પ્રતિપાદિત વિષય
સ્વરૂપ નિષ્ઠા.
મુખ્ય મુદ્દો
૧.ભગવત્સ્વરૂપની પાકી નિષ્ઠા કલ્યાણનું બીજ છે.
વિવેચન :–
આ વચનામૃત સ્વરૂપનિષ્ઠાનું છે. સ્વરૂપ શબ્દથી મહારાજનું તાત્પર્ય ભગવાનની મૂર્તિ છે. ભગવાનનું સ્વરૂપ સદા સનાતન દિવ્ય સાકાર મૂર્તિ સ્વરૂપ છે. ભગવાનનું એવું અકળ અને અમાપ વ્યક્તિત્વ છે કે તેનાં અનેક પાસાંઓ છે. તેમા ભગવાનનું મુખ્ય સ્વરૂપ કયું કે જેને પકડવાથી કે અપનાવવાથી સમગ્ર પાસાંઓનો પરિચય થાય, અનુભવ થાય ? તો તેમાં અનેક પ્રકારના મતભેદ શાસ્ત્રમાં છે.
કેટલાક એમ કહે છે કે કલ્પનાતીત અને વર્ણનાતીત ભગવાનનું મુખ્ય સ્વરૂપ છે. જેને પકડવાથી ભગવાનનો જે પૂરો લાભ શાસ્ત્રમા વર્ણવ્યો છે તે મળે છે પણ કેવળ શબ્દો ઉપરથી જ તેને પકડવા અને તેનો આનંદ લેવો એ ખાલી વાતોના વાયદા જ છે ને આકાશમાં બચકાં ભરવા જેવું છે. જે કલ્પનાતીત છે, જે શાસ્ત્રથી પણ વર્ણાનાતીત છે તેને જીવ પકડે કેમ ?
બીજાં કેટલાક એમ માને છે કે અંતર્યામી સ્વરૂપ મુખ્ય છે. તેને પકડવાથી ભગવાન સંપૂર્ણ પકડાઈ જાય છે. કોઈક તેને ‘કામચલાઉ’ (પ્રયોજન પૂરતા) સ્વરૂપને મુખ્ય માને છે. એ બાબતમાં મહારાજની દૃષ્ટિએ સદા સાકાર, દ્વિભુજ, કિશોર મૂર્તિ, કોટાનકોટી સૂર્યચંદ્રના તેજયુક્ત દિપ્તીવાળું, અમર્યાદિત રૂપ, સૌંદર્ય, લાવ્યણ્યતાયુક્ત મૂર્તિમાન ભગવાનનું જે સ્વરૂપ છે તે મુખ્ય છે અને તેની સ્વરૂપનિષ્ઠાની અહીં મહારાજે વાત કરી છે.
આ વચનામૃતને જૂના સંતોએ ‘સ્વરૂપનિષ્ઠાનુ’ ગણાવ્યું છે. નિષ્ઠા એટલે જાડી ભાષામાં પકડ, મરણાંત દૃઢતા. સ્વરૂપનિષ્ઠા એટલે ભગવાનનું મૂળ સ્વરૂપ ઓળખીને તેની સર્વાધિક વિલક્ષણતા જાણવી. બીજા કરતાં તેની વિલક્ષણતા જાણવી તે સ્વરૂપની ઓળખાણ છે. બીજાં કરતાં તેની વિલક્ષણતા ન જાણે તો ઓળખાણ ન કહેવાય. જ્ઞાન અને ઓળખાણમાં એટલો તફાવત છે. ખૂંખાર ત્રાસવાદીઓના કુકર્મને લીધે તેની કુખ્યાતિથી કોઈ અજાણ ન હોય પણ પેલાએ પોતાના જેવા ઘણા નમૂના તૈયાર કરી રાખ્યા હોય છે. હકીકતમાં જે લોકો તેની શોધખોળ કરી રહ્યા છે. તેને પણ જો મળી જાય તો પણ ભૂલ ભૂલવણીનો સંભવ છે કે તે ન ઓળખે અથવા બીજા વ્યક્તિને તે છે તેમ માની લે. આ તો વિપરીત ભાવનું દૃષ્ટાંત છે. માટે પરમાત્માના મૂળ સ્વરૂપની વિલક્ષણ ઓળખાણ મેળવવી ઘણી જરૂરી છે. પછી તે જાળવવા માટે પ્રાણાંત દૃઢતા થવી એને નિષ્ઠા કહેવાય. પ્રથમ તો સર્વથી વિલક્ષણ જાણ્યા વિના સર્વથી વિલક્ષણપણાના સ્વરૂપની પકડ આવતી નથી, દૃઢતા આવતી નથી. એટલે મહારાજ કહે છે કે જ્ઞાનમાર્ગ તો એવો સમજવો કે જે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહિ.
