પ્રતિપાદિત વિષયઃ
આત્મજ્ઞાન તથા રસિક માર્ગ કલ્યાણના અને પડવાના માર્ગ પણ છે.
મુખ્ય મુદ્દા
૧.રસિક માર્ગે ભગવાનમાં શૃંગાર ભાવનાથી પ્રેમ કરતાં કરતાં વિજાતીય ભકતોમાં તે દૃષ્ટિ આવી જાય તો તત્કાળ કલ્યાણના માર્ગથી પતન થાય છે.
ર.આત્મજ્ઞાનમાં વિશાળ દૃષ્ટિ રાખતાં રાખતાં પોતાને ભગવાન સાથે સમભાવ થાય ને સ્વામી–સેવકભાવ નાશ થઈ જાય તો કલ્યાણના માર્ગથી પતન થાય છે.
વિવેચન :–
આ વચનામૃતમાં મહારાજ કહે છે જે ભગવાનને ભજતા હોય તેને મોટી પદવી પામ્યાના બે ઉપાય છે અને પડયાના પણ બે ઉપાય છે. એક તો રસિક માર્ગે કરીને ભગવાનની ભક્તિ કરવી અને બીજો આત્મજ્ઞાનનો માર્ગ. તેમા રસિક માર્ગ એટલે કે ગોપી ભાવના. આ માર્ગે કરીને ભગવાન ભજવામાં વિધ્નો ઘણાં છે. તેમા લાખો પડી જાય છે ને ભગવાનને તો કોઈક જ પામે છે.
રસિક માર્ગમાં પોતાને ગોપી માનવાની હોય છે. તેનો સીધો ભાવાર્થ એ છે કે ભગવાનને નાયક માનવાના હોય છે જ્યારે પોતાને નાયિકા. એટલે કે ભગવાનમાં પ્રેમ કરનાર ગોપી માનવાનું હોય છે અને શૃંગારિક ભાવનાઓથી ભગવાનને આરાધવાના હોય છે. તેમા વિધ્ન એ છે કે જ્યાં સુધી પરમાત્મા જ આ ભાવનામાં કેન્દ્ર હોય ત્યાં સુધી તો કોઈ વાંધો નથી. કારણ કે શાસ્ત્રમાં તે માન્ય છે …
કામાદ્દ્વેષાસ્ત્રભયાત્સ્નેહાદ્યથા ભક્ત્યેશ્વરે મનઃ ।
આવેશ્ય તદઘં હિત્વા બહવસ્તદ્ગતિમ્ગતાઃ ।।
ગોયિંઃ કામાસ્ત્રયાત્કંસો દ્વેષાચ્ચૈદ્યાદયો નૃપાઃ ।
સંબંધાત્વૃષ્ણયઃ સ્નેહાદ્યૂયં ભક્ત્યા વયં વિભો ।।(ભાગ–૭/૧/૨૯–૩૦)
કામથી, દ્વેષથી, ભયથી, સ્નેહથી તથા ભક્તિથી પરમાત્મામાં મન પરોવાય તો પરમાત્માની ગતિને પામે એવો પરમાત્માનો ન્યાય છે. તેના ઉદાહરણ પણ આપ્યા છે. પરંતુ એકવાર શૃંગારિક ભાવની આદતવાળુ મન થયા પછી તે આલંબન ભગવાન છે કે બીજા છે એવું જોતું નથી. ઈન્દ્રિયોનો તો સ્વભાવ જ છે કે સારો વિષય દેખે ત્યાં જ તણાવું. માટે મહારાજ કહે જ્યારે ગોપી ભાવનાથી પરમાત્માના શૃંગારનું વર્ણન આવે ત્યારે તો રાધિકાજી, લક્ષ્મીજી તથા તેમની સખીઓનું પણ વર્ણન આવે તેમાં કોનું મન નિર્વિકાર રહે ? કારણ કે તેના જેવા રૂપ, લાવણ્ય, તો બ્રહ્માંડમાં કોઈના હોઈ શકે નહિ. માટે તેને દેખીને અથવા સાંભળીને કોઈને પણ મોહ થયા વિના રહે નહિ અથવા વર્તમાન સમયે કોઈ વિજાતીય સારા રૂપવાન ભક્ત હોય તેના રૂપ આદિ દેખીને મન નિર્વિકાર રહે નહિ. કારણ કે ભગવાન સાથે પણ વિષય ભાવના કરવા મન ટેવાયેલું છે. જ્યારે ભગવાનથી ઈતર ભગવાનના ભક્તમાં એ ભાવના આવે ત્યારે તે અતિશય પડવાનો માર્ગ બની જાય છે. પરમાત્મામાં શ્રેષ્ઠ પ્રીતિ કર્યાનો આ ઉત્તમ માર્ગ છે ને જગતનો ઢાળ હોવાથી બહુ શીખવો પડે તેવો પણ નથી અને વળી તેમા મહેનત પણ નથી. પરંતુ વિધ્ન એવું મોટું છે કે તેમા લપસી પડયા વિના કોઈ રહેતું નથી. જો એ માર્ગે ચાલવું હોય તો એ માર્ગમાં પોતાનો ઈરાદો અતિ પવિત્ર જોઈએ.
