પ્રતિપાદિત વિષયઃ
વિધિ–નિષેધનો ભેદ સાચો છે કે ખોટો ? તથા ચિત્તનો સ્વભાવ.
મુખ્ય મુદ્દા
૧.વિધિ–નિષેધનો ભેદ સત્ય છે.
ર.સારાં–નરસાં કરેલાં કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડે છે.
૩.મનના સંકલ્પ જોઈ હારી ન જવું. તેનાથી પોતાને ભિન્ન માનવો.
વિવેચન :–
આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રથમ નાના નાના પરમહંસોને પૂછયું કે આ જગતમાં કેટલાક યવન સરખા જીવ હોય તે એમ કહે છે કે ગંગાજીનું પાણી ને બીજું પાણી બેય સરખા જણાય છે. શાલિગ્રામને બીજા પાણા તે સરખા જણાય છે તેમજ તુલસી ને બીજાં ઝાડ તે સરખાં જણાય છે, બ્રાહ્મણ ને શૂદ્ર તે સરખા જણાય છે. ઠાકોરજીની પ્રસાદીનું અન્ન ને બીજું અન્ન તે સરખાં જણાય છે. એકાદશીના દિવસે ભૂખ્યા રહ્યા ને બીજે દિવસે ભૂખ્યા રહ્યા એ બેય સરખા જણાય છે અને સાધુ ને અસાધુ બેય સરખા જણાય છે. તે માટે આ વિધિ નિષેધનો જે વિભાગ તે મોટા પુરુષ કહેવાયા તેણે શા સારુ શાસ્ત્રમાં કહ્યો હશે ? એમ દુષ્ટમતિવાળા જે જીવ છે તે કહે છે. માટે તમને સર્વે સંતને અમે એ પ્રશ્ન પૂછીએ છીએ જે એ વિધિ નિષેધનો વિભાગ મોટા પુરુષે શાસ્ત્રમાં કહ્યો છે તે સાચો છે કે કલ્પિત છે ? તેનો ઉત્તર નાના પરમહંસો કરો.
પ્રશ્નનું હાર્દ એ છે કે વિધિ–નિષેધનું પાલન આપણે કરીએ છીએ તે સફળ છે કે નિષ્ફળ. સારું આચરણ કરવાથી તેનું સારું ફળ હમણાં અથવા મર્યા પછી કયારેય મળે છે કે નહિ ? દુરાચરણ કરવાથી તેનો દંડ ભોગવવો પડે છે કે પછી શાસ્ત્રમાં કલ્પિત અને મનઘડંત વાતો કરી છે ? એમાં તમે અમારા આશ્રિત છો તે તમારી અંતરથી શી માન્યતા છે ?
ગંગાજીનું પાણી પવિત્રતા આપનારું છે ? અને ગટરનું પાણી અપવિત્ર બનાવે છે ?
શાલિગ્રામની પૂજા કરવાથી સાચે જ વિષ્ણુ ભગવાનને પૂજા પહોંચી જાય છે ?
ભગવત્પ્રસાદરૂપ અન્ન આગળના પાપ તોડનારું છે ને પોતા માટે રાંધેલું અન્ન પાપને વધારનારું કહ્યું છે; તે તમે વ્યક્તિગત માન્યતાથી માનો છો ?
એકાદશીના ઉપવાસથી ભારે પુણ્ય આલોક–પરલોકમાં મળે છે એવું તમે માનો છો ?
સાધુમાં પૂજ્યબુદ્ધિ રાખવાથી આત્માનું કલ્યાણ થાય છે અને અસાધુમાં સ્નેહબુદ્ધિ રાખવાથી અધોગતિ ને અકલ્યાણ થાય છે એવું તમે માનો છો ?
શાસ્ત્રમાં કહેલું આચરણ (વિધિ) કરવાથી લાભ થાય છે ને નિષિદ્ધ આચરણ કરવાથી દંડ ભોગવવો જ પડે છે તે વાસ્તવિક છે કે નવરા બેઠેલાઓની કલ્પિત વાતો છે ?
આ બધામાં તમારી અંગત માન્યતા શું છે ? તે કહો. નાસ્તિકો તો આવું કહે છે.
