ગમ–પ૮ : સંપ્રદાયની પુષ્ટિનું

પ્રતિપાદિત વિષયઃ

સંપ્રદાયની પૃષ્ટિ.

મુખ્ય મુદ્દાઃ

૧.ઈષ્ટદેવના ચરિત્રના ગ્રંથથી પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય છે.

વિવેચન :–

આ વચનામૃત સંપ્રદાયની પુષ્ટિનું વચનામૃત છે. સંપ્રદાય એટલે સમ્યક્‌–પ્રકૃષ્ટ–દાયભાગ એટલે રૂડી રીતે ચાલ્યો આવેલો જ્ઞાનનો વારસો. પરમાત્મા એવા નારાયણથી પ્રારંભીને વર્તમાનકાળના આગેવાન ધારકો સુધી જે પરમાત્મા, જીવ, માયા તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના યથાર્થ સ્વરૂપના નિર્ણયો, મોક્ષ, મોક્ષના સાધનો, ઉપાસનાની રીતિઓ વગેરેના પરિશુદ્ધ નિર્ણયોની વાહક પરંપરાને સંપ્રદાય કહેવામાં આવે છે. સંપ્રદાયમાં નારાયણ સુધી અખંડ ઉપાસના પરંપરા હોવી જરૂરી છે અને તે જ્ઞાન પરંપરા પણ ઉપનિષદો, બ્રહ્મસૂત્ર અને ભગવત ગીતાના આધારવાળી હોવી જોઈએ. પોતાની કલ્પનાથી ઊભી કરેલી નહિ. ત્યારે તેને સંપ્રદાય ગણવામાં આવે છે, નહિ તો તેને પંથ કહેવાય. પંથને કોઈ સનાતન ગ્રંથનો આધાર હોતો નથી. પોતાની મેળે ચલાવેલો હોય છે.

એવા સંપ્રદાયની પુષ્ટિ શેના વડે થાય છે ? પ્રથમ તો પુષ્ટિ એટલે શું ? તે જાણવું જરૂરી છે. પુષ્ટિ એટલે ચિરસ્થાયિત્વ. તે લાંબા કાળપર્યત પ્રવૃતિ ચાલે. બીજું તેની અગ્રગણ્યતા બીજા સંપ્રદાયની તુલનામાં વૈદિક દૃષ્ટિથી મુલવતા કેટલી છે તેને પુષ્ટિ કહી શકાય. અગણિત મુમુક્ષુઓ એને સ્વીકારે એટલે કે સંખ્યાબળ એ પણ સંપ્રદાયની પુષ્ટિ ગણવામાં આવે છે.

આ વચનામૃતમાં મહારાજનો પ્રશ્ન એ છે કે સંપ્રદાયના સ્થાપન પછી ઉપર કહ્યા તે બાબતે સંપ્રદાય કયા ઉપાયથી આગળ વધે ? મુક્તાનંદ સ્વામીએ ઉત્તર કર્યો કે સંપ્રદાય સંબંધી ગ્રંથ, સનાતન શાસ્ત્રોએ કહેલા વર્ણાશ્રમ ધર્મનુ અનુયાયીમાં અનુસરણ અને પોતાના ઈષ્ટદેવને વિષે દૃઢતા આ ત્રણથી સંપ્રદાયની પુષ્ટિ થાય છે. પછી તે જ પ્રશ્ન મહારાજે સદ્‌. બ્રહ્માનંદ સ્વામી તથા સદ્‌. નિત્યાનંદ સ્વામીને પણ પૂછયો. તો તેમણે પણ તે જ ઉત્તર આપ્યો જે મુક્તાનંદ સ્વામીએ કહ્યું હતું. ત્યારે મહારાજ કહે લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ.

જે પોતાના ઈષ્ટદેવના જન્મથી દેહ મૂકવાપર્યંત ચરિત્ર, તેનું જે શાસ્ત્ર તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે. તે શાસ્ત્ર સંસ્કૃત હોય અથવા પ્રાકૃત ભાષામાં હોય પણ સંપ્રદાયની પુષ્ટિ તેનાથી થાય છે. તેને વિષે ઈષ્ટદેવનો પૃથ્વીને વિષે જન્મ લેવાનો હેતુ પણ આવી જાય છે. તેમના આચરણમાં ધર્મ પણ આવી જાય છે અને ઈષ્ટદેવનો મહિમા પણ આવી જાય છે. માટે તેવા શાસ્ત્રથી સંપ્રદાયની પુષ્ટિ થાય છે, પણ ઉપનિષદ્‌, બ્રહ્મસૂત્ર કે ગીતા જેવા સનાતન શાસ્ત્રોથી કોઈ વિશેષ સંપ્રદાયની પુષ્ટિ થતી નથી.

મુક્તાનંદ સ્વામીએ સંપ્રદાયના ગ્રંથ, વર્ણાશ્રમ ધર્માચરણ અને ઈષ્ટની દૃઢતા સંપ્રદાયની પુષ્ટિ માટે કહ્યા. બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીને પૂછયું તો તેમણે પણ એ જ બતાવ્યું પણ મહારાજે તે ઉત્તરને પૂરતો ન માન્યો અને આગળ ઉત્તર આપ્યો તો તેમા શી ઉણપ દેખાણી અને મહારાજે શું વિશેષ કહ્યું તે વિચારવું જરૂરી છે.