મહારાજ કહે તેમાંથી નિર્વિકાર રહ્યાની એક યુક્તિ છે : જે મોટા વિજાતીય ભક્તો હોય તેમા માતા, બહેનની ભાવના કરવી. તો કોઈ રીતે મનમા વિકૃતિ આવતી નથી. કારણ કે પોતાની માતા, બહેન કે દીકરી ગમે તેવા રૂપવાન હોય તો પણ તેને દેખીને વિકૃતિ આવતી નથી. તેની સાથે બોલે છે, સ્પર્શ કરે છે તો પણ પવિત્ર અને નિર્વિકાર રહી શકાય છે. માટે ભગવાનમા અતિશય પ્રીતિ કરવા માટે ગોપી ભાવના જેવો શ્રેષ્ઠ, સરળ અને મોટો ઉપાય બીજો કોઈ નથી. જો એમાં પવિત્ર ઈરાદો અને પવિત્ર બુદ્ધિ ન રહી શકે તો અધોગતિનો પણ એવો બીજો રસ્તો નથી. કેમ જે મહારાજ કહે છે કે બીજે જે કુદૃષ્ટિ થયાના દોષ લાગ્યા હોય તે ભગવાનના ભક્તમાં પવિત્રતા અને દિવ્ય ભાવનાથી વ્યવહાર કરવાથી તેનું નિવારણ થાય છે; પણ ભગવાનના ભક્તોમાં કે રાધા, લક્ષ્મીજી કે જે જગતની જનની છે તેમા જ્યારે વિકૃત ભાવના થાય ત્યારે તે કલ્યાણના માર્ગ થકી તત્કાળ પડી જાય છે ને તેનું પાપ તેને વજ્રલેપ થાય છે. જે કોઈ કાળે કે કોઈ ઉપાયથી દૂર થતું નથી. માટે મહારાજ કહે છે કે રસિક માર્ગે કરીને મોટા મોટા આચાર્યોએ ભક્તિ કરાવી છે, પણ બગાડ ઘણાનો થયો છે. સારું તો કોઈકનું જ થયું છે. કારણ જે એની અતિ અલ્પ ને અતિ તુચ્છબુદ્ધિ છે અને પૂર્વના અનંત કાળના મલિન સંસ્કારો પડયા છે તે જોગ થતાં અંદરનો ઈરાદો પવિત્ર રહેવા દેતા નથી ને પોતાની ભાવના પવિત્ર રાખી શકતા નથી. માટે જેને રસિક માર્ગે પ્રીતિ કરવી હોય તો તેણે તે માર્ગે ચાલ્યા પહેલાં જ મહારાજના કહ્યા મુજબ મા, બહેન, દીકરી કે પિતા, ભાઈ, કે દીકરાની દૃઢ ભાવના કરીને પછી જ આગળ વધવું. તો એ માર્ગ નિર્વિધ્ન બને છે.