જ્ઞાનમાર્ગ એટલે અહીં ભગવાનનો મહિમા લેવાનો છે. ભગવાનના સ્વરૂપનો મહિમા શો છે ? કેટલો છે ? તે કઈ વ્યક્તિનો છે ? તે નિશાન નક્કી હોવું જરૂરી છે. નિશાન ચૂકીને ગમે તેટલી શક્થિી ઘા મારે પણ શા કામનો ! વ્યક્તિ કોણ છે તે સ્પષ્ટ હોવું જોઈએ. તેને સમજવાનું છે. મહારાજનું જે સ્વરૂપ છે તે મૂર્તિ કહો કે શ્રી વિગ્રહ કહો. તેની જે વિલક્ષણતા છે, સર્વોપરીતા છે, તેની આપણા હૃદયમાં ઘેડય બેસવી જોઈએ.
મહારાજ કહે વિલક્ષણતા એટલે કે મહિમા. મહિમા તો ખૂબ સમજવો પણ તેનાથી સ્વરૂપનો દ્રોહ ન થવો જોઈએ. નિશાનથી આગળ કે પાછળ ન થવું જોઈએ. આગળ કે પાછળ બંને રીતે ખોટય છે. નિરાકાર વેદાંતીઓ બ્રહ્મતત્ત્વનો મહિમા તો અતિ કહે છે. સર્વથી વિલક્ષણ–અતિવિલક્ષણ કરી બતાવે છે પણ મૂર્તિનું અસ્તિત્વ જ ઉડાવી દે છે. તેથી મૂળ સ્વરૂપનો જ અનાદર થઈ જાય છે. માટે મહારાજ કહે એવો જ્ઞાનમાર્ગ સમજવો કે સ્વરૂપનો દ્રોહ ન થાય. સાકારતાનું ખંડન ન થાય. મૂળ સ્વરૂપનું જ અસ્તિત્વ મિટાવી દઈને પછી તેનો મહિમા ગાવો તે તો જેમ જન્મેલા બાળકનું નાળ કાપવાને બદલે ગળું કાપવા જેવું થયું. જ્યારે સ્વરૂપ જ રહ્યું નહિ ત્યારે મહિમા ગાયો કે ગર્દન માર્યા તે કાંઈ ખબર પડતી નથી. માટે ભગવાનની વિલક્ષણતા કહો; જેટલી કહેવાય તેટલી કહો, પણ સ્વરૂપને સાચવીને કહો.
સાકારવાદીઓ એટલી વિલક્ષણતા બતાવી નથી શકતા જેટલી નિરાકારવાદી બતાવી શકે છે પણ તે વર વિનાની જાન જેવું થઈ જાય છે. ગીત કોનાં ગાવાનાં ? ભગવાનના સ્વરૂપની વિલક્ષણતા પકડાયા વિના, મહિમા સમજાયા વિના તો નરી નપુંસકતા છે. તે વિના જીવમાં બળ નથી આવતું અને વળી એવું પણ બળ ન બતાવાય કે જે ભડવામાં ગણતરી થઈ જાય. માટે મહારાજ કહે મહિમા અતિ વિલક્ષણ સમજવો પણ મૂળ સ્વરૂપને સુરક્ષિત રાખવું. તેમ ન થાય તો દ્રોહ કર્યો કહેવાય.
સ્વરૂપનિષ્ઠામાં બીજો દોષ એ છે કે તે સ્વરૂપને બીજાં સ્વરૂપો તુલ્ય સમજી બેસવું. બીજા આકાર–વ્યક્તિઓ કે અવતારો જેવું મહારાજનું સ્વરૂપ સમજવું. તે પણ તે સ્વરૂપનો દ્રોહ કર્યો કહેવાય, મૂળ સ્વરૂપનો અનાદર કર્યો કહેવાય. બંને વાતમાં પરમાત્માના સ્વરૂપનો દ્રોહ કે અનાદર થાય છે. એક તો અતિ મહિમા કહીને આકારને ખંડિત કરવામાં અથવા બીજાને તુલ્ય ગણવામાં. બંને પ્રકારે સાચા સ્વરૂપનો અનાદર થાય તો દ્રોહ થાય. માટે બંને કિનારા સચવાય ત્યારે નિષ્ઠા થઈ કહેવાય. જ્યાં સ્વરૂપનો અનાદર થાય ત્યાં મહિમા રહેતો નથી કે પછી નિષ્ઠા પણ ગણાતી નથી. પકડવાનું છે તે મૂળ સ્વરૂપ છે. તે ભૂલી જવાય છે અથવા બીજાની સરખામણીમાં સામાન્ય કે ગૌણ પડી જાય છે. સ્વરૂપને યથાર્થ સમજીને જીવમાં દૃદૃઢતા કરવી પકડ કરવી કે અનંત કોટી બ્રહ્માંડોમાં સર્વથી વિલક્ષણતા જળવાઈ રહે ને સ્વરૂપને ઘસારો ન લાગે. એટલે કે નિરાકારમાં જતું ન રહેવાય. આવી વિલક્ષણ પકડમાં ઘણું બધું આવી જાય છે.
