પ્રતિપાદિત વિષયઃ
આધ્યાત્મિક દરિદ્રતા.
મુખ્ય મુદ્દાઃ
૧.વૈરાગ્યની ખામી હોય તો દોષો–વિકૃતિઓ દૂર થતા નથી.
ર.વૈરાગ્યના અભાવમાં પણ સંત અથવા ભગવાનની કૃપા થાય તો દોષ દૂર થાય.
વિવેચન :–
આ વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછયો જે ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી તોય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય છે તેનું શું કારણ છે ? અંદરથી વિકૃતિઓ છોડવાની તો ઈચ્છા છે પણ કઈ દુર્બળતાને લઈને તે છોડી શકતો નથી ?
મહારાજ કહે : જેને વૈરાગ્યની દુર્બળતા હોય તેને સ્વભાવ છોડવાની ઈચ્છા હોય તો પણ સ્વભાવ દૂર થતાં નથી. હૃદયની અંદરની નબળી દુર્બળતાઓ કે દોષોને બાળવામાં વૈરાગ્ય અગ્નિનું કામ કરે છે, કુહાડાનું કામ કરે છે. દુર્બળતાઓનો મૂળમાંથી ઉચ્છેદ કરી દે છે. ગીતામાં કહ્યું છે કે ‘અસંગ શસ્ત્રેણ દૃઢેન’ વૈરાગ્ય રૂપી શસ્ત્રથી તેને કાપી નાખીને…..માટે વૈરાગ્યની દુર્બળતા છે. વૈરાગ્યની ગેરહાજરી અંદર અને બહારની વિકૃતિઓ અને નબળાઈઓને આમંત્રણ આપે છે અને વિકૃતિઓનું સન્માન ગોઠવી આપે છે. માટે વૈરાગ્યની ગેરહાજરી એ દોષોની હાજરીનુ કારણ બને છે અને દોષની ઉત્પત્તિને પ્રોત્સાહક બને છે. જ્યારે અર્ધ વૈરાગ્ય એ દોષ નિર્વાહમાં કારણ બને છે. જ્યારે વૈરાગ્યની માત્રા તીવ્ર ન હોય ત્યારે બહારના દોષોને અંદર આવતા તો જરૂર રોકે છે પણ પ્રથમથી આવી ગયેલા દોષોનો નિભાવ કરે છે તેનો નિર્વાહ અટકાવતો નથી. તેના નિભાવની સંમતિ તો આપી જ દે છે. જ્યારે વૈરાગ્યની અતિ મંદતા એ બંધનનો પારપામવા દેતો નથી અને બંધનનો છેડો પણ દેખાવા દેતો નથી. એમાંને એમાં ગૂંચવી મૂકે છે. થોડીવાર વિકૃતિઓમાં ડૂબી જાય ને થોડીવાર માથું બહાર કાઢે ત્યારે બધું દેખાય. આવી સ્થિતિમાં રાખે છે. માટે વૈરાગ્યની દુર્બળતા હોય તો મુમુક્ષુને જિહાસા – છોડવાની ઈચ્છા હોય તો પણ દોષ છૂટતા નથી. મહારાજ કહે જેમ દરિદ્ર હોય તે ઘણાં સારાં સારાં ભોજન ને સારાં સારાં વસ્ત્રને ઈચ્છે પણ તેને ધનના અભાવમાં કયાંથી મળે. તેમ વૈરાગ્યહીન હોય તેના હૃદયમાં ઈચ્છા હોય તો પણ મોક્ષના ઉપયોગી સાધનો હાથ આવવાં ઘણા દુર્લભ છે. સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે.
ત્યારે વળી મુક્તાનંદ સ્વામીએ પૂછયું છે કે જેને વૈરાગ્ય ન હોય તે શો ઉપાય કરે ત્યારે વિકાર ટળે ? પછી મહારાજે તેનો ઉત્તર કર્યો કે વૈરાગ્યહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડયો રહે ત્યારે પરમેશ્વર તેને કૃપાદૃષ્ટિએ જુએ ત્યારે પરમેશ્વરની કૃપાદૃષ્ટિથી તત્કાળ વિકાર ટળી જાય છે. સાધને કરીને તો બહુ કાળ મહેનત કરતાં કરતાં આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે. તરત જે વિકારમાત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને જ ટળે છે.
આમ અંતઃશત્રુઓની વિકૃતિ ટાળવાનાં માત્ર બે જ સાધન છે. તે એક તો તીવ્ર વૈરાગ્ય અને બીજી કૃપા. પરમેશ્વર અથવા નિર્વિકારી અને ભક્તિમાન એવા મોટા સંતની કૃપાથી ટળે છે. તેમા વૈરાગ્ય સાધન છે તે દુર્લભ છે, કર્મોપાર્જિત છે. એક જ જન્મે સિદ્ધ થવું ઘણું કઠણ છે. જ્યારે પરમેશ્વર અથવા સંત એ સુલભ સાધન છે. એ મુમુક્ષુ સાધકની આરજૂને જોઈને તુરત પીગળી જાય છે ને હૃદયથી કૃપા વરસી પડે છે. કારણ કે પરમેશ્વર અને સંત વૈરાગ્ય જેટલા રૂક્ષ નથી. તેમને તીવ્ર વૈરાગ્ય હોવા છતાં અતિ કરુણાવાન છે. માટે આ ને આ જન્મે વિકૃતિ ટાળવા માટે બીજો ઉપાય અતિ શ્રેષ્ઠ છે ને સહેલો પણ છે.