બીજો કલ્યાણના માર્ગે મોટાઈ પામ્યાનો આત્મભાવનાનો માર્ગ છે. જેને બ્રહ્મજ્ઞાનનો અથવા બ્રહ્મભાવનાનો માર્ગ પણ કહેવામાં આવે છે. બ્રહ્મ એટલે પરમાત્મા. તેની ભાવના કરવી. તે બ્રહ્મભાવના કરવાના અનેક પ્રકારો છે. ભાવના શબ્દ ભૂ સતાયામ્ – હોવું અથવા થવું એવા અર્થમાં વપરાય છે. તેનું પ્રેરક રૂપ (ણિજન્ત) થતાં ભાવના શબ્દ બને છે જે સકર્મક પણ બને છે. તેને કર્તૃવાચક કૃદંત માનીએ તો ‘ભાવયતિ ઈતિ ભાવના’ અથવા કરણવાચી કૃદંત ગણીએ તો ‘ભાવયતિ અનેન ઈતિ ભાવના’ જે પોતે ન હોય ને થવા માગતા હોય તેને ભાવના કહી શકાય અને જે પોતા પાસે જ હોય ને પોતાને સ્વાધીન કરવા માગતા હોય તો પણ તેને ભાવના કહી શકાય (સત્તા અર્થમાં). તેમ બ્રહ્મને પોતાને સ્વાધીન કરવા, હૃદયમાં વશ કરવા માટે પણ બ્રહ્મભાવના થઈ શકે છે કે પોતાને તે રૂપ માનવામાં પણ બ્રહ્મભાવના થઈ શકે છે. તે ઉપરાંત અનેક પ્રકારો બ્રહ્મભાવનાના સમજી શકાય છે. સંપ્રદાય પ્રમાણે અક્ષરબ્રહ્મને પણ બ્રહ્મ સમજી શકાય ને તેની ભાવનાને બ્રહ્મ માની શકાય છે વગેરે.
પોતાના ચિત્તમાં પરમાત્માની મૂર્તિનું પુનઃ પુનઃ સ્થાપન કરવું તેને પણ યોગની પરિભાષા પ્રમાણે બ્રહ્મભાવના કહેવાય છે. ચિત્તરૂપી સરોવરને જ્ઞપ્રથમ પ્રશાંત કરીને તેમા પ્રયત્ન દ્વારા ભગવાનની મૂર્તિનો ઉઠાવ લાવવો (ઉદ્ભાવવી) તેને ભાવના કહેવાય. બાહ્ય આધાર સિવાય પણ સાધક આ ઉઠાવ લાવતા શીખે ત્યારે તેને ભાવના આવડી ગણાય. ભાવના કરવાથી ચિત્તમાં એક પ્રકારનો સંસ્કાર પડે છે. તેનું જતન કરવાથી તે મૂર્તરૂપે સિદ્ધ થાય છે અને જલ્દી પરમાત્માની પ્રાપ્તિ થાય છે.
ભાવનાનો એક પ્રકાર આવો પણ ગણાય છે. જેમ અગ્નિથી તપાવેલો લોઢાનો ગોળો હોય તેના અણુએ અણુમાં અગ્નિ વ્યાપેલો હોય. લોઢાનો કાળો વર્ણ ને ઠંડો સ્પર્શ તિરોધાન કરી અગ્નિ પોતાના ધર્મો ગોળામાં પ્રગટ કરે છે. તેમ પરમાત્મા પોતાના ધર્મો સહિત મારા આત્મામાં તથા અણુ અણુમાં વ્યાપીને રહેલા છે તેવી રીતે પરમાત્માની મૂર્તિનું ચિંતવન કરવું. તેને પણ ભાવના કહેવાય છે. આમ કરતી વખતે અગ્નિ અને લોખંડ કોઈ એકેય તત્ત્વનો અપલાપ–નાશ થઈ જતો નથી. કેવળ ધર્મનો પ્રકાશ અને તિરોધાન થાય છે. તે તાત્ત્વિક વાત ધ્યાનમાં રાખવા જેવી છે.
વળી ઉપનિષદોમાં પણ એવી એક ભાવનાની રીત કહી છે. સંસારદશામાં જીવ પોતાનો અહંગ્રહ સ્થૂળ શરીરમાં માનીને (રાખીને) જીવે છે; પરંતુ શરીર એ અહંગ્રહનું સ્થાન (અધિકરણ) નથી. તેને બદલીને પોતાના આત્મચૈતન્યમાં અહંગ્રહની ભાવના કરવી. પછી પોતાના ચૈતન્યના પણ ચૈતન્ય (ચેતનઃ ચેતનાનામ્) એવા અંતર્યામી પરમાત્મામાં કરવી. આ પ્રક્રિયાને ‘અહં ન્યાસ’ કહેવાય છે.
