ગમ-૦૪ : માહાત્મ્ય અને શ્રદ્ધાથી અખંડ ચિંતવન થાય તેનું, ફાટેલ લંગોટી ને તુંબડીનું

પ્રતિપાદિત વિષયઃ

અખંડ સ્મૃતિ રાખવી.

મુખ્ય મુદ્દા        

૧.આપત્કાળમાં અખંડ સ્મૃતિથી એકાંતિક ધર્મની રક્ષા થાય છે.
ર.અખંડ સ્મૃતિ રાખવાના હેતુથી મહિમા સમજવામાં આવે તો તેનાથી સંપૂર્ણ ધર્મમાં પણ રહેવાય છે.

વિવેચન :–

આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે કે કોઈ ભક્ત શાસ્ત્રમાં કહ્યા એવા ધર્મને પાળતો હોય ને ભગવાનની ભક્તિ પણ કરતો હોય ને તેને એવો આપત્કાળ આવે જે ભક્તિ રાખવા જાય તો ધર્મ જાય ને ધર્મ રાખવા જાય તો ભક્તિ જાય ત્યારે કોને રાખવો અને કોનો ત્યાગ કરવો ? સમય અને રાજકીય પ્રવાહોના પ્રબળપણાથી અસ્પૃશ્યતા નિવારણ ન થઈ શકે અને જો કરે તો ભક્તિ જાય તેવું બને અથવા એવી કોઈ બીજી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે શું કરવું ? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ ઉત્તર કર્યો કે જે રાખવાથી ભગવાન રાજી હોય તે રાખવું અને બીજાનો ત્યાગ કરવો.

સ્વામીનો ઉત્તર અપૂર્ણ જણાતાં વધારે સ્પષ્ટતા કરતાં મહારાજે બીજો પ્રશ્ન પૂછયો કે ભગવાન અવતાર ધરી મનુષ્ય રૂપે પ્રગટ હોય ત્યારે તો તેમ કરવું ઠીક છે. પણ ભગવાન મનુષ્ય રૂપે પ્રત્યક્ષ ન હોય તો શું કરવું ? સંતોથી ઉત્તર ન થતાં મહારાજે ઉત્તર કર્યો જે આપત્કાળ પડે ને ધર્મ કે ભક્તિ કાંઈ ન રહે ત્યારે તો ભગવાનનું એક અખંડ ચિંતવન કરવું. તો ભગવાનના માર્ગ થકી પડે નહિ. આવા પ્રકારની વાત મહારાજે ગ.અંત્ય ૧૩મા વચનામૃતમાં કહી છે કે દેહનો નિર્ધાર નથી કે કોઈ રાજાએ પરવશ રાખ્યા ત્યારે એકાંતિક ધર્મનુ પાલન કેમ કરવું ? ત્યાં પણ માનસ પાલન ઉપર ભાર દીધો છે.

એકાંતિક ધર્મ બે ભાગમાં વહેંચાયેલો છે. એક તો ક્રિયાકલાપના રૂપમાં બાહ્ય કલેવર છે અને બીજું માનસિક ભાવની દૃઢતા તેના અંદરના પ્રાણ છે. દેશકાળના વિષમપણાથી બાહ્ય કલેવરને ધક્કો લાગી શકે છે પણ દેશકાળ માનસિક એકાંતિક ધર્મને ધક્કો લગાડી શકતા નથી. માટે સાચે જ જેના હૃદયમાં એકાંતિક ધર્મની પ્રતિષ્ઠા દૃઢ થઈ હોય તો તેને અખંડ ચિંતવન થવું જોઈએ અને પ્રાણ રક્ષા થઈ જાય તો કલેવર સારા દેશકાળ આવતાં તુરત ફરી સ્વસ્થતા મેળવી લે છે. માટે એવા દેશકાળમાં અખંડ ચિંતવન એ જ ઉગરવાનો ઉપાય છે.

