પ્રતિપાદિત વિષયઃ
ભક્તિમાં અતરાય કરે તેવા સદ્ગુણોને પણ ગૌણ કરવા.
મુખ્ય મુદ્દા
૧.ભગવાન તથા ભક્તોને ન ગમે તે ન કરવું, ગમે તેમ કરવું.
ર.શિખામણના શબ્દો સવળાં કરીને ધારવા.
વિવેચન :–
આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કૃપા કરીને ભક્તોને કહે છે કે ભગવાનના ભક્ત હોય તેણે ભગવાન અને ભગવાનના ભક્તને જે ન ગમે તે ન જ કરવું. તેમને જે ગમે તે કરવું અને ભકિતમાં અંતરાય કરે તેને મુખ્ય ન રાખવા. તેનો ત્યાગ કરી દેવો અથવા ગૌણ પાડી દેવા. ભકિતમાં સહાય કરે તેને મુખ્ય રાખવા અને તેને ગ્રહણ કરવા. મહારાજ કહે છે કે પરમેશ્વરને ભજ્યામાં અંતરાય કરતા હોય ને તે પોતાના સંગાંવહાલા હોય તો પણ તેનો ત્યાગ કરવો. આવી પૂર્વે થઈ ગયેલા સાચા ભક્તોની રીત અને અભિપ્રાય છે.
કહેવાય છે કે મીરાંબાઈને ભકિત કરવામાં પોતાના સાસરિયા જ્યારે વધારે ઉપાધિ કરવા લાગ્યા ત્યારે તેમણે સમકાલીન ભક્તરાજ શ્રી નરસિંહ મહેતાની સલાહ માગી કે મારે શું કરવું ? ત્યારે મહેતાજીએ સરસ ભજન લખી મોકલ્યું કે…
”પ્રથમ પિતા પ્રહ્લાદે તજિયો…..”
– ભગવાનનો વિરોધ કરનારા પોતાના પિતાનો પ્રહ્લાદે ત્યાગ કર્યો.
– ભગવાનથી દૂર લઈ જનાર પોતાની માતાનો ભરતજીએ ત્યાગ કર્યો.
– ભગવાન તરફ જતા રોકનાર પોતાના પતિનો ગોપીઓએે ત્યાગ કર્યો.
– ભગવાનને સમર્પણ કરતાં રોકનાર ગુરુનો બલિ રાજાએ ત્યાગ કર્યો.
– ભગવાનથી વિરુદ્ધ નાસ્તિક એવા પુત્ર વેનનો અંગ રાજાએ ત્યાગ કર્યો
– ભગવાનના સમોવડિયા પોતાના ભાઈનો પણ વિભીષણે ત્યાગ કર્યો.
આવી સાચા ભક્તોની રીતિ છે અને હોવી જોઈએ. તેઓ શાસ્ત્ર ઝાઝું ભણેલા નહીં, તેથી આ બધા ભક્તોની રીતભાત ઉપરથી મીરાંબાઈને આવો જવાબ આપેલો.
અહીં વચનામૃતમાં મહારાજ પણ આ જ વસ્તુ બતાવે છે કે પોતાનાં સંગાંવહાલાં હોય તો પણ ત્યાગ કરવો. મહારાજ તો એથી પણ આગળ કહે છે કે ભગવાનને ન ગમે તેવો કોઈક પોતામાં સ્વભાવ હોય તો તેનો પણ શત્રુની પેઠે ત્યાગ કરવો, પણ ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહીં.