ગમ-૦પ : પતિવ્રતા ને શૂરવીરપણાનું

પ્રતિપાદિત વિષયઃ

ભગવાનને વિષે પતિવ્રતાપણું અને ભક્તનો પક્ષ.

મુખ્ય મદ્દાઃ

૧.ભગવાનને વિષે પતિવ્રતાપણું અને ભક્તનો પક્ષ.
ર.ભગવાનના ભક્તને ભગવાન તથા ભકત પ્રત્યે પક્ષવાળી દૃષ્ટિ જોઈએ.

વિવેચન :–

આ વચનામૃત મહારાજની નિષ્ઠા અને સત્સંગની દૃઢતા કરાવનારું છે. મહારાજ કહે છે કે ભગવાનનો ભક્ત હોય તેણે એક તો શ્રીજી મહારાજને વિષે એટલે કે પોતાના ઈષ્ટદેવમાં પતિવ્રતાની અચળ ટેક રાખવી અને બીજું સત્સંગ રાખવામાં શૂરવીરપણું રાખવુ. સતી નારીમાં ટેકની જ પ્રધાનતા છે, ગુણવત્તાના વિવેકની નહિ. પોતાના પતિને વિષે અચળ ટેકથી સતીમાં દૈવત પ્રગટે છે. પોતાની હોશિયારીથી નહિ; તેમજ પતિની સામર્થીથી પણ નહિ. ઘણી અસુરની નારીઓ પણ પોતાના પતિમાં અચળ ટેક રાખીને સતી કહેવાઈ છે અને શાસ્ત્રમાં અને ત્રિલોકીમાં પ્રસિદ્ધ થઈ છે. જેની સાથે સંબંધ જોડાયો તે પ્રાણના ભોગે પણ નિભાવવો. તેમા લાભ–ગેરલાભ, ન્યાય–અન્યાય, કે ગુણવત્તાની દૃષ્ટિ રાખવાની હોતી નથી. જો ગુણવત્તા વિચારવા જાય તો પતિવ્રતાની ટેક રહે નહિ.

મહારાજ કહે છે કે પોતાનો પતિ વૃદ્ધ હોય, રોગી હોય, નિર્ધન હોય, કુરૂપ કે પોતાના મનોરથ પૂર્ણ ન કરી શકે તેવો હોય તો પણ પતિવ્રતા સ્ત્રીનું મન કોઈ બીજા પુરુષના રૂડા ગુણ દેખીને ડોલે નહિ અને જો રાંકની સ્ત્રી હોય ને તે જો પતિવ્રતા હોય તો મોટો રાજા હોય ને પોતાની સ્પૃહા રાખતો હોય તો પણ તેને દેખીને પતિવ્રતાનું મન ચળે જ નહિ. એવી રીતે ભગવાનના ભક્તને પતિવ્રતાનો ધર્મ ભગવાનને વિષે રાખવો. પોતાના ઈષ્ટદેવમાં શંકા કુશંકા લાવવી નહિ. બીજા દેવતા મનોરથો પૂરા કરતા હોય તો ત્યાં પૂરા કરાવવા ન જવું. પોતાના મનોરથો કાપ કૂટ કરે તો પણ પતિના પડખામાં ઊભું રહેવું. પોતાની શુભ કે લૌકિક ઈચ્છાઓ પૂરી કરે ત્યારે જ મન માનતું હોય તો આપણી પતિવ્રતાની ટેક ન કહેવાય. પતિવ્રતાનુ જે ઐશ્વર્ય, પ્રભાવ કે સિદ્ધિ હોય છે તે ટેકની દૃઢતાથી જ છે. તેમ ભક્તનો પ્રભાવ તેના પોતાના ઈષ્ટદેવના નેકી ટેકીપણામાં રહે છે અને પરમાત્મા પ્રસન્ન થાય છે તે તેનાથી જ થાય છે. પતિવ્રતા સ્ત્રી ઉપર પતિનો રાજીપો જેવો ટેકથી થાય છે તેવો હોશિયારીથી થતો નથી. મહારાજ કહે જગતમાં ઘણી ભોળી સ્ત્રી હોય તો પણ પતિવ્રતાપણું રાખે છે ને ઘણી ડાહી સ્ત્રી હોય તો પણ વ્યભિચારિણી હોય છે.

વળી મહારાજ કહે છે કે પોતાના ઈષ્ટદેવનું ઘસાતું બોલે તો તે ઠેકાણે કાયર થઈને નમી જવું નહિ, શૂરવીર થઈને જવાબ દેવો, પણ પાજી પળાવની છાયામાં ભગવાનના ભક્તે દબાવું નહિ. જ્યારે ભક્ત લૌકિક ઈચ્છાઓનો લાલચુ બને છે ત્યારે તેને બીજા ક્ષુદ્ર વ્યક્તિઓની પણ છાયામાં દબાવું પડે છે. માટે પોતાના ઈષ્ટદેવનું સન્માન જાળવવા ખાતર પણ તેની આશા ઓછી કરવી. કોઈથી દબાવું ન પડે તેવું જીવન જીવવું. નિંદા કરનારાને જડબાતોડ જવાબ દેવો એ ભક્તનો ધર્મ છે.