એમાં પણ અખંડ ચિંતવનનું મૂળ પરમાત્માના મહિમા સમજવા ઉપર ટકેલું છે. એ જો પૂરો ન સમજાયો હોય તો અખંડ ચિંતવન ન થાય. માટે પરમાત્માનો મહિમા સમજવો એ મૂળ વસ્તુ છે; પરંતુ મહારાજ એમાં એક પ્રશ્ન પૂછે છે કે ભગવાનનો મહિમા અતિશય સમજતો હોય જે…

નામ્નોસ્તિ યાવતી શક્તિઃ પાપ નિર્દહને હરેઃ ।
તાવત્‌કર્તું ન શક્નોતિ પાતકં પાતકી જનઃ ।।

ગમે તેટલાં પાપ કર્યા હોય ને જો ભગવાનનું એક નામ લીધું હોય તો સર્વે પાપ બળીને ભસ્મ થઈ જાય. વળી…

નામકીર્તન માહાત્મ્યં હરેઃ પશ્યત પુત્રકાઃ ।
અજામિલોપિ યેનૈવ મૃત્યુપાશાદમુચ્યતઃ ।।

અધિતાઃ સકલા વેદાઃ સાંગોપાંગાઃ હિ તેન તુ ।
ભગવન્નામ યેનાત્ર જપ્તં સર્વાર્થ સિદ્ધિદં ।। (વિષ્ણુ ધર્મોત્તર)

ૠગ્વેદોથ યર્જુવેદઃ સામવેદો હ્યથર્વણઃ ।
અધિતાસ્તેન યેનોક્તં હરિરિત્યક્ષરદ્વયં ।।

વિષ્ણોરેકૈક નામાપિ સર્વ વેદાધિકં મતમ્‌(પદ્મ પુ.)
તેપુસ્તપસ્તે જુહુવુઃ સસ્નુરાર્યા બ્રહ્માનુચુર્નામ ગૃણન્તિ યે તે । (કપિલ ગીતા)

મંત્રતસ્તંત્રતશ્છિદ્રં દેશકાલાર્હવસ્તુતઃ ।
સર્વં કરોતિ નિશ્છદ્રં નામસંકીર્તનમ્‌તવ ।।

યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા જપયજ્ઞક્રિયાદીષુ ।
ન્યૂન સંપૂર્ણતાં યાતિ સદ્યો વંદે તમચ્યુતમ્‌।। (સ્કન્દપુરાણ)

ઉપર વર્ણવેલા શ્લોકોમાં કહ્યો તેવો મહિમા સમજતો હોય. વળી ધર્મ શિથિલતાનાં વચનો જે…        

ત્યકત્વા સ્વધર્મં ચરણામ્બુજં હરેર્ભજન્ન્પક્વોથ પતેત્તતો યદિ ।
યત્ર ક્વ વાભદ્ર્‌મભૂદમુષ્ય કિં કો વાર્થ આપ્તોભજતાં સ્વધર્મતઃ ।। (ભા.૧/પ/૧૭)

પોતાનો ધર્મ ત્યાગ કરીને પણ ભગવાનનું ભજન કરે છે ને કદાચ અપકવ રહી ગયો તો પણ શુ તેનું કાંઈ અકલ્યાણ થાય છે ? નથી થતું. તેમજ પોતાનો ધર્મ પાળે છે પણ ભગવાનને નથી ભજતો તો તે શું કોઈ વસ્તુ પામે છે ? નથી પામતો. વળી વર્ણાશ્રમના ધર્મનું તો કેવળ લોક વ્યવહાર અને આલોકમાં સુખી રહેવાય તેટલું જ ફળ છે પણ તેણે કરીને મોક્ષ થતો નથી.

એવા મહિમાનો આધાર અને શિથિલતાનાં વચનોને સાંભળે તો પણ કેમ સમજે તો ધર્મમાંથી ડગાય નહિ ? તે પ્રશ્નનો ઉત્તર મુક્તાનંદ સ્વામીએ કર્યો, પણ થયો નહિ. મહારાજે તેનો ઉત્તર કર્યો કે અતિશય મહિમા સમજતો હોય તો પણ જો એમ સમજે કે મારે તો ભગવાનનું અખંડ ચિંતવન કરીને એકાંતિક ભક્ત થવું છે. માટે કામ, ક્રોધાદિકમાં મારી વૃત્તિ જશે તો એટલો અખંડ ચિંતવનમાં વિક્ષેપ થશે. એમ જાણીને કુમાર્ગ થકી અતિ ડરતો રહે ને અધર્મને વિષે કયારેય પ્રર્વતે જ નહિ. એમ સમજે તો તેને ધર્મમાં રહેવાય છે. ભગવાનનો મહિમા સમજાયા પછી ભગવાનને રાજી કરવાનો પુરુષાર્થ વધવો જોઈએ. તો તે સાચા અર્થમાં ભગવાનનો મહિમા હોઈ શકે.

