કેવળ આત્મદર્શનથી જીવનું કલ્યાણ થતું નથી.
ર.ધર્મે સહિત ભગવાનની ઉપાસનાથી જીવનું કલ્યાણ થાય છે.
વિવેચન :–
મહારાજ કહે આજે અમને નિદ્રા બહુ આવી. તે નિદ્રામાં વિચાર બહુ કર્યો ને તેમાં જે નિર્ણય કર્યો છે તે તમને કહું છું : જે હું રામાનંદ સ્વામી પાસે આવ્યા મોર્ય પણ આત્માને સાક્ષાત્ દેખતો ને હમણાં પણ દેખું છું. આત્મા સૂર્યના જેવો પ્રકાશે યુક્ત છે. મારી સર્વે ઈન્દ્રિયની ક્રિયામાં તેનું ક્ષણમાત્ર વિસ્મરણ થતું નથી. આવું વિશદ આત્મદર્શન થવું ઘણું કઠણ છે. ઘણાક જન્મના સંસ્કારવાળા કોઈક વિરલાને જ થાય છે, બધાને થતું નથી. બીજો તો આત્માનો વિચાર સો વર્ષ સુધી કરે તો પણ આત્માનું દર્શન થાય નહીં અને કદાચ એવું વિરલ આત્મદર્શન થાય તો પણ એનું કલ્યાણ થઈ ગયું એવું નથી. હા, કદાચને જન્મ મરણથી રહિત થવા રૂપ મુક્તિને પામતો હશે પણ પરમાત્માના સ્વરૂપનો જે આનંદ તેની પ્રાપ્તિ થતી નથી. કેવળ આત્મદર્શનથી કલ્યાણ થવું તે તુંબડા બાંધી સમુદ્ર તરવા જેવો કઠણ માર્ગ છે. છતાં પણ મહારાજ કહે કે અમે જે આત્મજ્ઞાનની વાત કરીએ છીએ કે પ્રતિપાદન કરીએ છીએ એ શા માટે કરીએ છીએ ? તો જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિષે પ્રીતિ ન રહે તથા દેહના સંબંધીને વિષે હેત ન રહે તથા ભગવાનની ભક્તિમાં કોઈ વિધ્ન ન થાય એટલું જ પ્રયોજન છે.
વળી, વચ.અં.૩૯મા પણ કહ્યું છે કે વ્યવહારમાં કોઈ નિમિત્તે બોલાચાલી થાય કે કામ ક્રોધાદિકની પ્રવૃત્તિ થાય તો જો પોતાને આત્મા ન જાણતા હોઈએ તો સાધુનો અવગુણ આવે તેમાંથી ઝાઝુ ભૂંડુ થાય. એ માટે પોતાને દેહ થકી જુદો આત્મા જાણવો એવું આત્મનિષ્ઠાનું પ્રયોજન છે. વળી વચ.ગ.પ્ર. ર૩મા પણ મહારાજ કહે છે કે આત્મનિષ્ઠાનું એ જ પ્રયોજન છે જે ભગવાનના ચરિત્રમાં કોઈ દોષ ન આવે. પોતે એમ માને જે હું દેહથી જુદો એવો આત્મા છું. તે મારે વિશે કોઈ દોષ અડી શકે નથી. તો જેને ભજને કરીને હું આવો થયો છું, એવા પરમાત્માને વિષે તો કોઈ દોષ કેમ હોઈ શકે ! એમ પરમાત્મામાં નિર્દોષ બુદ્ધિ રાખવામાં મદદરૂપ છે. માટે આત્મનિષ્ઠા જરૂરી છે; પણ આત્મનિષ્ઠાથી પરમપદની પ્રાપ્તિ થાય એમ નથી. વળી તે આત્મદર્શન થવું પણ અતિ કઠિન છે. ગીતામાં પણ કહ્યું છે કે…’ક્લેશો ધિકતરસ્તેષામ્ અવ્યક્તાસક્તચેતસામ્।’ (૧૨ – ૫) કેવળ આત્મોપાસના કરવામાં ક્લેશ ઘણો છે. માટે મહારાજ કહે એવું આત્મદર્શન કયારે થાય ? તો ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે તો ભગવાનની ઉપાસનાને બળે આત્મદર્શન થવું કાંઈ કઠણ નથી. ભગવાનના ધ્યાન વિના કેવલ આત્માના વિચારે કરીને આત્મદર્શન થાય તેવી તો કોઈએ આશા રાખવી જ નહીં અને વળી મહારાજ બીજું એ કહે છે કે કેવલ આત્મનિષ્ઠાથી કલ્યાણ નથી પણ ભગવાનની ઉપાસનાથી કલ્યાણ થાય છે. તેમા પણ જો ધર્મ મર્યાદા વિનાની ઉપાસના હોય તો પણ કલ્યાણ થવું ઘણું કઠણ છે. મહારાજ કહે માથે પાણો લઈને સમુદ્ર તરવો તેવું છે. બીજું જેમ એકલી આત્મનિષ્ઠાથી કલ્યાણ થવું કઠણ છે તેમ આત્મનિષ્ઠા અને ઉપાસના બે હોય પણ જો ધર્મ ન હોય તો પણ જીવનું કલ્યાણ થવું કઠણ છે.
