ગમ–૦૮ : એકાદશીનું, જ્ઞાનયજ્ઞનું, અંતર્દૃષ્ટિનું

પ્રતિપાદિત વિષયઃ

…… યજ્ઞનું લક્ષણ.

મુખ્ય મુદ્દાઃ

૧.ઈન્દ્રિયોના લૌકિક આહારનો ત્યાગ કરવાથી જીવમાં વિકૃતિ નાશ કરવાની શક્તિ આવે છે.

ર.યજ્ઞરહિતનું કલ્યાણ થતું નથી.

વિવેચન :–

મહારાજે આ વચનામૃતમાં એકાદશીની ઉત્પત્તિની પુરાણની કથા કહી છે. પૂર્વે નાડીજંઘનો દીકરો મુરદાનવ તેણે તપ કરી બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું કે હું તમારી સૃષ્ટિમાં કોઈથી ન મરુ. વિષ્ણુ તથા શંકરથી પણ ન મરુ. બ્રહ્માએ વરદાન આપ્યું. મુરદાનવે દેવોને સંગ્રામ કરી હરાવ્યા. વિષ્ણુ ભગવાન બ્રહ્માના વચનને સત્ય કરવા ભાગ્યા. હિમાલયમાં સિંહવતી ગુફામાં જઈને પોઢી ગયા. મુર ત્યાં ગયો; યુદ્ધનું આહ્‌વાન કર્યું. ત્યારે ભગવાન પોતાના દશ ઈન્દ્રિઓ અને મનને નિરાહાર કરીને પોતાના અંતર્સન્મુખ કરીને સૂતા હતા. તેમના એકાદશ ઈન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. તેને જોઈને મુરદાનવ કન્યા પ્રત્યે બોલ્યો : ‘તું મને વર્ય’. ત્યારે કન્યાએ કહ્યું જે મારે તો એવી પ્રતિજ્ઞા છે જે, ‘જે મને યુદ્ધમાં જીતે તેને હું વરુ.’ પછી મુરદાનવ અને કન્યાને યુદ્ધ થયું ત્યારે કન્યાએ ખડગે કરીને મુરદાનવનું માથુ કાપી નાખ્યું. ભગવાને કન્યાને પ્રસન્ન થઈને કહ્યું તું વર માગ. ત્યારે કન્યાએ વર માગ્યો જે મારા વ્રતને દિવસે કોઈ અન્ન ન ખાય ને હું તમારા એકાદશ ઈન્દ્રિયોના તેજમાંથી ઉત્પન્ન થઈ છું માટે મારુ નામ એકાદશી છે અને હું તપસ્વિની છું માટે મારા વ્રતના દિવસે મન આદિ અગિયાર ઈન્દ્રિયોના આહાર કોઈ કરે નહિ. ત્યારે ભગવાને તેને વર આપ્યો એવી પુરાણની કથા છે.

