પ્રતિપાદિત વિષયઃ
મોહનું સ્વરૂપ
મુખ્ય મુદ્દો
૧.પોતાને અવગુણ ન દેખાય તે જ મોહ છે.
વિવેચન :–
આ વચનામૃતમાં મહારાજ મોહની વ્યાખ્યા આપતાં કહે છે કે જ્યારે હૃદયને વિષે મોહ વ્યાપે ત્યારે એ જીવને પોતાનો અવગુણ તો સૂઝે જ નહીં માટે પોતાનો અવગુણ ન સૂઝે એ જ મોહનું રૂપ છે.
મહારાજે ગ.મ.પ્ર.૧માં પણ મોહ વિષે ચર્ચા કરી છે. ત્યાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો છે કે હે મહારાજ મોહનું શું રૂપ છે? તેના ઉત્તરમાં મહારાજ કહે છે કે મોહનું રૂપ તો મનને વિષે ભ્રાંતિ જેવુ થઈ જાય એ જ જણાય છે. જ્યારે પુરુષના હૃદયમાં મોહ વૃદ્ધિ પામે છે ત્યારે મનમાં વિભ્રાંતિ વિશેષ થાય છે. પછી આ કરવા યોગ્ય અને આ ન કરવા યોગ્ય એવો વિવેક રહેતો નથી.
એ મોહ થવાનું કારણ જણાવતાં મહારાજ કહે છે કે મોહનું કારણ છે તે પંચવિષય જ છે. જ્યાં સુધી રમણીય પંચવિષયમા ચિત્ત લોભાય છે ત્યાં સુધી મોહ ટળે નહીં. આ વિષયમાં ગીતા પણ ઘણું માર્ગદર્શન આપે છે. કારણ કે ગીતા–ઉપદેશ અર્જુનના–જીવોના મોહ નિવારણ માટે કરાયો છે. ગીતા સાંભળીને અર્જુને સીધો એકરાર કર્યો છે કે…
નષ્ટો મોહઃ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદાન્મયાચ્યુત ।
સ્થિતોસ્મિ ગતસન્દેહઃ કરિષ્યે વચનં તવ ।।૧૮–૩।।
અને શરૂઆતમાં પણ ભગવાન અર્જુનને કહે છે કે ‘કુતસ્ત્વા કશ્મલમિદં વિષમે સમુપસ્થિતમ્’ અહીં પણ કશ્મલ શબ્દથી મોહનો જ નિર્દેશ કરે છે.
ઉપરના ત્રણેય અનુસંધાનોને જોતા મોહની વ્યાખ્યા થોડી થોડી અલગ પડે છે તો પછી મોહનું રૂપ સ્પષ્ટ કેમ કરવું ?
વચ.ગ.મ.પ્ર.૧મા મહારાજ કહે છે કે મનમાં ભ્રાંતિ ઊભી થાય છે તે મોહ છે.
જ્યારે ગીતામાં કર્તવ્ય–અકર્તવ્યમાં નિર્ણય કરી નથી શકાતો તેને મોહ કહ્યો છે.
જ્યારે અહીં પોતાનો અવગુણ ન સૂઝે તેને જ મોહ કહ્યો છે.
તેનું સમાધાન તો એ છે કે મનમાંથી વિવેક ઘાયલ થઈ જાય ત્યારે પોતાને આગળ વધવાનો માર્ગ સૂઝતો નથી. એટલે કે કયો નિર્ણય કરવાથી આગળ વધાય– મોક્ષ માર્ગમાં પ્રગતિ ચાલુ રહે, તેવો સ્પષ્ટ નિર્ણય લઈ શકે એવું મન રહેતું નથી. ભ્રાંતિ સર્જાય છે. ‘આ’ કે ‘તે’ તેનો સ્પષ્ટ નિર્ણય નથી થઈ શકતો. દ્વિધા ઊભી થાય છે. માટે બેમાંથી એક ઉપર મક્કમતાથી આવી શકાતું નથી તેને જ મોહ કહેવાય છે.
ઉપરના ત્રણે અનુસંધાનમાં અનિર્ણયતાનો મુદ્દો તો એક સરખો જ છે પણ મનને અનિર્ણિત દશામાં લઈ જનારા કારણો અલગ અલગ છે. અર્જુનને અનિર્ણયમાં ઢસડી જનાર કુટુંબ પ્રત્યેની આસક્તિ છે. જ્યારે ગ.મ.૧માં મહારાજ ભ્રાંતિનું કારણ રમણીય પંચવિષયમાં આસક્તિ છે તે કહે છે. અહીં પણ પોતાના અહંની પક્કડ જ કારણ છે. જેથી યથાર્થ નિર્ણય ન લઈ શકવાથી સત્પુરુષ કે ભગવાનથી પોતાને વધારે શ્રેષ્ઠ માને છે. અહીં ભ્રાંતિ સર્જવામાં પોતા પ્રત્યેનું માન કે પૂજ્યબુદ્ધિ અથવા મહત્તાબુદ્ધિ તે ભ્રાંતિ સર્જે છે. તેથી જે મહાન છે તેને મહાન સ્વીકારી શકતા નથી. અને પોતે ખરેખર નથી તેથી પોતાની વાસ્તવિક મહાનતા સાબિત કરી પણ શકાતી નથી. તેથી ભ્રાંતિ–મોહ ઉત્પન્ન થાય છે.
મહારાજ કહે છે કે જીવમાત્રને પોતાના ડહાપણનું અતિશય માન હોય છે તેથી ભગવાનના ચરિત્રને વિષે ને ભગવાનની સમજણને વિષે પણ દોષ દેખે છે પણ પોતાની અલ્પતા અને ક્ષુદ્રતાનું ભાન તેને થતું નથી. એેને વિમુખ અને અધર્મી જાણવો ને મૂર્ખનો રાજા જાણવો. ભગવાન તો અનંત કોટિ બ્રહ્માંડને હસ્તસ્થ જલબિંદુવત્દેખે છે અને અનંત કોટિ બ્રહ્માંડના આધાર છે ને લક્ષ્મીના પતિ છે અને અનંત કોટિ બ્રહ્માડના કર્તાહર્તા છે. નિગમ પણ જેના મહિમાને નેતિ નેતિ કહે છે એવા પરમેશ્વરના ચરિત્રમાં અને ભગવાનની સમજણમાં દોષ દેખાય છે તેનો અહં કેટલો પ્રબળ હશે ? માટે તે ભ્રાંતિ સર્જે છે. તે તેની મૂર્ખતા છે. પોતાની અલ્પતાનું પણ ભાન હોવું જોઈએ. પોતાના અને પારકાના ગુણ–અવગુણ બંનેનો યથાર્થ પરિચય હોય તો જ્ઞાન કહેવાય. તે બંનેને ધ્યાનમાં રાખી અનુરૂપ નિર્ણય લેવાય તો તેને વિવેક કહેવાય. એકલો પોતાના જ ગુણ અને મહાનતા દૃષ્ટિમાં આવે તો મૂર્ખતા કહેવાય.
મહારાજ કહે, ભગવાન અને ભગવાનના ભક્તની સમજણ અલૌકિક હોય છે, પરલોકલક્ષી હોય છે. તેને દેહાભિમાની અને કેવળ આલોકના પંચવિષયમાં ફસાયેલા જીવો તેને બરાબર ન સમજી શકે. પછી મૂર્ખાઈથી અવગુણ લઈને વિમુખ થઈ જાય છે.