બીજા અવતારોની સમતા થાય તો વિલક્ષણતા કયાંથી ગણાશે ? પછી નિષ્ઠા કયાંથી ગણાશે ? તેથી જ મહારાજ વખતે અને મહારાજ પછીના અગ્રગણ્ય સંતોના માનસમાં એક ભૂત વળગ્યું હતું કે મહારાજને બીજા અવતાર જેવા ન કહેવાય. જો કહીએ તો મહારાજનો દ્રોહ થાય. નિત્યાનંદ સ્વામીનો સત્સંગિજીવન રચના સમયનો પ્રસંગ, સદ્. નિષ્કુળાનંદસ્વામીનાં કીર્તનો… સદ્. ગુણાતીતાનંદસ્વામી અને સદ્.ગોપાળાનંદસ્વામીની વાતો, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ વગેરે ભક્તોના પ્રસંગોમાં એક વસ્તુ સ્પષ્ટ તરી આવે છે કે તેઓ બધાય મહારાજમાં એવું કાંઈક વિશેષ દેખી ગયા હતા કે પછી બીજા કોઈની વાત માની શકતા ન હતા. ખુદ મહારાજ બીજું સમજાવે તો મહારાજનું પણ માનવા તૈયાર ન હતા. પોતાના વ્યક્તિગત અનુભવો થવાથી કોઈના વાર્યા પાછા પડતા ન હતા અને જીવમાં મહારાજની દૃઢતાની એવી પકડ આવી ગઈ હતી તે પ્રાણને ભોગે પણ છૂટવી મુશ્કેલ હતી. તેમના જીવમાં વિલક્ષણ ખુમારી ચડી ગઈ હતી. એને જ નિષ્ઠા કહેવાય છે.
મહારાજમાં એવું વિલક્ષણપણું દેખાયું ન હોય અને મનાયું પણ ન હોય ને પછી સંપ્રદાયના પ્રવાહ ને રૂઢિ પ્રમાણે ચોકઠું તો ફીટ કરતા જ હોય છે, પણ પોતાના અંતરમાં તટસ્થ ભાવે પ્રશ્ન પૂછે તો રણકાર જરૂર આવશે કે આવી ગાંગલી સમજણ એ સંતો ભક્તોને હૃદયમાં ફીટ બેસશે ? સ્વરૂપનિષ્ઠામાં બીજા જેવા જાણે તો દ્રોહ થયો કહેવાય. એનો અર્થ શો ? મહારાજ કાળ, માયા, વગેરેની સરખામણીમાં શ્રેષ્ઠ કે વિલક્ષણ છે એટલો જ થાય ? મહારાજને બોલવા પાછળ એવો હેતુ હશે ! ?
જો એવું હોત તો મહારાજ બીજું વાકય બોલ્યા હોત. આ વાકય ન બોલ્યા હોત. દુઃખતે હૃદયે કહેવું પડે છે કે જેને હૃદયથી મહારાજનું સર્વોપરીપણુ મનાયું નથી તેઓ કહે છે કે એવું વાકય મહારાજ નથી બોલ્યા અને તેવી વચનામૃતની જૂની પ્રત પણ બતાવે છે; સાચી વાત છે. આ વાતનો પેટનો દુખાવો અત્યારનો જ નથી; મહારાજની હાજરીમાં પણ કોઈકને થયો હશે અને તે ચેપની પરંપરા આજે પણ પુરાવા રૂપે મળી રહે તેમા કાંઈ નવી નવાઈ નથી. માટે પોતાનો પૂર્વગ્રહ છોડીને શાંત ચિત્તે વિચારવું ઘટે છે કે સર્વોપરી નિષ્ઠામાં અવતારોની તુલનાએ વિચારવાનુ ન આવતું હોત તો મહારાજ અહીં બીજું બોલ્યા હોત અને આવું વાકય ન બોલ્યા હોત ને તેને સ્વરૂપનિષ્ઠાની ખામી તરીકે ન બતાવત. આનાથી મહારાજ ચોખ્ખું કેટલું કહી શકે ? સમજનારા તો ઈશારો પામી જ જાય છે.