ત્યારે નાના પરમહંસોએ ઉત્તર આપ્યો કે હે મહારાજ, વિધિ નિષેધનો ભેદ સત્ય છે એટલે કે સફળ છે. સારું અથવા નરસું ફળ આપનારો છે. જો એમ ન હોય તો સ્વર્ગ અને નરક કોને માથે કહેવાય ? માટે સાચું છે. મહારાજ રાજી થયા ને કહે સારી દિશ ઉપર સમજે છે. જો સૃષ્ટિ રચનામા જીવનાં પૂર્વનાં પુણ્ય પાપનો હિસાબ ધ્યાનમાં લેવામાં ન આવે ને ભગવાન પોતાના મનમાં આવે તેમ સૃષ્ટિ રચી દેતા હોય તો ભગવાનમાં વિષમતા ગણાય. કારણ કે કોઈક સુખી છે ને કોઈક દુઃખી છે. તેનો દોષ ભગવાનને લાગે. માટે વાસ્તવિક સૃષ્ટિ વિષમ છે, સરખી નથી. તે તેનાં પોતાના પુણ્ય–પાપરૂપ વિધિ–નિષેધના પૂર્વના આચરણના ફળરૂપ છે.”અવશ્યમેવ ભક્તોતવ્યં કોટી કલ્પ શતૈરપિ” નબળા આચરણનું નબળું ફળ ભોગવ્યા વિના આ સૃષ્ટિમાં કોઈ છટકી શકતો નથી એવો નિયમ છે તેને માનીએ અથવા ન માનીએ. માનીએ તો ભાવિ દુઃખથી બચવાની સંભાવના છે અને ન માનો તો ભોગવવા તૈયાર રહેવું પડે છે. માટે મહારાજ કહે છે કે મોટા પુરુષે શાસ્ત્રમાં જે પ્રતિપાદન કર્યું છે તે સર્વ સત્ય છે.
ત્યાં દૃષ્ટાંત છે જે જેમ કોઈક મોટો શાહુકાર હોય ને તે કોઈને હૂંડી લખી આપે અથવા અત્યારના સમય પ્રમાણે કોઈ ચેક કે ડ્રાફ્ટ લખી આપે ત્યારે કાગળમાં તો એકેય રૂપિયો જણાતો નથી પણ રૂપિયા સાચા છે. જ્યારે તેને વટાવે ત્યારે તેમાંથી રૂપિયાનો ઢગલો થાય છે. જેમ આ લોકની વાત છે તેમા બધાને વિશ્વાસ આવી જાય છે તેમ પરલોકની હૂંડી ચેકમાં તેવો વિશ્વાસ આવતો નથી. માટે મહારાજ કહે છે કે મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે ધર્મ પાળે છે ત્યારે હમણાં તો કાંઈ વિધિ–નિષેધમાં વિશેષ જણાતું નથી પણ અંતે મોટા પુરુષની આજ્ઞા પાળનારનું કલ્યાણ થાય છે. સમર્થ શાહુકારની હૂંડીમાં જેને વિશ્વાસ નથી તેને મૂર્ખ જાણવો. તેમ નારદ, સનકાદિક, વ્યાસ, વાલ્મિકી ઈત્યાદિક મોટા પુરુષની આજ્ઞામાં જેને વિશ્વાસ નથી પણ ક્ષુદ્ર દેહાભિમાની અને નાસ્તિકમાં વિશ્વાસ છે તેને નાસ્તિક જાણવો ને મહાપાપિષ્ઠ જાણવો. તેને ચંડાળ જાણીને તેનો કોઈ પ્રકારે સંગ રાખવો નહિ.
પછી સંતોએ પ્રશ્ન પૂછયો (સુધાસિંધુમાં) કે હે મહારાજ, જે અનિચ્છિત પદાર્થો હોય, જે આપણને અંદર ગમતાં પણ ન હોય તે કયારે અને કેવી રીતે અંદર હૃદયમાં પ્રવેશ કરતાં હશે અને કયાંથી પ્રવેશ કરતાં હશે ? ત્યારે મહારાજે વાત કરી કે મનુષ્યમાત્રનું ચિત્ત છે તે જેમ મધ હોય અથવા ગોળ, સાકર કે ખાંડ તેનું ઘાટું પાણી હોય તેવું છે. તેમા માખી, કીડી, મકોડો જે આવે તે ચોટી જાય અને મનુષ્ય જો હાથ અડાડે તો માણસની આગળીએ પણ ચોટી જાય. તેમ ચિત્તનો સ્વભાવ એવો છે; જે જે પદાર્થ સાંભરે તે તે પદાર્થમાં ચોટી જાય છે.
