પ્રતિપાદિત વિષયઃ
નિષ્ઠા–પરમકલ્યાણ.
મુખ્ય મુદ્દાઃ
૧.ભગવાન અને સાચા સતની સાચા મહિમા સહિતની ઓળખાણને નિષ્ઠા કહેવાય છે.
ર.સાચી નિષ્ઠા થવી તે પરમ કલ્યાણ ગણાય છે.
વિવેચન :–
આ વચનામૃત ભગવાનમાં નિષ્ઠા બતાવનારું વચનામૃત છે. આ વચનામૃતને જૂના સંતોએ પરમ કલ્યાણનું વચનામૃત કહ્યું છે. કલ્યાણના માર્ગમાં બે વસ્તુ સમજવાની છે. એક મુક્તિ અને બીજી પ્રાપ્તિ. માયાના બંધનથી કે કાળ, કર્મ, સ્વભાવના બંધનથી છૂટવું તેને મુક્તિ કહેવાય. પરંતુ પરમાત્માનું સ્વરૂપ અને સંત તેની પ્રાપ્તિને કલ્યાણ અથવા પ્રાપ્તિ કહેવાય. માયાની પરાધીનતા દૂર થાય ત્યારે દુઃખ દૂર થાય છે પણ પછી આનંદની પ્રાપ્તિ પરમાત્માના સ્વરૂપમાંથી થાય છે. માટે પરમાત્માની સેવા અને સંતની સેવા મળવી તે કલ્યાણની પ્રાપ્તિ છે. આમ પરમાત્મા અને સંતની પ્રાપ્તિને કલ્યાણ કહેવાય છે; પરંતુ એ પ્રાપ્તિનો અર્થ સમજવામાં આપણે ભૂલ કરતા હોઈએ છીએ.
પ્રાપ્તિનો અર્થ ખાલી લૌકિક રીતે મળવું કે પ્રાપ્ત થવું એટલો જ નથી. પ્રાપ્તિ એટલે યથાર્થ ઓળખાણપૂર્વક પ્રાપ્ત થવું તે છે અથવા સંતની મહિમાપૂર્વક ઓળખાણ થવી તે પ્રાપ્તિ કહેવાય છે. જો સામાન્ય સંબંધને જ પ્રાપ્તિ કહેવાતી હોત તો એવી પ્રાપ્તિ યાદવોને હતી જ. તેઓને પિતા તરીકે અથવા સંબંધી તરીકે ભગવાનની પ્રાપ્તિ થઈ હતી પણ તેમનું પરમ કલ્યાણ થયું એવું શાસ્ત્રોમાં કહ્યું નથી. તેમાંથી ઉદ્ધવજી વગેરે જેણે ભગવાનના સાચા સ્વરૂપને ઓળખ્યું અને મહિમા જાણ્યો તેને જ કલ્યાણની પ્રાપ્તિ થઈ છે. ખાલી લૌકિક પ્રાપ્તિ થવી તે જ કલ્યાણ ગણાતું હોત તો વ્યાસ ભગવાને યાદવો પ્રત્યે ખેદ વ્યક્ત કર્યો તે ન કર્યો. ‘દુર્ભગો બત લોકોડયં યદવસ્તુ નિતારમપિ ।’ યાદવો નિરંતર અભાગિયા કે ભગવાનને યથાર્થ ઓળખી ન શકયા કે યથાર્થ મહિમા પણ જાણી ન શકયા.
ભગવાન સાથે કોઈનો લોહીનો સંબંધ સ્થાપિત થઈ શકતો નથી અને થાય તો પણ કલ્યાણના માર્ગમાં તે કાંઈ કામ આવતો નથી. જો આવતો હોત તો ભરતજીને ભગવાનના પુત્ર થઈને ત્રણ જન્મ લેવા ન પડયા હોત. માટે તે સંબંધ કલ્યાણના માર્ગમાં કામ આવતો નથી. જો તે સંબંધ સાથે ભાવનાનો સંબંધ હોય તો તે જરૂર ઉપયોગી થાય અને સાચાની પ્રાપ્તિ કે ભગવાનના સાચા ભક્તની પ્રાપ્તિ પણ તેની ઓળખાણ તેના મહિમાથી જ છે. ખાલી પરંપરાગત શિષ્યત્વથી નથી. એવી મહિમા સહિતની ઓળખાણ થાય તો જ કલ્યાણના માર્ગમાં ફાયદો થાય છે. ભાવના કે મહિમા ન હોય તો એ સંબંધ, રોટલો, યશ, કીર્તિ કે મિલકત અધિકાર પ્રાપ્તિ માટે જરૂર થાય, પણ કલ્યાણના માર્ગમાં ફાયદો થતો નથી.