આ કથા પણ ઘણી સૂચક છે. ભગવાને બતાવ્યું કે ઈન્દ્રિયોના લૌકિક આહાર છોડાવીને તેને ભગવાન સન્મુખ કરવામાં આવે છે ત્યારે જીવમા તેજ આવે છે ને તેટલી દિવ્યતા આવે છે અને એક પ્રકારની દિવ્ય શક્તિ ઉત્પન્ન થાય છે અને ત્યારે જ મુરદાનવ જેવા અંદર રહેલા કામ, ક્રોધ, લોભાદિક અસુરોનો પરાભવ થાય છે. ઈન્દ્રિયોને શુદ્ધ અને દિવ્ય બનાવ્યા વિના અંતર્શત્રુઓનો અને આસુરીવૃત્તિનો નાશ શકય નથી. પ્રાણનો આહાર તથા ઈન્દ્રિયોનો લૌકિક આહાર પોતાની સાથે વિકૃતિઓના અનેક બીજ લાવે છે. તેથી પૂર્ણ આહાર મળતાં કામ, ક્રોધાદિક વિકૃતિઓ દૂર થતી નથી. શાસ્ત્રાનુસારી અને યોગ્ય નિરાહારતા શારીરિક તથા માનસિક તમામ વિકૃતિને જીતવામા ખૂબ જ મદદરૂપ બને છે. નિરાહારતાથી ધર્માદિક પણ જલ્દી સિદ્ધ થાય છે. મહારાજ કહે ધર્મ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે એકાદશીનું વ્રત કરવું તે દિવસ કામ, ક્રોધ, લોભ સંબંધી ભૂંડા ઘાટ મનમાં થવા દેવા નહિ અને દેહે કરીને કાંઈ ભૂંડું આચરણ કરવું નહિ. મહારાજ કહે છે કે અમે પણ શાસ્ત્ર પ્રમાણે જ કહીએ છીએ કે એકાદશ ઈન્દ્રિયોના આહારનો ત્યાગ કરે ત્યારે એકાદશી કહેવાય, નહિ તો ઢોરલાંઘણ કહેવાય. એક અન્નનો ત્યાગ કરે ને ઈન્દ્રિયોના આહાર ચાલુ રાખે તો ઢોરલાંઘણ થઈ કહેવાય. માટે તેવું ન કરવું પણ અન્નના ત્યાગ સાથે તમામ ઈન્દ્રિયોના આહારનો ત્યાગ કરવો. મહારાજ કહે છે કે પંદર દિવસે એકવાર એવું વ્રત આવે છે તો ખબડદાર થઈને કરવું તો ભગવાન તેના ઉપર રાજી થાય છે. જ્યાં સુધી ઈન્દ્રિયો જેટલી લૌકિક આહારમાં બંધાયેલી છે ત્યાં સુધી તેટલો ઈન્દ્રિયોમાં માયિક ભાવ છે. જ્યારે ઈન્દ્રિયો લૌકિક આહારનો ત્યાગ કરીને જેટલા ભગવત્‌સન્મુખ થાય તેટલા જ તે દિવ્ય થાય છે અને તેટલા જ તેનાથી ભગવાન પણ ગ્રહણ થાય છે. શ્વેતદ્વીપના મુક્તો આ વ્રત સદાય રાખે છે માટે તે નિરન્ન કહેવાય છે. આપણે પણ તેના જેવા નિરન્ન થવાની ઈચ્છા રાખવી પણ એ વાતમાં હિંમત હારવી નહિ. એવી રીતે વ્રત કરે, ભગવાનની કથા–કીર્તન કરે, રાત્રે જાગરણ કરે ત્યારે તે વ્રત સાચું ગણાય.

બીજી વાત મહારાજે એ કરી કે પ્રથમ બ્રહ્માએ જ્યારે સૃષ્ટિ કરી ત્યારે સર્વે પ્રજાને કહ્યું જે તમે સર્વે યજ્ઞ કરજો અને તે યજ્ઞે કરીને તમારે સર્વે પુરુષાર્થની સિદ્ધિ થશે અને સૃષ્ટિની પણ વૃદ્ધિ થશે માટે યજ્ઞ તો જરૂર કરજો. યજ્ઞ રહિતનું તો કોઈ રીતે કલ્યાણ થતું નથી. યજ્ઞ કલ્યાણનું મૂળ બીજ છે અને સૃષ્ટિનું પણ મૂળ છે.

યજ્ઞશિષ્ટાસિનઃ સંતો મુચ્યન્તે સર્વકિલ્બિષૈઃ ।
ભુઞ્જતે તે ત્વઘં પાપા યે પચન્ત્યાત્મકારણાત્‌ ।। (૩–૧૩)

યજ્ઞાર્થાત્કમણોન્યત્ર લોકોયં કર્મબંધનઃ ।
તદર્થં કર્મ કૌન્તેય મુક્તસંગઃ સમાચર ।।

એવં પ્રવર્તિતં ચક્રં નાનુવર્તયતિ યઃ ।
અઘાયુરીન્દ્રીયારામો મોઘં પાર્થ સ જીવતિ ।। (૩–૧૬)