પદાર્થો બે પ્રકારના છે સાપેક્ષ અને નિરપેક્ષ. જેમ કે દેવદત્ત ‘પુત્ર’ છે તો જરૂર મનમાં અપેક્ષા રહે છે કે કોનો ? પણ દેવદત્ત મનુષ્ય છે. તો પછી જિજ્ઞાસા રહેતી નથી કે કોનો ? વગેરે. તેમ જ્ઞાનવૃત્તિ છે તે સવિષયક છે. ભગવાને તેનું સર્જન તેમ કર્યું છે. વિષય(આલંબન) વિનાની જ્ઞાનવૃત્તિ હોતી જ નથી. ચિત્તની વૃત્તિ હોઈ જ ન શકે. ચિત્તવૃત્તિ વિષયાકાર થાય છે પછી તેમા પદાર્થ સવાર થાય છે. પછી પાછી વળીને વૃત્તિ અને વિષય પદાર્થ સહિત જીવાત્મા પાસે રજૂ થાય છે. ત્યારે જીવાત્મા ચિત્તવૃત્તિમાં સવાર થયેલા પદાર્થને વિષય તરીકે જાણે છે, ગ્રહણ કરે છે. તેથી મહારાજે કહ્યું કે ચિત્તમાં ચોટવાનો સ્વભાવ છે. ચિત્ત છે જ્ઞાનવૃત્તિવાળું છે. તેથી પદાર્થાકાર થઈને સમગ્ર પદાર્થોને પકડે છે ને અંદર લઈ જાય છે ને જીવને રજૂ કરે છે. તે સારું નરસું કે ગમતું અણગમતું નથી જોતું. પ્રથમ જ તદાકાર થઈ જાય પછી તો નિર્ણય થાય છે કે ગમતું છે કે અણગમતું. માટે મહારાજ કહે ચિત્તનો સ્વભાવ પરમાત્માએ એવો નિર્માણ કર્યો છે. તેને મહારાજ કહે ચોટવાનો સ્વભાવ છે. પદાર્થ જીવને ગમે તેવો હોય કે અણગમતો હોય પણ સાંભરે એટલે તદાકાર થઈ જાય છે, થઈ જવું જ પડે છે. એટલે મહારાજ કહે ચિત્ત અરીસા જેવું નિર્મળ છે. તેમા સામે આવ્યા તે શુભ–અશુભ બધાના ચિત્ર પકડી લે છે. તેમજ ચિત્તની રીત એક જ છે. પ્રક્રિયા તો જુદી છે પણ પકડીને અંદર લેવામાં સરખા છે. માટે મહારાજ કહે છે કે ચિત્તના ભૂંડા ઘાટ જોઈને ગ્લાનિ પામી ન જવું. કારણ ચિત્તનો સ્વભાવ જ એવો છે કે જે સાંભર્યું તેમા ચોટે છે.
માટે ચિત્ત થકી પોતાના આત્માને ભિન્ન ચૈતન્ય સ્વરૂપ માનવો ને ચિત્તમાં પોતાપણું માનવું નહિ તે ચિત્તને સ્ફુરણાઓ ન થાય તેટલા માટે તેને ભગવાનમાં જોડવું ને ભૂંડા ઘાટ ન થાય તેવા ઉપાય કરવા, પણ ગ્લાનિ પામવી નહિ કે મારે વૈરાગ્ય નથી એટલે તેમ થાય છે. મહારાજ કહે છે કે તે તો વૈરાગ્યવાળાને પણ જે સાંભરે તે ચિત્તમાં ખડું થઈ જાય છે. માટે ચિત્તમાં નબળા ઘાટ થતા હોય તો તેનું કારણ ફક્ત વૈરાગ્યનો અભાવ છે તેમ ન માનવું પણ ચિત્તનો તેવો સ્વભાવ છે તેમ માનીને તેને દૂર કરવાનો ઉપાય કરવો, પણ ગ્લાનિ પામી મૂંઝાઈ ન જવું. તેનાથી નોખું પડી આનંદમાં ભજન કરવું ને તેના નાશનો ઉપાય કરવો.