જે મહિમા પોતાની નબળાઈને દરગુજર કરવા માટે કે નબળાઈને પોષવા માટે હોય તો તે ખરેખર મહિમા જ હોતો નથી. તે તો તેનો નબળો આશય છે. તે મહિમા નબળા આશયને ઢાંકવા માટે ઊભો કરવો પડે છે. તેમા પરમાત્માનો મહિમા જરા પણ ખોટો નથી, પણ વ્યક્તિનો આશય મલિન છે, ખોટો છે. માટે જ મહારાજે મહિમાની સાથે ધર્મ–મર્યાદાના પ્રશ્નને જોડીને ચર્ચા કરી છે. અને જેને મહિમાના ઓથે પાપ પોષવાનો આશય હોય તેને તો મહારાજે વચ.ગ.અં.વ.૩રમા કુબુદ્ધિવાળો કહ્યો છે. મહિમા સમજવા પાછળ જેને ભગવાનનું અખંડ ચિતવન અને એકાંતિકતા પ્રાપ્ત કરવાનો આશય હોય તો મહિમા તેને પાચન થાય છે ને વિકૃતિ ઊભી કરતો નથી. જો એ ન હોય તો મહિમા વિકૃતિ ઊભી કરે છે ને નબળી વૃત્તિઓને ઉશ્કેરે છે ને પાપના માર્ગ વધુ ખુલ્લા કરે છે. માટે જેને મહિમા સમજીને પણ ધર્મમાં રહેવું હોય ને કલ્યાણને પામવાની ઈચ્છા હોય તેણે પોતાનું ધ્યેય મહારાજે કહ્યું તેવું અતિ ઉત્તમ રાખવું. નહિ તો મહિમાને ઓથે જે પાપ કરે છે તે પરમાત્મા કહે છે કે મારો શત્રુ છે, મારો ભક્ત નથી. મારી કીર્તિને લાંછન લગાડે છે ને ઘોર નરકનો અધિકારી છે.

વળી મહારાજ કહે છે કે અખંડ ચિંતવન થવું એ કાંઈ થોડી વાત નથી. ભગવાનનું ચિંતવન કરતાં કરતાં દેહ મૂકે તો તે અતિ મોટી પદવીને પામે છે. ત્યારે સદ્‌. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું જે એમ જાણીએ છીએ તો પણ અખંડ ચિંતવન રહેતું નથી એનું કારણ શું છે ? ત્યારે મહારાજ કહે પ્રથમ તો અખંડ ચિંતવન થાય તેવી શ્રદ્ધા જોઈએ. એટલે કે કોઈપણ ભોગે મારે અખંડ ચિંતવન કરવું છે તેવી શારીરિક–માનસિક તૈયારી જોઈએ. દેહ, ઈન્દ્રિયો, અંતઃકરણ, સ્વભાવ વગેરેનો ઘસારો આવે તો ખમવાની પૂર્ણ તૈયારી હોવી જોઈએ અને જ્યારે શ્રદ્ધા નથી એટલે કે એવું બધું સહન કરવાની તૈયારી જ નથી ત્યારે તેને મહિમા સમજ્યાની ઓછયપ છે અને મહિમાની ખામી છે. માટે નિશ્ચયમાં અધુરાશ છે એટલે કે મહારાજની સાચી ઓળખાણની ખામી છે. મહારાજ કોણ છે તેની સાચી ઓળખાણ થઈ ગઈ હોય તો મહિમા અને સ્વભાવ આદિકનો ઘસારો ખમવાની તૈયારી અને અખંડ ચિંતવનની તૈયારી આપોઆપ આવી જાય છે. પછી પ્રેરણા કરવી પડતી નથી. પરમાત્માનો સાચો મહિમા એ ભોગ સાથે શત્રુતા ઊભી કરે છે. જ્યારે ખોટો મહિમા ભોગમાં મોહ ઊભો કરે છે.