‘નિષ્ક્રિયઃ પુરૂષઃ શોચ્ય’ તેમનો પણ એ જ ભાવ છે કે યજ્ઞ રહિત પુરુષ શોક કરવા યોગ્ય છે. એ રીતે ગીતામાં તથા શાસ્ત્રોમાં યજ્ઞનો અતિ મહિમા તથા કર્તવ્યતા કહી છે. તે યજ્ઞ અનેક પ્રકારના છે. ગીતામાં પણ અનેક પ્રકારના યજ્ઞ કહ્યા છે. યજ્ઞ એટલે દેવતાને ઉદ્દેશીને જે દ્રવ્યાદિકનો ત્યાગ કરવામાં આવે તેને યજ્ઞ કહેવાય છે. યજ્ઞો વૈ વિષ્ણુઃ । યજ્ઞનું શ્રેષ્ઠ સ્વરૂપ તો પરમાત્મા છે. પરમાત્માને ઉદ્દેશીને જે ત્યાગ કે સમર્પણ થાય તેના જેવો કોઈ શ્રેષ્ઠ યજ્ઞ ન કહેવાય ને તેના વિના કલ્યાણ પણ થાય નહિ. શાસ્ત્રમાં અનેકવિધ અઘિકારીઓને લઈને તામસ, રાજસ અને સાત્ત્વિક યજ્ઞો તથા નિર્ગુણભાવમાં યજ્ઞો કહ્યા છે. બલિદાન દેવાતા હોય તે તામસ યજ્ઞો છે. સકામતાવાળા દ્રવ્ય યજ્ઞો રાજસ યજ્ઞો કહેવાય છે. જ્યારે ધ્યાનાદિથી થનારા યજ્ઞો સાત્ત્વિક અને નિર્ગુણ યજ્ઞો કહેવાય છે.

મહારાજે પણ આપણને યજ્ઞ કરવાની આજ્ઞા આપી છે. મહારાજ કહે આપણે તો નિર્ગુણમાર્ગવાળા છીએ. તે આપણે તો સાત્ત્વિક યજ્ઞ કરવા. પછી મહારાજે આ વચનામૃતમાં આપણે નિત્ય કરવા યોગ્ય થોડા યજ્ઞો બતાવ્યા છે. તેમા મહારાજ કહે અમારા આશ્રિતોએ યોગયજ્ઞ કરવો. યોગ યજ્ઞ એટલે દશ ઈન્દ્રિઓ ને અગિયારમું અંતઃકરણ. એ સર્વે જ્યાં જ્યાં પોત પોતાના વિષયમાં ચોટે ત્યાં તેની અધૂરી વાસના સહિત ઉખેડી–પાછા ખેંચીને ભગવાનના સ્વરૂપમાં હોમવા તેને યોગયજ્ઞ કહેવાય છે. એમ કરતાં કરતાં હૃદયમાં ભગવાનનાં દર્શન થાય છે. અહીં અગ્નિ સ્થાનીય પરમાત્મા છે ને હોમવાની પોતાની અધૂરી રહેલી વાસનાઓ છે તેને બાળી ભસ્મ બનાવવાની છે. પરમાત્માના સ્વરૂપ લાભ ખાતર તેનો ત્યાગ કરવાનો છે માટે યજ્ઞ કહેવાય છે.

બીજો યજ્ઞ જ્ઞાનયજ્ઞ કરવાનો કહ્યો છે. મહારાજ કહે છે કે અંતર્દૃષ્ટિ કરીને જે ભગવાનના ભક્તને વર્તવું તેને જ્ઞાનયજ્ઞ કહેવાય. અંતર્દૃષ્ટિ એટલે શું ? તો બહાર અથવા માંહિલીકોર ભગવાનની મૂર્તિ સામી વૃત્તિ કરવી જ્ઞએ અંતર્દૃષ્ટિ છે. તે વિના વૃત્તિને પાછી વાળી છે તો પણ બાહ્યદૃષ્ટિ જ છે. માટે ભગવાનનું દર્શન ,પૂજન, કથા, કીર્તન એ આદિક ભગવાન સંબંધી જે જે ક્રિયાઓ થાય છે તે સર્વે અંતર્દૃષ્ટિ છે ને જ્ઞાનયજ્ઞ છે. તે નિરંતર કરવો. તેમા ઈન્દ્રિયોની શક્તિ છે તે ભગવાનના સ્વરૂપમાં જોડવાની છે માટે તે યજ્ઞ છે.

ભગવાનને અર્થે સર્વસ્વ સમર્પણ કરવું–આત્મનિવેદન કરવું તેને પણ યજ્ઞ કહેવાય. તે નિર્ગુણયજ્ઞ છે. કારણ કે ભગવાનનું સ્વરૂપ નિર્ગુણ છે. જગતમાં કોઈક મૂર્ખ લોકો એમ કહે છે કે ગોપિકાના અંગના કીર્તન હોય તે રહેવા દ્યો ને નિર્ગુણ કીર્તન હોય તે ગાઓ તથા ઉઘાડા થઈને ફરતા હોય તેને મૂર્ખ હોય તે નિર્ગુણ પુરુષ કહે છે.