ઉપરની ત્રણ વાત મુક્તાનંદ સ્વામીએ કહી તે સંપ્રદાયને સ્થિરતા પ્રદાન કરે છે. જ્યારે પુષ્ટિ તેનાથી થોડી વિશેષ બાબત છે. ગ્રંથ, વર્ણાશ્રમ ધર્મનું અનુસરણ અને પોતાના ઈષ્ટની દૃઢતા તો ઘણું ખરું દરેક સંપ્રદાયના અનુયાયીમાં હોય છે. ત્યારે તેને બીજા સંપ્રદાયમાં જવાની લાલચ ઊભી કેમ થાય ? ન થાય. કોઈ વિશેષ વાત હોય ત્યારે જ મનુષ્યને તેને સ્વીકારવા નવીન ઈચ્છા થાય. તે નવીનતા છે પોતાના ઈષ્ટદેવનાં ચરિત્રો અને તેનાથી ઉપસી આવતું તેનું વ્યક્તિત્વ. પ્રૌઢ અને અતિમાનુષી વ્યક્તિત્વ જ અન્ય અનુયાયીઓને આકર્ષણનું સ્થાન બની શકે છે. ગ્રંથો એટલા બધા આકર્ષણનુ સ્થાન બની શકતા નથી. તેથી તો દરેક શિષ્ય સમૂહો મોટેભાગે ગુરુઓના દિગ્વિજય, પર પરાભવ અને ચમત્કાર–પરચાઓ લખે છે અને વિશેષ ગાન કરે છે. શંકરવિજય, ચોરાસી બેઠકો, શતદૂષણી, વગેરે ગ્રંથો તે પ્રકારના છે.

વ્યક્તિત્વ વિશેષતા વિના સંપ્રદાયની પુષ્ટિ થતી નથી. પછી ઈષ્ટદેવનું અતિમાનુષી વ્યક્તિત્વ હોય કે અનુયાયી પરંપરામાં ગુરુઓનું પ્રૌઢ–પરાક્રમી વ્યક્તિત્વ હોય પણ જનસમૂહ તો પરાક્રમ અને પરચા આ બે વસ્તુથી જ આકર્ષાય છે તેથી જે તે સમયે રાજ્યાશ્રયથી સંપ્રદાય ખૂબ ફેલાય છે. કોઈ પરાક્રમી રાજા જો અનુયાયી બની જાય તો તે સંપ્રદાય એકદમ ઝડપથી ફેલાયેલો જોવા મળે છે. તેમા પણ તે રાજાનું પરાક્રમી વ્યક્તિત્વ જ ફેલાવવામાં કારણભૂત બને છે. તેમજ ઈષ્ટદેવનું વ્યક્તિત્વ જેટલું બીજા તેજને ઝાખું પાડનારું હોય એટલે આપોઆપ માણસો તેનો મહિમા સમજવા લાગે છે, અનુયાયી બનવા લાગે છે અને ઈષ્ટદેવનું વ્યક્તિત્વ જ શાસ્ત્રોની પુષ્ટિ અને શુદ્ધિ કરે છે. ગ્રંથમાં લખેલા રહસ્યોને સમાજમા પ્રકાશિત કરવા એ જીવંત વ્યક્તિત્વ જ કરી શકે છે; પરંતુ પ્રબળ વ્યક્તિત્વનિર્માણ ગ્રંથોથી થતું નથી. જો કદાચ થાય તો વ્યક્તિત્વથી બીજા વ્યક્તિત્વનું નિર્માણ થાય પણ કેવળ શાસ્ત્રોથી થતું નથી. શાસ્ત્રો તો સદાકાળ છે જ. તો સદાકાળ પ્રબળ વ્યક્તિઓ હોવા જોઈએ ને ? પણ પ્રબળ વ્યક્તિઓ આવીને શાસ્ત્રની પુષ્ટિ અને શુદ્ધિ કરી જાય છે; પરંતુ શાસ્ત્રો વ્યક્તિત્વ નિર્માણ કરી આપે તેવું ઓછું બને છે. અલબત્ત તેના નિર્માણમાં સહાય જરૂર કરે છે.

તેથી મહારાજ કહે, પોતાના ઈષ્ટદેવના ચરિત્રનું જે શાસ્ત્ર પુષ્ટિ કરે છે તેમા તેનું વ્યક્તિત્વ સંપૂર્ણપણે નિરૂપાયેલું હોય છે. તેને જો યથાર્થ પ્રકાશિત કરવામાં આવે કે કરી શકાય તો સંપ્રદાયની પુષ્ટિ ખૂબ જ થાય છે. માટે મહારાજે મુક્તાનંદ સ્વામીને સ્વામીનો દેહ રહે ત્યાં સુધી તેમ કરવાની આજ્ઞા પણ કરી હતી.