ગમ–પ૭ : ગરોળીના દૃષ્ટાંતનું, મીનડિયા ભક્તનું

પ્રતિપાદિત વિષયઃ

મીનડિયો ભક્ત.

મુખ્ય મુદ્દો        

૧.ભક્તિ કરવા છતાં જગતની છૂપી ઈચ્છા ન ટાળે તે મીનડિયો ભક્ત કહેવાય.

વિવેચન :–

આ વચનામૃતને મોટા સંતો મીનડિયા ભક્તનું વચનામૃત કહેતા. મીનડિયો ભક્ત એટલે શું ? મીંદડીની જેમ ભક્તિ, ધ્યાન, પ્રદક્ષિણા, ઝડપથી હડપ કરવું વગેરે કરે તેને મીનડિયો ભક્ત કહેવાય. બિરબલ–બાદશાહની બિલ્લીની વાત ખૂબજ પ્રસિદ્ધ છે. એક વખતની વાત છે બાદશાહે બીરબલને પૂછયુ કે ”સંગ બડા કિ સ્વભાવ ?” બિરબલ કહે ”સ્વભાવ બડા.” બાદશાહ કહે ”નહીં સંગ બડા. દેખો હમારે સંગ સે યહ બિલ્લી કૈસી ભક્ત હો ગઇ હૈ ? હર દિન કુરાન પઢને કે સમય દીયા સિરપે ધરતી હૈ ઔર આઁખેં મુંદકે કુરાન સુનતી હૈ” બિરબલે કહ્યું ”જહાઁપના ! વહ સમય આયે મૈં આપકો બતાઊઁગા” અને પછી કર્યું પણ એવું કે થોડી નાની ઉદરડીઓ એકત્ર કરીને બિરબલ કુરાનકથામાં આવ્યો. કથા જામી ત્યારે ઉંદરડી છૂટી મૂકી પછી… મીંદડીના આ સ્વભાવો ને ચેષ્ટાઓ ધ્યાનમાં રાખીને મહારાજે ‘મીંદડિયો ભક્ત’ એવું નામ આપ્યું છે. મીંદડી ખાસ કરીને છુપાઈને શાંત, એકાંતમાં ભક્તની જેમ બેઠી હોય છે; પરંતુ તેનું ધ્યાન બે જ જગ્યાએ હોય છે કાં તો ઉંદરડો, કાં તો કોઠલાનું દૂધ. તેનું શાંતપણું શા માટે છે ? ભોગને પકડવા માટે છે. ભોગની ઝીણી અને છૂપી લાલસા ભક્તોના હૃદયમાંથી જતી જ ન હોય તો તે મીનડિયો ભક્ત કહેવાય. છેક ભક્તિ કરીને પણ તેની ભોગ લાલસા સાર્થક કરવામાં ભક્તને ભારે રસ હોય તો તે ભક્ત અહીં કહ્યા પ્રમાણે મીનડિયો ભક્ત કહેવાય.

આ ભોગ લાલસાનો તંતુ હૃદયમાં છુપાઈને આત્મનિષ્ઠાના ઓથે અથવા ભક્તિના ઓથે પોષણ પામતો હોય છે. મહારાજ કહે, આત્મનિષ્ઠાનું પ્રયોજન પણ ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ કેળવવી તે છે ને તે ન હોય અને કેવળ આત્મામાં મસ્ત થવું તેવુ હોય તો તે આચ્છાદિત ભોગબુદ્ધિ જ છે. તે તેની હૃદયની દુષ્ટ ભાવના જ છે. મહારાજ કહે છે કે સત્તારૂપ આત્મા કેવો છે ? તો જેને વિષે માયા ને માયાના કાર્ય જે ત્રણ ગુણ ને દેહ, ઈન્દ્રિયો, અંતઃકરણ તેનું કોઈ આવરણ નથી. આત્માને વિષે આવરણ જેવું જણાય છે તે અજ્ઞાને કરીને જણાય છે. અજ્ઞાન એટલે શું ? બિલકુલ જ્ઞાનનો અભાવ એવું નથી. કારણ કે બિલકુલ જ્ઞાનાભાવમાં ક્રિયાનો કે આશયનો સંભવ નથી. માટે અજ્ઞાનનો અર્થ છે અલ્પજ્ઞાન, અપૂર્ણ અનુભૂતિ. એવા અધૂરા જ્ઞાનમાં જ ભ્રાંતિ કે નબળાઈનું પોષણ સંભવ છે.