લોકમાં જેટલો તીવ્ર ત્યાગ હોય તેને નિર્ગુણપણું જાણે છે પણ તે મૂર્ખતા છે અજ્ઞાન છે. ભગવાનમાં જેટલું તીવ્ર સમર્પણ થાય અથવા શુદ્ધ ભગવદ્‌અર્થે થાય એ જ નિર્ગુણપણું કહેવાય એવો શાસ્ત્રનો મત છે. જો ત્યાગથી ઉઘાડા ફર્યે નિર્ગુણ થવાતું હોય તો કૂતરાં, ગઘેડાં આદિક અતિ નિર્ગુણ કહેવાય પણ એ તો મૂર્ખની સમજણ છે. સાચી સમજણ એ છે કે ભગવાનનું સ્વરૂપ છે તે જ નિર્ગુણ છે અને જે પોતાના અંગત સ્વાર્થનો ત્યાગ કરીને ભગવાનની તરફેણમાં, ભગવાનને માટે સમર્પિત થઈને જીવે છે તે જ નિર્ગુણ માર્ગવાળા કહેવાય છે. માટે કથા કીર્તનમાં પણ જેમાં ભગવાનનો સંબંધ હોય તે નિર્ગુણ કહેવાય છે અને જેમાં ભગવાનનો સંબંધ ન હોય પછી તે શુદ્ધ વેદાંત હોય તો પણ નિર્ગુણ ન કહેવાય, માયિક ગુણે યુક્ત કહેવાય, સંગણ કહેવાય.

જો ભગવાનની પ્રાપ્તિ–એટલે ઓળખાણ અને આશ્રય ન થયો હોય ને તે ઉઘાડા ફરે ને અતિ ત્યાગ કરે તો પણ નિર્ગુણ ન કહેવાય. જો ભગવાનનો દૃઢ આશ્રય છે તો ગૃહસ્થાશ્રમી હોય તોય નિર્ગુણ કહેવાય. માટે ભગવાનને પામ્યાનો માર્ગ છે તે જ નિર્ગુણ છે અને તે માર્ગે જે ચાલે છે તે બધા નિર્ગુણ માર્ગવાળા છે ને નિર્ગુણ થાય છે. માટે ભગવાન સંબંધી જે જે ક્રિયા થાય છે તે બધી નિર્ગુણ છે ને યજ્ઞ સ્વરૂપ છે.

ભગવાનનો સંબંધ તો અનેક જન્મના સુકૃતના ફળે થાય છે. પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ–સાચી ઓળખાણ થવી તે જ પરમ પદ છે અને આવી રીતે જે ભગવત્‌અર્થે જ્ઞાનયજ્ઞ કરે છે તથા નિર્ગુણમાર્ગને વિષે ચાલ્યા છે તે જ ભગવાનના અંશ ગણાય છે. તે ગીતામાં ભગવાને કહ્યું છે… ‘મમૈવાંશો જીવ લોક….’ માટે ઈન્દ્રિયોના દોર્યા દોરાતા નથી અને ઈન્દ્રિયોને મરડીને ભગવાન તરફ લઈ જાય છે તે જ સાચા અર્થમાં ભગવાનના અંશ છે. બાકીના માયાના અંશ છે, જે પંચવિષય તરફ દોડી જાય છે.

માટે સર્વે ઈન્દ્રિયોની વૃત્તિઓને ભગવાનના સ્વરૂપમાં હોમવી અને સદા જ્ઞાનયજ્ઞ કર્યા કરવો. એમ જ્ઞાનયજ્ઞ કરતાં કરતાં પોતાનુ બ્રહ્મ સ્વરૂપે દર્શન થાય તથા તે પોતાના સ્વરૂપમાં પરબ્રહ્મનાં દર્શન થાય તે જ્ઞાનયજ્ઞનું ફળ છે. માટે અક્ષરધામના મુક્ત જેવું થવાની અતિશય ઈચ્છા રાખવી, પણ શ્રદ્ધારહિત થવું નહિ. પોતાને વિષે અપૂર્ણપણું માનવું નહિ. સદા જ્ઞાનયજ્ઞ કર્યા કરવો. ગીતામાં જેમ જપયજ્ઞને પોતાની વિભૂતિ કહી છે તેમ મહારાજ કહે છે કે સર્વ યજ્ઞોમાં અમે જ્ઞાનયજ્ઞને શ્રેષ્ઠ માન્યો છે ને તેને અમારું સ્વરૂપ–વિભૂતિ માનજો અને કરજો.