મહારાજ કહે, ઉદ્ધવજી જો સાચા ભક્ત હતા ને સાચો મહિમા સમજતા હતા તો તે વિષયના લીધા લેવાતા ન હતા. આપણે હજુ પરમાત્માને પણ આપણી ભોગથી ખરડાયેલી દૃષ્ટિથી જ જોઈએ છીએ. પરમાત્માની ભોગથી અતિશય પાર એવી દિવ્યલીલામાં પણ આપણી ક્ષુદ્ર દૃષ્ટિ ભોગની કલ્પના કરી લે છે તેથી આપણે ભોગમાં લપટાઈ પડીએ છીએ. ખરેખર તો ‘બ્રહ્મવિદ્‌બ્રહ્મૈવ ભવતિ’ જેવા પરમાત્માને જાણે છે તેવો તો પરમાત્મા તે ભક્તને પણ બનાવે છે ને પરમાત્મા તો અપાર ને અપાર રહે છે.

મહારાજ કહે છે કે જેમ સોનું ને બીજી ધાતુ છે તેની જાતિ અલગ અલગ છે. જમીનનો યોગ થતાં બીજી ધાતુ કાળે કરીને ધૂળ સાથે ધૂળ થઈ જાય છે પણ સોનું તેવું નથી. તેમા અતિશય શુદ્ધપણું છે. અગ્નિ પણ બાળી શકતો નથી. અગ્નિ અશુદ્ધિને જ બાળે છે. સાચા સોનાને બાળી ન શકે. કારણ કે તે અગ્નિ સ્વરૂપ છે. તેજાબ અને અગ્નિ તેનું તેજ વધારે છે પણ બાળતા નથી. તેની કિંમત, વજન, ચળકાટ, શુદ્ધિ વધારે છે. જ્યારે બીજી ધાતુઓ તો પોતે જ ક્ષીણ થઈ જાય છે. એવી જ રીતે ભગવાનનું સ્વરૂપ પણ અતિશય શુદ્ધ છે. માયાના પદાર્થો ને પંચવિષયના ભોગો જ પરમાત્માના અવિકારી સ્વરૂપનો સાચો પરિચય કરાવે છે ને બીજા જે ૠષિઓ, દેવતાઓ કે સિદ્ધો કરતાં ભગવાન કેટલા વિલક્ષણ છે તેની ઓળખાણ કરાવે છે. જો તેવી વેધક દૃષ્ટિથી પરમાત્માનો પરિચય થયો હોય તો તે ભક્ત પણ નિર્વિકાર બની જાય ને પંચવિષયનો લીધો લેવાય નહીં.

જેને જ્યારે ભગવાનની શુદ્ધિનો પરિચય થાય છે ને અમર્યાદિત સામર્થીનો પરિચય થાય છે ત્યારે તેને જગતના પદાર્થનો મહિમા તુચ્છ થઈ જાય છે. જગતના પદાર્થોની કિંમત ધનના માધ્યમથી આંકવામાં આવે છે, પણ ધન તો ખાલી માણસ માટે જ છે; પરંતુ આખા બ્રહ્માંડનો વ્યવહાર કયા માધ્યમથી ચાલે છે ? પંચવિષયના માધ્યમથી. પંચવિષયના માધ્યમથી કિંમતી કે કિંમત વિનાનું ગણાય છે. જેમાં ઝાઝા વિષય તે મહિમાવાળું જેમાં થોડા વિષય તે તુચ્છ. પણ તે પંચવિષય જ જેની દૃષ્ટિમાં તુચ્છ થઈ જાય ને કિંમત આંકવાનું નવું માધ્યમ જ્યારે હાથમાં આવે છે ત્યારે આ જગતના પદાર્થો, સત્તા, સમૃદ્ધિ ને વિષય તુચ્છ થઈ જાય છે. એ માધ્યમ છે ભગવાનનું સુખ. ભગવાનના સ્વરૂપનું સુખ જેને ઓળખાયું ને તેની ગુણવત્તા ઓળખાઈ ગઈ તેને મહારાજ કહે રાજ્ય મળે કે ભીખ માંગે, બાળ, યુવાન કે વૃદ્ધ સ્ત્રી તથા નબળા વિષય સર્વેમાં સરખું ભાસે. પણ સારું જોઈ પતંગિયાની જેમ વિષયમાં હોમાય ન જાય; એક ભગવાનમાં જ લોભાય ને ભગવાનમાં જ હોમાઈ જાય ને જો એમ ન સમજાયું હોય તો મહારાજ કહે ફાટી લંગોટી ને તૂટેલી તુંબડીમાંથી પણ મનને ઉખેડવું મહા મુશ્કેલ છે. માટે ભગવાનની મૂર્તિનો વિલક્ષણ મહિમા જાણ્યા સિવાય અખંડ ચિંતવન થતું નથી.