મહારાજ કહે જગતમાં એમ વાર્તા છે જે ”મન હોય ચંગા તો કથરોટમાં ગંગા” એ વાર્તા ખોટી છે. ગમે તેવો સમાધિનિષ્ઠ હોય ને ગમે તેવો આત્મદર્શી હોય કે વિવેકી વિચારવાન હોય પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો તેનો ધર્મ કોઈ રીતે રહે નહીં અને ગમે તેવી ધર્મવાળી સ્ત્રી હોય તે પર પુરુષના પ્રસંગમાં રહેવા લાગે તો તેનો પણ ધર્મ રહે નહિ. માટે ભ્રષ્ટ એવી ઉપાસના કે ભક્થિી કલ્યાણ ન થાય. માટે મહારાજ કહે આ વાત તે આમ જ છે, એમાં કોઈ સંશય રાખવો નહીં. માટે ધર્મમાં કયારે રહેવાય ? તો પોતપોતાના બહ્મચર્યાદિક નિયમ કહ્યા છે તેમા રહે તો રહેવાય. ગૃહસ્થ ભક્ત હોય તેણે પણ યુવાન અવસ્થાવાળી પોતાની મા, બહેન, દીકરી સાથે પવિત્ર મર્યાદાથી રહેવું. એકાંત ન સેવવો. તો જ ધર્મમાં રહેવાય, નહીં તો ન રહેવાય. માટે આત્મવિચાર–વિવેક રાખી બ્રહ્મચર્યાદિક ધર્મ નિયમને અતિ દૃઢ રાખીને ભગવાનની ઉપાસના કરવી. ભગવાનની મૂર્તિનું ધ્યાન–ચરિત્રનું ગાન તથા નામ સ્મરણાદિક ભક્તિ કરવી તો જીવનું નિશ્ચય કલ્યાણ થાય છે પણ એ વિના કલ્યાણ થતું નથી.
મહારાજ કહે છે કે તમે મને ભગવાન જાણો છો તે અમે જ્યાં જ્યાં ઉત્સવ સમૈયા કર્યા હોય, વાર્તા, પૂજા થઈ હોય ઈત્યાદિક અમારા લીલા ચરિત્ર તેને કહેવા સાંભળવા ને તેનું મનમાં ચિંતવન કરવું. જેને એનું ચિંતવન અંતકાળે પણ થઈ આવ્યું હોય તો પણ ભગવાનના ધામને જરૂર પામે. માટે એવા જે અમારા જે સર્વે ચરિત્ર, ક્રિયા તથા નામસ્મરણ તે કલ્યાણકારી છે. આવી વાત અમે સ્વરૂપાનંદ સ્વામીને કહી ત્યારે દેહમાં જે મંદવાડનું ઘણું દુઃખ હતું તેની નિવૃત્તિ થઈ ને પરમ શાંતિ પામ્યા, પણ તેઓ ઘણાય આત્માને દેખતા હતા તેણે કરીને કોઈ સિદ્ધિ થઈ નહીં.
આમ આ ચારવાનાંથી જ અતિશય કલ્યાણ થાય છે. માટે પરોક્ષ અવતારના ચરિત્રો હોય તેને પણ માનવા અને તેથી જ અમે ભાગવત આદિક અનેક ગ્રંથોનું પ્રતિપાદન કરેલું છે. વળી, તેવા મુક્તાનંદ સ્વામી આદિના સંસ્કૃત–પ્રાકૃત કાવ્ય કીર્તન ગાવવાં પણ મૂર્તિનું ખંડન કરનારા કે શાસ્ત્રની વિધિનું ખડન કરનારાં એવાં કોઈના કાવ્ય કીર્તન ન ગાવવાં. મહારાજ કહે, તમે બધા મારે વિશ્વાસે બેઠા છો ને હું તમને શેહ–શરમમાં સ્પષ્ટ વાત ન કહું તો મારું શું સારુ થાય ! માટે આ તમારા કલ્યાણની વાત છે તે તમને હેતે કરીને કહી છે. આવી રીતે વર્તવાની મહારાજે બધાને પ્રતિજ્ઞા લેવરાવી ત્યારે બધાએ પ્રતિજ્ઞા પણ લીધી.