અહીં મહારાજે પરમ કલ્યાણ કે જેને આપણે આત્યંતિક કલ્યાણ કહીએ છીએ તેની વાત કરી છે. વચનામૃતમાં જરા ઊંડાણથી તપાસીએ તો ભાવનાત્મકતા ઉપર જ ભાર દીધો છે. જેને સપ્રદાયમાં સાદી ભાષામાં નિષ્ઠા તરીકે કહેવામાં આવે છે. નિષ્ઠા–એ સંપ્રદાયમાં રૂઢ શબ્દ છે. એક પ્રકારની ભાવનાત્મક સ્થિતિ છે. તેને સમજવા માટે તેના વિભાગ કરવા હોય તો તેમા પ્રથમ સોપાન ઓળખાણ અથવા જ્ઞાન છે. બીજું સોપાન મહિમા અને ત્રીજું સોપાન નિશ્ચય કહેવાય છે. જેમાં છેલ્લું સોપાન નિષ્ઠા છે. તેમાં જ્ઞાન છે તે વસ્તુ સ્થિતિનો પરિચય કરાવે છે. યથાર્થ ઓળખાણ કરાવે છે. જ્યારે બીજી વસ્તુની સાથે તુલનાત્મક દૃષ્ટિથી મુલવવામાં આવે ત્યારે એક વધારે સારી અને બીજી કમ છે તેની ભેદરેખા કે વિવેક ઊભો થાય છે. તેથી જે વધારે જણાય તે મહિમા કહેવામાં આવે છે. જેટલો વધારે તફાવત દેખાય તેટલો વધારે મહિમા સમજાય છે. પછી નિશ્ચયની પ્રક્રિયા શરૂ થાય છે.
શુદ્ધ બુદ્ધિનો હમેશાં સ્વભાવ છે કે જે ભારે હોય કે મહિમાશાળી હોય તેનો પક્ષપાત કરે છે. તેને અપનાવી પણ લે છે. જ્યારે અશુદ્ધ બુદ્ધિ પોતાના અહંનો પક્ષપાત કરનારી હોય છે. તે ગુણવત્તાનો સ્વીકાર કરવા તૈયાર હોતી નથી. તેટલો તેમા ફેર છે. પછી જ્યારે મહિમા સમજાય છે ત્યારે શુદ્ધ બુદ્ધિ તેમા પોતાનો સંબંધ (માનસિક સંબંધ) સ્થાપિત કરે છે. તેથી શુદ્ધ મુમુક્ષુ ભગવાન તથા સંતનો મહિમા જોઈને તુરત તેનો યોગ્ય સંબંધ સ્થાપિત કરીને પોતાના તરીકે અપનાવી લે છે. આ મારા ઈષ્ટદેવ છે, કલ્યાણદાતા છે, ગુરુ છે, હિતકર્તા છે, મારા પરમ હેતુ છે વગેરે આ માનસિક પ્રક્રિયાને નિશ્ચય કહેવાય છે.
અહીં વચનામૃતમાં જે ભક્તોના નામો છે : હેમરાજ શાહ, ભાલચંદ્ર શેઠ વગેરેના જીવનમાં આ પ્રક્રિયા બનેલી છે. પ્રથમ તેમને ઓળખાણ થઈ અને પછી તેને બીજા અવતારો કરતાં મહારાજમાં વિશેષ જણાયું. મહારાજના સંતોમાં ઈતરથી વિલક્ષણતા દેખાણી. તેથી મહારાજ અને સંતોને પોતાના તરીકે અપનાવ્યા. આ ભાવનાની પ્રક્રિયા આગળ વધતા પારકાષ્ઠાએ પહોંચે તેને આપણે નિષ્ઠા કહીએ છીએ. ભાવના અને સમર્પણની એક અવધિ હોય છે. તેનાથી વધારે સમર્પણ માટે ભક્તની પાસે બીજું કાંઈ બાકી હોતું નથી કે જેથી આના કરતાં હજુ વધારે કરે. આ પારકાષ્ઠાને નિષ્ઠા કહેવાય છે. આ એક ઓળખાણનું જ વિશેષ પરિપકવ સ્વરૂપ છે. વેદાંતમાં કહ્યું છે કે…
વેદનં ધ્યાન વિશ્રાંતં ધ્યાનં શ્રાંતં ધ્રુવા સ્મૃતિ ।
સા ચ દૃષ્ટિત્વમભ્યેતિ દૃષ્ટિ ભક્તિત્વમૃચ્છતિ ।।
શુદ્ધ જ્ઞાનમાં વધારે પુરુષાર્થ કરતાં તે પરિપકવ થઈ ધ્યાનમાં પરિણમી જાય છે. ધ્યાન પરિપકવ થતાં અખંડ સ્મૃતિમાં પરિણમે છે. સ્મૃતિનો પરિપાક દૃષ્ટિમાં ફેરવાય છે અને તે દૃષ્ટિનો પરિપાક ભક્તિ ને નિષ્ઠામાં પરિણમે છે.
