પ્રતિપાદિત વિષયઃ
પ્રીતિનાં લક્ષણ
મુખ્ય મુદ્દોઃ
૧.ભગવાનમાં સાચી પ્રીતિ ત્યારે ગણાય જ્યારે ભગવાન વિના બીજે કયાંય પ્રીતિ રહે નહિ.
વિવેચન :–
શ્રીજી મહારાજ આગળ કીર્તનભક્તિ થઈ રહી હતી. કીર્તનભક્તિ પૂરી થયા પછી મહારાજ બોલ્યા જે આ કીર્તનને સાંભળીને તો અમારો આત્મા વિચારમાં જતો રહ્યો. પછી તેમા એમ જણાયું જે ‘ભગવાનને વિષે જે અતિશય પ્રીતિ એ ઘણી મોટી વાત છે.’ પછી તો ગોપાળાનંદ સ્વામી આદિક ભગવાનને વિષે પ્રીતિવાળા ભક્તો સાંભરી આવ્યા અને તેમને ભગવાનને વિષે પ્રીતિ એ સર્વે સાભરી આવ્યું. પછી મહારાજ કહે અમે અમારા આત્માને પણ તપાસી જોયો. તો અમારે જેવી પ્રીતિ છે તેવી તેમની ન જણાણી.
આ વચનામૃતમાં મહારાજ અસાધારણ પ્રીતિ કેવી હોય છે તે બતાવે છે. અસાધારણ પ્રીતિનાં અલગ અલગ લક્ષણો મહારાજે વચનામૃતમાં કહ્યા છે. કા.૧૧મા વચનામૃતમાં મહારાજ કહે છે કે જેને પોતાના પ્રિયતમ જે ભગવાન તેને વિષે પ્રીતિ હોય તે પોતાના પ્રિયતમની મરજીને લોપે નહીં એ પ્રીતિનું લક્ષણ છે. પછી મહારાજ અસાધારાણ પ્રીતિવાળી એવી ગોપીઓનું દૃષ્ટાંત આપે છે.
વળી મહારાજ ગ.મ.ર૯મા વચનામૃતમાં જેનું ચિત્ત ભગવાનને વિષે અતિ આસક્ત થયું હોય તેનાં લક્ષણ બતાવતાં કહે છે કે માર્ગે ચાલીને થાકી ગયો હોય, રોગે કરીને ગમે તેવી પીડાને પામ્યો હોય, અપમાન થયું હોય કે રાજ્ય સમૃદ્ધિમાં અવરાઈ ગયો હોય તો પણ ભગવાનની કથા વાર્તા સાંભળે તો જાણીએ કોઈનો સંગ જ નથી એવો થઈ જાય. એવો હોય તેને ભગવાનના સ્વરૂપમાં આસક્તિ થઈ જાણવી
વળી વચ.વર. ૪મા પૃથુરાજાની અસાધારણ ભક્તિ વખાણતાં શ્રવણ ભક્તિને બતાવી છે. ના.ભ.સૂ.મા પ્રીતિનું અસાધારણ લક્ષણ બતાવતાં નારદજી કહે છે કે ‘તદર્થેખિલાચારતા તદ્વિસ્મરણે પરમવ્યાકુલતા ।’ તેને માટે જ તેની તમામ ચેષ્ટાઓ હોય અને તેના વિરહથી પરમ વ્યાકુળતા અનુભવાતી હોય તેને અસાધારણ ભક્તિ, પ્રીતિ કહેવાય છે અથવા તો સામા પાત્રથી ગમે તેટલા અપમાન તિરસ્કાર થાય અથવા પ્રતિકૂળતા ઊભી થાય તોય પાછો હટે નહીં અને તેની ભાવના જળવાઈ રહે તે પણ અસાધારણ પ્રીતિનું લક્ષણ છે. કારણ કે વચ. સા.૧૦મા મહારાજ કહે સંત નિત્ય પાંચ પાચ ખાસડાં મારે તે પણ સહન કરે પણ દૂર થવા સંકલ્પ ન કરે, તેને પણ પેલા સંતના જેવી પ્રાપ્તિ થાય છે.
આ બધી વ્યાખ્યાઓ વાંચીને આ વચનામૃતની ચર્ચા જોઈએ તો આ વચનામૃતમાં પ્રીતિની એક નવીન વાત આપણું ધ્યાન ખેંચ્યા વગર રહેતી નથી અને તે એ છે કે પ્રીતિનું કે ભક્તિનું ઊંડાણ કઈ વસ્તુમાં છે ? પોતાના અધિકરણમાં રહેલી વિશુદ્ધિ–સચ્ચાઈ અન્ય પ્રીતિઓનો પ્રતિકાર કરવામાં કે પોતાના અધિકરણમાં પોતાનો વિસ્તાર કરવામાં ? પ્રીતિની ખરાઈ, (વિશુદ્ધિ–અભિજાતતા) સંયોગ નિભાવવો, ને સંયોગને ભર્યો ભર્યો કરીને તેનો આ સ્વાદ માણવો તેમા છે કે વિરહની અસહ્યતામાં છે ? પ્રીતિમાં ‘યુગ ક્ષણ જેવો’ અને ‘ક્ષણ યુગ જેવી’ એ બે પરિસ્થિતિ છે. કઈ પરિસ્થિતિ પ્રીતિનો અધિક પરિચય કરાવનારી છે ? પૂર્વાપર ભક્તિના ઈતિહાસને સારી રીતે વિચારતાં હકારાત્મક લક્ષણને ચરિતાર્થ કરવા કરતાં પણ નકારાત્મક લક્ષણો તેના સ્વરૂપનો વધારે ઊંડો પરિચય આપે છે ને વસ્તુને પ્રકાશિત કરે છે.