લોકમાં કહે છે કે ‘સાધુને તો સમદૃષ્ટિ જોઈએ’ પણ શાસ્ત્રનો એ મત નથી. કેમ જે નારદ સનકાદિક અને ધ્રુવ, પ્રહ્લાદાદિક તેમણે ભગવાન ને ભગવાનના ભક્તનો જ પક્ષ રાખ્યો છે. વિમુખનો પક્ષ કોઈએ રાખ્યો નથી. ભગવાનની ભક્તિ છે તે પક્ષપાત કરવાના સ્વભાવવાળી છે. જ્યારે તે ભગવાન અને સાચા ભક્તનો પક્ષપાત કરે ત્યારે જ તે ભક્તિ ગણાય છે. ભક્તિને ભક્ત અને વિમુખ વચ્ચે ન્યાય જોખવો માન્ય નથી. લોક ભલે તેને મંજૂર નહિ કરે તો પણ ભક્તિને તો ભગવાન અને ભક્તનો પક્ષપાત જ ગમે છે. જેને એવો પક્ષપાત ગમતો નથી તો તે હજુ પૂરો ભક્ત થયો નથી. તેના હૃદયમાં થોડીક વિમુખતા પડી છે. તે તેને તેવું કરવા પ્રેરણા કરે છે. ભગવાન કે ભગવાનના ભક્તનો પક્ષ રાખવાથી કાંઈ અસજ્જન બની જવાતું નથી. જો એવું હોય તો પૂર્વેના જે ભક્તો થયા તે બધા અસજ્જન ગણાયા હોત. ભકતચિંતામણિમાં સદ્‌.નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે ભગવાનમાં પ્રીતિ ન હોય તેવા વિમુખનો તો વૈરીની જેમ હું ત્યાગ કરુ છું…..

તેમાં કાઢશો દોષ જો તમે, તિયાં કહીએ છીએ સ્વામી અમે

આગે ત્યાગ્યું એમ મોટે મોટે, તેને આવી નહિ કાંઈ ખોટે

જુઓ વિભીષણે તજ્યો ભ્રાત, તેમ તજી ભરતજીએ માત

તજી વિદુરે કુળની વિધિ, ૠષિ પત્નીએ તજ્યા સંબંધી

ગોપીએ તજ્યો પતિનો સંગ, તજ્યો પુત્ર વેન રાજા અંગ

તજ્યો પ્રહ્‌લાદે પિતાને વળી, તેમ ગુરુ તજ્યો રાજા બળી

તેની અપકીર્તિ નવ્ય થઈ, સામું કીર્તિ શાસ્ત્ર માંહી કઈ

માટે એ રીત અનાદિ ખરી, કૃષ્ણ વિમુખ મેલ્યા પરહરી (ભ.ચિં.૪રઃ–ર૩/ર૬)

ઉપર ગણાવેલા ભક્તો શું અસજ્જન હતા ? તેમા શું માણસાઈ મરી પરવારી હતી ? તેમા શું ખાનદાનીની ખોટય હતી ? તેમણે વિમુખ અને ભગવાન કે ભગવાનના ભક્ત વચ્ચે સાચો અને યોગ્ય ન્યાયનો આગ્રહ રાખ્યો છે ? માટે મહારાજ કહે કે એ શાસ્ત્રનો મત નથી. એ તો વિમુખનો મત છે. પોતાને ઘસારો આવે ત્યારે બીજાને સજ્જન થવાનું યાદી આપનારા ખાનદાન બિરાદરોનો આ જગતમાં તોટો નથી, ઉભરાતા જ હોય છે. જગત વિમુખનો પક્ષ તાણે તે તો બરાબર છે કારણ કે તે તેને સજાતીય છે; પણ ભક્તના વેષમાં ન્યાયની ઈચ્છા રાખે છે ને વિમુખ તરફ પણ જેને ઘણી હમદર્દી રહે છે એનો અર્થ શો થાય ? એ જ કે એ ભક્તના હૃદયમાં વિમુખતા છુપાયેલી પડી છે. તે હમદર્દી સજ્જનતાની નથી પણ વિમુખતાની છે. ભક્ત થાય એટલે સજ્જન મટી ગયા હોય છે એવું હોતું નથી અને જે વિમુખ હોય તે પૂર્ણ સજ્જન હોય એવું પણ નથી. મહારાજ કહે છે કે તેના પ્રત્યેની કૂણી લાગણી અને હમદર્દી એ તેના પોતામાં ઊંડે પડેલી વિમુખતાનું દર્શન કરાવે છે. મહારાજ કહે છે કે વિમુખનો પક્ષ રાખતો હશે તે આ જન્મે અથવા બીજે જન્મે જરૂર વિમુખ થશે.

પક્ષ રાખ્યો કયારે ગણાય ? એક વત્તા એક બરાબર બે જેવી વાતનો સ્વીકાર કરી લેવો એ કોઈ પક્ષ રાખ્યો ગણાય નહિ. એવી વાત તો કોર્ટમાં શત્રુની પણ સ્વીકારવી પડે છે. એમ જ્યારે ભક્તના તરફ ન્યાયનું પલ્લું નમતું હોય ત્યારે આપણે તેને પડખે ઊભા રહીએ એ કોઈ પક્ષ રાખ્યો ન કહેવાય એ તો ન્યાયનો પક્ષ છે, ભક્તનો નહી. એ તો ભક્તની ખામી હોય તો પણ ભક્તની ભીડમાં આપણે તેની તરફેણ કરીએ ત્યારે જ પક્ષ રાખ્યો કહેવાય અને ત્યારે જ આપણે ભક્ત ગણાઈએ. માટે મહારાજ કહે ભગવાનના ભક્તે જરૂર ભગવદીયનો પક્ષ રાખવો જોઈએ અને વિમુખનો પક્ષ ત્યાગવો જોઈએ.