અહીં એટલું જરૂર કહી શકાય કે નિષ્ઠામાં જ્ઞાનનો સમાવેશ–અંતર્ભાવ થઈ શકે છે. નિષ્ઠાને જ્ઞાનનું એક પરિપકવ સ્વરૂપ કહી શકાય છે પણ જ્ઞાનમાં સંપૂર્ણપણે નિષ્ઠાનો સમાવેશ થતો નથી. જ્ઞાન થયું એટલે તેને સંપૂર્ણ નિષ્ઠા થઈ ગઈ એમ ન કહી શકાય. એકવાર નિષ્ઠા થયા પછી તે ભાવના પાછી સંકેલી લેવી તે ભક્તના વશની વાત પણ રહેતી નથી. તે પોતાના મનનો પાડયો પણ ભગવાનના ચરણારવિંદથી પડતો નથી અને ભગવાન જો તેને ડગાવવા ઈચ્છે તો પણ ડગતો નથી.
પાર્વતીજી શિવજીને પ્રાપ્ત કરવા તપ કરતા હતા ત્યારે શિવની પ્રેરણાથી સપ્તર્ષિ પરીક્ષા કરવા ગયા. તેને ડગાવવા લાગ્યા. શિવની નિંદા કરી. વિષ્ણુ જેવા સારા વરની લાલચ આપી. ત્યારે પાર્વતીજીએ કહ્યું કે આપ જે કહો છો તે સાચું હશે કારણ આપ મારા હિતેચ્છુ છો, પણ હવે મોડું થઈ ગયું છે. હવે શિવજી થકી મારા મનને હું પાછું વાળવા ઈચ્છું તો મારા વશની વાત રહી નથી. જો પ્રથમથી કહ્યું હોત તો કંઈક વિચારત. હવે તો”કોટી જન્મ લગ રગડ હમારી બરઉ શંભુ નત રહ ઉ કુમારી” ભાવના કે સમર્પણની આવી સ્થિતિને નિષ્ઠા કહેવાય છે.
મહારાજ કહે છે એવી નિષ્ઠા ભગવાનમાં અને સંતમાં કયારે થાય ? તો પૂર્વજન્મનો સંસ્કાર હોય ત્યારે થાય છે. મહારાજ કહે છે કે પૂર્વ જન્મમાં જેને ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ હશે તથા તેમની સેવા કરી હશે તેને જ આ જન્મમાં એવી દૃઢતા પ્રાપ્ત થાય છે. મનમાં ડગમગાટ રહેતો હોય તો જાણવું કે આ જન્મનો નવો આદર છે. અત્યારે ભાવના કે સમર્પણ કરીશું તો આ ને આ જન્મે નિષ્ઠા પકવ થઈ જશે અથવા ધીમી ગતિ હશે તો બીજે જન્મે ફળીભૂત થશે પણ નરક ચોરાશીમાં તો જવું જ નથી એમ દૃઢતા ને વિશ્વાસ રાખવો.
વળી આ વચનામૃતમાં તો ભગવાનના સંતને વિષે જ વિશેષ ભાવનાની વાત કરી છે. કારણ કે જેને સાધનની નિષ્ઠા નથી તેને સાધ્યમાં પણ નિષ્ઠા નથી જ એમ માની લેવું. સાધનમાં શ્રદ્ધા ને નિષ્ઠા થવી એ જ સાધ્યમાં નિષ્ઠા થવાની નિશાની છે. જેને ધંધો કરવામાં, ઉદ્યમ કરવામાં ખંત અને નિષ્ઠા નથી તેને ધનની ખરેખર ભૂખ લાગી જ નથી. છતાં દેખાતી હોય તો અનીતિની ભૂખ છે. તેમા તેની નબળી દાનત છે. તંદુરસ્તીની ભૂખ નથી. તેવીરીતે પરમાત્મામાં નિષ્ઠા કરાવનારા સાચા સંત કે સાચા ભક્ત છે. તેમા જેને ભાવના ને નિષ્ઠા નથી તો તેને ભગવાનમાં પણ નથી જ. છતાં પણ જો દેખાતી હોય તો કાં તો દંભથી છે અથવા તો અધૂરી છે એમ કહી શકાય. જે સાધક સાધનામાં પોતાના પ્રાણ રેડે છે તેને જ સાધ્યમાં સાચી નિષ્ઠા છે. તેથી તો આ વચનામૃતમાં સંત પ્રત્યેની ભાવનાને નિષ્ઠા ગણાવી છે ને તેને જ પરમ કલ્યાણ કહ્યું છે.