પ્રીતિ પોતાના અધિકરણમાં ર૪ કલાક છવાઈ રહે અને પોતાની રસ્યતાનો અનુભવ કરાવે અને તેના કરતાં પણ પોતાના અધિકરણમાં એટલે કે પોતાને ધારી રહેલા ભક્તમાં અન્ય પ્રીતિ અસહ્ય કેટલી થઈ છે ? તે ઉપર વધારે આધાર રાખે છે. તેથી જ તો મહારાજ આ વચનામૃતમાં કહે છે કે મોટા મોટા સંતો–ભક્તો અમને સાંભરી આવ્યા. તેમની જે ભગવાનને વિષે પ્રીતિ, એ સર્વેના જીવ ને એ સર્વના અંતઃકરણ તે જોવામાં આવ્યા. પછી અમે અમારા આત્માને પણ તપાસી જોયો અને તુલના કરી. ત્યારે અમારે જેવી ભગવાનને વિષે પ્રીતિ જણાઈ તેવી બીજાની પ્રીતિ જણાઈ નહીં. કાંજે કાંઈક ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય છે ત્યારે એ સર્વે મોટા છે તો પણ એમની બુદ્ધિને વિષે ફેર પડી જાય છે. ત્યારે એમ જણાય છે જે અંતે પાયો કાચો દેખાય છે. તે સારી પેઠે જો ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તો ભગવાનમાં પ્રીતિ છે તેનું કાંઈ ઠેકાણું રહે નહીં. માટે સર્વેને જોતાં અમને અમારી કોરનું ઠીક ભાસે છે. જે ગમે તેવા ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તો પણ અમારું અંતઃકરણ ફરે નહીં. માટે ભગવાનને વિષે પ્રીતિ તો તેની જ સાચી જેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિષે પ્રીતિ જ ન થાય.
સાચી પ્રીતિનો એવો સ્વભાવ છે કે પોતે જે સ્થાનમાં બેસે છે તે સ્થાનમાં ઈતર પ્રીતિને સહન કરી શકતી નથી અને તેના મૂળ જ્યાં સુધી ઉખેડી ન નાખે ત્યાં સુધી જંપ થતો નથી. કોઈ યુવાનને માતામાં ખૂબ પ્રીતિ હોય પણ લગ્ન થાય અને પત્નીમાં પ્રીતિ જામે તો માતા તેને ડોકરી લાગવા માંડે અને કાંઈ હિત વચન કહે તો તેને ડખ ડખ ને કીચ કીચ લાગવા માંડે. એટલું જ નહિ પણ તેને સારી રીતે દૂર કરે ત્યારે નિરાંત થાય. આવો ઊંડી પ્રીતિનો સ્વભાવ છે.
ભગવાનમાં સૌથી વધુ પ્રીતિ ભક્તને છે તેની સાબિતી કઈ ? તો ભગવાન સિવાયની અન્ય પ્રીતિઓનો સામનો કરવાની આપોઆપ તેમા શક્તિ આવી જાય. જો તેનો સામનો કરી તેનો નાશ નથી થતો, તેને પણ ચલાવ્યે રાખે અને ભગવાનમાં પણ હેત કર્યે રાખે છે તો ભગવાનમાં ઊંડી પ્રીતિ ન કહેવાય. મહારાજ કહે છે કે જેમ કસુંબલ વસ્ત્ર હોય તે પ્રથમ ઘણું આકર્ષક દેખાતું હોય પણ તે ઉપર પાણી પડે ને પછી તડકામાં સૂકવીએ તો બધો કલર બગડી જાય ને ધોળા વસ્ત્ર જેવું પણ ન રહે. તેમ જેને પંચવિષયમાં પ્રીતિ હોય ને તેને જ્યારે કુસંગનો યોગ થાય ત્યારે ભગવાનમાં પ્રીતિનુ કાંઈ ઠેકાણું નહીં રહે. માટે જે ભગવાનનો ભક્ત હોય અને જેને ભગવાનમાં ગાઢ પ્રીતિ કરવી હોય તેણે ભગવાનને રાજી કરવા સારુ પંચ વિષયનો અતિશય ત્યાગ કર્યો જોઈએ. ભગવાનને વિષે જે પ્રીતિ તેમા વિધ્ન કરે એવું કોઈ પદાર્થ વહાલું રાખવું નહીં.