અહીં આ પ્રસંગે એક તટસ્થ વિચાર કરવા જેવો છે. મહારાજને યથાર્થતા ગમે છે, મિથ્યા સ્તુતિ નહી. નહિ તો મહિમા ને વિલક્ષણતા તો નિરાકારવાદી ઘણા કહે છે, પણ સ્વરૂપનું કેન્દ્ર છાંડીને કહે છે. જેમ માની માણસને યથાર્થ વખાણમાં રસ ન હોય મિથ્યા સ્તુતિમાં જ રસ હોય. ખોટા હોય ત્યાં બધે જ તેવું હોય. મહારાજ એવો મહિમા સહન કરી લેતા નથી. માની માણસની જેમ મહારાજને ફક્ત પોતાની વિલક્ષણતા સમજાવવામાં જ રસ નથી પણ વાસ્તવિક વિલક્ષણતા સમજાવામાં રસ છે.
મહારાજ કહે છે કે વિલક્ષણતા અંતરની આંખ ઉઘાડી રાખીને પકડો પણ જ્યારે માણસ કોઈ વસ્તુને પકડીને વધુ બળ કરતો હોય ત્યારે આંખો બંધ થઈ જતી હોય છે. મહારાજ કહે, આંખો ખુલ્લી રાખીને પકડો; સાચું પકડો. મહારાજ કહે, અમે નિરાકાર વેદાંતીઓ અતિ મહિમા ગાય એવા પણ નથી ને બીજા અવતાર જેવા પણ નથી. અમે જેવા છીએ એવા તમે અમને ઓળખીને દૃઢતા કરો. અમે જેટલા બીજાથી વધારે વિલક્ષણ છીએ એટલી જ દૃઢતાની પકડ કરો તો પણ બસ છે. વધારે અપેક્ષા નથી રાખતા.
આ મુદ્દો કલ્યાણનું બીજ છે. મહારાજ કહે છે કે વચનનો કોઈ કાળે લોપ થતો હોય તો તેની ચિંતા નહીં, પણ સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહિ. સ્વરૂપનો અનાદર થવા દેવો નહિ. વચનલોપનો તો પ્રાર્થના કરવાથી છુટકારો થશે પણ સ્વરૂપદ્રોહની ખામી ભાંગતી નથી. આવી વાત કોઈ ધર્મને મોળા પાડવા માટે નથી. માટે પોતાની સામર્થી પ્રમાણે વચનમાં તો રહેવું જ પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું. સર્વ અવતારોનું અવતારી સ્વરૂપ–મૂર્તિ મને પ્રાપ્ત થઈ છે એમ જાણવું અને એવી દૃઢતા થઈ હશે તો કદાચ સત્સંગથી બહાર નીસરી જવાનું થાય તો પણ તેને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી. અંતે તે અક્ષરધામમાં જશે. જો ભગવત્સ્વરૂપની નિષ્ઠા પાકી નહિ હોય ને અત્યારે સત્સંગમાં રહ્યો હશે તો પણ અક્ષરધામને નહિ પામે, બીજા કોઈ લોકમાં જશે.
ભારતી લડાઈમાં શ્રી કૃષ્ણના વ્યક્તિત્વને અર્જુન સારી રીતે જાણતા હતા તેવું બીજા જાણતા ન હતા. તેથી અર્જુનને ભગવત્સ્વરૂપનું બળ હતું. યુધિષ્ઠિરને ધર્મનિષ્ઠાનું બળ હતું. તેથી અર્જુન જેવા નિઃસંશય યુધિષ્ઠિર ન થઈ શકયા ને શોક ન મટયો. જ્યારે અર્જુનને કાંઈ શોક ન થયો. તે સ્વરૂપનિષ્ઠાની દૃઢતાનું ફળ છે.
મહારાજ કહે છે આ વાર્તા અતિ સૂક્ષ્મ છે. બધાના ધ્યાનમાં આવતી નથી. જે મહારાજે મૂર્તિમાનપણે સમજાવી છે. આવી વાર્તા સાંભળવાનો જોગ જ દુર્લભ હોય છે. ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવી છે. માટે ભગવાનના ભક્તે પોતાના હૃદયમાં ભગવત્સ્વરૂપનું બળ રાખવું ને પોતાને કૃતાર્થ માનવું.