પ્રતિપાદિત વિષયઃ
સમાધિવાળાને જ્ઞાન તથા ઈન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે છે કે નહિ ?
મુખ્ય મુદ્દા
૧.સમાધિવાળાને જ્ઞાનશક્તિ વૃદ્ધિ પામે છે.
ર.નિવૃત્તિધર્મવાળાને યોગાભ્યાસથી દેહ– ઈન્દ્રિયોની શક્તિ પણ વૃદ્ધિ પામે છે.
વિવેચન :–
આ વચનામૃતમાં ચર્ચાનો વિષય એ છે કે સમાધિવાળાને જ્ઞાન તથા દેહ, ઈન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે છે કે નથી પામતી ? સંતો યથાર્થ ઉત્તર ન આપી શકયા. મહારાજે જ એનો ઉત્તર કર્યો : જ્યારે એ જીવને સમાધિ થાય છે ત્યારે ઈન્દ્રિયો અંતઃકરણના દૃષ્ટાપણાનો ત્યાગ કરીને સમાધિએ કરીને બ્રહ્મ સંગાથે એકતાને પામે ત્યારે જીવ પણ બ્રહ્મરૂપ થાય છે અને તેને જ્ઞાનની વૃદ્ધિ થાય છે.
મહારાજ કહે છે કે જ્યારે તે દૃષ્ટાપણાનો ત્યાગ કરીને સમાધિથી બ્રહ્મ સાથે જોડાય છે ત્યારે તેની જ્ઞાનશક્તિ આવરણ રહિત થાય છે ને ચેતના અતિ વિશુદ્ધ બને છે. તેથી જ્ઞાનશક્તિ ખૂબ પ્રબળ બને છે. પછી જ્યારે સમાધિમાંથી દેહમાં આવે છે તો પણ સમાધિમાં જે બ્રહ્મનો અનુભવ થયો છે તેની વિસ્મૃતિ થઈ જતી નથી. તેની સ્મૃતિ તેને સદાને માટે રહે છે. સમાધિમાં તીવ્ર માત્રામાં બ્રહ્મનું સુખ અનુભવીને જ્યારે સમાધિમાંથી બહાર આવે ત્યારે બીજું બધું તેને ફીક્કું અને રસહીન લાગે છે. તેથી તેની જાગ્રતમાં પણ અંતરાત્મામાં દૃષ્ટિ વધુ કેન્દ્રિત રહે છે ને તેથી પોતાના જ દેહ, ઈન્દ્રિયો અને અંતઃકરણ પ્રત્યે શૂન્યભાવ અને ગૌણભાવ વર્તે છે. તેથી સામાન્ય દેહાભિમાની જીવોને એમ થાય છે કે આને સમાધિ થયા પછી પહેલાં કરતાં પણ ચેતના ઓછી થઈ ગઈ છે, સમજણ ઓછી થઈ ગઈ છે; પણ હકીકતમાં તેમ નથી. એટલું જરૂર છે કે તેની દૃષ્ટિ જગતમાંથી પાછી ફરીને ભગવાનમાં વધારે કેન્દ્રિત થઈ છે તેથી જગતના ભાવોનું જ્ઞાન ગૌણ થઈ જાય છે.
મહારાજ કહે, ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે તેવી સ્થિતિ તેને થાય છે.
‘યા નિશા સર્વ ભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી ।
યસ્યાં જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુનેઃ ।। ‘
જેમાં જગતના જીવપ્રાણીમાત્ર સૂતા છે, કહેતાં ભગવાનનું ભજન નથી કરતા ત્યાં સંયમી પુરુષ જાગ્યા છે. કહેતાં ભજન કરતા થકા વર્તે છે અને જેમાં જગતના જીવ જાગ્યા છે. કહેતાં વિષય ભોગવતા થકા વર્તે છે ત્યાં સંયમી પુરુષ સૂતા છે. એટલે કે વિષય ભોગવતા નથી. માટે સમાધિવાળાને સમાધિમાં અને સમાધિમાંથી જાગ્યા પછી પણ જ્ઞાનશક્નિી વૃદ્ધિ થાય છે, પણ ઓછી થતી નથી અને દેહ, ઈન્દ્રિયોની શક્તિ તો વૃદ્ધિ પામતી નથી. એ તો જ્યારે તપ, નિવૃત્તિધર્મ અને વૈરાગ્ય તેણે યુક્ત યોગાભ્યાસ હોય તો દેહ તથા ઈન્દ્રિયોની શક્તિ પણ વૃદ્ધિ પામે છે. તેને નારદ, સનકાદિક અને શુકજીના જેવી સિદ્ધદશા પ્રાપ્ત થાય છે ત્યારે શ્વેતદ્વીપ આદિક જે ભગવાનના ધામ તેને વિષે આને આ શરીરથી ગતિ કરી શકે છે અને પાછા આવી શકે છે. લોક–અલોક સર્વે ઠેકાણે તેની ગતિ થાય છે પણ પ્રવૃત્તિધર્મવાળાને તેવી સિદ્ધદશા આવતી નથી. તેને જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને જનક રાજાના જેવી સ્થિતિ થાય છે.