સમ્યક્‌આત્મજ્ઞાન કોને જાણવું ? તો હું અછેદ્ય, અભેદ્ય છું, અજર છું, અમર છું. તે આત્મજ્ઞાન છે; પણ શ્રી રામાનુજાચાર્યજીએ તેને સમ્યક્‌આત્મજ્ઞાન કહ્યું નથી. એમણે તો ‘શેષત્વ’ ની અનુભૂતિ થવી તેને સમ્યક્‌આત્મજ્ઞાન કહ્યું છે. મહારાજને મતે પણ ‘તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ્‌’ આજ્ઞાનુસાર પરમાત્માના ‘સેવકભાવ’ની પોતામાં અનુભૂતિ થાય તેને સમ્યક્‌આત્મજ્ઞાન કહ્યું છે. તે વિના બીજા આત્મજ્ઞાન અધૂરા છે અને તેથી જ અજ્ઞાન છે.

અહીં પણ મહારાજ એ જ કહે છે કે આત્મારૂપે જે વર્તવું તે કેવળ બ્રહ્મ થઈને મસ્ત થવું તેને અર્થે નથી. એ તો પરમાત્માના સ્વરૂપમાં નિર્દોષ બુદ્ધિ કેળવવા માટે છે. માટે મહારાજ કહે સત્તારૂપમાં જે પેસવા આવે તો દીવા પાસે ગરોળી જેમ બીજા જંતુનો નાશ કરી નાખે છે તેમ ભગવાનમાં નિર્દોષભાવ તથા સેવકભાવ સિવાયના વિચારોનો નાશ કરી નાખવો તથા ભક્તિ કે ભગવાનમાં પ્રીતિ પણ સત્તારૂપે થઈને કરવી.

મહારાજ કહે, જેને પરમેશ્વરને વિષે પ્રીતિ હોય તેને તો પરમેશ્વર વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ ન હોય. કારણ કે પરમાત્માનું સ્વરૂપ તો અતિશય રસરૂપ છે. ભગવાન સિવાય બ્રહ્માંડનો કોઈ પદાર્થ તેવો રસરૂપ નથી. માટે જો વિવેક હોય તો બીજા પદાર્થમાંથી ભોગબુદ્ધિ ઉખડી જવી જોઈએ. મહારાજ કહે છે કે જીવની તો એવી તુચ્છ બુદ્ધિ છે કે તે અલ્પ પદાર્થ હોય તેને ભગવાન કરતાં પણ વધારે વહાલું કરી રાખે છે. મહારાજ કહે, કાંઈ એમ જાણવું નહિ જે ‘સારુ પદાર્થ હોય તે જ ભગવાનના ભજનમાં અવરાધે કરે ને નરસું પદાર્થ હોય તે ન કરે.’ જીવનો તો તુચ્છ સ્વભાવ છે તે કૂતરો જેમ સૂકા હાડકાને એકાંતે લઈને કરડે છે તેવી જીવની મૂર્ખ બુદ્ધિ છે.

ચિત્રકેતુ રાજાએ ભગવાનના રસને પામવા સારુ કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો અને સર્વે પૃથ્વીના ચક્રવર્તી રાજ્યનો પણ ત્યાગ કર્યો. મનમાં એમ સમજ્યા જે ભગવાનના સુખની આગળ સો લાખ સ્ત્રીઓનું સુખ, ચક્રવર્તી રાજ્યનું સુખ, અને ઈન્દ્ર ,બ્રહ્માના લોકના સુખ પણ શી ગણતીમાં આવે ? એવા ભગવાન છે. માટે એવો મહિમા વિચારીને હૃદયમાં ઊંડે ઊંડે છુપાઈને રહેલી ભગવાન વિના ઈતર ભોગની વાસના તેનો ત્યાગ કરવો અને શૂરવીર ભક્ત થવું. શૂરવીર હોય તે એમ માને કે જો લડાઈમા પોતાની વીરતા કામ ન આવી તો વૃથા છે. તેમ ભગવાનના ભક્તોને આ ખ્યાલ રાખવાનો છે કે મને ભગવાન મળ્યા છે તે જે જીવ મારો સંગ કરે તેની આગળ હું કલ્યાણની વાત ન કરું તે મારું જ્ઞાન શા કામમાં આવ્યું ?એમ વિચારીને ભગવાનની વાત કર્યા સારુ થોડી ઉપાધિ રાખે પણ કાયરપણું ન રાખે. પછી મહારાજે તુલસીદાસજીના ત્રણ પદ ગવરાવ્યા તેમા પણ ભગવાન વિના બીજે પ્રીતિ ન કરવી એ જ વાતનો મુખ્ય સૂર કહ્યો છે. માટે નિર્ભય થઈને ભગવાનનું ભજન કરવાનું છે. કરતાં કરતાં કંઈક અધૂરું રહ્યું તો પણ નરક ચોરાસી કે ભૂત–પ્રેતમાં તો જવું નથી. ઉલ્ટું અત્યારે છે તેનાથી સારો દેહ આવશે એમ હિંમત રાખીને શૂરવીર થઈને ભજન કર્યા કરવું.