અહીં કોઈને એમ શંકા થાય કે જ્યારે પરમાત્મામાં પોતાનો અહંગ્રહ ધારશે ત્યારે તો પોતે જ પરમાત્મા બની જશે ! ના, એવું નથી. આ ભાવનામાં તાત્ત્વિક અભેદ સમજવાનો નથી. જે સમજે છે તે અજ્ઞાની છે. વાસ્તવિકનો અપલાપ કરવાનો નથી. વાસ્તવિક શું છે ? તો જીવાત્મા સેવક છે ને પરમાત્મા સ્વામી છે, પણ ભાવના કરતાં કરતાં સેવકે પોતાનું સેવકપણું ભૂલી જઈને સ્વામી બની જવાનું નથી.
જેમ રસિક ભાવનામાં પોતાના હૃદયનો આશય અતિ શુદ્ધ રાખીને રસિક માર્ગે ચાલવાનું છે, ગોપીભાવના કરવાની છે. તો જ ફાયદો થાય, નહિ તો નુકસાન ઝાઝું થાય છે. તેમ અહીં પણ આ ભાવના શાસ્ત્રકારોએ મોટાઈ પામવા માટે જ બતાવી હશે, પણ તેના મદમાં આવી જઈને પરમાત્મા અને પોતા વચ્ચે સ્વામી સેવકભાવ જો ભૂલાઈ જાય તો અનર્થ વધારે થાય, ફાયદો ન થાય. માટે બ્રહ્મજ્ઞાનના માર્ગે ચાલતાં પહેલાં જ સેવકભાવ અચળ કરીને પછી જ શરૂઆત કરવી. રસિક માર્ગમાં પણ પ્રથમ માતા આદિકની પવિત્ર ભાવના દૃઢ કરીને પછી જ તે માર્ગે આગળ વધવું. નહિ તો સમય આવ્યે ભાન રહેતું નથી. કાં તો વિષયી થઈને અથવા પરમાત્મા બનવાના મદમાં ઘેલો થઈને કલ્યાણના માર્ગ થકી અતિ ભ્રષ્ટ થઈ જાય છે.
આત્મા જ્યારે માયિક એવા સ્થૂળ શરીરમાં અહંગ્રહ ધારે છે ત્યારે માયામાં સારી પેઠે રગદોળાય છે ને જન્મમરણના ચક્કરમાં ફરે છે. તો પણ આત્મા માયારૂપ બની જતો નથી. સ્વતંત્ર આત્મતત્ત્વનો વિલોપ થતો નથી. તેવી જ રીતે અતિ ઉત્કૃષ્ટ એવા અક્ષરબ્રહ્મ અથવા પરમાત્મ તત્ત્વમાં અહં ન્યાસ કરવાથી તેના આત્માની ઉર્ધ્વગતિ થાય છે, પણ તત્ત્વનો વિલોપ થતો નથી અને આત્માનું જે સેવક સ્થાન વાસ્તવિક છે તે નાશ થતું નથી. માત્ર મદમાં તે પોતે ભૂલી જાય છે ને અધોગતિને પામે છે ને ભાવનાનો કોઈ અર્થ રહેતો નથી. એટલે મહારાજ કહે છે કે બ્રહ્મજ્ઞાનમાં ભગવાનને નિરાકાર ન સમજવા. તે ચ્યવીને પુરુષ, વિરાટ ને બ્રહ્માદિ સ્તંબ રૂપે થયા એમ ન માનવું. એમ માને તો નિરાકાર સ્વરૂપ થઈ જશે. પછી સ્વામી–સેવકભાવ જ નહિ રહે.
ભગવાનને જે સર્વરૂપ કહ્યા છે તે તો જે કારણ અને આધાર હોય તે કાર્યથી અલગ ન હોય માટે સર્વરૂપ છે પણ નિરાકાર થઈને સર્વરૂપ છે એમ નથી. માટે બ્રહ્મજ્ઞાનમાં પ્રથમ સાવધાની એ રાખવાની છે કે મહારાજનું સ્વરૂપ કયારેય ભૂલમાં પણ નિરાકાર ન સમજાય અને પોતાનો સેવકભાવ કયારેય દૂર ન થાય. આ બે દૃઢ અનુસંધાન હોય તો જ બીજી ભાવના તેને મોટાઈ પમાડયાનો માર્ગ બને છે. છતાં સંપ્રદાયમાં બ્રહ્મભાવના એ અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાની ભાવના વિશેષ કહી છે ને તે જ વધારે સલામતીનો માર્ગ બની રહે છે.